ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/અથઃ ઇતિ
નરેશ શુક્લ
ક્યાંય કશું જ નહોતું.
અને બધું જ હતું. લીલીછમ લહેરાતી ધરતી. વાદળોને પખાળતો ગોરંભાતો સાગર. ઊંચા ઊંચા પર્વતોના મુખમાંથી ધધકતો, ઉભરાતો લાવા, એની નીચે છમ્મ દઈને વરાળ બની જતી વનરાજિના ઠૂંઠવાતા જંગલો. બીજી બાજું અત્યંત ઠંડા બરફના ઢગલા ખડકીને બેઠેલી, સાધ્વા જેવી વસુંધરા. લ્હેરાતી ચાલથી વહેતો સમીર. ક્યારેક વરાહની જીભથી ટપકતી ચીસ…! બધું જ એકતાલ હતું. સૂર્ય સ્થિર હતો. એ નહોતો ઉગતો કે નહોતો આથમતો. તારાઓની ટીપકીઓવાળી ચૂંદડીમાં સજ્જ થઈ ધરતી નિરંકુશ બનીને વિહાર કરતી હતી. દેવો સુરાપાનમાં મદહોશ બનીને અપ્સરાઓના પાલવમાં ખોવાઈ ગયેલા. વિષ્ણુ હજી ક્ષીર સાગરમાં સુતા હતા. લક્ષ્મીજી એના પગ દબાવતા હતા. શેષનાગ છત્ર ધરીને નિદ્રાધિન થઈ ગયેલા.
બ્રહ્માંડમાં શબ્દ નહોતો.
એટલે અર્થ પણ નહોતો. ચન્દ્ર પણ નહોતો જન્મ્યો. ‘હવે શું?’ એવી કોઈ ચિંતા નહોતી. ભૂત અને ભવિષ્ય કંઈ જ નહોતું. સ્થિર એવી ગતિમાં હતું. ઇન્દ્રસભામાં નૃત્ય ચાલી રહ્યું હતું. એ ક્યારે શરૂ થયું, એ ખબર નથી. દેવતાઓ મસ્ત હતા. ઇન્દ્ર, ઇન્દ્રાણીને ખોળામાં બેસાડીને ઉર્વશીની થિરકતી કાયા સાથે ઓતપ્રોત થઈ ચૂક્યા હતા. દ્વારપાળોની નજર પણ ચોંટી ગઈ’તી.
બસ, અચાનક જ યુવાન યમની નજર ઉર્વશીની લચકતી કમર પરથી સરકી.
ધરતી પર પહેલી કળી ફૂટવાની વેદના જન્મી. લંબાઈને પડેલા વરાહની બરડ થઈ ગયેલી આંખ ધીમે ધીમે કડેડાટ કરતી ખૂલી. પર્વતે રોકી રાખેલા પ્રસ્વેદને વહેવા દીધો ને નદીઓ દોડી પડી. પતંગિયાની આંખો એ ખિલતી કળી ઉપર જઈ અટકી. ઉર્વશીની કમર થોડોક, આછો અમથો લય ચૂકી નેગુરુની આંખ ક્રોધિત થઈ ઊઠી.
પરંતુ પાછું બધું બરાબર થઈ ગયું. સ્થિર થઈને યમની નજર પાછી નૃત્ય જોવામાં લીન થઈ ગઈ, પણ મનમાં કંઈક ખટકતું હતું, ઉર્વશીમાં હવે એને કોઈ રસ ન રહ્યો. બીજા દેવો હજી નૃત્ય જોવામાં લીન હતા. વરાહની આંખગતિ શોધતી સ્થિર હતી.
યમ બેસી ન શક્યો.
પહેલી જ વાર કોઈ ચાલુ સભાએ વચ્ચેથી ઊઠ્યું. કોઈનેય અગવડ ન પડે તે રીતે યમ સભાગૃહની બહાર નીકળી આવ્યો. દ્વારપાળોને ખબર ન પડે એમ. ખુલી હવાના સંસ્પરેશે એના રોમરોમ પ્રફુલ્લિત થઈ ગયા. ચહેરા પર અનોખી સુરખી દોડી આવી. બે હાથ ઊંચા કરીને એણે શરીરને આમળ્યું. બધો થાક કાંચળીની જેમ ઉતરી ગયો. એ હળવોફૂલ થઈ ગયો. આ નૃત્યસભા ક્યારે શરૂ થઈ હશે એ યાદ કરવાનો એણે પ્રયત્ન કર્યો. કંઈ યાદ ન આવ્યું. બહુ મથ્યાં પછી એને યાદ આવ્યું કે અહીં આવવા નીકળ્યો ત્યારે પત્ની અક્ષમળાએ કહ્યું હતું — ‘ઘરે તમારી રાહ જોઉં છું. એ યાદ રાખજો પાછા.’ યમની આંખ ચમકી, એને હર્ષ થયો, અક્ષમાળાનો રૂપાળો ચહેરો અને મોટી મોટી આંખો એની નજર સાેમ તરવરવા લાગી. એનું હૃદય ઉછાળા મારવા લાગ્યું.
