પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી
૯. મનોહર ત્રિવેદી
કાવ્યસંગ્રહોઃ
મોંસૂઝણું, ફૂલની નૌકા લઈને, મિતવા, છુટ્ટી મૂકી વીજ, આપોઆપ અને વેળા.
પરિચય:
વ્યવસાયે શિક્ષક, હાલ નિવૃત્ત, રમેશ પારેખ અને અનિલ જોશી પછીના નોંધપાત્ર ગીતકવિ. તળપદ, વિશેષે કરીને ગોહિલવાડી બોલીના રમ્ય ઉન્મેષો ધરાવતા ઘાટીલા ગીતોના કવિ. ગ્રામચેતના / સીમવગડાની પ્રકૃતિનું ઝીણું નકશીદાર આલેખન કરનાર મર્મી કવિ મુખ્યત્વે ગીત-ગઝલના સ્વરૂપોમાં રચનાઓ કરતા સર્જક. ગ્રામપરિસર તથા લોકભાવોને આલેખતાં રસાળ સૉનેટો પણ ધ્યાનપાત્ર છે. કથાસાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન. તળપરિવેશ અને તળબોલીના સંયોજનથી કેટલીક ધ્યાનપાત્ર વાર્તાઓના સર્જક. ચરિત્રનિબંધોનું એક પુસ્તક, થોડીક સરસ કિશોરકથાઓ અને બાલગીતો પણ એમની પાસેથી મળ્યાં છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ કિસન સોસાનાં ગીતોનું સંપાદન કર્યું છે.
કાવ્યો:
૧. તમે ભલે ઘર છોડી ચાલ્યાં
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણિયે
ટાંકા લેતી આંગળિયું કૈં તરતવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉમ્બરમાં
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્યઃ યાદ એ વળીવળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં
ઑળિપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં