અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ પંડ્યા/રાત પહાડ ફરતે ઘસાશે

From Ekatra Wiki
Revision as of 12:34, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાત પહાડ ફરતે ઘસાશે

રાજેશ પંડ્યા

સૂરજ ઢળતાં
કામ બધાં આટોપી લીધાં
હવે થોડી વારમાં
રાત પહાડ ફરતે ઘસાશે
રાત થોડી ખરબચડી થશે
પહાડ થોડો સુંવાળો
ઢાળ ફૂટી નીકળશે
એટલે પહાડ ઊતરી જઈશ
દૂર દીવા બળશે
અેની વાટ ઝાલી ચાલતો થઈશ
આખે રસ્તે આગિયાઓ તરે
અરધા ઝાંખા સરોવરે
એ તો પછી.
અત્યારે
અણિયાળા પથ્થરના ઢગલા ચોપાસ
એમાં બે ચાર મૂળિયાં —
સૂતરના તાંતણા જેવાં — ખૂંપાવી
પવન સોંસરું વૃક્ષ અજાણ્યું
ધજા જેમ ફરફરે
કે
અરધી લખેલી કવિતાના કાગળ જેમ ફડફડે
એટલી વાર
અરધી કવિતા ઊંડાણે જઈ ઠરે
એટલી વારમાં તો
જરાસંધની જેમ રાતનાં બે ફાડિયાં
પહાડ ફરતે પડ્યાં
આ બાજુ ડૂબે સૂરજ
આ બાજુ ઊગે ચંદ્ર
વચ્ચે દીવા જેમ ટમટમતી ટોચ
એની વાટ ઝાલી તરું
જેમ આગિયાઓ તરે
કાળા પાણીના સરોવરે.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮, સંપા. જયદેવ શુક્લ, પૃ. ૫૧-૫૨)