નીચે ધરતી કળી ફૂલમાં પરિવર્તિત થઈ ગઈ. વરાહની લાળ ટપકી. નદી ને સમુદ્ર ઉમળકાભેર એકબીજાને ભેટી પડ્યા. ત્યાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું ને એમાં એ મિલન એકાકાર થઈ ગયું. સૂર્યએ આ આખી ઘટના પર ધ્યાન કેન્દ્રિત કર્યું ને પતંગિયાએ આંખો ફફડાવી. ધરતી ઠહાકા મારીને ખિલખિલાટ હસતી તાલીઓ પાડવા લાગી. બ્રહ્માના શ્વાસ તેજ થયા. લક્ષ્મીજીનો ઉષ્માભર્યો હાથ ભગવાનની ઘૂંટણોની સીમા વટાવીને ઉપર તરફ આગળ વધ્યો. શેષનાગ એ જોઈને ચોંકી ઊઠ્યો, ને પછી ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો. વૃક્ષની ડાળી પર બેઠેલા વાનરે આ બધું જોઈને એક છલાંગ લગાવી. પૂંછડી જૂની ડાળી પર ભૂલી ગયો…! બ્રહ્માંડમાં કંઈક ગંભીર શબ્દ ખૂણે ખૂણે પહોંચવા માટે વિરાટ થતો ગયો. શાંતિનો ભંગ થયો. આકાશ અચાનક જ કેટલાય શબ્દોથી ભરાઈ ગયું. હજી અર્થ જન્મ્યો ન હતો.
આ વિરાટ થતો શબ્દ ઇન્દ્રસભામાં આવી ભરાયો. ઉર્વશી બેચેન થઈ ગઈ. ગાંધર્વોના હાથ રોકાઈ ગયા. મેનકાનું થિરકતું શરીર સ્તબ્ધ બની થંભી ગયું. કેટલાક દેવાનો હાથમાંથી સુરાપાત્ર ખણણ અવાજ સાથે નીચે પટકાયા. ઇન્દ્રાણી પાલવ ઠીક કરતી ઇન્દ્રથી થોડી દૂર ખસીને બેઠી. ઇન્દ્રની આંખો ચમકી. નૃત્ય રોકાઈ ગયું.
ઇન્દ્ર આ વિઘ્નથી બેચેન થઈ ગયો.
એણે સભા ઉપર ગુસ્સાથી નજર નાંખી. યમની અનુપસ્થિતિ તરત જ એના ધ્યાનમાં આવી ગઈ. ઇન્દ્રની ભ્રૃકુટિ ખેંચાઈ. સૃષ્ટિમાં ક્રોધનો જન્મ થયો. અપ્સરાઓ ખૂણામાં જઈ ભરાઈ. ગાંધર્વો પોતાના વાદ્યોની આડશે છૂપાવા મથ્યાં. દેવો સુરાપાત્ર છોડીને ચોકન્ના થઈ ગયા. આશ્ચર્ય અને આશંક જન્મી આવ્યાં. ઇંદ્રએ એક સર્વગ્રાહી નજર સભા ઉપર નાંખી પ્રસ્થાન કર્યું. ઇન્દ્રાણી અને અનુચરોએ પણ એની પાછળ પ્રયાણ કર્યું. યમ ઉપર સૌ કોઈ ક્રોધિત થઈ ઊઠ્યા. આ વિઘ્નના કારણે સૌ ગુસ્સામાં હતાં. એક આનંદચક્ર અચાનક જ પૂરું થઈ ગયું. અટકી પડ્યું હતું. યમના કારણે લય ભંગ થયો હતો. એના તરંગો બ્રહ્માંડમાં ફેલાતા ગયા.
