અલ્પવિરામ
કાવ્યો
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત્ નસે નસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
કવિ
લાગ્યું હવે તો મૃત, લૈ સ્મશાને
ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો
ને આગ મેલી, સહસા જ જાગ્યો
વંટોળિયો, ડાઘુ થયા અલોપ,
બેઠો થઈ એ, ક્ષણમાં જ, માનવી
પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.
રૂપ
એવું રૂપ નીરખ્યું મેં નમણું,
એક પલકમાં સાચ થઈ ગયું સમણું!
એવાં ઘેર્યાં છે કૈં ઘેને,
આ મુજ ચકિત ચકિત બે નેને
અવ હું નીરખું જેને જેને
તે તે સઘળું સુન્દર લાગે બમણું!
અવ નહીં સૂધ કે સાન
કે નહીં જ્ઞાનગુમાન,
જેને સઘળું એકસમાન
તેને તે અવ શું ડાબું શું જમણું?
આ નયનો
આ નયનો,
સત સમણાંનાં શયનો!
અભ્રહીન શારદનભનીલાં,
એ જ વળી વર્ષાથી વીલાં,
ગ્રીષ્મ વસંત ઉભયની લીલા,
પ્રગટ ઐક્ય, લય દ્વયનો!
એક હસે તો અન્યે રોવું,
એક ઝરે જલ અન્યે લ્હોવું,
છતાં ઉભયથી ઊજળું જોવું
સકલ વિશ્વ, શાં ’ડયનો!
કરોળિયો
નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ?
અને નીરખવા યથાવત ચહે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી
ગ્રથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી;
કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી;
જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત, કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી;
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.
મોર
કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને);
પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત ર્હે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક!
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;
અનન્ય રસરૂપરંગસ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?) :
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.
પાઠાન્તર
— કવિ!
— કહો, શું છે?
— નહીં, નહીં, જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે?
— વાત કંઈ નથી નવી!
— ભલે, તો લે પૂછું : તારે કેટલી છે પ્રિયા?
— પૂછ્યું, વાહ! બોલો હવે, ગણાવું હું નામ કિયાં કિયાં?
— બસ, બસ,
હવે નથી રસ;
પણ તારે જેટલી છે પ્રિયા
નથી એટલાં તો હિયાં!
— ઘેલા છોને! આ તો સહુ પાઠાન્તર, અસલ જે નામ...
— કયું?
— મારેય તે શોધવું જ રહ્યું!
જાણ્યા છતાં કવિ શું હું થયો હોત આમ?
પ્રતીતિ
અચાનક જ આમ આ પ્રગટ એક આનંદની
ઘડી, દિન અનેકનું સતત મૌન મારું શમે,
ક્ષણેક અવકાશમાં વિહગ સ્હેજ આવી રમે,
યથા વિજનમાં સુણાય પગલાં, કડી છંદની.
ક્ષણેક મુજ શક્તિ તો પરમ કોઈ સર્જક સમી,
અનેકવિધ વિશ્વ હું અવ રચું, ઉથાપું અને
ફરી રચું, ઉથાપું, કોણ પૂછનાર સત્તા મને?
સ્વયં વિધિ પરેય તે વિજયપ્રાપ્તિની તક સમી.
ન આજ લગ હું હતો મૃત, ન’તો ત્યક્ત હું,
સગાં, સ્વજન, મિત્ર પાસ રસ, પ્રેમ લૂંટ્યો હતો,
અને જગત નિંદતાં પણ ન ક્યાંય ખૂટ્યો હતો,
વળી કુદરતે હતો પ્રથમથી જ આસક્ત હું!
ઋણી છું સહુનો, છતાં ન ક્ષણ આ તમા અન્યની,
પ્રતીતિ મુજને મળી સકલ આત્મચૈતન્યની.
તંત્રીને પ્રત્યુત્તર
‘વિલંબ કરશો ન, કાળ મૃગફાળ શો ધાય છે.’
નિમંત્રણ મહીં લખ્યું, પણ કલારહસ્યો સહુ
તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહુ?
છતાંય કહું : કાળનો વિજય કાળથી થાય છે.
પ્રેમનું ગીત
હું પ્રેમનું ગીત હવે રચીશ,
રે પ્રેમ ક્યાં વ્યર્થ કર્યો જ ગીતને
મેં મૌગ્ધ્યથી આજ લગી અતીતને?
હું પ્રેમનું ગીત હવે રચીશ.
આ ગીતમાં કિંતુ હવે ન મૂકવો
કો અલ્પ કે પૂર્ણ વિરામ, ચૂકવો
ક્યારેક ક્યારેક (ન શોચ) પ્રાસને
ને છંદનેયે–
સર્જકતા
આ માનવીદેહ તણા સલાટે
સેવ્યું હશે સ્વપન જે ઘડી પૂર્ણ ઘાટે
ઉતારવા સર્જન કોઈ ધન્ય
સર્જી તને, પ્રિય, તદા અશી તું અનન્ય!
ને એટલેથી પણ એહ તૃપ્ત
જાણે થયો નહિ જરી, પ્રિય, એમ ગુપ્ત
અર્પી તને સૌ રસરૂપરંગે
સંપૂર્ણ તે નિજ કલા, તવ અંગઅંગે
હજીય એ સર્જકતા છ વ્યાપ્ત
કે થાય જ્યાં, પ્રિય, મને તવ સ્પર્શ માત્ર
શૂન્યત્વમાં જે મુજ લુપ્ત ગાત્ર
અસ્તિત્વ એ સકલને ફરી થાય પ્રાપ્ત.
