હું… રોશની પંડ્યા
પ્રણવ જોષીપુરા
પાત્રો
રોશની પંડ્યા
ડૉક્ટર
ડૉક્ટર નિર્મલા અંબવાની
નર્સ–૧
નર્સ–૨
નર્સ–૩
અહમદ
૪–૫ હિન્દુઓનું ટોળું
યુનુસ
દૃશ્ય ૧
(જૂની સરકારી હૉસ્પિટલનો રૂમ.
સ્ટેજની જમણી તરફ ક્રૉસમાં રાખેલ સફેદ લોખંડનો પલંગ. તેના પરના ગાદલા પર લીલી ચાદર. ઓશિકાને લીલું કવર. બાજુમાં સલાઇન લટકાવવાનું સ્ટૅન્ડ. પલંગના બન્ને છેડા પર દર્દીના હાથ-પગ મજબૂતીથી બાંધી શકાય તે માટે દોરડું બાંધેલ.
સ્ટેજની ડાબી તરફ લાકડાનું એક ટેબલ, ત્રણ-ચાર ખુરશીઓ તથા એક સ્ટૂલ. ટેબલ પર ત્રણ-ચાર ફાઇલનો ઢગલો. એક્ષ-રે તથા અન્ય રિપૉર્ટ દેખાય. બ્લડ પ્રેશર માપવાનું મશીન. ખાનામાં ઇન્જેક્શન્સ, દવાઓ તથા કાચની શીશીઓ.
સમગ્ર રૂમની દીવાલ ઝાંખી પડી ગયેલ તેમ જ ડાઘાવાળી. અડધી આછા પીળા તથા અડધી કથ્થાઈ રંગે રંગેલ. તેના પર ‘સ્વચ્છતા એ જ પ્રભુતા’ તથા ‘સ્વચ્છ શરીર, સ્વચ્છ મન’ જેવાં સૂત્રો લખેલાં.
પડદો ખૂલે ત્યારે સ્ટેજ પર અંધકાર. હૉસ્પિટલનાં વસ્ત્રોમાં સજ્જ રોશની પંડ્યા સ્ટેજના આગલા ભાગમાં કેન્દ્રમાં દૃશ્યમાન. ચહેરાના હાવભાવ શૂન્ય. ઊંડા આઘાતમાં હોય તેવો લાગણીશૂન્ય ચહેરો. સ્થિર ઊંડી ઊતરી ગયેલી આંખો. આંખ નીચે કાળાં વલયો. વાળ અસ્તવ્યસ્ત અને છૂટા. હાથમાં રમકડાની ઢીંગલી. તેની સાથે રમતાંરમતાં ગાય–
|
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે,
|
|
નાના મારા હાથ, એ તાળી પડે સાત, એ તો કેવી અજબ જેવી વાત છે,
|
|
નાના મારા પગ, એ ચાલે ધબ-ધબ, એ તો કેવી અજબ જેવી વાત છે.
|
ગીતની એક કડી પૂરી થાય ત્યારે સ્ટેજ પર ક્રમશ: પ્રકાશ. પ્રકાશનું કિરણ માત્ર રોશની પર. સ્ટેજના અન્ય ભાગ પર અંધકાર. ગીતની ત્રીજી કડી ચાલુ થતાં જ બૅકગ્રાઉન્ડમાં ડ્રમ અને ટ્રાફિકના અવાજો, વાહનોના હૉર્ન, બ્રેક મારવાનો અવાજ, ટોળાંનો કોલાહલ, જયઘોષના અસ્પષ્ટ અવાજો, બૂમાબૂમ, આક્રંદ, વગેરે સંભળાય. અવાજો શરૂ થાય ત્યારે રોશની ઢીંગલીમાં ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે. પરન્તુ થોડા સમયમાં જ તે આકુળવ્યાકુળ થાય, ઢીંગલી ફેંકી દે, કાન ઢાંકી ચહેરો ગોઠણ વચ્ચે છુપાવે, વાળ ખેંચીને ચીસો પાડે, દોડીને ટેબલ નીચે સંતાઈ જાય, દરવાજો ખોલીને ભાગવા પ્રયત્ન કરે, સ્ટેજ પર જાણે કોઈ સતત પાછળ પડ્યું હોય તેમ જીવ બચાવવા દોડે… અન્તે શ્વાસ ભરાઈ જતાં સ્ટેજના મધ્ય ભાગમાં ફસડાઈ પડે અને હાથ વડે કાન બંધ કરી ચીસો પાડતી-પાડતી સ્ટેજ પર ચત્તીપાટ આળોટે. તેનો એક હાથ વારંવાર પેટ પર ફેરવે. બૅકગ્રાઉન્ડમાંથી આવતા અવાજોની તેના પર માનસિક અસર થતી હોય તેવી સ્પષ્ટ લાગે. બૅકગ્રાઉન્ડના અવાજો આ તમામ ઍક્શન દરમ્યાન ક્રમશ: વધવા લાગે.
અચાનક રૂમનો દરવાજો ખૂલે. દરવાજો ખૂલતાં જ સામાન્ય પ્રકાશ ફેલાય તેમ જ બૅકગ્રાઉન્ડના અવાજો બંધ થાય. નર્સ–૧ પ્રવેશે. રોશનીની આ હાલત જોઈને હેબતાઈ જાય. દોડીને રોશની પાસે આવે.)
નર્સ–૧:
|
(રોશનીને પકડીને) રોશનીબુન… રોશનીબુન.
|
(રોશનીનું આળોટવાનું, ચીસો અને આક્રંદ ચાલુ.)
નર્સ–૧:
|
(રોશનીને હચમચાવી લગભગ ચીસ પડતાં) રોશનીબુન… રોશનીબુન…
|
(રોશની ક્ષણભર નર્સ–૧ સામે જુએ. પછી ‘બચાવો… બચાવો…’, ‘Please help’ બૂમો પાડવા માંડે. નર્સ–૧ ગભરાઈને ‘ડૉક્ટર… ડૉક્ટર’ બૂમો પાડતી બહાર જાય. થોડી વારમાં જ ડૉક્ટર તથા ત્રણ નર્સ દોડતાં-દોડતાં પ્રવેશે. રોશની પર બળજબરીથી કાબુ કરે તથા ટીંગાટોળી કરી પલંગ પર સુવડાવી હાથપગ પલંગ સાથે બાંધી દે. રોશની છૂટવા માટે તરફડિયાં મારે.)
ડૉક્ટર:
|
સિસ્ટર, મોર્ફિન ૨૦ ML. Quick.
|
(નર્સ–૨ દોડીને ટેબલના ખાનામાંથી ઇન્જેક્શન તથા કાચની શીશી કાઢે. દોડીને ડૉક્ટરને આપે. નર્સ–૩ રોશનીનો હાથ બળજબરીથી દબાવે. ડૉક્ટર ઇન્જેક્શન તૈયાર કરીને રોશનીના હાથમાં ઇન્જેક્શન ખૂંચાડે. રોશની ધીમેધીમે બેભાન થાય અને અન્તે સાવ નિશ્ચેતન.)
ડૉક્ટર:
|
Sister, one saline, please.
|
(નર્સ–૨ બહાર જાય. નર્સ–૧ અને ૩ રૂમ સરખો કરે. રોશનીના હાથપગનાં દોરડાં છોડે. ઢીંગલી પાછી રોશનીની બાજુમાં ગોઠવે. ડૉક્ટર રોશનીની ઈજાઓ ચકાસે. નર્સ સલાઇન તથા તેનું ઇન્જેક્શન લઈને પ્રવેશે. ડૉક્ટર સલાઇન સ્ટૅન્ડ પર સલાઇન ગોઠવી સલાઇન ચાલુ કરે. ઝીણવટથી સલાઇન ડ્રૉપ્સનો અભ્યાસ કરે તથા કાંડા ઘડિયાળ સાથે સરખાવે. પછી ટેબલ પર બેસી ફાઇલ ખોલી અભ્યાસ કરે અને નોંધ ટપકાવે.)