યમને એની ક્યાં કંઈ પરવા હતી? એ તો અવશ બનીને પોતાના ભવન તરફ ખેંચાતો જતો હતો. અક્ષમાળાના આલિંગનમાં ખોવાઈ જવા એ ઉતાવળો થઈને ઘર તરફ ધસી રહ્યો. એના મનની વાત જાણે ેના અશ્વોને પણ થઈ ગયેલી. વૃક્ષોને કચડતો, પર્વતોને ભાંગતો, વચમાં આવતા તમામ નાના-મોટા પ્રાણીઓને મારતો-પીટતો વરાહ ચોગરદમ ધસી રહ્યો ધરતી પર. એની સમગ્ર ચેતના જાગી ઊઠેલી. એની વિકરાળ ચીંખોથી જંગલોના જંગલ કાંપી ઊઠ્યાં. એક પક્ષીએ ભય ત્યજીને આ પરિવર્તનના સમાચાર ખૂણે ખૂણે પહોંચાડવા પાંખો ફફડાવી. બાંડો વાંદરો આછું મલકાઈ ઊઠ્યો.
યમ દોડીને સમાઈ ગયો અક્ષમાળાની આંખમાં. એણે પોતાની આંખ બંધ કર દીધી. અંદર બધું ઓળઘોળ થઈ ઊઠ્યું. ગરમ ગરમ શ્વાસો સાથે એ ધડકી ઊઠી. ગાઢ આલિંગન વચ્ચે કોઈ અવકાશ ન રહ્યો.
ઇન્દ્ર અને બધા દેવોના મનમાં ઉત્પન્ન થયેલો ક્રોધ ફેલાતો ગયો. એની અગ્નિજ્વાળાઓ એક બીજા સાથે જોડાઈને વધુને વધુ સળગતી ફેલાતી ગઈ. અંતમાં એ ક્રોધમૂર્તિનું રૂપ યમના મહેલ બાજુ તેજ ગતિથી આઘળ વધવા લાગ્યું. આ બાજું યમને અચાનક જ જાટકો લાગ્યો. ચાલી આવતી એ ક્રોધજ્યોતે એને વેદનાથી ચસો પાડવા મજબૂર કરી નાંખ્યો. આંખો ફેલાઈ ગઈ ને કાનપટ્ટીઓ લાલ થઈ ગઈ। હાથ શિથિલ, પક્કડ ઢીલી. અક્ષમાળા ચોંકી ઊઠી. કોઈ આશંકાથી એણે યમને સાહી લીધો. યમના ગળામાંથી કંઈક વિચિત્ર અવાજ નીકળવા લાગ્યો. અક્ષમાળા ભયાક્રાંત થઈ ઊઠી. એના મોંએથી ચીસ નીકળી ગઈ. દાસીઓ દોડી પડી. મહેલમાં ભાગદોડ મચી ગઈ. દેવોને બોલાવવા સંદેશાવાદકો દોડી પડ્યા. બધા અધ્ધર શ્વાસે યમની આ દયનિય સ્થિતિને જોઈ રહ્યાં. આ પહેલા ક્યારેય કોઈએ આવી કોઈ વ્યાધિ જોઈ જ નહોતી. એટલે શું કરવું? એ કોઈનેય સમજમાં આવતું નહોતું.
થોડી જ વારમાં આખાય સ્વર્ગલોકમાં આ સમાચાર વ્યાપી ગયા. ક્રોધિત થયેલા દેવતાઓ યમના આ સમાચાર સાંભળીને શાંત થઈ ગયા. ઐરાવત પર બેસીને ઇન્દ્ર શીઘ્ર હાજર થયો. યમની સ્થિતિ જોઈને સૌ કોઈન દયા જન્મી આવી. બધા ચિંતિત થઈ ઊઠ્યાં. હવે કરવું શું?
અચાનક અશ્વિનીકુમારોને વિચાર જન્મ્યો. શીઘ્ર વિષ્ણુને હાજર કરવામાં આવે તો કંઈક ઉપાય બતાવશે.
વિષ્ણુ જાગ્યા, દોડવા લાગ્યા.
યમની આંખ ફાટી ગઈ હતી પૂરેપૂરી. હાથની મુઠ્ઠીઓ સજ્જડ બીડાઈ ગયેલી. હોઠ પર દાંત ભીડાઈ ગયેલા. આહ પણ નીકળતી નહોતી. અક્ષમાળા યમનું શરીર ખોળામાં લઈને રુદન કરતી બેઠેલી. ત્યાં જ એક જબરદસ્ત જાટકો આવ્યો. સૌ માટે આ અભૂતપૂર્વ દૃશ્ય હતું. યમની મુઠ્ઠી ધીરે ધીરે ખુલી ગઈ. અક્ષમાળા ભયથી કંપી ઊઠી. ધીરે ધીરે યમના મોંની તંગ નસો ઢીલી પડવા લાગી. જાટકા આવવા બંધ થયા. આખું શરીર શિથિલ થઈ ગયું. માથું એકબાજું ઢળી પડ્યું. અક્ષમાળાની ગોદમાં એનું શરીર શાંત પડ્યું રહ્યું. વિષ્ણુએ ઓરડામાં પગ મૂક્યો. બધાએ રાહતના શ્વાસ લીધા.