પાર ન પામું
તારો પાર ન પામું, પ્રીત!
મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત!
એવું શું તેં કવ્યું?
જેથી ઉભયનું ઉર દ્રવ્યું,
મારું કરુણ જલ બન્યું ને એનું કોમલ સ્મિત.
વસમી તારી વાતો,
મારી નીંદરહીણી રાતો,
એનાં તે સૌ સમણાંમાં હું ભ્રમણા કરું નિત.
એક ઘડી
પરિપૂર્ણ પ્રણયની એક ઘડી,
જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.
એના સહજ સરલ સૌ પ્રાસ,
જાણે જમુનાતટનો રાસ;
એનો અનંતને પટ વાસ,
અણજાણ વિના આયાસ જડી.
એનો એક જ અંતરભાવ,
બસ ‘તુંહી, તુંહી’નો લ્હાવ,
એ તો રટણ રટે : પ્રિય, આવ,
આવ, અવ આવ અંતરા જેમ ચડી!
ચિરતૃષા
સુરાપ્યાલી
હોઠ લગી લઈ જઈ કહું :
‘જોઈને આ લાલી,
હવે લહું...’
‘બસ, હવે બસ,
વધુ નથી રસ;
અહીં ઉત્સવનો અંતકાલ,
વિદાયની વેળા, ચાલ...’
અને એમ સુરાસિક્ત અધરની કને
અધર બે ઝૂમે, જાણે મધુમત્ત અલિ;
એ જ ક્ષણે કોઈ અણજાણ વને
મોરે ઓ રે! દ્રાક્ષની રે શત શત કલિ!
શેષ સ્મરણો
અરે ઘેલા હૈયા,
જુઓ પેલી નૈયા ક્ષિતિજ પરથી પાર સરતી,
તરલ ગતિ સંચાર કરતી!
સઢો કેવા ફૂલ્યા,
ઢળી એમાં ઝૂલ્યા પવન, પળમાં તો વહી જશે
સપન સરખી, હ્યાં નહીં હશે.
છતાં ઝૂમી ઝૂમી
નિહાળો છો ભૂમિ, પ્રિયચરણ જ્યાં અંકિત, વ્રણો
મિલનપળના, શેષ સ્મરણો.
અરે ઘેલા હૈયા,
સરે પેલી નૈયા નયનપથથી, ઓ... સરી ગઈ,
પવનલહરી રે હરી ગઈ.
હવે એની એ રે,
અહીં વ્હેતી લ્હેરે, વિજન તટપે વેળુકણના,
પ્રિયચરણનાં ચિહ્ન પણ ના.
માનુનીને
હે માનુની, હ્યાં જડતા ધરીને
પાષાણ છે જે તુજ પાસમાં પડ્યો,
જે રુક્ષતા અંતર સંભરીને
જણાય છે નિત્ય કઠોર શો ઘડ્યો;
કાલાંતરેયે કદી કોઈ કાળે,
ઉત્ક્રાંતિના આ ક્રમમાં, અજાણ
એ મંજરી થૈ મૃદુ કોઈ ડાળે
પ્રફુલ્લશે, પથ્થરમાંય પ્રાણ;
એ ભાવિના પંથપ્રયાણને વિશે
પળી, હવે કૈંક વિકાસલ્હાણે
પડ્યો અહીં છે તુજ પાસમાં દીસે;
સંભાળ, જાણે અથવા અજાણે
એને જરી ચરણ રે તવ જો, અડે ના;
ને ભૂતકાલ નિજનો સ્મરણે ચડે ના!
મિલનોન્મુખીને
પળેપળ ઢળે લળે લલિત લોચનો, પંથને
વિમુગ્ધ વયની નરી રસિકતાથી રંગી રહે;
અને ઉર ઉદાસ અન્ય ક્ષણ જ્યાં અસૂયા દહે,
વદે વિકલ, ‘પંથ આ પ્રથમ સ્પર્શશે કંથને.’
પ્રપૂર્ણ, મિલનોન્મુખી, હૃદયપાત્ર છે પ્રીતિથી,
અપાર તુજનેય તે પ્રણયમાંહી વિશ્વાસ છે;
કશું અવ કહું તને? અધર એટલે હાસ છે,
પરંતુ અણજાણ તું પ્રણયની જુદી રીતિથી.
લહ્યો પ્રણયથી કદાપિ પરિતોષ પ્રેમીજને?
નથી કદીય એહની હૃદયપ્યાસને પાજ, ન
સદાય બનશે તું ત્યાં ચરમરોષનું ભાજન?
હજીય પ્રિયનું ન આગમન, કાળ તારી કને
અસીમ, તવ પંથનેય પણ કોઈ સીમા નથી;
હજીય મુખ ફેરવી નયન વારી લે માનથી!
તને જોવાને જ્યાં —
તને જોવાને જ્યાં નયન પરના પક્ષ્મ-પરદા
ઉપાડું છું, – જાણે ઘનતિમિરઘેરી પૃથિવીની,
ઉષાકાલે, જોવા અધિક સુષમા, પૂર્વરવિની
પ્રકાશે આંજેલી અભિનવ ખુલે દૃષ્ટિ વરદા.
