સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મોહનદાસ કરમચંદ ગાંધી

From Ekatra Foundation
Revision as of 02:02, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મોહનદાસ કરમચંદ ગાંધી

[ગાંધીજીની લેખન-પ્રવૃત્તિ એક અકસ્માત છે. તેમણે પોતે પોતાની જાતને કદી લેખકનું પદ આપ્યું નથી, અને કોઈ તેવું પદ આપે તો તે મંજૂર રાખે કે કેમ એ શંકાભર્યું છે; આમ છતાં આપણા સાહિત્યના તે એક સમર્થ ગદ્ય-સ્વામી છે. ગુજરાતને તેમણે જે અનેકવિધ મહામૂલ્ય ભેટો આપી છે તેમાં સ્વચ્છ અને સરળ ગદ્યનો તેમણે જે વારસો આપ્યો છે તેની અસર ભાગ્યે જ માપી શકાય. અંગ્રેજી ગદ્ય ઉપર પણ તેમનો એવો જ અસાધારણ કાબૂ છે. તેમની શૈલીને અંગ્રેજી વાઙ્મયના સિદ્ધહસ્ત સમાલોચકો બાઈબલની શૈલી જોડે સરખાવે છે. એ શૈલીની ખાસિયત તેની સ્વાભાવિક્તા, સરળતા, સચોટતા અને મિતાક્ષરીપણું છે. એ શૈલી અલંકારની પરવા નથી કરતી. ગાંધીજી જેમ ઓછામાં ઓછાં વસ્ત્રે ચલાવે છે તેમ એ શૈલી ઓછામાં ઓછાં વિશેષણો અને ઓછામાં ઓછા અલંકારોનો આશરો લે છે, અને એમ છતાં ગાંધીજીનાં ઓછાં વસ્ત્રો જેમ તેમનું એક પરમ ભૂષણ બની રહે છે તેમ આ શૈલીની સાદાઈ એનું પરમ આકર્ષણ બની રહે છે. વળી ગાંધીજીનું પ્રત્યેક લખાણ હિન્દના વિશાળ જનસમુદાયને ઉદ્દેશીને લખાયેલું હોઈ તેમાં લેખકના હૃદયની ઊંડી લાગણી છે, તેમાં લોકોના હૃદયને સ્પર્શવાની શક્તિ છે, જીવતાપણું છે. ‘કન્યાકુમારિકાનાં દર્શન’ વાંચતાં આ વસ્તુ આપોઆપ સમજાશે. એ વાંચતાં ગાંધીજી જાણે કે કવિ હોય એવો આપણને ભાસ થાય છે – અને એને ‘ભાસ’ કેમ કહેવાય! કવિ એટલે સત્યને તેના સુન્દર, કલ્યાણકારી સ્વરૂપમાં જોનાર. ગાંધીજીના જીવનની તો પ્રત્યેક પળ આ કાર્યને સમર્પાયેલી છે, તો પછી એમનું દર્શન કવિનું જ દર્શન હોયને? અને એ દર્શન એટલું જીવન્ત છે કે તેને અનુરૂપ વાણી તેમને મળી જ રહે છે. ‘કન્યાકુમારિકાનાં દર્શન’માં શરૂઆતથી જ કાવ્ય નીતરે છે. હિન્દુસ્તાનની ચતુ: સીમાનું એમનું વર્ણન અને બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રના વિરાટ મિલનનું ચિત્ર અને તેની ઉપર શંકર જેવા અવધૂતને માટે તપશ્ચર્યાં કરતી શુચિતા અને સૌર્દયના અવતાર જેવી પાર્વતી - આવા ચિત્રથી શરૂઆત કરી ગાંધીજી આપણને ધર્મના હાર્દ તરફ અને હિન્દુધર્મના એક ઊંડા ઘા (અસ્પૃશ્યતા) તરફ ખેંચી જાય છે. સર્વધર્મસમભાવ ગાંધીજીએ કેવી રીતે કેળવ્યો હશે તેનો પણ આ નાનકડા લેખમાં આપણને પરિચય મળે છે. સામાની લાગણીને કેટલા બધા આદરપૂર્વક માન આપવું જોઈએ, અને છતાં આપણા પોતાના સિદ્ધાંતમાંથી ચલિત ન થવું જોઈએ, એ પણ આપણને એમાંથી જોવા મળે છે; અને ગાંધીજી ઊઠતાં બેસતાં, જાગતાં ઊંઘતાં, દિવસે કે રાતે સતત આપણી દીનહીન પતિત સ્થિતિનો જ કેમ વિચાર કર્યા કરે છે તે પણ જાણવાનું મળે છે. આ લેખમાંથી પ્રસંગ આવ્યે હળવો વિનોદ કરી લેવાની અને તે સાથે દરેક વસ્તુનો અતિ ઝીણવટથી વિચાર કરવાની ગાંધીજીની શક્તિનો પણ પરિચય મળે છે. દાખલા તરીકે જ્યારે એ કહે છે : ‘ઘોડે-નહિ, મોટરે -ચડીને આવેલ અમે’ ત્યારે આપણને એ વાક્ય સહેજ રમૂજ આપે છે, અને તે સાથે ગાંધીજી પ્રત્યેક શબ્દના ઉપયોગ માટે કેટલા જાગ્રત છે તે પણ જાણવાનું મળે છે. આપણે ત્યાં કોઈ માણસ બહુ દોડાદોડમાં હોય તો કહેવાય કે, ‘ભાઈ, એ તો ઘોડે ચડીને આવ્યો છે.’ પણ હવે તો ઘોડાની ગતિને આંટી જાય એવાં નવાં વાહનો આપણા જીવનમાં આવ્યાં છે, ને ઘોડો ધીમે ધીમે ભુલાતો જાય છે તે એટલે સુધી કે વાહન ખેંચનાર તરીકે થોડા વર્ષમાં કદાચ એને ક્યાંય સ્થાન ન મળે. એ સમયમાં ‘ઘોડે ચડીને આવવાની’ કહેવત કદાચ મોળી લાગે કે બંધબેસતી ન લાગે. એટલે ગાંધીજી પોતાને જ સુધારતાં કહે છે – ‘નહિ, મોટરે ‘. જૂનાં ઉદાહરણો, જૂની ઉપમાઓ, જૂના અલંકારોનો (જેને સાહિત્યની ભાષામાં ‘ભાવપ્રતીક’ કહેવામાં આવે છે તેનો ) આપણા આ બદલાયેલા જમાનામાં ઉપયોગ કરતાં વધારેમાં વધારે મુશ્કેલી આપણી નવી કવિતાને નડવા માંડી છે; જેમકે અગાઉ યુદ્ધનું વર્ણન કરતાં ‘કુંજર ડોલે દ્વાર’ એમ કહેવું એ સ્વાભાવિક હતું. આજ તો હવે ‘કુંજર’ એટલે હાથી તો ક્યાંક રડ્યોખડ્યો જોવા મળે -બાકી મોટર તો હોય છે. તો કવિઓએ શું કહેવું? ‘મોટર સોહે દ્વાર?’...... આમ ગાંધીજીની શૈલીની અનેક લાક્ષણિક્તા અને ઊંડી વેધક દૃષ્ટિ, સમભાવશીલતા અને દરિદ્ર-સમભાવ આ નિબંધમાં સરસ રીતે, અને સરળ તથા મધુર વાણીમાં વ્યક્ત થયાં છે. એવી જ રીતે લઘુનિબંધના પ્રકારનો ‘અભય’ એક સુન્દર નમૂનો છે. બહુ જ થોડા શબ્દમાં પણ કેટલી સચોટતાથી ગાંધીજીએ એમાં અભયનું વર્ણન કર્યું છે! ‘તલવાર શૂરાની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.’ આ વાક્ય કેટલું બધું અર્થપ્રધાન છે! ગાંધીજીના આ બન્ને પાઠોની ખૂબીઓ સારી રીતે સમજવા માટે એનું વારંવાર પઠન થવું જોઈએ.]