વિષ્ણુએ યમની ખુલ્લી આંખો પર હથેળી દાબીને આંખો બંધ કરી, પછી મોં ફેરવીને કંઈક હોઠ ફફડાવ્યાં. ઇન્દ્રને કંઈ સમજાયું નહીં. એટલે, ‘શું કહ્યું ભગવાન…?’
‘કંઈ નહીં, દેવરાજ. એની ગતિ મારાથી પણ તેજ નીકળી!’
વિષ્ણુએ ઊંડે શ્વાસ લેતાં કહ્યું. અક્ષમાળાની આંખમાંથી ટપકેલાં એ પહેલાં આંસુને અર્થ મળ્યો. અર્થની પાછળ શબ્દ જન્મ્યો. ‘મૃત્યુ.’
સ્વર્ગનું વાતાવરણ ગમગીન થઈ ગયું. વિષ્ણુએ મર્માળું હસતા ત્યાંથી વિદાય લીધી.
અક્ષમાળા રુદન કરવા લાગી. દેવતાઓના હૃદયમાં એનો પ્રતિધ્વનિ ગૂંજવા લાગ્યો. નાચ-ગાનના ઉત્સાહો બધાં થયા. દરેકના મુખ ઉપર આતંક અને ભયની કાલિમા છવાઈ ગઈ. કોઈનેય કોઈ ચીજ-વસ્તુમાં રૂચિ ન રહી. બધા, મૃત્યુના રહસ્યને સમજવા માટે મથવા લાગ્યાં.
અક્ષમાળાના રુદનથી સમગ્ર બ્રહ્માંડ છવાઈ ગયું. એ વરાહના પગમાં ગઠ્ઠા બનીને ચોટ્યું; તે એના પગ ભારે થઈ ગયાં. એ વ્યાકુળ થઈ ઊઠ્યો. પુષ્પોના મુખ મ્લાન થઈ ગયા. એટલે પતંગિયાને પોતાની જાત પર ખીજ ચડી. સૂર્ય પણ ઝાંખો થઈ ગયો. અક્ષમાળાના રુદનથી બરફ પીગળવા લાગ્યો. આંસુથી સમુદ્ર ખારો થઈ ગયો. પક્ષી સમુદાય પાંખો સંકોરીને માળામાં લપાઈ ગયો. બધું જ નિસ્તેજ, નિઃશબ્દ…!
બધાં જ શોકમાં.
અંતે સૂર્ય અકળાયો. પૃથ્વી પર જોયેલી ભાગદોડ અને ફૂલો-પક્ષીઓની ધીંગામસ્તી યાદ આવી. એ હરકતમાં આવી ગયો. દેવતાઓ તરફ દૃષ્ટિ કરી. ઇન્દ્રને લાગ્યું કે હવે, કંઈક કરવું જોઈએ. એણે ફરીથી સભા બોલાવી. અપ્સરાઓને નૃત્ય માે આદેશ આપ્યો. પરંતુ પહેલા જેવી રંગત પછી ન આવી. યમની થયેલી ગતિએ બધાને વિચારતા કરી દીધેલા. યમનું મૃત્યુ કેમ થયું…? એવું શું ખૂટી પડ્યું એનામાં…?
અક્ષમાળાના રુદનનો અવાજ, બધાની ઉપર છવાઈ હાવિ થવા લાગેલો.
આ બધું ક્યાં સુધી…?
બસ, ચાલતું જ રહ્યું. બીજું બધું તો ઠેકાણે પજ્યું, પરંતુ અક્ષમાળાનું રુદન અટક્યું નહીં. એ રોતી રહી. રોતી જ રહી… રોતી રહી. આખા બ્રહ્માંડને ગજાવતી રહી. એનો યમ શબવત્ પડ્યો હતો. વરાહના ગળામાંથી ગગનભેદી અવાજના સાગર ઉભરાયા. સૃષ્ટિ આખી કંપી ગઈ. પૃથ્વી ડરથી સ્થિર થઈ ગઈ. વાદળીઓ થર થર કાંપવા લાગી. બાંડા વાનરની લાળ ટપકી. એના મનમાં અવશ વારહની આંખો ફોડી નાંખવાની ઇચ્છા જન્મી આવી. પતંગિયું આ જોઈને નાસી છૂટ્યું. વૃક્ષો સ્થિર થઈ જોવા લાગ્યાં. વાનરે પથ્થર ઉપાડ્યો, એને ઘસીને બરાબરની ધાર કાઢી. પછી ઝનૂનપૂર્વક પથ્થર માર્યો પેલા વરાહની આંખ પર. વરાહની આંખ ફૂટી ગઈ. એ અસહાય બનીને કરાંજી ઊઠ્યો. એનું વિશાળ શરીર અમળાઈ ઊઠ્યું. સમગ્ર સૃષ્ટિને હલાવી દે એવી ચીસો ક્યાંકથી ઊભરી આવી. અક્ષમાળાનું રુદન બેવડાઈ ગયું. એને શાન્ત કરવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા.