તને ત્યાં તો ન્યાળું પલપલ નિરાલી, નિત નવી,
લહું તારા પૃથ્વી જલલહર ને વાયુ સરખી,
બધાં ચાંચલ્યોમાં અતિવ તુજને ચંચલ સખી;
ઉરે ના અંકાતી અસલ તુજ શી રે તુજ છવિ.
અને ત્યારે પાછા નયન પરના પક્ષ્મ-પરદા
પડે, ત્યાં તો શી સત્વર અચલ અંધારમહીં રે
રહસ્યોની સૃષ્ટિ સરલ ઉઘડે, સ્પષ્ટ લહી રે
તને ત્યાં તો, ન્યાળું અસલ જ, જહીં તું તું જ સદા !
કશી અંધારા શી અવિચલ તહીં તું વિલસતી !
અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી !
(મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી)
તને જોઈને
તને જોઈને તો શિશુક વયનાં મુગ્ધ સમણાં,
પરીની વાતોનાં, અરબ દુનિયાનાં, મૃત સમાં
હતાં તે સૌ આજે સ્મરણપટથી જાગ્રત સમાં
નિહાળું છું દૃષ્ટિ સમીપ કરતાં મૂર્ત રમણા.
અકલ્પી કેવી આ મિલનક્ષણ! મારા વ્યતીતને,
વીતેલાં વર્ષોને પુનરપિ જહીં જીવન મળ્યું;
સુધાનું સોહાગી સુભગ તવ સંજીવન ઢળ્યું,
ભવિષ્યે બાંધ્યો ત્યાં પલકમહીં મારા અતીતને.
કશો તારે તે સાંપ્રત? નહિ, નહીં દેહ તુજને,
મહા કો સ્રષ્ટાના સૃજનનિધિની રે સહ ચૂમી
રહી છે હ્યાં જે આ મુજ હૃદયની કલ્પનભૂમિ
તહીં ચાંચલ્યોમાં નિત પ્રગટતી નવ્ય સૃજને
કશી સોહે છે તું વીનસ સરખી સંગમતટે!
સદા તુંહી તુંહી પ્રણયતરસ્યું અંતર રટે.
નથી નીરખવી ફરી
નથી નીરખવી ફરી, પ્રથમ તો નિહાળી ક્ષણે–
ક અર્ધ ક્ષણ વા, વિશાળ નગરી વિશે; બાળતી
બપોર ભરગ્રીષ્મની, સઘન છાંય ત્યાં ઢાળતી;
વિલોલ નિજ વક્ષપાલવ હિલોલતી, જે વણે
કશો કસબતાર તપ્ત હળવી હવામાં, પલે
પલે રસિક ચિત્ર નેત્ર મુજ જે હજીયે લચ્યું;
ત્વરિત્ ગતિ જતી હતી, વિજન શૂન્ય કેવું રચ્યું
અસંખ્ય જન ભીડમાં, મધુર મૌન કોલાહલે.
તને પ્રથમ વાર આમ નીરખ્યા પછી હું ન હું,
નથી ખબર કિંતુ તુંય પણ તું હશે ના, સ્થલે
ન હોય યદિ એ જ, હોય બધું એ જ, તો હો ભલે;
હશે ન ક્ષણ એ જ, તો નીરખવા ફરી શેં ચહું?
સજીવ બધુંયે હજી અસલ એક મારા મન
વિશે, જગતમાં નથી અનુભવોનું આવર્તન.
ફાગણ કેરું ફૂમતું
ફાગણ કેરું ફૂમતું એઈ પાતળિયાની પાઘે રે,
ત્યાં ઘેલીનું ઉર ઘૂમતું એઈ ઘડી ન ર્હેતું આઘે રે.
‘ફૂમતડાને લ્હેકે લ્હેકે ફૂલણજી ના ફરીએ રે,
મઘમઘ એની મ્હેકે મ્હેકે અમે તો બ્હેકી મરીએ રે;
એના રંગગુલાલે રાતા સૌને તે ના કરીએ રે,
એમાં થૈને રાતામાતા ક્યાં જૈને અવ ઠરીએ રે?’
એવું કહીને લાડતી એઈ ઘેલી ઘૂંઘટ ત્યાગે રે,
પડઘો એનો પાડતી એઈ કોયલ પંચમરાગે રે.
વાંકું મ જોશો
‘વાંકું મ જોશો વળી વળી,
ઉર ઢાંકું ઢાંકું ને જાય ઢળી ઢળી.’
‘વાતવાતમાં જેને વાંકું પડે તે ક્હે છે નજર છે વાંકી,
સૂરજના કિરણ શી સીધી છતાંય એને ઇન્દ્રધનુ જેમ ઉર આંકી;
તમે લ્હેકો છો વાદળી શા લળી લળી.’
‘ભમરાળી આંખ દેખે દૂરથી છતાંય એનો ડંખ અહીં આવતો ઊડી,
પોપચાની પાંખ, એનો ભારે ફફડાટ, મારે અંગે વીંઝાય છે ભૂંડી;
મારી કંપે છે કાળજની કળી કળી.’
