વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/T

Revision as of 02:59, 3 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
T
Tachism (Tache-spotblot) અવલેપનકલા જેક્સન પોલોકની જેમ ઓછામાં ઓછી ટેક્‌નિકના ઉપયોગ સાથે રંગો ફેંકવાથી, રગડવાથી, રેડવાથી થતું અમૂર્તચિત્ર.
Talkshow દૃશ્યવાર્તાલાપ મહત્ત્વના વિષય પર નિષ્ણાતો દ્વારા ચર્ચા કે એમની મુલાકાત યોજતું ટી.વી. દૃશ્ય.
Talltale અતિકથા ખૂબ અતિશયોક્તિભર્યા પ્રસંગોને સમાવતું નિરૂપણ.
Tamizdat જુઓ, Samizdat
Target language લક્ષ્યભાષા જુઓ, object language.
Technicism યંત્રાક્રાંતવાદ/યંત્રભુક્તિવાદ અ-યંત્ર સામગ્રીને પણ યંત્રસામગ્રીની કક્ષાએ ઉતારી પાડતો અભિગમ; જેમાં યંત્રપ્રવીણપ્રતિભા મનોક્ષેત્રને પણ લપેટમાં લે છે, અને એને યંત્રકક્ષાએ લાવી મૂકે છે. આધુનિક કલાઓ આ અભિગમ સીધી યા આડકતરી રીતે પ્રગટ કરે છે. રેનાતો પોગિઓલીને અહીં યંત્રની સામે કોઈ વાંધો નથી પરંતુ આધિભૌતિક મૂલ્યોને પણ યાંત્રિકતાના પ્રાકૃત વર્ગમાં ગોઠવી દેવામાં આવે છે એની સામે એનો વાંધો છે.
Telemachus complex ટેલિમેક્સ ગ્રંથિ પ્રાચીન બૌદ્ધિકોમાં પોતાનો વારસો શોધવાની વૃત્તિ. સંશોધનમાં બૌદ્ધિક વારસાને લક્ષમાં રાખી પૂર્વજોની પૂર્વપરંપરા સાથે અનુસંધાન કરતી ગ્રંથિ. આ અનુસંધાન દ્વારા સંશોધનમાં પોતાનાં તારણોનું સમર્થન મેળવવામાં આવે છે.
Text stylistics પાઠશૈલીવિજ્ઞાન છંદવિન્યાસ, અર્થલય, કલાપ્રતીક, કથાનક કે ચરિત્રચિત્રણ – આ સર્વને ભાષાસંદર્ભ છે, અને ભાષાસંદર્ભનો મહત્તમ એકમ છે પાઠ. આના અધ્યયનને લક્ષ્ય કરતું આ વિજ્ઞાન છે.
Theatre of cruelty આઘાતનાટ્ય આઘાત તરીકાઓના ઉપયોગથી અને અ-ભાષિક વાતાવરણ વચ્ચે દુરિત અને યાતનાનું સંક્રમણ કરતું આ નાટ્યસ્વરૂપ ૧૯૩૦ થી ૪૦માં ફ્રેન્ચ પરાવાસ્તવવાદી અભિનેતા અને લેખક એન્તની આર્તોને સૂઝેલું. આવા નાટકને એ વિરેચનનું વિધિવિધાન માને છે.
Theatre of fact વૃત્તનાટ્ય સાંપ્રત ઘટનાઓ પર આધારિત આ નાટ્યરજૂઆતમાં મોટી હસ્તીઓને તેમ જ એમનાં જાહેર વિધાનોને અને સમાચારના શબ્દોને સંડોવવામાં આવે છે.
Theatre of involvement અનુબદ્ધનાટ્ય મધ્યમવર્ગીય ધોરણોને આઘાત પહોંચાડવા થતી આ નાટ્યરજૂઆત સામાજિક પરિવર્તનને લક્ષ્ય કરે છે.
Theatre of panic (Theatre panique) ભયનાટ્ય શોક અને આનંદને, રુચિ અને અપરુચિને પ્રાકૃત જોમથી સંમિશ્રિત કરતો આ રંગમંચ ફેર્નાન્દુ એરબલની નીપજ છે.
Theatre of protest વિરોધનાટ્ય સામાજિક પરિવર્તન માટે લેખકઅભિપ્રાય પર પ્રભાવ નાખવા માગતો આ શેરી રંગમંચ છે.
Theatre of silence અનુચ્ચારિત નાટ્ય આ અનુચ્ચારિત નાટ્યનો સિદ્ધાંત ૧૯૨૦-૩૦ વચ્ચે ઝાં ઝાક બર્નારે આપ્યો છે. આ ફ્રેન્ચ નાટકકારને મતે સંવાદ પર્યાપ્ત નથી. પાત્રો જે ઉચ્ચારતા નથી અને ઉચ્ચારી શકતાં નથી એ પણ એટલું જ મહત્ત્વનું છે. બર્નાર સિવાય બહુ ઓછા નાટ્યકારો આ અનુચ્ચારિત નાટ્યની શક્યતાઓને તાગી શક્યા છે. ચેખોવ એમાં એક માત્ર અપવાદ છે.
Theatre of the mind મનોનાટ્ય ઝળહળતા પ્રકાશની ભ્રામક પીઠિકા પર મનોભ્રાંતિ ઉશ્કેરતું વાતાવરણ રચવા માગતી નાટ્યરજૂઆત.
Theatre of the street શેરીનાટ્ય જુઓ, Theatre of protest
Thick Description ઘનિષ્ઠ વર્ણન લેવિ સ્ટ્રાઉસ જેવા વસ્તુલક્ષી લક્ષણોની માત્ર યાદી આપે છે એને ગીર્ત્ઝ અ-ઘનિષ્ઠ વર્ણન (Thin Description) કહે છે. ગીર્ત્ઝનું માનવું છે કે સંસ્કૃતિઓને પામવા માટે ઘનિષ્ઠ વર્ણનની પદ્ધતિ અપનાવવી જોઈએ. આ પદ્ધતિ સ્વીકારીને ચાલે છે કે કોઈ પણ સંસ્કૃતિઘટના એ સ્વતઃ પ્રમાણયુક્ત નથી. ગીર્ત્ઝ સંસ્કૃતિઓને પામવા આ પદ્ધતિ મારફતે સંસ્કૃતિના સંદર્ભમાં ચોક્કસ ઘટનાની પરિપૂર્ણતા શોધે છે.
Thin description જુઓ Thick description
Thinktank વિચારભંડાર આંતરવિદ્યાકીય અઘરી સમસ્યાઓને ઉકેલવામાં કે સંશોધવામાં લાગેલી સંસ્થા કે લાગેલું મનુષ્યજૂથ.
Three level theory of literary genres સાહિત્યપ્રકારનો ત્રિસ્તરીય સિદ્ધાંત મૂળભૂત પ્રકારો (Basic genres) માં ઊર્મિકાવ્ય, મહાકાવ્ય કે કથાકાવ્ય અને નાટ્યને ઓળખાવી શકાય; પ્રકારસ્વરૂપો (Genretypes)માં સૉનેટ, નવલકથા અને સુખાંત નાટ્યને ઓળખાવી શકાય; તો વિશિષ્ટ પ્રકાર (Special genre)માં પ્રણયસૉનેટ, ઐતિહાસિક નવલકથા અને રાજકીય પ્રહસનને ઓળખાવી શકાય.
Threnody વિલાપગીત પ્રશિષ્ટ ગ્રીકકવિતામાં મૃત માટેનો વિલાપ.
Time novels સમયનવલ આંતરચેતના પ્રવાહને આલેખતી આધુનિક નવલકથાઓ પાત્રોના જીવનની મહત્ત્વની ક્ષણો સાથે કામ પાડે છે, તેથી તેમાં વિષયવસ્તુ તરીકે સમયને અને સમયના વિનિયોગને અત્યંત મહત્ત્વનું સ્થાન મળ્યું હોય છે.
Total theatre સકલ રંગભૂમિ વોલ્ટર ગોપ્રિયસે દિગ્દર્શક ઈરવિન પિસ્કેટોર માટે ૧૯૨૦-૨૫ વચ્ચે જે નાટ્યરૂપ સર્જ્યું એને માટે પહેલવહેલી જર્મન સંજ્ઞા (Total theatre) અખત્યાર થઈ. પિસ્કેટોરનો અભિગમ ખૂબ વૈયક્તિક હતો. એણે નાટ્યકૃતિમાં પોતાની જરૂરિયાત મુજબના ફેરફાર કરી પહેલીવાર ફિલ્મ અને કાર્ટૂન ફિલ્મને કાર્યવેગ માટે રંગમંચ પર રજૂ કરી. ધ્યાનાકર્ષક પ્રકાશયોજના, સંગીત, નૃત્ય, અંગકસરતો, આશ્ચર્યજનક દૃશ્યયોજના અને વેશભૂષા આગળ નાટ્યકૃતિને ગૌણ કરી દેવામાં આવી. રંગમંચની બધી જ યાંત્રિક ખૂબીઓને ખપમાં લેવામાં આવી. આવા સકલ રંગમંચના સિદ્ધાંતને ફ્રાન્સમાં ૧૯૫૦ પછી લૂઈ બેરોએ અમલમા મૂક્યો.
