ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન
૧ ક. વિષય અને કૃતિ-વિવેચન (અકારાદિક્રમે)
અવતારવાદ
ખન્ના, વીણા
શીર્ષક : પૂર્વ મધ્યકાલીન હિન્દી ઔર ગુજરાતી ભક્તિ કાવ્યમેં અવતારવાદ (હિન્દી) દિલ્હી, ૧૯૭૧.
આખ્યાન
ઓઝા, શશિન નટવરલાલ, ૧૯૨૪-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી આખ્યાન.
મુંબઈ, ૧૯૬૬. પ્રકા. ૧૯૬૯, પૃ. ૩૨૪
પટેલ, હંસાબહેન મોહનલાલ, ૧૯૩૧
શીર્ષક : આખ્યાનયુગનો સાહિત્યપ્રવાહ
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી, ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ૧૯૭૫, પૃ. ૨૮૪
આ શોધનિબંધમાં આખ્યાનયુગના સાહિત્યપ્રવાહને સમગ્રતયા તપાસીને એનું સ્વારસ્ય શોધવાનો પ્રયત્ન થયો છે. ગુજરાતી સાહિત્યના યુગો વિશે વિચારીએ તો અર્વાચીન યુગમાં જે સ્થાન ‘પંડિતયુગ’નું છે તે જ સ્થાન મધ્યકાલીનયુગમાં ‘આખ્યાનયુગ’નું છે. આખ્યાનયુગનો સમય નિર્ણય અને યુગોનું નામકરણ, આખ્યાનયુગનાં અન્ય સાહિત્ય સ્વરૂપો, આખ્યાન - વ્યાખ્યા, સ્વરૂપ અને વિકાસ, આખ્યાનયુગની સાંસ્કૃતિક ભૂમિકા, આખ્યાનયુગના મુખ્ય કવિઓ અને આખ્યાનયુગનું સાહિત્ય ને પ્રદાનનો સમાવેશ થયો છે.
ઉદ્ધવસંદેશ
દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૩૫-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉદ્ધવસંદેશ કાવ્યોનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૮૩-૮૪
માર્ગદર્શક : મહેન્દ્ર દવે, પ્રકા. ૧૯૮૬, પૃ. ૨૧૬
શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન
સંદેશકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખી મધ્યકાલીન ગુજરાતીમાં ઉદ્ધવસંદેશ પ્રસંગને આલેખતી ઉદ્ધવસંદેશકાવ્યની ગુજરાતી પરંપરા અંગેનો સમગ્રલક્ષી અભ્યાસ આ મહાનિબંધના કેન્દ્રમાં છે. ઉદ્ધવસંદેશની કથાના ભિન્ન ભિન્ન પ્રસંગોનું પૃથક્કરણ કરી તે તે પ્રસંગોને નિરૂપતા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કેટલું વિત્ત દર્શાવ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ સંશોધકે કર્યો છે. નરસિંહથી દયારામ સુધીના અનેક નાનામોટા કવિઓએ ઉદ્ધવસંદેશના આ કથાનકના વિષયવસ્તુને લક્ષમાં રાખી પદ, ફાગુ, રાસ, મહિના, ગરબી કે ગીતના કાવ્યસ્વરૂપે સર્જન કર્યું છે તેનું તુલનાત્મક અધ્યયન અહીં ઉપલબ્ધ છે.
ઉપદેશમાલા બાલાવબોધ
પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪
શીર્ષક : શ્રી સોમસુંદર સૂરિરચિત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’ સંપાદન અને અધ્યયન, સરદાર પટેલ, ૧૯૮૧.