ડૉક્ટર:
|
It’s very strange, isn’t it? રોશની પર આવા હુમલાઓનું પ્રમાણ વધતું જાય છે, કેમ?
|
નર્સ–૧:
|
મન તો બીક સ ક રોશનીબુન પોત્યાની જાતન ચોંક નુક્સોન ન કરી બેહ.
|
નર્સ–૨:
|
આપણે આખો રૂમ જ ખાલી કરી દઈએ તો? રૂમમાં કંઈ ધારદાર હોય તો એમને ઈજા થશે ને?
|
નર્સ–૩:
|
(ડૉક્ટરને) પણ મેડમ, આમના બધા રિપૉર્ટ તો નૉર્મલ છે. તો પછી…
|
ડૉક્ટર:
|
It is even stranger. (ફાઇલમાંથી રિપૉર્ટ કાઢતાં) આ સીટી સ્કેન રિપૉર્ટ… લિપિડ પ્રોફાઇલ… સોનોગ્રાફી રિપૉર્ટ અને આ એક્સ-રે રિપૉર્ટ. There is not a single trace of any disease… એટલે કે પેથોલૉજિકલી આમને કોઈ પણ રોગ નથી. તેમ છતાં she is a patient. આમનું દર્દ મેડિકલ સાયન્સની મર્યાદા બહારનું છે. There is something mysterious about it… ખેર, હું અત્યારે જ સુપરિન્ટેન્ડન્ટ સરને વાત કરું કે રોશનીની line of treatment બદલે. I think she needs a psychiatrist. આમને માનસિક રોગના ડૉક્ટરની જરૂર છે. (ઊભા થતાં નર્સ–૨ને સૂચના આપે) સિસ્ટર, આમને મોર્ફિન ૨૦ મિલીગ્રામ ઇન્જેક્શન આપેલ છે. એટલે આઠ કલાક સુધી ભાનમાં જ નહીં આવે. અને આ સલાઇન ૨૦ ડ્રૉપ પર મિનિટ છે. એટલે એ પણ લગભગ આઠ કલાક ચાલશે. પણ તમારે આનું ખૂબ ધ્યાન રાખવું પડશે. દર અડધો કલાકે રોશનીની પલ્સ ચેક કરતા રહેજો. She is our very precious patient.
|
(ડૉક્ટર બહાર જાય છે.)
નર્સ–૧:
|
આ બુનની સ્થિતિ જોઈ મારો જીવ બઉ બર સ.
|
નર્સ–૨:
|
આમનો રોગ પણ વિચિત્ર અને કેસ પણ.
|
નર્સ–૧:
|
સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા.
|
નર્સ–૩:
|
પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય?
|
નર્સ–૧:
|
ખબર નઈ. હેંડો હેંડો… કોમ પર વરગો. એક કોમ કરીએ. આપર ઓંય બેહવાની બે-બે કલાકની શીફ્ટ વેંચી લઈએ. જે ઓંય બેહ તી દર અડધા કલાકે સલાઇન અન પલ્સ રેટ મોપની નોંધ કર.
|
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
{{ps
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.)
દૃશ્ય ૨
(સ્ટેજ પર સંપૂર્ણ પ્રકાશ. નર્સ–૨ રોશનીની પલ્સ માપે અને સલાઇનના ડ્રૉપ ગણે. ટેબલ પર આવી ફાઇલમાં નોંધ કરે. ડૉક્ટર, નર્સ–૧ અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિર્મલા અંબવાની પ્રવેશે. એ બંનેને જોઈને નર્સ–૨ ઊભાં થઈ જાય.)
ડૉક્ટર:
|
(ડૉક્ટર નિર્મલાને) See doctor, there is our patient, રોશની પંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી આ જ રૂમમાં અને આ જ હાલતમાં છે. એ ભાનમાં આવે કે તરત જ ચીસો પાડવા માંડે, આક્રંદ કરે, ભાગવાનો પ્રયત્ન કરે. અમે એને બેભાન થવાનું ઇન્જેક્શન આપીએ એટલે આઠ-દસ કલાક સાવ આમ જ… નિશ્ચેતન… almost living dead… ચોવીસમાંથી વીસ–એકવીસ કલાક રોશનીની આ જ પરિસ્થિતિ. પણ દિવસે-દિવસે એની હાલત ખરાબ થતી જાય છે. Curiously, એના બધા ટેસ્ટ સાવ નૉર્મલ છે. (નર્સ–૨ ને) સિસ્ટર, પેલી ફાઇલ આપો ને?
|
(નર્સ–૨ ડૉ. નિર્મલાને ફાઇલ આપે. ડૉ. નિર્મલા ફાઇલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. રોશની પાસે જાય. તેને ચકાસે. પછી ટેબલ પર આવીને બેસે.)
નિર્મલા:
|
ડૉક્ટર, can I see the medicines we are giving her?
|
ડૉક્ટર:
|
Of course, here they are!
|
નિર્મલા:
|
(દવાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં) આમાંની મોટા ભાગની શક્તિ અને મલ્ટિવિટામીનની દવાઓ છે. They keep her alive. અને હાં, તમારા કહ્યા મુજબ તો આમને કોઈ રોગ જ નથી. તો દવાઓ વળી કેવી? (વિચારીને) રોશનીના કોઈ રિલેટિવ સાથે વાત થઈ શકે? કોઈ સગું-વહાલું…
|
ડૉક્ટર:
|
(હસીને) એ તો ત્રણ વર્ષથી અમે પણ ગોતીએ છીએ. આમનું કોઈ મળે તો કંઈ પૂછપરછ પણ થઈ શકે. But at the moment, we are at a loss.
|
નિર્મલા:
|
(બધાંની સામું જોઈને) આવું બને કે ઊંઘમાં કે ચીસો પડે ત્યારે કોઈનું નામ લે? કે કોઈ જગ્યાનો ઉલ્લેખ કરે?
|
(ડૉક્ટર નર્સ–૧ અને નર્સ–૨ સામું જુએ.)
નર્સ–૨:
|
(ડૉ. નિર્મલાને) ના રે મેડમ. રોશનીબેન ભાનમાં આવે ને ચીસો પાડવા માંડે. અમે એને ગમે તેટલો બોલાવવાનો પ્રયત્ન કરીએ તોપણ જાણે અમે એમના દુશ્મન ન હોઈએ એમ વર્તે. ચીસો પડે, ભાગવા પ્રયત્ન કરે… છેવટે આ મેડમ ઇન્જેક્શન આપે એટલે બેભાન. બેભાન તો એવાં બેભાન કે બેભાનમાં પણ ભાન ન મળે હોં!
|
નિર્મલા:
|
(હસીને) Of course, બેભાન થયેલ વ્યક્તિને બિચારીને ભાન જ ક્યાંથી હોય? ખેર… (ડૉક્ટરને) With your permission, can I ask them a few questions?
|
ડૉક્ટર:
|
(નર્સ–૧ તથા ૨ સામે જોઈને) અરે હાં, હાં. એમાં પૂછવાનું શું? (નર્સ–૧ તથા ૨ ને) સિસ્ટર, આપણા શહેરના મોટામાં મોટા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર નિર્મલા અંબવાની છે. આપણા સરની ભલામણને કારણે ખાસ આ કેસ માટે આપણી સાથે જોડાયાં છે. And she is our only hope now. (ડૉ. નિર્મલાને) મેડમ, સુપરિન્ટેન્ડન્ટ સરે ખાસ ભલામણ કરી છે. આ કેસની કોઈ પણ વિગતની ખબર બહાર, ખાસ કરીને મીડિયાને, ન પડવી જોઈએ. We don’t know but… કંઈ રહસ્ય… (હસીને) I hope you understand the delicacy of the matter.
|
નિર્મલા:
|
(ડૉક્ટરને) Rest assure about that.
|
ડૉક્ટર:
|
(નર્સ–૧ને) સિસ્ટર, ડૉક્ટર મેડમને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખજો. (ડૉ. નિર્મલાને) ડૉક્ટર, (નર્સ–૨ તરફ ઇશારો કરીને) she needs to help me in the ward. Excuse us.
|
(ડૉક્ટર જાય છે. પાછળ-પાછળ નર્સ–૨ પણ જાય.)
