દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/મુંબઈ એક પાંડુ પ્રહેલિકા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 02:23, 7 May 2025


મુંબઈ: એક પાંડુ પ્રહેલિકા

આ કવિતા કમલ વોરાને દીધી

વળગ્યો પરસુખરંજન વિક્રમને વેતાળ
પખાલી પીઠે જેવી ખાલ
તમારા કાંડા પે ઘડિયાળ
સાંભળી
સાચ જાણતાં ચૂપ ન રહેજે
પણ બોલ્યાની આણ
હેતથી સુણિયે રાજન
મોહમયી નગરીમાં વસતો એક-પંખાળો ઘોડો
આંખ આંધળો બ્હેરો બોડો ઘરડો થોડો થોડો
એક લંગડો રાજકુંવર બત્રિસલક્ષણ ત્રણ બાદ
ચડી ભણે વાયૂમંતર ને તુરગ મારતો પાદ
અડધી રાતે વનવન ભમતા નગરી આખી સુવે
પ્રહર ચારમાં અલકમલકના રંગ રાજપુત જુવે
પાદરપીપળ લટકી ડાકણ લાડકડાને નિરખે
મનથી ઈચ્છાવર પરખીને નિશદિન હૈયે હરખે
કામરૂપ યક્ષી બહુવિધથી મોહજાળ નિજ સરજે
જોબનવંતી પ્રમદા એકલ વનમાં સાવન ગરજે
કુંવર સાધુ શુરવીર સદ્ય શર ચાપ કરે સંધાન
હણી કેસરી પછી પ્રીતથી પ્રીછે દઈ સન્માન
યુવતી ષોડશ વરસી લોચનલોભી કટિનો લાંક
રત્ને જડિયા કેશ દાંતમાં મોતી પોપટનાક
અણવટ વિંછિયા કંકણ રણકે નીલાંબર અતિ સ્હોય
કદલિસ્તંભ જંઘા નિરખીને રાજકુંવર મન મ્હોય
પ્રહર ચાર રતિસુખ મનવાંછિત ચોસઠ કળા પ્રકાર
અનંગરાજ થઈ પૂર્ણકામ નિજ ભવન ભણે તોખાર

રાજન ચાર પ્રહરની કથા રસિક અલ્પમાં રચિ છે તથા
હવે રાગ બદલીને કહું નિર્મળ મન સાંભળજો સહુ
ઉચ્છેદી યવનિકા જોઉં તો
બે દર્પણની વચ્ચે
મારા અડધા ભાંગ્યા શ્વાસ
અડધા ભાગ્યા સાવ અકારણ
અને સકારણ અડધા ભાગ્યા સામે
અગણિત રૂપ રચીને
પાછો જાઉં ગોતવા સાચ
કાચમાં જોઉં
હેમ તો હેમ
મનમાં મારા ફૂલ કાચમાં ઝાકળ
મારે હોઠે નામ કાચમાં મના
અને હું હા ના કરતો
આમ તેમ આકુળવ્યાકુળ ચળવિકળ દોડતો
પગલે પગલે પડઘા ગાજે ના ના
હાંફી જાય ફેંફસાં
શ્વાસ તૂટતા આમ તેમ
ને હેમ હેમ તો હેમ
જન્મથી પંગુ
ચોતરફ ટ્રામ ટ્રેન બસ મોટર ટોળાં જાય ભાગતાં
ઓળખાય ના ચ્હેરો એકે
ઘોંઘાટોમાં સંભળાય ના અવાજ
સામે સરનામું સાચું ને તો યે દેખાતો ના મુકામ
ક્યાં યે ઘર જેવું ના હરખી પડે મકાન
તો ક્યાં બારીનો પડદો સરકાવી વાટ દેખતી....
બેઉ આંખમાં અટકું જેની એક બની હું આખર
આખર વાત ટૂંકમાં હવે આટલી
શાપ મળ્યા દર્પણના
દર્પણ સાચ દેખતા
ઉલટાવી દેતા તરસ્યાના પ્યાલા
મીંચી આંખ દેખવાં સપનાં છાનાં
દર્પણથી અણજાણ
કહોજી કેમ કરીને
દર્પણ દેખે જૂઠ?
સાધુ સાધુ ભડ વિક્રમ કીધાં ક્ષીર અશન જ્યમ હંસ
પિંજરની મેનાની વાર્તા કહું નાગર રવિવંશ
કુંવરમન રીઝવા તે વિલાસિની
વિવિધ વાજિંત્ર સ્વર વિવિધ સંભાષિણી
મોર કોકિલ ઝિલ્લિ કલરવ કંઈ કોમળા
ગંધર્વ કિન્નર અપ્સરાગણ ઈંદ્રકાજ કરે કળા
રાગરાગિણી શબ્દ સ્વર શુચિ જે બોલતી
હર્ષભેર કુંવરે પછેથી જોઈ તે મેના ડોલતી
પિંજરની મેના તે પુરા હતી સતી પુણ્યવતી
જન્મજાત ધનિક શ્રેષ્ઠીની પુત્રી તે હતી
સખિ તારકગણ મધ્ય ચંદ્ર સમ શોભતી
જલક્રીડારત કુંવર દૃષ્ટિ પડતાં ક્ષોભતી
ભૂપતિએ ભાવથી અતિ તૂર્ત તેડાવિયા તાતને
પણ અમંગળ શકુન વરત્યાં વિસ્મર્યાં સહુ વાતને
પિશાચિનીને મન બહુ ઈર્ષ્યા ખલ મત્સર
તે પનઘટથી ગ્રહી અજાણ ભણી મંતર
મેનારૂપ કરી પિંજર પૂરી ઘણું વિલાપતી
પાપિણીને રાંક વનિતા હૃદયથી અતિ શાપતી
મુજ ભવ કર્યો છું તેં જો કારાગૃહ અર્પણ
તુજ આથમશે માનુનિ પેખીશ જો તું દર્પણ