‘ફૂલ સમી કોમળ શું માનો છો જાતને? જાણે સુગંધ રહ્યાં ઢોળી,
સાચું પૂછો તો ઊઠે ભડકા ભીતરમાં ને ઉપરથી રાખ રહ્યાં ચોળી;
તમે છોગાના જાઓ છો છળી છળી.’
તડકો
તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો!
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો!
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનનેયે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?
અભ્ર
આકાશનો નીલ સમુદ્ર શાંત,
શમી ગયું સર્વ તૂફાન, કોનું
ડૂબી ગયું જહાજ? (ભરેલ સોનું?)
હાવાં તરે ફક્ત આ સઢ, અભ્ર ક્લાંત.
એકસુરીલું
એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા...
સ્વતંત્ર છો
તમે વહો શિરે સદાય બોજ
(ફેરવો ન હાથ, વ્યર્થ ખોજ.
ના, ન હું હસ્યો,
હશે હવા ’થવા કદાચ કોઈ આભમાં વસ્યો),
તમે સદાય પાય હેઠથી તણાઓ,
(થાઓ ના ઊંચા, તમે ન ધર્મરાજ શા જણાઓ)...
ના? ભલે, સ્વતંત્ર છો, થયું, કબૂલ;
આ કહ્યું થઈ ગઈ જરાક ભૂલ.
માનવનો ન વાસ
રહસ્યથી કેવલ જે ભરેલું
અનંત એવું નભ વિસ્તરેલું,
ને કૈં પ્રદેશો ક્ષિતિજો પછાડી
હજી મનુષ્યે દૃગ જ્યાં ન માંડી;
અંધાર-આચ્છાદિત, શીત-વ્યાપ્ત,
જ્યાં આદિ અંતે બસ શૂન્ય પ્રાપ્ત;
ક્યહીં ક્યહીં છે રજ તેજધારા,
ઉષ્મા ક્યહીં, જ્યાં ગ્રહ સૂર્ય તારા;
એ તારલાની વચમાં જ કેટલું
અફાટ છે અંતર, કોણ રે કળે?
મૂંઝાય જેથી મતિ ને વળી ઢળે
સૌ કલ્પના મૂર્છિત, એટએટલું;
છતાં ન એનો ઉર કંપ-ત્રાસ,
ત્યાં કેમકે માનવનો ન વાસ!?
૧૫ ઑગસ્ટ ૧૯૪૮
અમાસના ગર્ભ વિશે ઘડાઈ
શી રૌપ્યની રંગત વર્ષતો તું,
ક્રમે ક્રમે શી પ્રગટી કળા ને
અંધારના ભીષણ અંચળાને
તેં છિન્ન કીધો, કશું હર્ષતો તું
પૂર્ણેન્દુરૂપે નભમાં જડાઈ;
હે પૂર્ણિમાના રસપૂર્ણ ચન્દ્ર!
જ્યાં સૃષ્ટિની કાય જરીક શોભી
તારે ઊગ્યે, સત્વર ત્યાં જ રાહુ
તને (ભલેને હત બેઉ બાહુ)
ભીંસી રહ્યો શો તવ રૂપલોભી!
જાગે કશો સિન્ધુવિલાપ મંદ્ર,
શી અંધકારે ઘનઘોર સૃષ્ટિ,
હસી રહી એકલ રાહુદૃષ્ટિ!
૧૫ ઑગસ્ટ ૧૯૪૯
હે ‘આર્ય’ની અપમાનિતા, તું ક્યાં જશે?
તું માનવીનું સૃજન, તારું સ્થાન, મુક્તિ, સ્વર્ગમાં તો ના હશે!
કારાગૃહોને કુંજ માની
છાની છાની
ત્યાં રચી તવ પ્રેમની કેવી કથા,
ત્યાં અશ્રુથી જેણે ચૂમી તવ ચરણપાની
જોઈને તેં આજ એની રાજધાની?
આજ એને કેટલો ઉન્મત્ત અંધ વિલાસ ને તારે વ્યથા,
એ લુબ્ધ
કોઈ રાજલક્ષ્મી સંગ લીલામાં, નહીં દૃષ્ટિ, ન એને ર્હૈ શ્રુતિ,
ઉન્માદમાં ક્યાંથી હશે એને હવે તારી સ્મૃતિ?
હે ક્ષુબ્ધ,
આમ વિડંબનામાં શું ઊભી તું નત શિરે?
‘રે, ક્યાં જવું?’ એ પ્રશ્ન તું તવ પ્રાણને પૂછતી ધીરે?
પણ અહીં નહીં કો જ્યોતિ (ને ના અપ્સરાના તીર્થમાં તુજ વાસ),
કોઈ ન કાલિદાસ, ન કોઈ વ્યાસ;
આજ તો બસ આ ધરાને કહી જ દે તું (શી શરમ?):
‘દેહિ મે વિવરમ્!’
૧૫ ઑગસ્ટ ૧૯૫૦
હું આમ તો ત્રેવીસનો છું
પણ મુજ મહીં જે મુક્તજન
એને અહીં જન્મ્યે
હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ,
કે થાય છે ત્રણ વર્ષ પૂરાં
એટલું સમજ્યે
અરે કે મુક્તિ પણ ક્યારેક તો બનતી ધુરા,
જે કેમકે હું આમ તો ત્રેવીસનો છું.
સંસારની શેરી મહીં રમવા જતાં
સુણતો રહું સહુ ભેરુઓની પાસથી
એવી કથા
જે કંઈક સમજું, કંઈક ના સમજું,
કહો તો વર્ષ ત્રણના બાળનું તે શું ગજું?