નિર્મલા:
|
(રોશની પાસે જઈને માથે હાથ ફેરવતાં, નર્સ–૧ને) આ ક્યારે ભાનમાં આવશે?
|
નર્સ–૧:
|
(ફાઇલમાં જોઈ ઘડિયાળ ચેક કરતાં) ઇન્જેક્શન આપ્યાને લગભગ આઠ કલાક થ્યા સ. એટલ… ગમ્મ તાણ ભોનમોં આબ્વાની તૈયારી. ગમ ત સમયે હવ…
|
નિર્મલા:
|
(નર્સ–૧ની વાત કાપતાં) Oh, I see. એના મનમાં કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેવું લાગે?
|
નર્સ–૧:
|
એ તો ખબર નઈં, મેડમ, પણ મારા મનમોં ચોક્કસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સ… દા’ડામોં એક વાર ઓમની ચીસ્યો નો હોંભરુ તાણ લગણ મન ઉંઘ જ નહીં આવતી.
|
(રોશની સળવળાટ કરે. નર્સ–૧ દોડીને તેનું સલાઇન બંધ કરે.)
નિર્મલા:
|
લુક સિસ્ટર, હું અહીં છું તેનો ખ્યાલ રોશનીને ન આવવો જોઈએ. I just want to observe her.
|
(રોશની ન જોઈ શકે તેવી રીતે ડૉ. નિર્મલા બેસે. રોશની આંખો ખોલે અને સડાક કરતી પથારીમાં બેસી જાય. ચારેય બાજુ નિરીક્ષણ કરે. આંખો પર ઘેનનો ભાર. કપડાં તથા વાળ અસ્તવ્યસ્ત.)
નર્સ–૧:
|
(ઉત્સાહથી) ગુડ મોર્નીંગ, રોશનીબુન.
|
રોશની:
|
(તદ્દન શુષ્ક અવાજે) ગુડ મૉર્નિંગ?
|
નર્સ–૧:
|
(હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ…
|
રોશની:
|
(ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં.
|
(રોશની ચાલતી-ચાલતી સ્ટૂલ પર બેસે. નર્સ–૧ રોશનીની પથારી સરખી કરીને તેની પાસે આવે અને ખભા પર હાથ મૂકે. બન્ને વચ્ચે વહાલનું જોડાણ હોય તેમ લાગે. રોશનીના હાવભાવ શૂન્ય.)
નર્સ–૧:
|
રોશનીબુન, થોડું ખઈ લો ક ન? શરીરમોં શક્તિ આવશ તો બધુંય સારું થઈ જશ.
|
(રોશની કોઈ પ્રતિક્રિયા આપતી નથી.)
નર્સ–૧:
|
(રોશનીના માથે હાથ ફેરવતાં) બુન, તમ સાજા થઈ જાવ ન તી માટ મીંએ ખોડીયારમોંની મોનતા મોની સ, બોલો. આપર બન્નેઉ હેંડતોં જઈશું ન માતાજીના ચરણોમોં મોથું નમાઈશું. માતાજી બઉ આસ્થાવાંરા સ… બધ્યોનું સ્યારું કર સ. મારી બુનનો ભોણીયો જન્મ્યો ન તારથી જ બાપડો બોલતો ન’તો. ચ્યાર વર્ષનો થ્યો તાણ મારી બુને મોનતો મોની. હેંડતી-હેંડતી ભોણાન લઇ ન પોંચી માંના દરબારમોં. (ખુશ થઈને) પાસ શ્યું થ્યું ખબર સ? ભોણો તો બોલબોલ બોલબોલ જ કર્યા કર સ. મીંય કીધું હવ ઓન બંધ કરવા માતાજી પાહેણ જવું પડશ… (ઉત્સાહથી) રોશનીબુન, આપર પાસા વળતોં રોમમધુરમોં જઈશું અન કોલ્ડકોફી પીશું. તમન ખબર સ, રોમમધુર એટલ આ શ્યેરની ફેમસમોં ફેમસ કોલ્ડ્રીંગની દુક્યોન. જાણ જાવ તાણ લોકોના તો ટોરેટોરાં.
|
(ટોળાનું નામ પડતાં રોશની ચમકે. બૅકગ્રાઉન્ડમાં ધીમે અવાજે ડ્રમ, ટ્રાફિકનો અવાજ, વાહનોની બ્રેક, કોલાહલ, વગેરે શરૂ થાય અને ક્રમશ: અવાજ વધતો જાય. રોશની આ તમામ અવાજોને હાવભાવથી રિસ્પૉન્ડ કરે. નર્સ–૧ તેની વાતમાં જ મશગૂલ.)
નર્સ–૧:
|
પણ ક્વોલીટી તો હજુ એ ની એ જ, હો ક? મારો વર જે દા’ડો ખુબ ખુશ હોય ન તાણ મન રોમમધુર લઇ જાય. અન વા’લથી કોલ્ડકોફી પાય. રોમમધુરની બાજુની દુકોન એટલ શારદાના ભજ્યોં. બટાકાના, ડુંગરીના, મરચોંના… માંગો તી મર, હોં ક?… આપર ભજ્યોં પેક કરાઈ લઈશું. અન પસી ઓંય આઈ ન બધા જોરે ખઈશું. ઓકે?
|
(ઉપરોક્ત ડાયલૉગ દરમ્યાન બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો રોશની પર સંપૂર્ણ કાબુ. તે ચીસ પાડે. કાન બંધ કરી આક્રંદ કરે. વાળ ખેંચે. જમીન પર આળોટે. નર્સ–૧ સ્તબ્ધ બની રોશનીને પકડવા પ્રયત્ન કરે. પછી દોડતી-દોડતી ‘ડૉક્ટર… ડૉક્ટર’ બોલતી બહાર જાય. થોડી વારમાં ડૉક્ટર તથા ત્રણ નર્સ પ્રવેશે. બૅકગ્રાઉન્ડ સંગીત બંધ. ચારેય જણાં રોશની પર કાબુ મેળવવા પ્રયત્ન કરે. રોશનીને ઊંચકીને પલંગ પર મૂકે, હાથ-પગ દોરડાથી બાંધે. રોશની છૂટવા ધમપછડા કરે. ડૉક્ટરના ઇશારે નર્સ–૧ દોડીને ઇન્જેક્શન તથા શીશી લાવે. ડૉક્ટર રોશનીના હાથ પર ઇન્જેક્શન આપે. ધીમેધીમે રોશની બેભાન થાય. નર્સ–૨ દોડીને સલાઇન લાવે. ડૉક્ટર સલાઇન લગાવે. બધાં રાહતનો દમ લે. ડૉ. નિર્મલા અંબવાની સ્ટેજના કેન્દ્રમાં આવે. ડૉક્ટર તથા ત્રણેય નર્સ ડૉ. નિર્મલા સામું જુએ. પ્રકાશ માત્ર ડૉક્ટર, ત્રણેય નર્સ તથા ડૉ. નિર્મલા પર. ત્યાર બાદ ડૉક્ટર તથા ત્રણેય નર્સ પર અંધકાર. પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર. તે રોશની સામું જુએ, ત્યાર બાદ પ્રેક્ષકો સામું જુએ. અંધકાર.)
દૃશ્ય ૩
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ટેબલ પર બેઠેલાં દૃશ્યમાન. બાજુમાં નર્સ–૨ બેઠાં-બેઠાં ઝોકાં ખાય. ડૉ. નિર્મલાનું ધ્યાન વારંવાર રોશની તરફ. થોડી વારમાં રોશની સળવળે. ડૉ. નિર્મલા નર્સ–૨ને ઇશારો કરે. નર્સ–૨ રોશનીના હાથપગ છોડે અને સલાઇન બંધ કરે. સલાઇનની બૉટલ લઈને નર્સ–૨ બહાર.
ડૉ. નિર્મલા રોશની સામે એકધારી નજરે જુએ. રોશની પહેલાં ડૉ. નિર્મલાને જોઈને સંકોચાય, પરન્તુ પાછી ઢીંગલી લઈને સ્ટૂલ પર બેસે. તેની આંખો એકીટશે હવામાં જોયા કરે. ડૉ. નિર્માલા પોતાની જગ્યાએથી ઊભાં થઈને રોશની પાસે આવે.)