માર્ગદર્શક : સ્વ. પ્રા. શ્રી જશભાઈ કા. પટેલ
ડૉ. દિલાવરસિંહ જાડેજા
જૂની ગુજરાતીના પદ્યસાહિત્ય અને પદ્યકૃતિઓની તુલનાએ ગદ્યસાહિત્યનો તથા ગદ્યકૃતિઓનો અભ્યાસ ઓછો થયેલો છે. આ મહાનિબંધમાં તે સમયના સમર્થ ગદ્યકાર આચાર્ય શ્રી સોમસુંદરસૂરિની કૃતિ ‘ઉપદેશમાલા-બાલાવબોધ’ વિશે અધ્યયન થયું છે. આ કૃતિની વિશેષતાઓ, કર્તાની પ્રતિભા, તે જમાનાના ગદ્યસાહિત્યના પ્રવાહો વિશે આ સંશોધનમાં વિસ્તૃત છણાવટ થઈ છે. પ્રકરણ ૧ - આચાર્ય શ્રી સોમસંદરસૂરિ (અ) જીવનવૃત્ત, (બ) રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્યિક પૃષ્ઠભૂમિ, (ક) શ્રી સોમસુંદરસૂરિની કૃતિઓ. પ્રકરણ ૨ - ઉપદેશમાલા - બાલાવબોધ, (અ) મૂળગ્રંથ - ઉપદેશમાલા (બ) અનુવાદ પદ્ધતિ (ક) ગદ્ય અને શૈલી (ડ) દૃષ્ટાંત કથાઓ (ઇ૧) ભાષાસ્વરૂપ (ઇ૨.) વ્યાકરણ-પાદટીપ (ઈ) પ્રતપરિચય અને સંપાદન પદ્ધતિ. પ્રકરણ ૩-(અ) ઉપદેશમાલા-બાલાવબોધ સંશોધિત પાઠ (બ) પાઠાંતરો, (ક) શબ્દસૂચિ. પ્રકરણ ૪ : સંદર્ભસૂચિ
ઓખાહરણ
પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮–
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણની કથાનો વિકાસ
માર્ગદર્શક : ઈશ્વરલાલ બી. દવે, ગુજરાત, ૧૯૭૫
ગુજરાતમાં લોકપ્રિય અને ઘેર ઘેર વંચાતું ‘ઓખાહરણ’ કવિ પ્રેમાનંદની રચના છે. અહીં ઓખાહરણની પૂર્વભૂમિકા આપી કથા-ઘટકોની સમીક્ષા થઈ છે. ઓખાહરણની કથાનો પૌરાણિક આધાર કયો છે તે પણ બતાવાયું છે. ગુજરાતીમાં ઓખાહરણની કથાનો ક્રમિક વિકાસ : ઉષાહરણ – વીરસિંહ અને જનાર્દન. ‘ઓખાહરણ : નાકર, વિષ્ણુદાસ, હીરાસુત કાહાન, નરસિંહ નવલ, માધવદાસ, પ્રેમાનંદ’ ઉષા અનિરુદ્ધ વિષયક સંકીર્ણ રચનાઓ અને આ કથાનક પર આધારિત નાટ્યરચનાઓ દશમસ્કંધ અને ભાગવત (ગુજરાતી સારોદ્ધાર)માં ‘ઓખાહરણ’ની કથાનો સમાવેશ કર્યો છે.
કહેવતો ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર, ૧૯૨૪- માંડણ બંધારાકૃત ‘પ્રબોધબત્રીસી’ અને શ્રીધરકૃત ‘રાવણ-મંદોદરી સંવાદ’ને અનુલક્ષીને કરેલ કહેવતમૂલક જૂની રચનાઓનું અધ્યયન,, મુંબઈ, ૧૯૬૬. પ્રકા. : ‘આપણી કહેવતો : એક અધ્યયન’. ૧૯૭૦, પૃ. ૧૨૮, ‘સાહિત્યમાં કહેવતોનો પ્રચાર,’ ૧૯૭૨, પૃ. ૧૧૪.
