વિદિશા/પરિશિષ્ટ

From Ekatra Wiki
Revision as of 09:24, 23 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


પરિશિષ્ટ

ભોળાભાઈ પટેલ

થોડા પ્રતિભાવ
નિબંધની નવી દિશા – વિદિશા

આ પુસ્તકનું નામ ધરાવતો નિબંધ પ્રવાસ નિબંધનો અપૂર્વ અને અનન્ય નમૂનો છે. લૌકિક ધરાતલ પર લેખક ઊભા છે, પણ નિબંધ તો યુધિષ્ઠિરના રથની જેમ દશાંગુલ ઊંચે ચાલે છે. ભારતીય સાહિત્ય- સૃષ્ટિમાં… કોઈ પરદેશી આ નિબંધ વાંચે તો એને ખ્યાલ આવે કે ભારતીય સાહિત્ય આટલું બધું રસપ્રદ છે. ભારતીય સૌંદર્ય-ચેતના દીપશિખા બનીને આજે પણ વ્યતીતને અજવાળી રહી છે. – રઘુવીર ચૌધરી

ભોળાભાઈ એવાં તો અનઍઝયુમિંગ અને બિનશહેરી માણસ છે કે તેમની સાહિત્યિક સિદ્ધિઓનો સાહિત્યની બહારની વ્યક્તિને જવલ્લે જ ખ્યાલ હોય. ગુજરાતીમાં અભ્યાસ અને વિદ્વત્તા સાથે રમણીયતા અને સૌંદર્યનો મેળ કરનાર જે જૂજ લેખકો છે તેમાં ભોળાભાઈ પટેલનું નામ મોખરે છે. ભોળાભાઈના અભ્યાસાત્મક ગ્રંથો સૌંદર્યથી રસેલા છે અને એમના સૌંદર્યલક્ષી ગ્રંથોને પાનેપાને એમનો ઊંડો અભ્યાસ ઊભરાય છે…

– હસમુખ ગાંધી

(સમકાલીન, મુંબઈ, ૨૮ ડિસેમ્બર ‘૯૨.)


ભોળાભાઈ કાકાસાહેબની કેડીનાં પ્રવાસી છે.

(‘ગુજરાતમિત્ર’ : સુરત ૧લી જાન્યુઆરી, ૧૯૯૩)


‘વિદિશા’ દ્વારા શ્રી ભોળાભાઈ પટેલે એકીસાથે આપણાં નિબંધ-સાહિત્યને તેમ જ પ્રવાસ-સાહિત્યને વધુ રિદ્ધિવંત બનાવ્યાં છે.

(‘નવનીત સમર્પણ’, ડિસેમ્બર – ૧૯૮૦)


વિદિશા : કદંબિત ચેતના

‘વિદિશા’ વાંચી રહ્યા બાદ ‘ખંડિયેરોની વચમાં સ્તવન’ સાંભર્યું જે તમને પણ સંભળાવું તો ગામથી વિદિશા અને વિદિશાથી ગામનું સંવેદનાચક્ર પૂરું થાય. (પૃથ્વીનો છેડો ઘર!) અન્યના અનુભવને – અહીં તો પ્રવાસાનુભવને પોતીકો કરવા-કરાવવા ઈદમતૃતીયમનો આધાર (અત્રે સાભાર) લેવો પડે છે :

The sea mounts the coast clings between the rocks, a dazzling spider the livid wound on the mountain glistens,a handful of goats becomes a flock of stones the sun lays its gold egg upon the sea.All is God.A broken statue,Columns gnawed by the light,ruins alive in a world of death in life.

Octavio Paz

જેસલમેર, માંડુ, વિદિશા, ખજુરાહો અને પ્રવાસલેખકનું ‘તેષાં દિક્ષુ’ (ગામ) – આ નિબંધોનો, મારા પ્રિય લેખોનો કુલ ભાવાનુભવ પાઝની પંક્તિઓમાં ઘણોખરો તંતોતંત ઊતર્યો છે. જ્યાં વર્ણનો પિક્ચર પોસ્ટકાર્ડ્ઝની સ્પર્ધામાં નથી ઊતરતાં, જ્યાં ગદ્ય પ્રવાસનોંધોને ‘કવેતાઈ’ (fruity) કરવા મથતું નથી, જ્યાં આલેખન યાદે ચઢતાં સઘળા ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભોને ભેળવી સ્કૂલનિબંધ (‘કાશી’ નિબંધમાં આવું થોડુંક બન્યું છે તેમ)ની કક્ષાએ ઉતારી મૂકતું નથી, જ્યાં વિદગ્ધતાનાં વજનો અને સ્મૃતિનો અજુગતો સથવારો છૂટી જાય છે ત્યાં ત્યાં પ્રવાસલેખકની નિજતામાં આપણે પ્રતિષ્ઠિતથઈએ છીએ અને તેમની સૌંદર્યચેતનામાં સંચંક્રમણનો પ્રારંભ!