નિર્મલા:
|
(હાથ લંબાવતાં) હલ્લો, રોશની.
|
(રોશની પ્રત્યેથી કોઈ પ્રત્યુત્તર નહીં.)
નિર્મલા:
|
(ફરીથી હાથ લંબાવતાં, ઉષ્માભર્યા અવાજે) હલ્લો, રોશની.
|
(રોશનીના શૂન્ય હાવભાવ. ડૉ. નિર્મલા પાસે આવી ઢીંગલી ખૂંચવી લે. રોશની ડૉ. નિર્મલા સામે જુએ. ઢીંગલી લેવા હાથ લંબાવે. ડૉ. નિર્મલા ડાબા હાથમાં ઢીંગલી બતાવે અને જમણો હાથ લંબાવીને…)
(રોશની પહેલાં ઢીંગલી સામે જુએ, પછી ડૉ. નિર્મલાના લંબાવેલા હાથ સામે જુએ. રોશની ઢીંગલી લેવા હાથ લંબાવે. ડૉ. નિર્મલા ઢીંગલી આપે. પછી રોશની પાસે જઈ માથે તથા ગાલ પર હાથ ફેરવે. રોશની ડૉ. નિર્મલા સામે જુએ. ચહેરા પર સ્મિત.)
નિર્મલા:
|
(હાથ લંબાવતાં) હલ્લો, રોશની, friends?
|
રોશની:
|
(હાથ ડૉ. નિર્મલા સામે ખચકાટથી લંબાવતાં) હંમમ…
|
નિર્મલા:
|
(રોશનીનો હાથ પકડીને) How beautiful is this hand?
|
(રોશની સહેજ શરમાય અને finally ડૉ. નિર્મલા સામે જુએ.)
નિર્મલા:
|
ઓહો! આ ઢીંગલીને સ્કૂલે જવાનું મોડું થાય છે. એને તૈયાર કરી દઈએ?
|
(રોશની પહેલાં ઢીંગલી આપવાની આનાકાની કરે. પછી ડૉ. નિર્મલાના હાથમાં ઢીંગલી આપે.)
નિર્મલા:
|
(ઢીંગલીના વાળ ઓળતાં અને કપડાં ઠીક કરતાં) ઢીંગલીબેન ઢીંગલીબેન, તમે કયા ધોરણમાં આવ્યાં? (જાણે ઢીંગલી જવાબ આપતી હોય તેમ) હં… છઠ્ઠા ધોરણમાં… અરે વાહ, તો તો સ્કૂલમાં બહુ મજા પડતી હશે ને? હું જ્યારે સ્કૂલમાં ભણતી’તી ને ત્યારે ખૂબ તોફાની હતી. તમે તોફાન કરો છો કે?
|
(રોશની વાતમાં મશગૂલ થાય. હસવા લાગે.)
નિર્મલા:
|
રોશનીબેન, ચાલો ચાલો, ઢીંગલીબેન સ્કૂલેથી આવી ગયાં છે. અને એને ખૂબ ભૂખ લાગી છે. એને જમાડી દઈએ. તમે કંપની આપશો ને?
|
(રોશની ઇશારાથી ‘હા’ પડે છે.)
(નર્સ–૨ દોડતાં પ્રવેશે. દૃશ્ય જોઈ ચમકી જાય. ડૉ. નિર્મલા તેને ઇશારો કરી આશ્ચર્ય ન વ્યક્ત કરવા સમજાવે.)
નિર્મલા:
|
(નર્સ–૨ને) સિસ્ટર, ઢીંગલીબેનને ભૂખ લાગી છે. જલદી બે થાળી પૂરો.
|
(નર્સ–૨ હોંશેહોંશે બહાર જાય. રોશની બગાસું ખાય.)
નિર્મલા:
|
રોશની, તમે આ ખુરશી પર બેસો. ઢીંગલીબેન અહીં બેસશે. By the way, રોશની, તમને શું જમવું ગમે?
|
રોશની:
|
(બગાસું ખાતાં-ખાતાં) બધું જ, પણ ગળ્યું વધારે.
|
નિર્મલા:
|
રસમલાઈ? (રોશની માથું ધુણાવી ‘હા’ પાડે) મને પણ બહુ ભાવે, હોં? Next time હું લેતી આવીશ.
|
(નર્સ–૨ હાથમાં બે થાળી તથા પાણીના બે ગ્લાસ લઈને પ્રવેશે. ટેબલ પર ગોઠવે.)
(બન્ને જણા જામે. નર્સ–૨ ખુશીથી રોશની સામે જોયા કરે. જમતાં-જમતાં રોશની બે-ત્રણ બગાસાં ખાય. ભોજન પૂરું કરીને ડૉ. નિર્મલા ઢીંગલીને ઊંચકે, સાથે રોશની ઊભી થાય.)
નિર્મલા:
|
સિસ્ટર, ચાલો, ઢીંગલીબેનને સુવડાવવાની તૈયારી કરો…
|
(નર્સ–૨ પથારી સરખી કરે. ડૉ. નિર્મલા રોશની તથા ઢીંગલીને સુવડાવે.)
નિર્મલા:
|
ઢીંગલીબેન, ગુડ નાઇટ… આજે બેભાન નથી
થવાનું હોં… આજે તો સૂઈ જવાનું છે સૂઈ. ચલો… બન્નેને ગુડ નાઇટ.
|
(ડૉ. નિર્મલા બહાર જવા જાય છે.)
રોશની:
|
(પથારીમાં અડધા બેઠા થતાં, ડૉ. નિર્મલાને) અરે… હલ્લો…
|
નિર્મલા:
|
(હસીને) ચોક્કસ… કાલે સવારે મળીએ.
|
(ડૉ. નિર્મલા બહાર જાય. રોશની સૂઈ જાય. નર્સ–૨ થાળી-ગ્લાસ લઈને બહાર જતાં-જતાં લાઇટ બંધ કરે. અંધારામાં દરવાજો બંધ કરવાનો અવાજ. દરવાજો બંધ થતાં જ જોશથી રોશની ચીસ પાડે. કૂદીને પલંગ નીચે સંતાઈ જાય. નર્સ–૨ દોડીને અંદર આવી લાઇટ કરે. રોશનીને પલંગ પર ન જોઈને “રોશનીબેન” કહી ચીસ પાડે. ડૉક્ટર, ડૉક્ટર નિર્મલા તથા નર્સ–૧ અને ૩ દોડતાં અંદર આવે અને રોશનીને પલંગ નીચે શોધી બહાર કાઢી પકડવા પ્રયત્ન કરે. રોશની ચીસો પાડતી ભાગે. અન્તે ડૉ. નિર્મલાને વળગી પડે. ડૉ. નિર્મલા ખુરશી પર બેસી જાય. રોશની તેને વળગીને જમીન પર ગોઠણ ટેકવી બેસે. રોશની સતત ચીસો પડે – “બચાવો… બચાવો”, “મને મારી નાખશે”, “મારે નથી મરવું”, વિગેરે. ડૉક્ટર નર્સ–૧ને ઇશારો કરે. નર્સ–૧ ખાનામાંથી ઇન્જેક્શન તથા શીશી કાઢે. ડૉક્ટર તથા નર્સ–૨ અને ૩ રોશનીને ડૉ. નિર્મલાથી છોડાવવા પ્રયત્ન કરે. પરન્તુ રોશનીની પકડ વધારે ને વધારે મજબૂત થતી જાય. ચીસોની તીવ્રતા વધતી જાય. ડૉક્ટર રોશનીનો એક હાથ ખેંચે. રોશનીની પકડ એટલી મજબૂત કે ડૉ. નિર્મલાનો ડ્રેસ ફાટી જાય. અન્તે ડૉક્ટર રોશનીના હાથ પર ઇન્જેક્શન આપે અને રોશની બેભાન. તેને ઊંચકીને પલંગ પર સુવડાવે તથા હાથપગ બાંધી દે. ડૉક્ટર તથા ત્રણેય નર્સની પ્રશ્નાર્થ નજર ડૉ. નિર્મલા તરફ.)