ભટ્ટ, ઇચ્છાશંકર મણિશંકર
શીર્ષક : કહેવત એક સ્વાધ્યાય
માર્ગદર્શક : બિપીન જે. ઝવેરી, ગુજરાત, ૧૯૭૯
ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં કહેવતોનાં પુસ્તકો પૈકી વીસેક પુસ્તકોનું અવલોકન કર્યા બાદ આ ગ્રંથમાં કહેવતનું એક વ્યાખ્યાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાષામાં કહેવતોનું સ્થાન, મહત્ત્વ અને વિકાસનો વિસ્તારપૂર્વક અભ્યાસ થયો છે. સાથે કહેવતની વ્યુત્પત્તિ, વ્યાખ્યા, તેના પર્યાય શબ્દો, કહેવતોનાં સ્વરૂપ, લક્ષણોની રજૂઆત કરી કહેવતોનું તુલનાત્મક અને વિવિધરંગી ચિત્ર ઉપસાવવાનો યથોચિત પ્રયાસ થયો છે.
શાહ, રમેશચંદ્ર પુરૂષોત્તમદાસ- શીર્ષક : હિંદી ઔર ગુજરાતી લોકોક્તિ એવં મુહાવરોં કા તુલનાત્મક અધ્યયન (હિંદી) સરદાર પટેલ, ૧૯૭૫
કુંવરબાઈનું મામેરું
વૈષ્ણવ, હીના બિપિનચંદ્ર (મહેતા હીના પ્રતીક)
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કુંવરબાઈના મામેરા વિષયક કાવ્યોનો તુલનાત્મક અભ્યાસ
માર્ગદર્શક : મહેન્દ્ર અ. દવે, ગુજરાત, ૧૯૯૧
પાંચ પ્રકરણમાં વહેંચાયેલા આ મહાનિબંધના પ્રથમ પ્રકરણમાં ‘કથાની ગંગોત્રી’ શીર્ષકમાં નરસિંહે લખેલા મનાતા આ કાવ્યોના કર્તૃત્વ વિશે ઈષત વિચાર કરીને મોસાળાકથાના ગંગોત્રીરૂપ પ્રસંગો જુદા તારવ્યા છે. બીજા પ્રકરણમાં પ્રસંગોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ત્રીજા પ્રકરણમાં પાત્રો - બે મુખ્ય પાત્રો નરસિંહ અને કુંવર ઉપરાંત અન્ય ગૌણ પાત્રોના આર્ત વ્યક્તિત્વને અને આંતરમર્યાદાનું નિરૂપણ કર્યું છે. ચોથા પ્રકરણમાં ‘સમાજ ચિત્રણ’માં આ કથાપરંપરામાં નિરૂપાયેલા સમાજના ભિન્ન ભિન્ન રંગોને જુદા તારવ્યા છે. પ્રકરણ પાંચ અને છેલ્લા પ્રકરણમાં મોસાળાની કથા કેવી રીતે રમણીય કાવ્યરૂપ પામી તે દર્શાવવામાં આવ્યું છે. છેલ્લે પરિશિષ્ટમાં રાજસ્થાની હિંદીમાં કેટલાક કવિઓએ કાવ્યરચના કરી છે તેનો સમાવેશ કર્યો છે.