ને ઘર તણી દીવાલમાં ચોપાસથી
પડઘારૂપે સુણતો રહું જેની તથા,
એવી કથા; કેવી?
કહું? કે મુક્તિ તો માતા સમી,
ને માત તો દેવી,
ક્ષુધા ને પ્યાસની શાતા સમી,
ને દૈન્યમાં દાતા સમી...
ને દર્શનાતુર
ઘર તણા ઉંબર મહીં
જ્યાં પાય મેલું, કંપતું ઉર
ને થતું કે શીદને હું આંધળો જન્મ્યો નહીં?
જોઉં છું,
ખુલ્લી નજરથી જોઉં છું
સૌ ચામડી પરનાં ચકામાં
ને સૂજેલા સોળ પરનું લોહી જ્યારે લ્હોઉં છું
ત્યારે થતું કે સૌ શહીદોનાંય લોહી શું ઝર્યાં છે કે નકામાં?
લાય, એવી લાય
કે બસ ઊંઘ નહીં, ઉજાગરામાં રાત સારી જાય,
હું તો સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો
પણ હવે તો મેશ પણ મળતી નથી,
વૈશાખના આકાશ જેવી સાવ કોરી કીકીઓ
આષાઢની છાયા જહીં ઢળતી નથી;
ત્યાં મેઘની માયા સમુંયે સ્વપ્ન ક્યાંથી સાંપડે?
ને જે દિવસભરમાં થતું
એ પણ વિસારે ના પડે,
ને જે દિવસભરમાં થતું
એને હવે તો સ્વપ્ન પણ હું કેમ માનું?
આત્મછલનું જ્યાં રહ્યું એકે ન બ્હાનું!
રે દિવસભર જે થતું
બસ એ જ સૌ હા, માત્ર એ સૌ યાદ આવે,
એ બધાની સાથ પેલી શેરીઓના સાદ આવે;
ને પછી સંસારની એ શેરીઓના ભેરુઓને હું કહું :
સમજાવશો કોઈ મને હું આ બધું તે શું લહું?
ત્યારે સુણાવે છે મને એ શેરીઓ સૌ ઠાવકી :
તું બાળ, નાનું બાળ
તે ક્યાંથી હજી સમજી શકે
કે મા મળી છે સાવકી.
૩૦ જાન્યુઆરી ૧૯૪૮
ક્ષિતિજ શૂન્ય સ્મશાન, ચિતામહીં
તપનું શબ, કાય જલી રહી;
અગનની ગગને પ્રસરી શિખા,
ક્ષણિક તેજ તણી શું મરીચિકા!
તિમિરના પટ શ્યામ થકી નિશા
ગહન, ને ગમગીન બધી દિશા;
મરણ સન્મુખ મૌન જગે ધર્યું,
ડૂસકુંયે નહિ જ્યાં પવને ભર્યું,
સમસમી સૂનકાર હવે ભીંસે,
નિખિલ શોકનિમગ્ન જહીં દીસે;
પૂરવમાં પ્રગટે તહીં તારકો,
સકલના અવ એક જ ધારકો,
અવ ન ગોપન, સર્વ અહીં છતા,
અધિક જેહ અકેક થકી થતા;
પણ હશે સહુ અંજલિ સારતા,
હરખનું અથવા સ્મિત ધારતા?
સકળનું મન કોણ શકે કહી?
અકળ એક જ એ જ કથા રહી
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
દિલ્હીમાં
ત્રણ ગોળીઓના અગ્નિની (ન ઠરે હજીય!) ચિતા વિશે
શો દાહ દીધો વેદને!
નોઆખલીમાં
કબ્રના કલમા પઢી મઝહબ મિષે
શું શું કીધું ન કુરાનને?
પંજાબમાં
બસ ગ્રંથના તો મોં જ સામું જોયું ના
એવા કયા તે કોણ જાણે ખ્વાબમાં?
ને હવે આજે છતાંય વિધાનમાં
તારી વિભૂતિ પુન:પુન: પ્રગટાવવી,
પ્રારંભમાં જોકે ન તારું નામ મેલ્યું
કે નથી પામ્યા તને શું ગ્રંથમાં શું કુરાનમાં કે વેદમાં,
પણ પામશું પુરુષાર્થના પ્રસ્વેદમાં.
ને આ ધરા પર લાવવી
જો તાહરી સત્તા,
હવે તો આજથી આ શીશ પૂર્વે જે નમ્યું ના
એ નમે, આશિષ તું એવી આપ
અમને આપ તારી નમ્રતા!
નવા આંક
એકડે એકો
પરમેશ્વરને નામે પ્હેલો મેલો મોટો છેકો!
બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય!
ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!
ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!
પાંચડે પાંચ
સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ!
છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’!
સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!
આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!
નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ–
એકડે મીંડે દસ
દાનવ ન માનવથી થશે તોયે વશ?
રેંટિયો કાંતતાં કાંતતાં
આ સૃષ્ટિના સકલ સંચલને નિમગ્ન
કો બાહુને સતત પ્રેરત આદ્યતત્ત્વ
એ તત્ત્વ આ યરવડા તણું કાષ્ઠચક્ર
જે યજ્ઞરૂપ, નિત એહ ચલાવતા તે
આ માહરા બાહુ વિશે વસ્યું છે.
