અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ જોષી/આજે તારો કાગળ મળ્યો

Revision as of 12:32, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આજે તારો કાગળ મળ્યો

મૂકેશ જોષી

આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો.

એક ટપાલી મૂકે હાથમાં... વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર,
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી ફળ્યો. ...આજે.

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘લે મને પી જા હે કાગળ!’ પછી માંડજે વાત,
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો. ...આજે.

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે.
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો. ...આજે.
(કાગળને પ્રથમ તિલક, પ્ર. આ. ૧૯૯૯, પૃ. ૧૦)