કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૬. ડુંગરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. ડુંગરા| ઉશનસ્}} <poem> કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી...")
 
(No difference)

Revision as of 16:01, 16 July 2021

૩૬. ડુંગરા

ઉશનસ્

કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,
કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ.
કે ડુંગરાયે ક્હે છે કે, શ્હેર નથી દીઠું, કે ગાડીએ બેઠા નથી રે લોલ,
કે ડુંગરાને ભલું તે મહુડાનું પીઠું, કે વાડીએ પેઠા નથી રે લોલ.
કે ડુંગરા — ક્હે છે કે — કોક વાર રાતે કે સીમ લગી ઢૂંકતા રે લોલ,
કે ડુંગરા જોયા છે કોઈ દી પ્રભાતે, કે પગલાં મૂકી જતા રે લોલ.
કે ડુંગરા ઊઠે છે રાતના પ્હોરે, કે ઘૂડની પાંખો ફૂટે રે લોલ,
કે ડુંગરા અઘોરી આખો દી ઘોરે, ને રાતના મોડા ઊઠે રે લોલ.
કે ડુંગરા કોક દી સાવજને વેશે, દીઠા મેં નદી પી જતા રે લોલ,
કે ડુંગરા દવમાં દાઝતા કેશે કે દીપડા દીપતા રે લોલ.
કે ડુંગરા કઠિયારા થૈ કાંધે, કે વગડે ટચકા કરે રે લોલ,
કે ડુંગરા સાંજના ભારોડો બાંધે ને કેડીઉં ઊતરે રે લોલ.
કે ડુંગરા કોક વાર ધૂણે છે ઘેલા, ધણેણતા ધરતી બધી રે લોલ,
કે ડુંગરા કોક વાર ભરતા મેળા, કે માથેથી તળિયા સુધી રે લોલ.
કે ડુંગરા આજેય એકલું પ્હેરે લંગોટડીનું ચીંથરું રે લોલ,
કે ડુંગરા મળતા સાંકડી નેળે કે કામઠું ખંભે ધર્યું રે લોલ.
કે ડુંગરા ભડકે છે શ્હેરથી નાસી, કે સીમથી પાછા વળે રે લોલ,
કે ડુંગરા અસલના આદિવાસી કે મંનની વાટે મળે રે લોલ.

૧૩-૧૧-૬૮

(સમસ્ત કવિતા, પૃ. ૪૪૪)