આ દીર્ઘ ચક્ર, અતિ ઉગ્ર, અહો શું સૂર્ય,
એ સત્ય; ને લઘુક જે વળી ચક્ર, શાંત,
એ ચન્દ્ર શું, પ્રગટ મૂર્તિમતી અહિંસા;
ને આસપાસ અહીં ગુંજનમાં રચાતો
સંવાદ, એ સકલ તારકવૃન્દ, પ્રેમ.
ત્યાં દૂર ચક્રમુખમાંહી વસ્યું છ સ્વર્ગ,
ને સૂત્રના સકલ તાર વિશે છ ગંગા;
ત્યાં જે વસ્યો મુજ ભગીરથ અન્ય બાહુ
એના પ્રયત્નબલથી નિત જે વહી રહી;
એથી જ પાવન થતું પૃથિવીનું તીર્થ.
હું એક બાહુ થકી અંજલિ કર્મરૂપ
અર્પી રહું નિત અનાદિ અનંત પ્રત્યે,
એ ચિત્તનો, હૃદયનો મુજ પૂર્ણયોગ;
ને અન્ય બાહુ થકી આશિષ એહની હું
ઝીલી રહું...
અમદાવાદ ૧૯૫૧
આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધૂંવા,
રૂંધાય જ્યાં મનુષ્યનાં રૂંવેરૂંવાં,
અસંખ્ય નેત્રમાં અદમ્ય રૂપની તૃષા;
ઊગે છે નિત્ય તોય વ્યર્થ રે અહીં ઉષા,
સદાય કૌરવાશ્રયે પડ્યા ઉદાર કર્ણ શી
કે મિલમાલિકો તણા સુવર્ણ શી;
અહીં સદાય મ્લાન સર્વનાં મુખો,
ન સ્વપ્નમાંય જેમને રહ્યાં સુખો.
ન શ્હેર આ, કુરૂપની કથા;
ન શ્હેર આ, વિરાટ કો વ્યથા.
વીર નર્મદને એના વારસો વિશે
ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
માથા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.
બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે
પિતામહ તમે અને શિશુક હું કલાસૃષ્ટિમાં,
તમે વિજયવંત ત્યાં મજલને વિરામે સર્યા,
ધર્યા સુદૃઢ પાય, બે જ ડગ માંડ મેં તો ભર્યાં,
છતાંય મુજને લહ્યો મુજ સુભાગ્ય કે દૃષ્ટિમાં.
કિશોર વયમાં મને પ્રથમ કાવ્યદીક્ષા મળી
સખા-સુહૃદ-મિત્ર પાસ મુજ મુગ્ધ છંદોલયે,
‘સભાન સઘળી કળા છ, કવિતાય.’ એ આ વયે
હવે જ તમ પાસ બુદ્ધિ-વિતરંત શિક્ષા મળી.
મળે અવર ભેટ આજ તનની વળી આ છવિ.
ભૂલ્યા કવિ, દિયો શું છેક બસ વસ્તુ આ નશ્વર?
ભૂલ્યા? ન, મનનીય કિન્તુ ‘ભણકાર’માં અક્ષર
સમસ્ત ગુજરાતને કર ધરી; ન ભૂલ્યા કવિ!
પ્રતીક મમતા તણું, હૃદયનું, ગણું ભેટ આ;
ધરું વિનય સાથ હુંય મુજ કૈંક, સૉનેટ આ
બલ્લુકાકાને – બ્યાશીએ
અનેક સુખનાં પ્રલોભન સુલભ્ય મુંબઈ સમા
મહાનગરમાં, ત્યજી સકલ, માત્ર ચોપાટીની
ચહી લઘુક ઘોલકી, વસતિ ગ્રંથ ને ઘાટીની,
ક્વચિત્ વિરલ મિત્ર વા અતિથિની (તમે બેતમા);
ચિરૂટ સિગરેટ વા કદી ગ્રહી રચો ધૂમ્રનાં
રહસ્યમય વર્તુલો, કદીક નેત્ર બે નીતરે,
કરે અધિક ઉજ્જ્વલા ધૃતિ નિજાત્મની જે ઝરે;
ઢળે કદીક કાય ખાટ ખુરશી પરે, ઉમ્રનાં
વહ્યાં સભર સિદ્ધિવંત સહુ વર્ષ બ્યાશી સ્મરો,
વળી કદી સમાજ, રાજ્ય, ઇતિહાસ ને ધર્મની,
કલા સકલ, કાવ્ય – જે પ્રિય વિશેષ – ના મર્મની,
સમગ્ર મનુપ્રશ્નની ગહન વાત હૈયે ધરો
સચિંત (સહુ માનવી અગર જંતુડાં છો ગણો),
અને વિરલ તે છતાં અનુભવો સમાધિ-ક્ષણો.
