પરકીયા/વિરતિ
સુરેશ જોષી
હજારેક વરસ ના જીવ્યો હોઉં જાણે
ખડકાઈ હૃદયમાં સ્મૃતિઓ અસંખ્ય
હિસાબની ખાતાવહી, કાપલીઓ કવિતાની,
પ્રેમપત્રો, કોરટના કામકાજતણા દસ્તાવેજ,
સસ્તી પદ્યકથા, વળી રસીદમાં વીંટાળેલા કેશ –
આ બધાંથી ખીચોખીચ ભરેલા કો પટારાથી વધુ
છુપાવે છે રહસ્યોને અભાગી મસ્તક મારું.
પિરામિડ એ છે જાણે, કે કો મોટું કબ્રસ્તાન,
દટાયાં મુડદાં એમાં જેટલાં ના ક્યાંય કો સ્મશાને.
ચન્દ્ર પણ કરે અવહેલા, વળી કીટ ખદબદે
જે છે મને પ્રિય તેને ભક્ષી પુષ્ટ બને,
ગતયુગતણું છું હું કોઈ વસ્ત્રાગાર
કરમાયાં પુષ્પો તણી પુરાઈ રહી છે જેમાં વાસ
અહીં તહીં ફેંકાયાં છે વસ્ત્રો જેમાં જર્જરિત
બંધ કો સુગન્ધી દ્રવ્ય તણા પાત્ર જેવો.
નથી કશું દીર્ઘ અરે ખોડંગાતા પંગુ દીન સમ
રુષ્ટ ઔદાસીન્યતણા પરિપક્વ ફળસમી વિરતિ
હિમાક્રાન્ત સમયથી જ્યારે બને શાશ્વતી કો સમા.
આજ થકી હે પદાર્થ પ્રાણવન્ત, જોઉં તારું રૂપ
જાણે કોઈ શિલાખણ્ડ અજાણ્યા કો ભયે છન્ન
ધૂસર સહારા નીચે ડૂબેલી ઉદાસ જીર્ણ સ્ફિન્ક્સ
ઉદાસીન વિશ્વને અજાણ, નહીં નક્શામાં જેને સ્થાન
સૂર્યાસ્તના રંગે માત્ર ગાય જે વિષણ્ણ ગાન.