આત્માની માતૃભાષા/51

Revision as of 05:06, 18 December 2021 by MeghaBhavsar (talk | contribs)


‘મૂળિયાં’ — ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ

સુમન શાહ


લોકો કહેતા: ઝાડ છે.
એમને મન અમે ન હતાં.
લોકો કહે છે: ઝાડ નથી.
એમને મન અમેય નથી.
અમે હતાં, અમે છીએ.
અમે તો આ રહ્યાં.
રસ કો ધસી અમોમાં
ઊડ્યો આકાશે.
ધબકતો સ્થિરવત્ ફુવારો.
કિરણોનો કસ અમે ચૂસ્યો અંધકારમાં,
નસનસમાં ઘૂમી વળ્યો હવાનો મહાસમુદ્ર,
પાંદડાંનાં પોપચાં મિચકાવતાં હસી રહ્યાં
અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં
એકમેકનેય અહીં ખબરે ના પડે તેમ.
હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના.
આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર.
તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી.
હવે ધૂળિયાં,
અમે મૂળિયાં.

સ્ટુટગાર્ટ, ૨૯-૧૦-૧૯૭૧


ઝાડનાં મૂળિયાં આત્મકથા કહે છે. એટલે વાત વધારે શ્રદ્ધેય બની છે, રચના વધારે આસ્વાદ્ય બની છે. પ્રારંભે જણાવે છે કે લોકો એમને કેવી રીતે ઘટાવે છે: બે રીતે ઘટાવે છે: બને કે લોકો ઝાડ છે એટલું જ કહે. ઝાડ મૂળિયાં સમેત છે કે મૂળિયાંને લીધે છે એમ ન જુએ. ત્યારે એવું જ બનેલું. મૂળિયાંને ખોટું લાગેલું, તે કહ્યું: ‘એમને મન અમે ન હતાં.’: ઝાડ એકલાંનો સ્વીકાર, તો અધૂરો સ્વીકાર. બીજા લોકો એમ કહે કે ઝાડ નથી. બીજી વાર એમ બન્યું. મૂળિયાં તરત બોલ્યાં, તો, ‘એમને મન અમેય નથી.’ ઝાડનો જ અસ્વીકાર, એટલે તો મૂળિયાંનો જ અસ્વીકાર. લોકોને મન મૂળિયાંની વિસાત જે હોય એ, એમને પોતાને તો છે. ઝાડ હોય, ન હોય, મૂળિયાં તો હોય જ! એટલે તો કહે છે: ‘અમે હતાં, અમે છીએ. અમે તો આ રહ્યાં.’ આ રહ્યાં કહીને પોતાને ચીંધતાં મૂળિયાંએ જ જાણે રચનાની બીજી કંડિકા પ્રગટાવી આપી. હવે મૂળિયાં પોતાના જીવનની ગતિવિધિને આકારતાં હોય એમ કહે છે, ‘રસ કો ધસી અમોમાં ઊડ્યો આકાશે. ધબકતો સ્થિરવત્ ફુવારો.’ ‘રસ કો ધસી’ કહેવાથી ધરાના અંતરાલમાં ચાલતી ગુપ્ત પ્રક્રિયાનો નિર્દેશ આપી શકાયો છે, પણ એ રસને ‘કો’ કહીને એનું નામ નથી પાડ્યું. કેમકે એ કયો કે કેવો તે ચોક્કસ ન હોય. પ્રકૃતિના રહસ્યને પામવાની એ તો રીત છે. નિર્દેશ અને અસમંજસતાનું એ સાયુજ્ય કાવ્યોપકારક ગણાય. ધરાનો રસ મૂળિયાંમાં ધસીને આકાશે ઊડ્યો છે. એ પણ એટલા જ અદૃશ્ય ઘટપટનો કાવ્યાકાર છે. રસ-મૂળનું આકાશે ‘ઊડવું’ તે શું? ઝાડનું પ્રાગટ્ય! ઝાડ પોતે! મૂળિયાંનું સ્વરૂપાંતર! ધરાથી આભ લગીનું પ્રતિફલન! પણ આત્મકથાકાર મૂળિયાં ઝાડને ફુવારો પણ કહે છે, કેમકે એનો ચોપાસ પ્રસાર છે. જોકે ઝાડ ઝાડ છે તેથી એમને ‘સ્થિરવત્’ લાગ્યું છે, જોકે ‘ધબકતું’ પણ લાગ્યું છે. જાતનું એવું સર્વાર્થ ગૌરવ કરતાં એ સંકોચાયાં નથી, છતાં વાત એ રીતે કરે છે જાણે કોઈ બીજાંની કરતાં હોય. વાતમાં પોતે જાણે છે જ નહીં! જાણે પોતે ધરાના રસને આકાશે પહોંચાડવાનું માત્ર સાધન કે ઉપકરણ હોય! અગાઉની એમની અમે હતાં — અમે છીએ — અમે આ રહ્યાં પ્રકારની આપબડાઈ આ વિનમ્રતા પાસે ઓગળતી અનુભવાશે. જાણીતું