અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/સળગતી હવાઓ

Revision as of 07:59, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સળગતી હવાઓ

સરૂપ ધ્રુવ

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો!

હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું;
મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો!

અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું,
તિરાડોની વચ્ચેનુ અંતર નિરંતર, તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો!

સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેલીમાં કરવતનું કૌવત કસું છું;
પછી કાળી રાતે, અજગર બનીને, મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો!

નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો!
પણે દોર ખેંચાય, ખેંચાઉં છું હું, અધવચ નગરમાં વસું છું હું, મિત્રો!

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો!