સાહિત્ય પલ્લવ – ભાગ ૧/પ્રભુ ! જીવન દે

Revision as of 11:06, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રભુ! જીવન દે

(તોટક)

પ્રભુ, જીવન દે, હજી જીવન દે!
વિપદો નિતનિત્ય નવીન નડે,
ડગલું ભરતાં કુહરે જ પડે,
કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે,
વનકંટકથી તન રક્ત ઝરે, ૫
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દૃગ, એ પડીને ફરીથી ઊપડે
પગ, એટલું હે પ્રભુ જીવન દે!
પ્રભુ, જીવન દે, નવજીવન દે!
પ્રભુ, બંધનમાં જકડાઈ ગયો, ૧૦
મુજ દેહ બધો અકડાઈ ગયો,
અવ ચેતન દે,
નવચેતન દે!
સહુ એક જ ઘાથી હું તોડી દઉં,
તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં, ૧૫
તુજ વારિ વિશાલ મહીંથી ઊડે,
લઘુ પામરતા બધી માંહી બૂડે,
જલ એ ઊભરી અભર્યું જ ભરે,
પ્રભુ, એ જલમાં ઝીલવાનું જ દે!
પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે ૨૦
દિનરાત ડરાઉં ડરાઉં કરે.
પણ નિર્ભય મુક્ત અસીમ જલે
ઝીલતાં જનશું મળવાનું જ દે;
પ્રભુ, ચેતન દે, નવચેતન દે.
યદિ એ નવ દે,— ૨૫
પણ જીવન ઓટ ન ખાળી શકું,
મુજ જીવન ખોટ ન વાળી શકું,
હળવે મુજ જીવનહ્રાસ થતો,
અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું ૩૦
નહિ, એવું ન દે! પ્રભુ, એ કરતાં,
મુજ આયુષશેષ ય સંહરતાં,
ઘડી યૌવન જીરણ અંગ તું દે, —
પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે,
પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે? — ૩૫
બીજું ના કંઈ તો બસ આટલું દે,
જગ પાપ શું કૈં લડવાનું જ દે,
લડી પાર અને પડવાનું જ દે,
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે, ૪૦
જીવવા નહિ તો,
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
ઘડી એ બસ એટલું યૌવન દે;
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે
[ શેષનાં કાવ્યોમાંથી]

સ્વાધ્યાય

૧. પ્રભુ પાસે કવિ કઈ કઈ માગણીઓ કરે છે તે જણાવો.
૨. ‘આવું તો હે પ્રભુ! તું મને ન દેતો!’—એમ કહી કવિ કઈ કઈ એવી બાબતોનો ઉલ્લેખ કરે છે જે તેને નથી જોઈતી?
૩. જેને મુદ્રાલેખ તરીકે વાપરી શકાય એવી કોઈ પંક્તિ કે પંક્તિઓ આ કાવ્યમાં તમને લાગે છે? જો હોય તો તેનો ઉલ્લેખ કરો.
૪. આ સાથે સ્વ. રમણભાઈની ‘મુજ જીવન આ પ્રભુ! તુંથી ભરું’ પંક્તિથી શરૂ થતી પ્રાર્થના અને રવિબાબુની ‘કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાર્થના મારી’ પંક્તિથી શરૂ થતી પ્રાર્થના મેળવી સરખાવજો.