Totemism ગણચિહ્નવાદ કેટલીક આદિમ જાતિઓ પોતાની ઉત્પત્તિનું કારણ પક્ષી નાગ વગેરે અ-માનુષ પૂર્વજને ગણે છે અને એની પૂજા કરે છે. ઘરો પર, પોષાકો પર, ધજાઓ પર એને ગણચિહ્ન તરીકે અંકિત કરે છે. ટૂંકમાં જીવજંતુમાં પૂર્વજ હોવાની શ્રદ્ધાનું સૂચન આ સંજ્ઞામાં છે.
Tour de force સમર્થકૃતિ કોઈ પણ લેખકની પ્રતિભા અને એના સામર્થ્યની ઉદાહરણરૂપ કૃતિને આ સંજ્ઞા સૂચવે છે. જેમકે, ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા કે કાન્તનું ‘વસંતવિજય’ ખંડકાવ્ય.
Trans Avant Garde પરા આવાં ગાર્દ ઇટાલિયન કલાવિવેચક અચિલે બોનિતો ઓલિવાએ આપેલી સંજ્ઞા. કીફર, સાન્દ્રો ચિયા – વગેરેની નવી કલાકૃતિઓ આધુનિકતાવાદી સર્વદેશીયતાને ઉલ્લંઘી સાંસ્કૃતિક પરંપરાની કલાના સંમોહક મૂળને પ્રગટ કરે છે. પારંપરિક શૈલીઓ, તરીકાઓ અને કલ્પનોને અનુસરતું અહીં અનુઆધુનિકતાવાદી વલણ છે.
Transcodage સંહિતાન્તરણ રિફાતેરની સંજ્ઞા. ગદ્યની સરખામણીમાં કાવ્યકૃતિમાં કલ્પનથી કલ્પન પ્રતિનો, પરિચ્છેદથી પરિચ્છેદ પ્રતિનો વિકાસ પુનરાવર્તનશીલ હોય છે. કૃતિ વિન્યાસગત રીતે અને શબ્દગત રીતે આગળ વધે છે અને અર્થોને ઉમેરતી આવે છે; પણ એનું પ્રત્યેક પગલું ખરેખર તો કોઈ અર્થનું પુનરાવર્તન હોય છે. આ પ્રત્યેક પગલું સંહિતાન્તરણ છે.
Transhumanizing tendency મનુષ્યાતિક્રમણ વલણ એલિયટનો નિવૈર્યક્તિકવાદ કે આધુનિક સાહિત્યનો નિવૈર્યક્તિકવાદ અમાનુષીકરણ નથી. રેનાતો મોગિઆલી એમાં નિત્શેના આદેશનું અનુકરણ જુએ છે. મનુષ્ય વસ્તુ છે, એનું અતિક્રમણ થવું જોઈએ. માનવપરિસ્થિતિ અને માનવમર્યાદાઓને અતિક્રમી જવાનો એમાં સંકલ્પ પડેલો છે.
Tropisme અભિવર્તન બાહ્ય ઉદ્દીપન સામે પ્રતિક્રિયા આપતું તંત્ર. નાતાલી સૌરોતનું ‘ટ્રોપિઝમ’ આ અર્થ ધરાવે છે.
Trotskyism ત્રોત્સ્કીવાદ ત્રોત્સ્કી દ્વારા પુરસ્કરાયેલું સામ્યવાદનું એક સ્વરૂપ. રશિયાની ક્રાંતિ સફળ થઈ ત્યાર પછી ત્રોત્સ્કી એવું ઇચ્છતા હતા કે અન્ય મૂડીવાદી દેશો પર પણ રશિયાની સત્તા આક્રમણ કરે. ત્રોત્સ્કી ક્રાંતિને ત્યાં જ અટકાવવા નહોતા માગતા. આ ક્રાંતિને એમણે ‘ચિરંતનક્રાંતિ’ તરીકે ઓળખાવી છે. પ્રગતિવાદી વિવેચકો આ સંજ્ઞાને નિંદાવચન તરીકે પ્રયોજતા આવ્યા છે.