કૃષ્ણકાવ્ય
ગુપ્ત, જગદીશ, ૧૯૨૬-
શીર્ષક : હિન્દી ઔર ગુજરાતી, કૃષ્ણકાવ્ય-એક તુલનાત્મક અધ્યયન, ૧૫મી સદીસે ૧૭મી સદી તક (હિંદી) અલ્હાબાદ, ૧૯૫૩. પ્રકા. ૧૯૫૮
ત્રિવેદી, શશિકલા અમરીશ
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં કૃષ્ણ. દિલ્હી, ૧૯૬૬
જૈન કવિઓ
ચોક્સી, વાડીલાલ જીવાભાઈ, ૧૯૦૫-
શીર્ષક : સત્તરમાં શતકના જૈન ગુજરાતી કવિઓ
માર્ગદર્શક : ઉમાશંકર જે. જોશી,
ગુજરાત, ૧૯૬૨
આ મહાનિબંધના આરંભમાં અતિ સંક્ષેપમાં પણ સમગ્ર જૈન સાહિત્યધારાનો આલેખ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને સત્તરમાં શતકના આરંભ સુધીના જૈન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓનો પરિચય કરાવ્યો છે. અભ્યાસ વિષય બનેલા ૧૮૯ કવિઓમાંથી મોટા ભાગના કવિઓના સંક્ષિપ્ત પરિચય આપ્યા છે. અને નયસુંદર, સમયસુંદર, ગુણવિનય, ઋષભદાસ, ઉપાધ્યાય મેઘરાજ, જયવિજય (૩). દેવચંદ્ર (૨) અને જિનરાજસૂરિ એ નવ કવિઓ વિષે વિગતે પરિચય આપ્યો છે. સત્તરમાં શતકના પૂર્વાર્ધના બાદશાહ જહાંગીર અને શાહજહાંના અમલ સમયના જૈન લેખકોની ગુજરાતી કૃતિઓમાં થતું ગુજરાતનું ‘સમાજ-દર્શન’ એ આ મહાનિબંધનો અગત્યનો ભાગ છે. એમાં સમાજની સ્થિતિ, રીત રિવાજો, ઉત્સવો, શણગાર પહેરવેશ, કેળવણી, આનંદપ્રમોદો, ચલણીનાણું, ખાદ્યસામગ્રી, યાત્રા સંઘ, વૈદક, ચમત્કારો, વહેમો, મેલી વિદ્યા વગેરેનો અભ્યાસ કર્યો છે.
બૉમન, જ્યોર્જ
શીર્ષક : જૂની ગુજરાતીની ત્રણ જૈન કવિતાઓ : ‘નેમિનાથ ચતુષ્પદિકા’, ‘દુહા-માતૃકા’ અને ‘શાલિભદ્રકક્ક-કુલ’ : સંપાદન, અનુવાદ, વ્યાકરણ અને શબ્દસૂચિ (જર્મનીમાં) હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મની, ૧૯૭૩, ૧૯૭૫, પૃ. ૧૮ + ૧૭૬
વોરા, રેખા
શીર્ષક : જૈનોનું સ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર
મુંબઈ, ૨૦૦૧
જ્ઞાનાશ્રયી કવિતા
વાર્ષ્ણેય, કુંજબિહારીલાલ, ૧૯૩૩-
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી જ્ઞાનાશ્રયી સંતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન. ઈ. ૧૬૦૦ સે ૧૯૦૦ તક (હિંદી). મુંબઈ, ૧૯૬૪
તત્ત્વવિચાર
પંડ્યા, નિપુણ ઇન્દ્રવદન, ૧૯૧૮-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, ગુજરાત, ૧૯૬૨.
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ આર. ત્રિવેદી, પ્રકા. ૧૯૬૮, પૃ. ૨૯૬
મહેતા, મીરાં કીર્તિકુમાર
શીર્ષક : “નરસિંહ, મીરાં, અખો અને દયારામની કવિતામાં તત્ત્વદર્શન"
માર્ગદર્શક : શ્રી રમેશચંદ્ર શુકલ, સૌરાષ્ટ્ર, ૧૯૮૪-’૮૫, પ્રકા. ૧૯૮૬, પૃ. ૩૫૨
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે નરસિંહ, મીરાં, અખો અને દયારામની કવિતામાં જોવા મળતું તત્ત્વદર્શન આપણી સમક્ષ રજૂ કરીને ચારેય કવિના તત્ત્વદર્શન પરથી સગુણ ભક્તિ, ઈશ્વરવૃત્તિભક્તિ આલેખી ઈશ્વર સાકાર કે નિરાકાર તે વિશેની આલોચના કરી છે. ત્યારબાદ સંશોધકે નરસિંહ, મીરાં અને દયારામના કૃષ્ણ વિષયક ભજનો / પદો આલેખ્યાં છે. ઉપરાંત અખા રચિત કૃષ્ણ-ગોપી વિષયક ચારેક ભજનો/પદો રજૂ કર્યાં છે. પ્રસ્તુત મહાનિબંધમાં ત્યારબાદ સંશોધકે નરસિંહ, મીરાં, અખો અને દયારામના જીવન અને કવન વિશેનાં વિદ્વાનોનાં મંતવ્યો, ચારેય કવિઓ વિશેની દંતકથાઓ, ચમત્કારો વગેરેનું આલેખન કરીને પોતાનો મત રજૂ કર્યો છે.