– રાધેશ્યામ શર્મા


ચિલિકા નિબંધમાં કવિને (હું આ નિબંધકા૨ માટે લેખક નહિ કવિ વિશેષણ યોજવાનું પસંદ કરીશ.) પૂર્ણ મુક્ત ગતિ મળી છે. મારે સૂચવવાનું હોત તો હું સંગ્રહને માટે ચિલિકા નામ સૂચવત. સૌથી વધુ પ્રિય થઈ પડે એવો આ નિબંધ છે. એ નિબંધ ભોળાભાઈના સાહિત્યસંસ્કારોથી સમૃદ્ધ છે. ઉમાશંકર-રાધાનાથ રાય-બાણ-બુદ્ધદેવ બસુ કેટકેટલાને એ યાદ કરે છે. વડનું સામ્રાજ્ય, પંખીઓનો કલરવ, ચિલિકાનાં વારિનું દૃષ્ટ-અદૃષ્ટ રૂપ આ બધું આ પ્રવાસીની ચેતનાના કયા કયા સ્તરને સ્પર્શે છે તે જોવું રસપ્રદ છે. એ અનુભવમાંથી બહાર આવવું વિષાદપ્રેરક બની જાય છે. નિબંધનો અંત એથી જ સંવેદનાત્મક અને માર્મિક બની આવ્યો છે. ચિલિકાથી મુક્ત થવું મુશ્કેલ છે.

– નૂતન મહેતા


તેમની દૃષ્ટિ ખીલી તો છે ‘ખજુરાહો’માં. વાત્સ્યાયનને અનુસરતી, આ શિલ્પનગરીનું લેખકે જે મુગ્ધ-સ્વસ્થ દૃષ્ટિથી દર્શન કર્યું-કરાવ્યું છે તે અનન્ય છે. ખજુરાહોના મંદિરમાં જે નૃત્ય-મુદ્રાઓ ઝીલાઈ છે તેને વર્ણવતાં લેખક નોંધે છે : ‘અહીં ગતિ છે પણ ગમન નથી. અહીં સ્થિતિ અને ગમન વચ્ચેની ગતિ છે. શિલ્પીએ જાણે કશીક ક્રિયા પૂર્વની ક્ષણને ઝડપી લીધી છે – ન યયૌ, ન તસ્થૌની ક્ષણ! અહીં તો મનુષ્યદેહ એ જ દેવમંદિર છે.’ આ સૌંદર્ય માણ્યા પછી લેખક જાણે કે તેને એકલા માણી શકતા નથી તેથી જ મંદિરમાંના એક અપૂજ દેવતાને વિનવે છે : ‘આંખમાં સૌંદર્યનું નૈવેદ્ય લઈને આવ્યા છીએ. સ્વીકારો ચતુર્ભુજ દેવતા અમારું આ નૈવેધ.’ આ રાગનગરીના દર્શન પછી લેખક અચાનક ભાવકના ચિત્તને મોક્ષનગરી કાશીમાં લઈ જશે, જાણે કે ખજુરાહોના દર્શનથી ચંચળ બનેલા ચિત્તને ઉપરામ આપતા ન હોય તેવું જણાય છે.

– દર્શના ધોળકિયા


ભટકવાનું મન થઈ ગયું

…ભોળાભાઈએ ભારતની ભૂમિ પર ઠીક ઠીક ભ્રમણ કર્યું છે. એમના પ્રવાસોનું વર્ણન કરતા નિબંધોનું આ પુસ્તક (વિદિશા) છે. વાંચીને જીવ મારા પારસી મિત્રો કહે તેમ ‘બાગ બાગ’ થઈ ગયો. આ નિબંધો સ્થળોનાં ધામોનાં વર્ણન પૂરતાં સીમિત નથી. ભોળાભાઈએ પોતાના પ્રવાસોમાં જે જોયું, અનુભવ્યું એની સાથે એમની વિશાળ કાવ્યમય કલ્પનાશક્તિને ગૂંથી દીધી છે. કહો કે કલ્પનાશક્તિને છૂટો દોર આપી દીધો છે.

