સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/નામની પીડા

Revision as of 08:57, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અક્ષરધામના હત્યારાઓને સજા થવાથી મારી જેવા દરેક માનવતાવાદી રાજી થાય જ. પણ સાથે સાથે મારી અંદરનો સાચો હિંદુસ્તાની જીવ એવી માગણી ચોક્કસ કરે કે એની પહેલાં થયેલાં નરોડા પાટિયા કે ગુલમર્ગ સોસાયટી કે એવા તો ઘણાય હત્યાકાંડ… વગેરેની સજા ક્યારે થશે? આ બધા બનાવના આંખે દેખ્યા સાક્ષીઓ છે, એમાં કયાં મોટાં માથાંઓ જાતે હાજર હતા એ દુનિયા આખી જાણે છે, છતાં આ બાબતે કંઈ જ નથી થયું એનું શું? મારા માટે દરેક હત્યાકાંડમાં મરનાર ‘માણસ’ જ હોય છે. હું એને હિંદુ કે મુસ્લિમના ખાનામાં વહેંચી શકતી નથી. મારા માટે દરેક આતંકવાદી માત્ર હત્યારો છે. એને કોઈ ધર્મ નથી. ઇન્સાનિયતના દુશ્મનોને કોઈ એક કોમનું નામ હોય એના કારણે આખી કોમને ભાંડવી એ ક્યાંનો ન્યાય? પછી તો એક શ્વાસે ગાયત્રી મંત્ર બોલનાર, હનુમાન ચાલીસા જપનાર, ભજનો-કીર્તન ગવડાવનાર, ‘ગીતા’નું તત્ત્વજ્ઞાન જાણનાર, ‘રામાયણ’-‘મહાભારત’ પર વ્યાખ્યાન આપનાર શરીફાને પણ એના નામની સજા થાય જ. મને ધરાર ઘર નહીં આપનારાને પછી હું ખોટા કઈ રીતે કહું? લોકો જો વ્યક્તિના નામની સજા આખી કોમને આપતા હોય, તો મારી દેશભક્તિ પુરવાર કરવા બાબતે મારે શું કરવું? સતત શંકાની સોયનો ભોગ બનનારા, મુસ્લિમ નામની પીડાને સાથે લઈને ફરનારા અમારી જેવા કઈ રીતે રોજ થોડું થોડું મરીને જીવીએ છીએ એ જાણો છો? તમારી જેટલી જ તીવ્રતાથી આતંકવાદને હું પણ ધિક્કારતી હોઉં છતાં મારી હાજરીમાં લોકો વાત ન કરે, કરતા હોય તો મારા પ્રવેશવા સાથે મુંગા થઈ જાય… આની પીડા કેવી હોય તેનું અનુમાન કરી શકો છો ખરા? મારી જેવા કેટલાંય આ નામની પીડાનો ભોગ બનતાં હશે એ બાબતે કદી વિચાર કર્યો છે તમે? [‘નિરીક્ષક’ પખવાડિક : ૨૦૦૬]