છે કે આપકથા ખાલી સુખકથા કરવાને નથી હોતી, કરનારે કશી ઊંડી વ્યથા પણ અનુભવી હોય છે. મૂળિયાંએ પણ અનુભવી હોય. તો એમણે એ કરવી જોઈએ: કહે છે, પોતે કસ ચૂસ્યો. પણ કોનો? તો કે કિરણોનો. ક્યાં? તો કે અંધકારમાં. કસ કિરણોનો, ઉત્તમોત્તમનો, પણ અંધકારમાં રહીને, એટલે કે, સંપ્રાપ્ત અવસ્થામાં રહીને. એને એમના જીવન-પુરુષાર્થની વિશેષતા કહેવાય. એ વિશેષતા અહીં આપોઆપ રેખાંકિત થઈ જાય છે. પોતે ધરામાં બંધ, કિરણોથી સુયુત, છતાં હવાથી વિમુખ નથી રહ્યાં. બલકે એમણે હવાના ‘મહાસમુદ્ર'ને ‘નસનસમાં’ ઘૂમી વળતો અનુભવ્યો છે. આપણને ખબર છે કે મૂળિયાંના જાત-બંધારણમાં રસ અંધકાર પ્રકાશ અને વાયુ છે. એ બંધારણનું એ બે પંક્તિમાં કાવ્યસહજ રૂપાંતર છે અને દેખીતું છે કે તે ઘણું આસ્વાદ્ય છે. જાત-બંધારણે જેઓ આટલા નરવા, પ્ર-ફુલ્લ, હોય તે સદા હસતા રહે એમાં શી નવાઈ? મૂળિયાં કહે છે, અમે ‘પાંદડાંનાં પોપચાં મિચકાવતાં હસી રહ્યાં.’ પાંદડાં પલ પલ થતાં હોય છે, જેથી ઝાડ નિત્ય-પ્રસન્ન દીસતું હોય છે, પણ મૂળે એ મૂળિયાંનો પર-ઉપકારી પ્ર-તાપ છે. મૂળિયાં એવાં સ્વનામધન્ય, કહો કે જાતધન્ય હતાં. તોય, શી ખબર, ‘ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં.’ શું બબડ્યાં? કેટલું? નથી ખબર, અથવા, કહેવું નથી. પણ, બબડી રહ્યાં કહેવાથી જ ઘણું કહેવાઈ જાયને! બબડ્યાં એટલે ફરિયાદ કરી, આભને કરી, પણ ફરિયાદ પોતા માટે કરી કે કેમ, તે ન કહ્યું. હોબાળો ના મચાવ્યો. એટલે લગી કે એની ‘એકમેકનેય’ ખબર પડી નહીં! મતલબ, મૂળિયાંએ ઝંડાઝૂલણ ન કર્યું, સંયમી રહ્યાં. તેમ છતાં, પ્રજ્ઞાપરાધ ન કર્યો — બબડ્યાં તો ખરાં જ, વળી, આભ આગળ. એમની એ લાક્ષણિક સમ-પ્રજ્ઞતા પણ અહીં આપોઆપ રેખાંકિત થઈ જાય છે. મૂળિયાં મૂળે તો રસ કસ ને હવાની ભીંસમાં હોય છે, પણ ‘બબડ્યાં’ એટલે ભીંસ વધી. ‘કૈં’ બબડ્યાં તે સંભવ છે કે સામાને આધાર આપવાને, એટલે પણ ભીંસ વધી. એમ કરવા જતાં, પોતે જ ‘નિરાધાર’ થઈ ગયાં, એટલે પણ ભીંસ વધી. કહે છે, ‘આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર.’ (‘આપવાનું જતાં'—માં મને છાપભૂલ લાગે છે. આપવા —’નું'—ન હોઈ શકે. ૧૯૮૧ પછીની અન્ય આવૃત્તિમાં જોઈ શકાય.) ‘તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી’ ઉદ્ગાર સૂચક છે: એથી મૂળિયાંના જીવનની સાર્થકતા અને, હવે શું — પ્રકારની નિરાશા, બંને સૂચવાય છે. એવું સંમિશ્ર પર્યવસાન અનુભવતાં એ, પોતાને ‘હવે ધૂળિયાં’ સિવાયનું શું કહી શકે? આત્મકથાની એ તો અવધિ છે! કોઈ પણ આત્મકથાની! ધરા-આભ ને મૂળ-ધૂળની વાત એટલી જ માણસની પણ છે. ઉમાશંકરનાં ‘મૂળિયાં’ સૂચવે છે કે અન્યને સમજપૂર્વકનો આધાર આપતાં ખપી જવું તે અને તેટલો જ જીવનધર્મ છે. કવિને પ્રકૃતિ સાથે પ્રશ્નરૂપ મનુષ્યકૃતિને મૂકવાની સહજ ટેવ હતી, તેનું આ રચના એક ઑર નિદર્શન છે. કવિ ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દ-મૂર્તિ ઘડી જાણતા, તેનું આ રચના સુ-દૃષ્ટાન્ત છે. એની સાદી સરળ બાની છેતરામણી છે. ગેરલાભનો સંભવ એ છે કે ઉતાવળિયાઓ ઘણું ચૂકી જાય, આખેઆખું પણ ચૂકી જાય…