નિર્મલા:
|
ડૉક્ટર, રોશની માનસિક રોગની શિકાર છે. ભૂતકાળમાં એની સાથે એવી દર્દનાક ઘટના બની છે કે રોશનીથી એ છૂટતી નથી. અમારી ભાષામાં આ રોગનું નામ Post Traumatic Stress Disease છે. બધા લોકો એને ટૂંકમાં PTSD તરીકે ઓળખે છે. કોઈ ચોક્કસ ઘટનાએ રોશનીના મન પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. એટલે જ્યારે-જ્યારે એ ભાનમાં આવે ત્યારે એના મન પર પેલી ઘટના વારંવાર બન્યા કરે.
|
ડૉક્ટર:
|
પણ મેડમ, એવી તે કઈ ઘટના હશે?
|
નિર્મલા:
|
ગમે તે હોઈ શકે. સામાન્ય સમજણ માટે… કોઈનું અપહરણ થાય કે કોઈ પર જાતીય સતામણી થાય કે કોઈની નજર સામે ખૂન થાય… આવી ઘટના વ્યક્તિને સતત યાદ આવ્યા કરે. પરિણામે એ પોતાની જાતને insecure ગણવા લાગે. એને લાગે કે ફરીથી તે પેલી ઘટનાનો શિકાર બનશે અથવા સમાજ તેના પર થૂથૂ કરશે. જેના પરિણામે તે આવું વર્તન કરે. But in the case of Roshani, કશુંક ખૂબ ખરાબ થયેલ હોવું જોઈએ. This is the case of acute PTSD.
|
નર્સ–૧:
|
પણ મેડમ, ઓમોંથી બા’ર ચઈ રીતે અવાય?
|
નિર્મલા:
|
તે દુર્ઘટના વિશે ચર્ચા કરીને. તેનું વર્ણન કરીને. જે કોઈ વસ્તુ મનમાં બની હોય તેને શબ્દસ્વરૂપ આપીને. ભોગ બનેલ વ્યક્તિ આ ઘટના વિશે જેટલી ચર્ચા કરે તેટલો ભાર તેના મન પરથી ઓછો થાય. તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે અને આપમેળે ઘટનાની બહાર આવવા પ્રયત્ન કરે.
|
ડૉક્ટર:
|
(નિર્મલાને) ડૉક્ટર, રોશની દોડીને તમને કેમ વળગી પડી?
|
નિર્મલા:
|
PTDSથી પીડાતા વ્યક્તિને એક એવી વ્યક્તિની તલાશ હોય કે જેનામાં વિશ્વાસ મૂકીને તેના મનની વાત કરી શકે. Luckily for me, એને મારામાં વિશ્વાસ પડ્યો છે. એટલે એ મને બધી વાત કરશે જ… (વિચારીને) By the way, તમે કહેતા’તાને કે આમના વિશે કોઈ ખબર નથી. But can you find out who referred her case to this hospital? એને અહીં લાવવાની ભલામણ કોણે કરી?
|
ડૉક્ટર:
|
એ ફાઇલ તો સુપરિન્ટેન્ડન્ટ સર પાસે છે. I need his permission to look into Roshani’s file!
|
નિર્મલા:
|
સુપરિન્ટેન્ડન્ટ સરને કહેજો કે ડૉક્ટર અંબવાની મેડમે ફાઇલ મંગાવી છે. એટલે ના નહીં પડે. (બધાં નર્સ સામે જોઈને) અને હાં, હવે રોશનીને એકલી મુકાય એમ નથી. She might fatally injure herself!
|
(ડૉક્ટર બહાર જાય છે. નર્સ–૧, ૨ અને ૩ કામે વળગે. ડૉ. નિર્મલા સ્ટેજના કેન્દ્રમાં પહોંચે. પ્રકાશ માત્ર તેના પર.)
નિર્મલા:
|
(આકાશ તરફ જોઈને) ઓ ઈશ્વર, રોશનીને બચાવવા કંઈક તો મદદ કર…
|
(પ્રકાશ થોડો સમય ડૉ. નિર્મલા તરફ. ત્યાર બાદ અંધકાર.)
દૃશ્ય ૪
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા રોશનીના માથામાં તેલ નાખીને વચ્ચે પાંથી પાડીને વાળ ઓળે. બે ચોટલા વાળે. માથામાં પિનો નાખે. રોશનીનો ચહેરો સ્વચ્છ તથા સુંદર દેખાય. ડૉ. નિર્મલા રોશનીને કપાળ પર ચાંદલો કરવા જાય પણ રોશની ના પડે. બંને વચ્ચે ખૂબ વહાલ તથા જોડાણનું દૃશ્ય.
ઉપરોક્ત દરમ્યાન ડૉ. નિર્મલા તથા રોશની વચ્ચે વાતચીત.)
નિર્મલા:
|
(હસીને)… પછી મને પેલો છોકરો કહે, ડૉક્ટર મેડમ, મારી નસ તપાસીને કહો ને કે મને તાવ છે કે નહીં? મેં કીધું, પેલો પથરો લઈ આવ. એ કહે, કેમ? મેં કીધું, હું તો મગજની ડૉક્ટર છું એટલે આ પથરાથી તારું માથું ફોડી નાખું અને મગજની નસ પકડીને કહું તને તાવ છે કે નહીં.
|
નિર્મલા:
|
એ તો જાય ભાગ્યો… ભાગ્યો… કે ક્યારેય પાછો જ ન આવ્યો. સાલ્લાને એમ કે હું એનો હાથ પકડીશ એટલે એની લવરી ચાલુ કરે… પણ હું પણ એની મા છું મા.
|
રોશની:
|
જોરદાર કહેવાય હોં, દી. તમારી પાસે સાવ ગાંડાઘેલા લોકો જ આવે?
|
નિર્મલા:
|
ના રે ના. જે લોકો માનસિક રોગના શિકાર હોય ને તેવા લોકો આવે… માનસિક રોગ એટલે આપણું મન વિચારે તે. મન એમ વિચારે કે આજે તાવ જેવું લાગે છે એટલે બીમાર જેવું વર્તન થાય. અને ગમે તેટલો તાવ-શરદી હોવા છતાં મન એમ વિચારે કે કશું નથી થયું, એટલે તરોતાજા… માણસોની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ તેમનું મન જ છે. Of course, આજકાલની hectic life, વધુ પડતાં ઊંચા સ્વપ્ન, પોતાની હેસિયત કરતાં વધુની અપેક્ષા ને એકલવાયા જીવનની raceમાં માનસિક રોગના દર્દીઓ વધતા ગયા છે… એટલે અમારા જેવા ડૉક્ટરોને લહેર…
|
રોશની:
|
(વિચારીને) એટલે દી, આપણા મનમાં જે ઘટનાક્રમ ચાલે તે ભયંકર નથી હોતો?
|
નિર્મલા:
|
એ તો ઘટનાક્રમ કયા પ્રકારનો છે તેના પર આધાર છે. જો આપણા જ મનના વિચારો હોય તો તદ્દન બિનહાનિકારક હોય… પણ આપણા મનના ડરને કારણે જે વિચારો ઉદ્ભવે તે પોતાની જાત માટે ખૂબ નુકસાનકર્તા છે.
|
રોશની:
|
(સંકોચાઈને) દી, મને પણ ક્યારેક-ક્યારેક ડર લાગ્યા કરે છે… કે… કે…
|
{{ps
|નિર્મલા: કે તારી પાછળ કોઈ પડ્યું છે… તને મારી નાખશે… તારે મરવું નથી. તારે જીવવું છે. એટલે તું ભાગવા પ્રયત્ન કરે છે… બરોબર ને?
રોશની: (ચમકીને) તમને આ બધી ખબર કેવી રીતે પડી, દી?
નિર્મલા: તારી ચીસો પરથી. તારા વર્તન પરથી… (રોશનીની આંખમાં આંખ મિલાવીને) રોશની, મને કહે… તારા મનમાં તે સમયે કયા વિચારો ચાલે છે? તને શેની બીક લાગે છે?