દશમસ્કંધ
પરીખ, કુમુદ સુબોધ, ૧૯૩૨
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ‘દશમ સ્કંધો’નું તુલનાત્મક અધ્યયન., પૃ. ૫૬૪, એમ. એસ. યુનિ. ૧૯૮૨
બે વિભાગમાં વહેંચાયેલ આ મહાનિબંધમાં શ્રીમદ્ ભાગવત તથા તેનો દશમ સ્કન્ધ અને તેની પ્રાચીન સાહિત્યમાં તથા કવિશ્રદ્ધા : કૃષ્ણરાધા પરત્વેની વિભાવના વર્ણવેલી છે. ભાલણ, કેશવરામ, ભીમ, લક્ષ્મીદાસ, પરમાણંદ, સંત, માધવદાસ, પ્રેમાનંદ, રત્નેશ્વર, તુલજારામ, રઘુનાથદાસ અને ગિરધરનું વર્ણન છે.
ભટ્ટ, પુષ્પા નાનાલાલ - ૧૯૪૬-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમસ્કંધને લગતું પ્રદાન. (૧૫મી સદીથી ૧૭મી સદી સુધી)
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી, ગુજરાત ૧૯૮૨, પૃ. ૨૫૮
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર ભાગવતપુરાણનો પ્રભાવ સવિશેષ છે અને તેમાંય તેના દશમ સ્કંધનો. ભારતીય પુરાણ-સાહિત્યનો વિકાસ અને કૃષ્ણવિષયક પુરાણ-સાહિત્ય, કૃષ્ણ અને રાધાના સ્ત્રોત્રનું પ્રવહણ અને વિકાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમસ્કંધની લીલાના ઉદ્ગાતા મુખ્ય તથા ગૌણ કવિઓનું આ વિષયક સાહિત્ય પ્રદાન તેમજ કથાનક પર આધારિત આખ્યાનાદિ રચનાઓની તુલનાત્મક આલોચના સાથે ભાગવતનાં કથાનકોનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તુલનાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે.
નળ-દમયંતી
આયર, વિશાલાક્ષી એસ.
શીર્ષક : નલદમયંતી. મુંબઈ, ૧૯૭૮
શાહ, રમણલાલ ચીમનલાલ, ૧૯૨૬-
શીર્ષક : નળ-દમયંતી વિષયક સાહિત્યનો વિકાસ, ગુજરાતી સાહિત્યના વિશેષ સંદર્ભમાં. મુંબઈ, ૧૯૬૧.
પ્રકા. : ‘નળ-દમયંતી કથાનો વિકાસ’ ૧૯૮૦, પૃ. ૩૧૨
પવાડા
વ્યાસ, અનંતરાય નરોત્તમદાસ-૧૯૩૩–
શીર્ષક : ‘પવાડા : સ્વરૂપ અને વિકાસ’
માર્ગદર્શક : નાગજીભાઈ કે. ભટ્ટી, સૌરાષ્ટ્ર, ૧૯૮૩
પૃ. સંખ્યા : ૬૩૫
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ પવાડાના સ્વરૂપ અને વિકાસની વાત વિગતે આલેખી છે, જેમાં પવાડા - શબ્દની ઉત્પતિ, પવાડાની વ્યાખ્યા, પવાડાની અન્ય સાહિત્ય સ્વરૂપો સાથે તુલના, ભારતની ભિન્ન-ભિન્ન ભાષાઓમાં પવાડાઓ રજૂ કર્યા છે. સંશોધકે પવાડાનાં વ્યાવર્તક લક્ષણો અને વર્ગીકરણ, પવાડાનું સ્વરૂપ, પવાડામાં રસતત્ત્વ વગેરેની વિસ્તૃત માહિતી એકઠી કરી રજૂ કરી છે. ત્યારબાદ પવાડાને વિવિધ યુગમાં વિવિધ સાહિત્યમાં રજૂ કર્યા છે જેમ કે ડિંગળ અને ચારણી સાહિત્યમાં પવાડાઓ, પવાડાઓ અર્વાચીન યુગમાં અને પવાડાઓ લોકસાહિત્યમાં નિંદાત્મક તથા વિશિષ્ટ રૂપે રજૂ કર્યા છે.