બલ્લુકાકાને – અંજલિ
હજી શ્રવણમાં શમે ન રણકો, રમે સ્પષ્ટ શો;
કઠોર કદી ઉગ્ર વજ્ર સમ તીવ્ર કો ત્રાડ શો,
સુકોમલ કદીક મંદ મૃદુ રે નર્યા લાડ શો,
હજી સ્વપ્નમાંય તે નવ જણાય જે નષ્ટ શો;
તમે મનુજ જંતુડા? અગર સત્યની પૂર્તિ શો
હતો જ તમ કંઠ જ્યાં પ્રખર ગ્રીષ્મના સૂર્ય શો,
તમે મનુજ જંતુડા? અગર સ્નેહની સ્ફૂર્તિ શો
હતો જ તમ કંઠ જ્યાં શરદ શાંત માધુર્ય શો,
સુણ્યો ન ક્ષણ એક બે, પણ સુણ્યો દિનોના દિનો,
બહુ પ્રહર, ચા સમે, સ્વજન-સ્નેહ-આલાપમાં;
અને અવ શું શબ્દ શબ્દ સહુ ગ્રંથના જાપમાં
નિરંતર ન મ્હેકશે મૃદુલ તીવ્ર એનો હિનો?
સદા નીતરી નીંગળે હૃદય છાની બાની સરે,
હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે.
અજાત હે ગીત
અજાત હે ગીત,
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત!
કવિજન કહેશે તને, ‘છટ,
છંદોના આ રાજમહીં નહીં ચાલે ખટપટ!
સૂરની સંગાથે તારે પુરાણી છે પ્રીત.’
વિવેચકો કહેશે તને, ‘પટપટ
વારેવારે પ્રાસ બહુ આવે, ભારે કટકટ;
વિરાટ કે ભવ્ય નથી, તું ચંચલચિત્ત.’
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત,
કજાત હે ગીત!
ચંચલ ક્હે
ચંચલ ક્હે ‘ચાલ,
આજને જે ભૂલે તેને ભૂલી જતી કાલ!’
પલપલ એ જ એક વેણ,
વદી રહ્યું નદી કેરું વ્હેણ,
કલકલ છલછલ તરંગને તાલ.
અજાણ છે અચલના આરા,
જાણ્યા સૂર્યચન્દ્રગ્રહતારા,
દેહનું રે વય અને હૃદયનું વ્હાલ.
ન ફૂલ ને
ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.
અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.
મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.
શિશિર ને વસંત
શિશિરજર્જર વૃદ્ધ વસુંધરા,
સકલ અંગ વિશે પ્રગટી જરા.
ઉઝરડા ઉરના, સહુ વૃક્ષશાખા;
તપન શાંત નભે, દૃગતેજ ઝાંખાં;
કરચલી ત્વચમાં, નસ શુષ્ક, લાખાં;
સકલ પ્રાણ શું વૃત્તિ થકી પરા?
અનુભવે પરિપક્વ રસે ભર્યું
શિશુક હાસ્ય ન હો અધરે નર્યું,
વિરલ કોઈક પર્ણ હજી ધર્યું;
અવ વસંત જરી કર તું ત્વરા!
અવ વસંત હસંત, સ્વયંવરા
નવવધૂસમ સોહત આ ધરા.
મલયકંપિત વક્ષ, સલજ્જ આસ્ય,
અધરનું જ પલાશ વિશે છ હાસ્ય,
ભ્રમરમાં મૃદુ દૃષ્ટિ કરંત લાસ્ય,
પ્રગટ પીક વિશે ઉર, સુસ્વરા.
નયનને કરવી ન હવે પ્રતીક્ષા,
છલકતું રસપાત્ર, ફળી તિતિક્ષા,
ચહુ દિશે અવ ચેતનની જ દીક્ષા.
અવ ધરા ન ધરા, છ ઋતંભરા.
દિન થાય અસ્ત
દિન થાય અસ્ત,
વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત.
કરુણ નેત્ર નમે, ઢળતી રતિ;
મલિન કાંતિ મુખે ગળતી જતી,
શિથિલ છેવટ આ રવિની ગતિ,
છૂટી જતો અવ પ્રિયા થકી સ્પર્શ, હસ્ત.
કુસુમની કલિ ધૂલિ વિશે ખરી,
વિહગ મૂક, ગભીર હવા સરી,
ક્ષિતિજ સૌ સૂનકાર થકી ભરી,
સંસાર આ તિમિરમાં તરતો સમસ્ત.
શ્વેત શ્વેત
શ્વેત શ્વેત,
આ ચાંદની કે નભ કેરું હેત?
હૃદય કો દ્રવતું નભમાં, શશી;
ધવલ આ કરુણા ઢળતી કશી!
જગતની જડતા સહુ ચશ્ચશી
ચૂમી રહે, અવ નહીં અહીં કૈં અચેત.
નગર ને રણ સૌ પર લ્હેકતી,
કુલવધૂ, કુબજા પણ બ્હેકતી;
અતિઉદાર શી ચંદની મ્હેકતી!
એકત્વમાં સકલ સુન્દરનું નિકેત.
સમીર આ
સમીર આ સ્નિગ્ધ સુગંધભીના,
કોના અહો હૃદયની છલકંત હિના?
કોનાં તે આ નેત્રનાં પક્ષ્મ કંપે?
કોનું હૈયું ધ્રૂજતું આ અજંપે?
કોનો તે આ શ્વાસ ના ક્યાંય સંપે?
રોમાંચ આ? ચકિત કોઈક સ્વપ્નલીના?
એના સ્પર્શે પ્રાણ શો થર્થરે છે,
ને ફેંટાનાં ફૂમતાં ફર્ફરે છે;
આછા આછા હોઠ બે મર્મરે છે,
ને સપ્તસૂર ઉરનીય બજંત બીના
હે લાસ્યમૂર્તિ
હે લાસ્યમૂર્તિ!
તું વિશ્વનું ચેતન, હાસ્ય, સ્ફૂર્તિ.
વક્ષસ્થલે પાલવ છો ખસી જતો,
આત્મા નર્યો કેવલ ત્યાં હસી જતો,
અંગાંગમાં મુક્ત ભલે વસી જતો;
સૌ દૃષ્ટિ એ દર્શન કાજ ઝૂરતી.
આ માનવીનું જગ, કોઈ કાલે
સંવાદ ના જ્યાં, લય ભંગ તાલે,
સૌંદર્ય સૌ ખંડિત; ત્યાં તું બાલે!
અપૂર્ણની એક જ માત્ર પૂર્તિ.
હે કલિ
નિજ સુગંધથી મૂર્છિત હે કલિ !
મલયલહરે મ્હેકી બ્હેકી બધીય વનસ્થલી.
અવરને ઉર જાગ્રત ઝંખના,
સતત ઘા કરતો કટુ ડંખના,
વ્યજન વાય વળી મૃદુ પંખના,
પ્રણયતરસ્યો એવી રીતે તને વીનવે અલિ.
વિફલ આ મધુવેળ વહી જતી,
બધિર હે : રસમંત્ર કહી જતી;
કૃપણ કાં બસ તું જ રહી જતી?
ખબર નહિ ર્હે ને તું કાલે જશે ધૂળમાં ઢળી.
પ્રેમની લિપિ
ચીપી ચીપી
પત્રે લખી જો, પ્રિય, પ્રેમની લિપિ!
શબ્દે શબ્દે નેત્ર આભા, અજંપ,
વાક્યે વાક્યે વક્ષનો સ્પર્શકંપ,
ઉચ્છ્વાસે ઉત્ફુલ, અધરના રાગથી ઓર દીપી.
શોભા એની વ્યોમતારા મહીં ના,
કે પુષ્પોની પાંખડીમાં લહી ના,
સ્વર્ગંગાને જલ પણ તૃષા શું શકે આમ છીપી?
પથ – ૧
પ્રલંબ પથ દૂર દૂર ક્ષિતિજે સરી જાય છે,
સપાટ, મૃદુ, રેશમી, લસત પાય જ્યાં મોકળો;
વળાંક લઈ લે કદી, ચડ-ઉતાર, ત્યાં ઠોકરો;
પ્રવાસપ્રિય માહરું હૃદય ક્યાં હરી જાય છે?
પ્રગાઢ વનમાં કદીક ચુપચાપ ચાલ્યો જતો,
પ્રવેશ નહિ સૂર્યનાં કિરણને જહીં, સ્તબ્ધ જ્યાં
પડ્યો પવન, છાંય જ્યાં ન નિજની, નહીં શબ્દ જ્યાં,
ક્વચિત્ વિહગ હોય વા ન, બસ શ્વાસ મારો છતો;
વળી કદીક તો જતો નગરમાં, થતો ગાજતો
અસંખ્ય જન વાહને સતત ભીડ કોલાહલે,
દબાય દિવસે કશો ચરણ હેઠ, રાત્રે જલે
પ્રદીપ પગથી પરે, ભભક ભવ્યથી રાજતો;
વિરામ વનમાં નહીં, નગરમાં નહીં, પંથપે
સહો ચરણ કંટકો કુસુમ, પ્હોંચવું અંતપે!
પથ – Ó
પ્રલંબ મુજ પંથ ને સકલ અંગ શાં ક્લાંત છે,
વસંત વિકસ્યાં, યદિ શિશિર હોય થીજી ગયાં;
જલ્યાં અગર ગ્રીષ્મમાં, ભર અષાઢ ભીંજી ગયાં;
હવે ન ઋતુચક્રની અસર, એટલાં શાંત છે.
હવે ચરણને નથી તસુય ચાલવું, હામ ના;
નથી ક્ષિતિજપારના પથવિરામની ઝંખના,
અને મજલઅંતને ન અવ પામતાં ડંખ ના;
હવે હૃદયને નથી વધુ પ્રવાસની કામના.
હવે અહીં જ થંભવું, જરીક જોઉં પાછું વળી–
પદેપદ વિશે હતો પથવિરામ જાણ્યું હવે,
હતો મજલઅંત રે પદપદે પ્રમાણ્યું હવે;
અરે પ્રથમથી જ દૃષ્ટિ યદિ હોત ને આ મળી!
હવે અહીં જ અંત, હેતુ મુજ સિદ્ધ, પામ્યો બધું;
નથી હરખ શોક, હું અનુભવોય પામ્યો વધુ.
શાંતિ
આ શૃંગનો પ્રાન્ત
કશો પ્રશાન્ત,
ને વૃક્ષને પલ્લવ પુંજપુંજે
ન હવાય ગુંજે,
વિહંગનાં ગાન શમી ગયાં રે
ને નીડમાં સૌ વિરમી ગયાં રે;
હે ચિત્ત, તું ક્ષણ રહે ધૃતિને અધીન,
તુંયે થશે પરમ શાંતિ મહીં જ લીન!
કાવ્ય લખતાં અને લખ્યા પછી
‘અહો’ કહી અહમ્ નહીં જગાડવું,
‘અરે’ કહી ન કાવ્યને બગાડવું.