રોશની: (ગોઠવી-ગોઠવીને શબ્દો બોલે. ખોટું બોલે તે સ્પષ્ટ જણાય) હું… જતી’તીને… ત્યાં… એક… એક બસે બાઇકને… બાઇકને… ટ…ટક્કર મારી… પેલો બાઇકવાળો… બિચારો… ત્યાં ને ત્યાં જ… (ઇશારા સાથે) મરી ગયો… લોકોનાં ટો…ટોળાં ભેગાં થઈ ગયાં અને… અને… બસના ડ્રાઇવરને ઉતારીને… ઉતારીને ખૂબ માર માર્યો… અને… અને… બસને સળગાવી નાખી… ને… ને… પેલા ડ્રાઇવરને… ડ્રાઇવરને એમાં… એમાં… (કૃત્રિમ રીતે રડી પડે છે.)
નિર્મલા: જો રોશની, હું માનસિક રોગની ડૉક્ટર છું અને (હસીને) તારી દી પણ. તને જેની બીક લાગે છે કે તને જેનાથી ભય છે તે આ ઘટના તો ચોક્કસ નથી જ.
રોશની: હાં દી, please believe me. હું સાચું જ કહું છું. જ્યારે-જ્યારે હું ભાનમાં આવું ને…
નિર્મલા: (રોશનીની વાત કાપતાં, કડકાઈથી) રોશની, સાચું બોલ.
રોશની: (ચમકીને. વિનંતી કરતાં) સાચું જ કહું છું, દી.
નિર્મલા: (કડક અવાજે) રોશની પંડ્યા.
રોશની: Please દી.
નિર્મલા: (મોટા અવાજે) રોશની પંડ્યા, please say the truth.
રોશની: (આજીજી કરતાં) દી, this is the truth.
નિર્મલા: રોશની પંડ્યા, the truth.
રોશની: (મજબૂત અવાજે) ડૉક્ટર, this is the truth.
નિર્મલા: (ગંભીર અવાજે) રોશની પંડ્યા, તું જે કહી રહી છે તે તદ્દન જુઠ્ઠાણું છે કારણ કે તું રોશની પંડ્યા જ નથી… (રોશની ચમકી જાય છે.) તારું અસલી નામ રુખસાના પઠાણ છે… is this correct?
રોશની: (સ્તબ્ધ) પ…પ…પણ… પણ, please, દી… (બે હાથ જોડીને) please.
નિર્મલા: Now say the truth.
રોશની: Please, દી.
નિર્મલા: Look, હું અહીં તને મદદ કરવા આવી છું. એટલે તું જેટલું સાચું બોલીશ અને સહકાર આપીશ ને એટલું તને જલદી સારું થઈ જશે.
(રોશની ડૉ. નિર્મલા સામું જુએ. પછી તેના પર માનસિક રોગનો હુમલો આવ્યો હોય તેમ કાન ઢાંકીને ચીસો પાડે, આળોટે, આમતેમ દોડે, વિગેરે. નર્સ–૧ દોડીને પ્રવેશે.)
નિર્મલા: (નર્સ–૧ ને રોકતાં) સિસ્ટર, તમારી જરૂર પડશે ત્યારે બોલાવીશ. અત્યારે બહાર જાવ.
(નર્સ–૧ દરવાજો બંધ કરી બહાર જાય.)
(રોશનીને) તું ગમે તેટલી ચીસો પાડે કે ભાગે ને તોપણ હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપવા નહીં દઉં… તને તડપાવીશ… હેરાન કરીશ… પણ… પણ તારા મનની વાત બહાર કઢાવીને જ રહીશ.
(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
નિર્મલા: (સમજાવતાં) Look, રોશની. તારી અસલિયત તું અને હું જ જાણીએ છીએ. તું રુખસાના હોય કે રોશની, મારે તો તને આ પીડામાંથી મુક્તિ અપાવવી છે. I am here to help you… હાં, પણ જો તારે આમાંથી છુટકારો ન મેળવવો હોય તો હું આ ચાલી… bye bye…
(ડૉ. નિર્મલા ઊઠીને જાય. દરવાજો ખોલવા જાય ત્યાં જ.)
રોશની: દી, please help me.
(ડૉ. નિર્મલા પાછું ફરીને જુએ. તેના ચહેરા પર સ્મિત. તે પુનઃ ખુરશી પર ગોઠવાય.)
રોશની: દી, please મને પ્રોમિસ આપો કે મારી વાત કોઈ સાથે share નહીં કરો.
(ડૉ. નિર્મલા હસીને ‘હા’ કહે છે.)
રોશની: મારું અસલી નામ રુખસાના પઠાણ. ૨૦૦૮માં મારા નિકાહ રામરહીમ સોસાયટીના અહમદ પઠાણ સાથે થયા. મારા ખાવિંદ ચુસ્ત નમાજી. દિવસમાં પાંચ વખત નમાજ અદા કરે. મારા સસરાને બધા અબ્દુલમિયાં તરીકે ઓળખે. કરિયાણાની તેમની દુકાન. આજુબાજુની સોસાયટીના બધા જ ધર્મના લોકો અબ્દુલમિયાં પાસેથી કરિયાણું ખરીદે.
(પ્રકાશ માત્ર રોશની અને ડૉ. નિર્મલા પર. રોશની વિચારે અને પછી બોલે.)
તે દિવસ મે મહિનાની સાતમી તારીખનો દિવસ હતો. (પેટ પર હાથ ફેરવતાં) મારી પ્રેગ્નન્સીનો આઠમો મહિનો ચાલતો હતો. મારા સસરા દરરોજની જેમ જમીને અહમદને દુકાનેથી છોડવા ગયા.
(પ્રકાશ માત્ર રોશની પર.)
અહમદ ઘેર આવ્યા. ત્યારે લગભગ સાડા બાર થ્યા’તા.
(અહમદ પ્રવેશે. પ્રકાશ તેના પર. મુસલમાનનો પોષાક. માથે નમાજી ટોપી. ખભે ઇસ્લામી રૂમાલ. જે વર્ણન રોશની કરે તે જ પ્રમાણે અહમદ કાર્ય કરે.)
તેમણે ઝોહરની નમાજ અદા કરી. પછી અમે બન્ને સાથે જમવા બેઠાં.
(રોશની થાળી લાવવાની ઍક્શન કરે. અહમદ જમવાની ઍક્શન કરે. રોશની અહમદની બાજુમાં જમવા બેસે. રોશની પ્રેક્ષકો સામે જોઈને…)
પણ હું સ્પષ્ટ જોઈ શકતી’તી કે તેમનું મન જમવામાં ન’તું… થોડા સમયથી જે ઘટના ચાલતી તેનાથી અહમદ ખાસ્સા disturbed રહેતા…
(રોશની ઊભી થઈને ખુરશીમાં બેસે. અહમદ જમવામાં મશગૂલ.)
છેલ્લા થોડા દિવસોથી ધર્મઝનૂની લોકો એકબીજાના મઝહબ વિરુદ્ધ ભડકેલાં ભાષાણો કરતાં. ચારેય કોર લોકોનાં ટોળાં નજરે ચડે. અને અમને કામ વગર બહાર ન નીકળવા સૂચના અપાતી. છાપાંઓમાં પણ આવા જ સમાચાર. વાતાવરણમાં ખૂબ ટેન્શન અનુભવાતું.
(રોશની અહમદની બાજુમાં બેસે.) જમતાં-જમતાં અહમદ માત્ર એટલું જ બોલ્યા.
અહમદ: કાલે તને તારા માઈકે મૂકી જઈશ.
રોશની: જમીને અહમદ છાપું વાંચતા’તા ને હું રસોડું સાફ કરતી’તી.
(અહમદ ખુરશી પર બેસી છાપું વાંચવાની ઍક્શન કરે. સામાન્ય પ્રકાશ. રોશની સ્ટેજના એક છેડા તરફ રસોડામાં કાર્ય કરે.
ત્યાં બાજુમાં રહેતો નાનકડો યુનુસ દોડતો આવ્યો. યુનુસ દોડતો પ્રવેશે. ઇસ્લામી પોશાક, માથે ઇસ્લામી ટોપી, આંખો આંજેલી.)
