પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. તમે ભલે ઘર છોડી ચાલ્યાં
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણિયે
ટાંકા લેતી આંગળિયું કૈં તરતવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉમ્બરમાં
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્યઃ યાદ એ વળીવળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં
ઑળિપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં
૨. પપ્પા, હવે ફોન મૂકું?
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું અને STD-ની ડાળથી ટહૂકું?
હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ
તોય એ તો ઉઘડે છે... રંભભર્યું મહેકે છેે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું...
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?