વિષ્ણુ દોડતા આવ્યાં.
અક્ષમાળાને સમજાવ્યું. ‘અક્ષમાળા, આ હવે પછીનો શાશ્વત રહેનારો ક્રમ છે. તારા યમનો તો સદ્ભાગ્ય કે એણે એકલાને જ મૃત્યુ શબ્દ સાંભળવા કે સમજવો નથી પડ્યો! એટલે વિલાપ કરવાનું છોડી દે.’
અક્ષમાળાએ સજળ નયને ભગવાન વિષ્ણુ સામે જોયું. એની આંખોમાં અંધકારની છાંયા વ્યાપી ગયેલી. એના ડૂસકાં વાતાવરણને આંદોલિત કરતાં રહ્યાં. વિષ્ણુ સ્થિતપ્રજ્ઞ દૃષ્ટિથી એની આંખમાં ઉભરાતા અંધકારને ઉલેચવામાં ગૂંથાયેલા રહ્યાં. એ આંખો બંધ કરી ધ્યાનસ્થ થયાં. બધા એમને જોઈ રહ્યાં. અક્ષમાળાની આંખમાંથી નીકળતો અંધકાર ધૂમાડાની જેમ બહાર વિસ્તરવા લાગ્યો. ધીરે ધીરે તે ધૂમાડો બ્રહ્માંડને ગળવા લાગ્યો. આકુળ-વ્યાકુળ વરાહની ચીસો જામી જઈને ભારે થવા લાગી. અત્યાર સુધી ધીરે ધીરે વહેતો સુગંધિત પવન રોકાઈ ગયો. બાંડો વાનર વૃક્ષ છોડીને અંધકારની ચાદર બિછાવતો ગુફામાં ઘૂસી ગયો.
અક્ષમાળાના ડૂસકાં ધીમે ધીમે ઓછાં થતાં ગયા. ધીરે ધીરે શાંત થઈને યમના શરીરને સફેદ ચાદરથી ઢાંકી દીધું. વિષ્ણુ ધ્યાનમાંથી જાગ્યા. હાથ ઊંચા કર્યાં. વાદળો થથરી ઊઠ્યાં. વીજળી ગરજવા લાગી. પવન ગાંડોતૂર બની ચોગરદમ ભાગદોડ કરતો વહેવા લાગ્યો. સમસ્ત સૃષ્ટિમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. વાનર જોરજોરથી રડવા લાગ્યો. સમસ્ત સૃષ્ટિમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. વાનર જોરજોરથી રડવા લાગ્યો. વિષ્ણુના ઉપર ઉઠેલા હાથમાં ક્યાંકથી રત્નજડિત દંડ આવી ગયો. એ ધીરે ધીરે યમના શબ પાસે ગયા. શબના હાથમાં દંડ પકડાવી દીધો.
મહિષના અવાજથી બ્રહ્માંડ થથરી ઊઠ્યું. એ બંને ફોયણા ફૂલાવીને, પગ વડે જમીન ખોદીને ધૂળ ઉડાડવા લાગ્યો…! ભગવાન શંકરે પરશુની તીક્ષ્ણ ધાર પર આંગળી ફેરવી અટ્ટહાસ્ય કર્યું. બ્રહ્માએ પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને કામની ઝડપ વધારી દીધી.
પક્ષીઓનો કલરવ સાંભળીને વાનરે આંખ ખોલી. ગોળ સૂક્કા રોટલા જેવા ચાંદાની જગ્યાએ… અત્યારે ક્ષિતિજમાં લાલ આકાશ સૂરજનું સ્વાગત કરતું શરમાઈ રહ્યું હતું. વાનરની આંખો વિસ્ફારિત થઈ જોતી રહી.
કાળ પીગળવા લાગ્યો… વહેવા લાગ્યો!