યુનુસ: અહમદચાચા, રુખસાનાચાચી… હમારી સોસાયટી પે હમલા હુઆ હૈ… જાન બચાની હૈ તો ભાગો.
(યુનુસ દોડીને બહાર જાય.)
રોશની: (પોતાના પેટ પર હાથ ફેરવતાં) મારી આ પરિસ્થિતિમાં અમે ક્યાં ભાગીએ? અહમદ દોડીને દરવાજો બંધ કરવા ગયા.
(અહમદ દોડીને દરવાજો બંધ કરવા જાય.)
ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર…
(અહમદ દરવાજો બંધ કરવા જાય ત્યાં હિંદુ માસ્ક પહેરેલું શસ્ત્ર ટોળું ધસી આવે. અહમદને ધક્કો મારી પાડી દે. એક માસ્ક તલવારથી અહમદના ડોકા પર ઘા કરે. અહમદ મૃત અવસ્થામાં. ટોળું જયઘોષનો મૂક અભિનય કરે. ટોળાના અભિનયમાં ચોક્કસ પ્રકારનું નર્તન લાગે.)
રોશની: એ… એ… લોકો હત્યાનો આનંદ લેતા’તા ત્યાં એ…એક જણની નજર મા…મારા પર પડી. (પેટ પર હાથ ફેરવતાં) મારી શારીરિક પરિસ્થિતિ જોઈ તે હસવા લાગ્યો… તે… તેની આંખમાં મોતનું તાંડવ સ્પષ્ટ દેખાતું’તું… મને ઢસડીને તે ડ્રૉઇંગરૂમની વચમાં લાવ્યો.
(એક માસ્ક રોશનીને ઢસડીને મધ્યમાં લાવે. માસ્ક પહેરેલું ટોળું રોશનીની આજુબાજુ વીંટળાઈ વળે. પ્રકાશ માત્ર રોશની પર.)
બે… બે હાથ જોડીને છોડી દેવા હું વિનંતી કરતી’તી… ‘બચાવો… બચાવો’ની બૂમો પડતી’તી… મારી આ પરિસ્થિતિ જોઈને તેમને વધારે જોશ ચડતું’તું… ત્યાં… ત્યાં કો…કો… કોઈએ મારાં કપડા ચીરીને ફેંકી દીધાં.
(ટોળું રોશનીનાં કપડાં ખેંચીને ફાડવાનો અભિનય કરે. રોશની નિર્વસ્ત્ર હોવાનો અભિનય કરે.)
માતૃત્વના આ ઝરણાને નિર્વસ્ત્ર જોઈને કોઈને દયા પણ ન આવી… એ… એ… એટલામાં કોઈએ મારા પેટ પર કચકચાવીને લાત મારી.
(એક માસ્ક રોશનીના પેટ પર લાત મારવાનો અભિનય કરે.)
ને… ને… જમીન પર હું બેબસ આળોટવા લાગી… મારી ચારેબાજુ અટ્ટહાસ્યના અવાજો આવતા’તા…
(ટોળું રોશનીની ચારેય તરફ ચોક્કસ નર્તન પ્રકારે ગોળગોળ ફરે.)
રોશની: (ગભરાયેલ અવાજે) એવામાં… એ…એ…એક આદમીએ…
(એક માસ્ક રોશનીના પેટમાં તલવાર મારે. પછી તલવારની ધાર પર પેટમાંના બાળકને ખેંચી કાઢે.)
રોશની: પે… પે… પેલા છરીકાંટામાં સફરજનનો ટુકડો ભરાવીએ ને તે… તેમ મારા બાળકને… (ધ્રુસકે-ધ્રુસકે રડી પડે) પેલો શૈતાન અટ્ટહાસ્ય કરતો બહાર દોડ્યો અને તેની પાછળ ટોળું…
(તલવાર ઊંચી કરી એક જણ આગળ અને તેની પાછળ આખું ટોળું કંઈક સિદ્ધ કર્યું હોય તેમ ‘જય ઘોષ’ સાથે બહાર દોડે. રોશની ઊભી થાય. સ્વસ્થ થઈને.)
એ દિવસે એ લોકોએ એમનું આદમીપન સિદ્ધ કર્યું. મારું પેટ પકડીને હું આક્રંદ કરતી જમીન પર આળોટવા લાગી. મારી એક બાજુ મારું વર્તમાન મૃત અવસ્થામાં પડ્યું’તું અને મારા ભવિષ્યનો આ પિશાચોએ ભોગ ચડાવ્યો… આમ ને આમ લોહીથી લથપથ ખુદાને યાદ કરતાં-કરતાં ક્યારે બેભાન થઈ તેની ખબર જ ન પડી.
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ઊઠીને રોશનીને પાણી પાય. રોશની પાણી પીએ તે દરમ્યાન ડૉ. નિર્મલા તેના માથે હાથ ફેરવે. ડૉ. નિર્મલા પાણીનો ગ્લાસ લઈને પુન: ખુરશી પર ગોઠવાય. રોશની સ્વસ્થતાથી વાત કરે.)
રોશની: (સ્વસ્થતાથી) હોશ આવ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડી’તી. નજરકેદની જ લગભગ સ્થિતિ. ન મને કોઈ મળવા આવે કે ન હું કોઈને મળી શકું… (પોતાના શરીર તરફ ઇશારો કરીને) જેમ-જેમ શારીરિક વેદના ઘટતી ગઈ ને, તેમ-તેમ અહીં (પોતાના મગજ તરફ ઇશારો કરીને) પીડા વધતી ગઈ. સૂતાં કે જાગતાં મારી આંખો સામે પેલા રાક્ષસો જ દેખાય… મારા… મારા પતિની હત્યા, મારું પેટ ચીરીને મારા બાળકનું કતલ, એ… એ… ખૂની આંખો, એ વિકૃત શૈતાની હાસ્ય… અને સૌથી વધારે મારી કશું ન કરવાની બેબસતા… પરિણામે મારી માનસિક પીડામાં વધારો થયો. વધતા અજંપાને કારણે હું માનસિક સ્વસ્થતા ગુમાવતી જતી’તી… શું કરવું તેની ખબર જ ન પડતી!
પોલીસ ફરિયાદ કરું… માનવ અધિકારને ઇત્તીલા કરું… કાયદાનું રક્ષણ લઉં… પણ હૉસ્પિટલનો સ્ટાફ પણ મારી સાથે વાત તક કરવા તૈયાર ન’તો. મને ખબર પડી ગઈ’તી કે હું એક માણસ નહીં પણ ધર્મનું પ્રતીક માત્ર છું… કે… કે મારું અસ્તિત્વ communal violence ફેલાવી શકે છે. (ડૉ. નિર્મલા સામે જોઈને) પણ દી, આ બધામાં મારો શો વાંક? હું જીવતી રહી એ?
(વિચારીને) મને યાદ નથી ક્યારે પણ એક રાત્રે મને એક હૉસ્પિટલમાંથી લઈ આ હૉસ્પિટલમાં નાખવામાં આવી. આ ટ્રાન્ફરે મારા જીવનને transform કરી નાખ્યું. અહીં બધા મને રોશની પંડ્યા તરીકે ઓળખે છે. આ બિચારાઓને મારા અસલી નામની ખબર જ નથી કારણ કે મારી અસલી ઓળખને એ લોકોએ દફનાવી દીધી છે. અત્યારે હું જે છું તે હું નથી… અને હકીકતમાં જે છે તેના અસ્તિત્વને મિટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે… દી, તમે જ કહો આમાં વધારે શૈતાન કોણ? પેલા ખુલ્લી તલવારે દોડનારા કે ઠંડા કલેજે જીવતાને મિટાવનારા?… મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસા પર કોઈએ લાલ લોહીની પિચકારી મારી. (લાંબો વિરામ)
દી, તમે જ કહો, આમાં પાગલપનના હુમલા આવે કે નહિ? આ સ્થિતિમાં મન ક્યાંથી સ્વસ્થ રહે?
નિર્મલા: રોશની, સારી-ખરાબ એમ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય સાચવી લો ને એટલે સમય તમને સાચવે… (હસીને) જો, તેં આ વાત મને કરી એટલે તારું મન relax થયું ને? (ઘડિયાળમાં સમય જોતાં) અરે… ઓહો, મારા patients રાહ જોતાં હશે. I must go. આપણે કાલે મળીશું. બોલ, તારા માટે શું લાવું?