ભોળાભાઈની શૈલી ખૂબસૂરત છે, એમનું હૈયું એક સંવેદનશીલ કલારસિકનું છે. એમની કલ્પનાશક્તિ કવિની છે. ‘વિદિશા’ વાંચીને મને ભટકવાનું મન થઈ ગયું.

‘પ્રવાસી’, મુંબઈ, ૨૨-૮-૮૦

– હોમી દસ્તુર (‘કૂપમંડૂક’)

‘વિદિશા’ વાંચતાં વાંચતાં

પ્રિય ભોળાભાઈ

…ગયે અઠવાડિયે હું ત્રણ દિવસ અમદાવાદ દાંત પડાવવા રહી ગયો. ત્યારે આપણે મળાયું નહીં, પણ હું તો જાણે તમારા સાન્નિધ્યમાં જ રહેલો – ‘વિદિશા’ આખી વાંચતાં વાંચતાં દાંતની પીડા વિસરાઈ ગઈ. આવીને તરત તમને લખવા ધારેલું પણ થોડા દિવસ વીતી ગયા. આજે મારો પૂર્ણ આનંદ વ્યક્ત કરું છું. મારું વાચન ઓછું છે, અને થોડાંક જ પુસ્તકો હું અથેતિ વાંચી શક્યો છું…

તમારું આ પુસ્તક વાંચીને અનેક લોકોને દેશમાં ભ્રમણ કરવા નીકળી પડવાનું મન થશે. શરૂઆતમાં મને પણ થયેલું, પણ પછી આગળ વાંચતાં થયેલું કે તમે જે રસિકતાથી સૌન્દર્યદર્શન કરાવ્યું છે તેની તોલે તો આ પ્રત્યક્ષ દર્શનનો આનંદ પણ નહીં આવે… છેવટે આ મધુર પુસ્તક જેમને અર્પણ થયું છે તે વ્યક્તિનો પણ ક્યારેક પરિચય થશે એવી આશા છે.

લિ. સેવક

– મહેન્દ્ર મેઘાણી, ૨૦-૮-૮૦ ભાવનગર


ભોળાભાઈ ઊઘડે, મહોરે અને વિકસે છે એમના સૌન્દર્યધર્મી લેખોમાં. આ લેખોમાં પણ એક વ્યવસ્થા જડી આવે. જે-તે સ્થળ-વિશેષની વાત કરતાં લેખક ત્યાંની ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, માનવસ્વભાવ આદિને ત્યાંની કેટલીક લોકકથાઓ અને પૌરાણિક કથાસન્દર્ભો સાથે પ્રત્યક્ષ કરી આપે. કાલિદાસ, ટાગોર, રિલ્કે, બોદલેર, જીવનાનન્દ દાસ, ઉમાશંકર, પ્રહ્લાદ, પ્રિયકાન્ત જેવાની કાવ્યરચનાઓ પણ ગૂંથાતી આવે. યૌવનાઓના સૌન્દર્યની વાત કર્યા વિના તો ભોળાભાઈ રહે જ શાના? આ ભેળવણીની માત્રાઓ અને તરેહ ભિન્ન ભિન્ન હોઈ બહુધા ચિત્તાકર્ષક બને.

—સતીષ વ્યાસ


પ્રિય શ્રી ભોળાભાઈ,

…તમારા પ્રવાસ નિબંધો ‘સાહિત્ય’માં આવતા હતા ત્યારે નિરંજનભાઈ મારફત મેં તમને અભિનંદન મોકલ્યા હતા, પણ ફરીથી કહી દઉં કે “વિદિશા” જેવા પ્રવાસલેખો ગુજરાતીમાં લખાયા નથી ને ક્યારે લખાશે તે ખબર નથી. ઘણું જીવો, ઘણું ફરો ને આવું જ ઘણું લખો એવી શુભેચ્છા!

અશ્વિનનાં વંદન—અશ્વિન મહેતા

૧૬-૨-૮૧

મુંબઈ