રસિક વિક્રમ અર્થ તુજને ચિત્ત અતિશે ભાવશે
ઈષ્ટ માત્રા આપમેળે છંદ જળવત્ આવશે.

શાપ મળ્યા દર્પણના
ડાકણ જળમાં જોશો નહીં
સાવધ મેના જાળ ફેલવી બેઠા માછી
જળમાં જોશો નહીં

સાચ જૂઠ બિચ કામણની કાજળ રેખા
જે આંખ મીંચતાં અલોપ કિસને કુછ ના દેખા
જળમાં જોશો નહીં

સાચ એટલે અણિયલ પાણીદાર કટારી
મત્સ્ય વેધતાં મોતી મુદ્રા
સાંભરશે ડૂબેલી નારી
જળમાં જોશો નહીં

જૂઠ એટલે અણી સોયની અંધપૂત છે કપટ થળેથળ
માયાવી જંજાળ નગરમાં
લવણ આમ્ર પર લોહડાળ ફળ
ખડકે નૈયા પંખી જળમાં
જળમાં જોશો નહીં

બેટ બનીને મુંબઈ એટલે દરિયેપાણી ન્હાય
કાગળ કમળે બેઠા બ્રહ્મા નિશદિન હરિગુણ ગાય
હરિનાં જન તે ભમરા જેવાં ઝુંડ ઝુંડ અથડાય
પડે આખડે કરી તાંતણે ચડી ભોંય પછડાય
ચળકે નયને આંસુ કાચનાં
જળમાં જોશો નહીં
શાપ મળ્યા દર્પણના ગુણિજન
જળમાં જોશો નહીં
બંદી જન
જળમાં જોશો નહીં

જળપાન કરી મધ્યાંતર અંતે અંતિમ વાર્તા સાંભળો
વિક્રમ વીર વિવેક શિરોમણી ઉત્તર ઉત્તમ સાંપડો

ધન્ય ધન્ય ગુણવંતી નારી નાનાવિધ વસ્ત રચતી સારી
ઇડલી પૌવા પૂરણ પોળી રસગુલ્લા સાકર ઝબકોળી
પુલાવ કુર્મા ચણા વટાણા પનીર પાલક પ્યાજ અથાણાં
કુકકુટ પાંખ અજાના સાથળ મીન મસાલા કુલચા માખણ
રજતથાળ ને સ્વર્ણ કટોરી રત્નજડિત ચમચા ને છૂરી
ઉષ્ણોદક અંગુલિ સંમાર્જન દંતશુદ્ધિનાં સુખકર સાધન
નૃપતિ તુષ્ટ અતિ ઓડકારથી ભામા ભલી માત્ર રીઝે વિચારથી
તાંબુલ મિષ્ટ નવરત્ન કિમામી તંબાકૂ ત્રણસો બહુનામી
પિંજર મેના ટહુકો કરે અર્ધપાન નર ચંચુને ધરે
સદ્ય સુવાસણી સંભવે સગર્ભ જેમ અગ્નિને પામે દર્ભ