રોશની: (વિચારીને) દી, તમારે મને કંઈ આપવું જ હોય તો… I want to die… મારી ઇચ્છાથી મારે મૃત્યુ પામવું છે. (ડૉ. નિર્મલા સ્તબ્ધ) આમ રોજરોજ જીવીને મારવા કરતાં એક વાર મરીને જીવી જવું છે. (ઘૂંટણિયે પાડીને) please, દી, help me… help me in dying. (બે હાથ જોડીને રડે)
(પ્રકાશ માત્ર રોશની તથા ડૉ. નિર્મલા પર. ડૉ. નિર્મલા રોશની સામે નિ:સહાય થઈને જુએ. બહાર જાય. પ્રકાશ માત્ર રોશની પર. તે ઘૂંટણભર, બે હાથ જોડીને રડે. અંધકાર.)
દૃશ્ય ૫
(બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.)
નર્સ–૧: આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં?
ડૉક્ટર: યસ. ડૉક્ટર નિર્મલાએ જાદુ કર્યો છે. By the way, એનો પલ્સ રેટ ચેક કરો તો?
નર્સ–૧: (પલ્સ રેટ ચેક કરતાં-કરતાં રોશનીના ચહેરા સામે જોઈને) તૈણ વર્ષે આ ચહેરા પર શ્યોન્તી જોઈ, મેડમ… પલ્સ રેટ ૮૦ પર મીલીટ. (નર્સ–૧ રોશનીના ઓવારણાં લે)
ડૉક્ટર: એકદમ perfect condition.
(ડૉક્ટર ફાઇલમાં નોંધ કરે. નર્સ–૧ ટેબલનું ખાનું ખોલી ઇન્જેક્શન તથા શીશી બહાર કાઢે.)
ડૉક્ટર: (નર્સ–૧ને) હવે તેની જરૂર નહીં પડે, સિસ્ટર.
(રોશની જાગ્રત થાય. પથારીમાં બેસીને ડૉક્ટર તથા નર્સ–૧ને ‘ગુડ મૉર્નિંગ’ કહે. બન્ને હસીને જવાબ આપે. રોશની ઊભી થઈને ખુરશી પર બેસે. ડૉક્ટર રોશનીની પાસે આવીને માથે હાથ ફેરવે.)
ડૉક્ટર: You look better, રોશની. બરોબર ને!
રોશની: હંમમ… આજે ઘણા વખતે ગમતી સવાર પડી છે.
(ડૉ. નિર્મલા પ્રવેશે. હાથમાં carry bag.)
નિર્મલા: (હસીને) Good morning, all.
(ત્રણેય જણા પ્રત્યુત્તર આપે. ડૉક્ટર ફાઇલ બંધ કરી ટેબલ પર ગોઠવે.)
ડૉક્ટર: (ડૉ. નિર્મલાને) Her pathological condition is perfect today. (નર્સ–૧ને) સિસ્ટર, રોશનીને જમ્યા પછી બે વાગે ટેસ્ટ માટે લઈ જવાનાં છે. Keep her ready. (ડૉ. નિર્મલાને) ડૉ. નિર્મલા, I have to continue my routine. Excuse me. (જાય છે.)
નર્સ–૧: (ટેબલ પર ઇન્જેક્શન, શીશી તથા અન્ય તમામ વસ્તુઓ લઈને જતાં-જતાં ડૉ. નિર્મલાને) ડૉક્ટર બુન, (રોશની સામે ઇશારો કરીને) તમારો ખુબ આભાર. (જાય છે.)
(રોશની અને ડૉ. નિર્મલા વચ્ચે અજંપાભરી શાંતિ. રોશની ડૉ. નિર્મલા સામે જોયા કરે. ડૉ. નિર્મલા અજંપાભરી રીતે આંટા મારે. અન્તે તે રોશની પાછળ જઈને તેના ખભે હાથ મૂકે.)
ડૉ. નિર્મલા: Look રોશની… તારી ઇચ્છા હતી ને એટલે આ લાવી છું. (Carry bagમાંથી ઇન્જેક્શન બહાર કાઢે) કેટોટીફેન. તારા કોઈ પણ muscleમાં આપીશ એટલે આઠ-દશ મિનિટમાં તારી ઇચ્છા પૂરી… happy? આપણા દેશમાં ઇચ્છામૃત્યુ કાયદાકીય અપરાધ છે… પણ તારી પરિસ્થિતિ જોતાં આ અપરાધ પણ… (રોકાય છે.) (ટેબલ પર ઇન્જેક્શન મૂકતાં) ખેર, તારા જીવનનો તું અન્ત લાવ તે પહેલાં એક વાત તારે જાણવી જરૂરી છે… (પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર) પેલા ઘૂઘવતા અફાટ મહાસાગરમાં એકલું, અટૂલું જહાજ તોફાન, વરસાદ, વાવાઝોડાં વચ્ચે એકલું જ ઝઝૂમે છે. એણે પોતાની જ સહાય કરવાની છે. મધ્યરાત્રીના અંધકારમાં દૂર દીવાદાંડીનો ટમટમતો દીવડો તેને ખાતરી આપે છે કે… કે તે જહાજ સાચા રસ્તા પર છે… રોશની, તું પેલો દીવડો છે. આ સમાજનાં વમળોમાં, તોફાનોમાં, વાવાઝોડાંમાં અટવાયેલાં અસંખ્ય માનવો આવા દીવડાના અજવાળે પોતાનું જીવન તરી જાય છે… તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે. એ લોકો પોતાના અસ્તિત્વ અને માનવતાને ટકાવી રાખવાના ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે… એ બધા લોકો તારા જેવા સામે મીટ માંડીને બેઠા છે. તું મૃત્યુ પામીશ ને એટલે એમની આશાઓ પણ મૃત્યુ પામશે. (સામાન્ય પ્રકાશ. Carry bagમાંથી કાગળ અને પેન કાઢીને) દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ… કાગળ અને કલમ. તારી આખી ઘટના આમાં ઉતારી દે અને લોકોમાં જીવન જીવવાનો જુસ્સો જગાડ.
(ડૉ. નિર્મલા કાગળ-પેન ઇન્જેક્શનની બાજુમાં મૂકે તથા carry bag પોતાની પાસે રાખતાં…)
(રોશનીને) Choice is yours. Good luck. (જાય છે.)
(રોશની ઇન્જેક્શન ઉપાડે તથા સ્ટેજના મધ્યમાં જાય. ચહેરા પર હાસ્ય. ઇન્જેક્શન ખોલીને હાથમાં આપવા જાય. ત્યાં તેની નજર કાગળ-પેન પર પડે. પ્રકાશ માત્ર રોશની તથા ટેબલ પર. દ્વિધામાં શું કરવું તેની ખબર નથી પડતી. હાથમાં ઇન્જેક્શન આપવા જાય છે ત્યાં ડૉ. નિર્મલાનો voice over – ‘તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે’, ‘રોશની, તું પેલો દીવડો છે’ સંભળાય. રોશની શું કરવું તે નક્કી નથી કરી શકતી. તે વારંવાર ઇન્જેક્શન તથા કાગળ-પેન સામે જોયા કરે. અન્તે ઇન્જેક્શન ફેંકી ઘૂંટણભર બેસીને બે હાથ વચ્ચે મોં છુપાવીને રડે. થોડી વાર પછી શાંત થાય તથા આંસુ લૂછતી-લૂછતી ટેબલ પર બેસે. પેન હાથમાં લઈને કાગળ પોતાની તરફ ફેરવી વિચારે. પ્રકાશ માત્ર રોશની પર. થોડી વાર પછી લખવાનું ચાલુ કરે. એક લીટી લખ્યા પછી માથું ઊંચું કરી અંધકાર સામે તાકીને બોલે ‘હું, રોશની પંડ્યા…’ પુન: લખવાનું ચાલુ રાખે. થોડી વાર પછી સ્થિર. અંધકાર.)