પંચદંડની વાર્તા
પારેખ, સોમાભાઈ ધૂળાભાઈ, ૧૯૧૮–
શીર્ષક : અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર - વિરચિત જૂની ગુજરાતી ગદ્યકૃતિ ‘પંચદંડની વાર્તા’ (વિ. સં. ૧૭૩૮- ઈ.સ. ૧૬૮૨ પહેલાં)ની સમીક્ષિત વાચના - તે જ વિષય પર પ્રાપ્ત થતી સંસ્કૃત અને ગુજરાતીની સાહિત્યિક કૃતિઓના તુલનાત્મક અધ્યયન સહિત., એમ. એસ. યુનિ. ૧૯૬૧, પૃ. ૬૪૯.
આ મહાનિબંધ બે વિભાગમાં વહેંચ્યો છે. પ્રથમ ખંડમાં લોકવાર્તામાં ‘પંચદંડ’ : લોકવિદ્યા, લોકસાહિત્ય અને લોકવાર્તા - ‘પંચદંડ’ : જાદુઈ વીરકથા, કૃતિ પરિચય, તુલનાત્મક સમીક્ષા, અલગ-અલગ કવિઓ કૃત પંચદંડની વાર્તાઓનો ઉલ્લેખ, તુલના અને સમીક્ષાત્મક અભ્યાસ કર્યો છે. ‘પંચદંડ’ની વાર્તાનું પ્રાચીન સ્વરૂપ અને તેનાં સ્વરૂપાન્તરો વાર્તાઓનાં ઘટક તત્ત્વ અને ‘પંચદંડ’ની પરંપરા વર્ણવી છે. બીજા ખંડમાં અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત ‘પંચદંડ’ની વાર્તાની સમીક્ષિત વાચના, એમાં આવતા નોંધપાત્ર શબ્દોનો શબ્દકોશ વગેરેનો સમાવેશ કર્યો છે. પ્રકા. ૧૯૭૬, પૃ. ૫૫૬
પારસી કવિઓ
ડ્રાઈવર, પેરીન દારા, ૧૯૨૯
શીર્ષક : સત્તરમાં શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા,
માર્ગદર્શક : યશવંત પી. શુક્લ
ગુજરાત, ૧૯૭૨
પૃથ્વીચંદ્રચરિત્ર
પંડ્યા, ભારતી રાજેન્દ્ર, ૧૯૪૧–
શીર્ષક : ‘માણિક્ય સુંદરસૂરિ વિરચિત પૃથ્વીચંદ્ર ચરિત્ર’
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે, સૌરાષ્ટ્ર, ૧૯૮૪
પૃષ્ઠ સંખ્યા : ૩૩૩, પ્રકા. ૧૯૯૨, પૃ. ૨૬૪
પ્રસ્તુત શોધ નિબંધમાં સંશોધકશ્રીએ ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર’નું એક ગદ્યકાવ્ય તરીકે મહત્ત્વ સમજાવી એમના ગદ્યની વિશિષ્ટતાઓ આલેખી છે. તે ઉપરાંત પૃથ્વીચંદ્રની બે કથા પરંપરાઓ આચાર્ય શાંતિસૂરિ વિરચિત (પ્રાકૃત) અને શ્રી માણિક્ય સુંદરસૂરિ વિરચિત પ્રાચીન ગુજરાતી આલેખી છે. ત્યારબાદ સંશોધકે માણિક્યસૂરિની અન્ય કૃતિઓ પર નજર નાખી છે. પ્રસ્તુત ‘પૃથ્વી’ની વાચના માટે ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો રજૂ કરી છે. કૃતિ પુરવાર કરવા માટેના સર્વસ્વીકૃત સિદ્ધાંતોની ચર્ચા, કૃતિનો સંક્ષેપમાં કથાસાર, ‘પૃથ્વીચંદ્ર ચરિત્રની રસાલંકાર અને વિશિષ્ટ લયવાદી ગદ્યસ્વરૂપની ચર્ચા’, ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર’માં નિરૂપાયેલું સામાજિક જીવન જેમાં આ યુગના દેશો, નગરો, ઉદ્યાનો, સરોવરો, વેપાર વણજ, રાજસભા, સ્વયંવરો, લગ્નના રીતરિવાજો વર્ણવ્યા છે. મહાનિબંધનાં અંતમાં ‘પૃથ્વીચંદ્રચરિત્ર’માં જૈનધર્મનો મહિમા વર્ણવ્યો છે.