દિવસ વહ્યા બે શત ચોર્યાસી સ્હેજમાં
ચંદ્રકલા દશ દશ પ્રગટેલી તેજમાં
ઘનતિમિર મેઘ કૃષ્ણ શ્રાવણ રાતમાં
ઉભયનારી અતિ પીડિત વિગલિતગાતમાં

ડાકણને બહુ પ્રસવપીડ તે આકુળ વ્યાકુળ થાય
પિંજરમેના ભક્તિભાવથી રઘુપતિ રાઘવ ગાય
આક્રોશે વલખે વલવલતી વામા કર્કશ સૂરે
મનની મનમાં પીડા સ્હેતી મેના પિંજર ઝૂરે
લજ્જાવિણ મતિમૂઢ દુ:ખથી ચુડેલ ક્રંદન કરતી
શૂર્પણખા પુતના તાટિકા હિંડિંબા ગર્જન કરતી
વહે સ્વેદ સરિતા સમ જેની દુર્ગંધે મૂર્ચ્છિત પક્ષીગણ
રક્ત મૂત્ર મલ મજ્જા ચર્ચિત ભીષણ ભાસે છે યક્ષીતન
દંત આખડે જીભ સાંપડે હોઠ ફાકડે મોટી ફાટી આંખો
ભાલ કૂટતાં કરકંકણમાં અજાણ દેખ્યો ચ્હેરો નિજનો ઝાંખો
તડાક તૂટ્યાં બંધન છૂટ્યા ગર્ભ સુંદરી ડાકણ
પિંજરથી થઈ મુક્ત સારિકા ખુલ્યાં મંત્રનાં ઝાંકણ

ઉભય નારિને પુત્ર પ્રસવિ્યા વિક્રમ કરો વિચાર
ક્યો પંગુનો પુત્ર પામશે સિંહાસન અધિકાર

આ નગરીમાં અરણ્ય ભીષણ
સ્વપ્નાતીત છતાં ય ભ્રાંતિવત
અશક્ય રખડું રણમાં એકલ
વાઘ બની વિકરાળ
શ્વાસની વરાળ શોષે રક્ત
રેતમાં તરસ્યો થાક્યો દેહપાંગળો
વ્રણની પીડે સાંધી
લૂલાં અંગ લંગડો લથડું
આઘે હરણાં છૂપ્યાં જળમાં
શોધું ફરી ફરી દર્પણમાં
ચારકોર હરણાં ને બિચમાં વાઘ
ચારકોર ઝરણાં ને બિચમાં રેત
ચારકોર તરણાં ને બિચમાં પૂર
મારી ચારકોર દર્પણ ને બિચમાં કોણ?

એક કોર ડાકણ ને બીજી કોર જાદુની મેના
ઉભય કાચમાં રૂપ પામવાં સાચ હવે તે કેનાં?
સપનાં દર્પણ સાચ જૂઠ ને મુંબઈ
ઝેર નહીં કે અમૃત આંખનો એક ઘૂંટ આ મુંબઈ
ફૂલ નહીં કે શૂળ ઓસનું એક બુંદ તે મુંબઈ
બોલો તરસ્યો: તડકો
એ પ્હેલાં તો ઝાકળ ઊડી જાય
દર્પણથી સંતાડ્યા પહેલાં સપનાં ઊડી જાય
સદા યે રિક્ત રહે સિંહાસન
અડવો બેટ ચૂપ આ મુંબઈ

વિક્રમ તારાં વખાણ કરવા કાજે મારી જીભ રાંકડી લાજે
છતાં ય કીધી શરત એટલા માટે પાછો ચાલ મોતના ઘાટે
ચાલ નવેસર કથા ફરીથી બીજી
ચૂપ રહેજે ના તું ખોટો બીજી
તું વિક્રમ ને હું તારો વેતાળ
ભવભવ વળગું કાંડે થઈ ઘડિયાળ
હું પાડો તું પખાલ
પાડા ઉપર ચડીને પોલો
વિક્રમ દખ્ખણથી ઉત્તર લગ જાજે
પૂરબ પચ્છમ અવળો અમથો કદી ન કીજે સવાલ
વિક્રમ પાછું વળી ન ભણજે અમકો મિતવા ખબર નહી હે
-૧૯૮૨