મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ મહેતા

Revision as of 06:17, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs)


૯.નરસિંહ મહેતા

રમણ સોની

નરસિંહ મહેતા લોકહૃદયમાં વસેલા આપણા પહેલા ઉત્તમ કવિ. એમણે આપણને લયસંસ્કાર અને ભક્તિસંસ્કાર એકસાથે આપ્યા. સદીઓથી ગુજરાતની બહોળી શ્રમશીલ પ્રજાનું પ્રભાત નરસિંહનાં પદોથી ઊગતું રહ્યું ને ભક્તિ-જ્ઞાનનો સંચાર થતો રહ્યો. પ્રેમલક્ષણા ભક્તિની તલ્લીનતા અને તત્ત્વદર્શનની ઊંડી સમજને એકરૂપ કરતી નરસિંહની પ્રતિભા એક મોટા કવિની પ્રતિભા છે. લોકજીભે સચવાયેલાં એમનાં અનેક પદોમાંથી ૧૫૦૦ ઉપરાંત પદો મુદ્રિત થયાં – એમાંનાં કેટલાંક એમને નામે ચડાવેલાં પણ હશે, પણ ખરી નરસિંહમુદ્રાવાળાં પદો પણ ઓછાં નથી. એ પદોમાં કૃષ્ણલીલા-ગાન છે, કૃષ્ણકેન્દ્રી પ્રેમોર્મિ અને પ્રેમશૃંગાર છે, એમાં જ્ઞાન, ભક્તિ અને પ્રબોધ છે. એમણે ‘સુદામાચરિત્ર’ આખ્યાન રચ્યું, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારપ્રસંગ – એવા જીવનપ્રસંગો પરની લાંબી કૃતિઓ પણ લખી. એવું એમની કવિતાનાં વૈવિધ્ય અને વ્યાપ છે. એ રીતે પણ નરસિંહ આપણા એક પ્રથમ હરોળના કવિ છે.