પ્રકૃતિ નિરૂપણ
દવે, તરલિકા લલિતપ્રસાદ
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ નિરૂપણ, મુંબઈ, ૧૯૫૨.
પરીખ, ધીરુ ઈશ્વરલાલ, ૧૯૩૩–
શીર્ષક : રાસયુગમાં કાવ્યગત પ્રકૃતિ-નિરૂપણ
માર્ગદર્શક : કેશવરામ કાં. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૬, પૃ. ૨૯૭, પ્રકા. ૧૯૭૮, પૃ. ૨૩૬
આ મહાનિબંધમાં પ્રકૃતિ વિષયક સૈદ્ધાંતિક ચર્ચા કરવામાં આવી છે. પ્રકૃતિ શબ્દનો વ્યવહારિક, દાર્શનિક અર્થ, કલાકારની દૃષ્ટિએ પ્રકૃતિ, પ્રકૃતિ અને માનવ, માનવ અને કલા, પ્રકૃતિ અને કલા, પ્રકૃતિ અને સાહિત્ય જેવા સંદર્ભમાં પ્રકૃતિનો ઉપયોગ બતાવાયો છે. રાસયુગની પૂર્વ પરંપરા, રાસાઓમાં પ્રકૃતિચિત્રણ, બારમાસીમાં પ્રકૃતિ નિરૂપણ ફાગુઓમાં પ્રકૃતિ નિરૂપણ, ઇતર કૃતિઓમાં પ્રકૃતિ નિરૂપણ વગેરેનો અભ્યાસ થયો છે.
પ્રદ્યુમ્નકથા
શાહ, મહેન્દ્ર બાબુલાલ, ૧૯૩૬-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રદ્યુમ્નકથા.
મુંબઈ, ૧૯૬૭, પ્રકા. વાચક કમલેશ્વરકૃત ‘પ્રદ્યુમ્નકુમાર ચુપઈ.’ ૧૯૭૮.
પૃ. ૯૦+૯૪
પ્રહેલિકા
ગોકળગાંધી, જયા મ. ૧૯૪૧-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રહેલિકા. એસ.એન.ડી.ટી. ૧૯૭૬
પ્રેમકથા
યાજ્ઞિક, હસુ વ્રજલાલ, ૧૯૩૮
શીર્ષક : ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ : વિશિષ્ટ પાસાંઓનું અધ્યયન’
માર્ગદર્શક : હસિત બુચ, સૌરાષ્ટ્ર, ૧૯૭૨, પ્રકા. ૧૯૭૪, પૃ. ૧૭૦
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ પ્રારંભમાં પ્રાચીન ભારતીય કથા સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની વાત આલેખી છે. ત્યારબાદ પ્રાચીન ભારતીય કથા સાહિત્યમાં પ્રેમકથા, મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા અને તેમાં મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓની મહત્ત્વની કૃતિઓનું અધ્યયન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓમાં પ્રગટતી પ્રેમવિભાવના, સમાજદર્શન, નીતિમત્તા, મંત્રતંત્ર, વસ્ત્રાલંકાર, ખાદ્ય-પાદ્યનું સૂક્ષ્મ આલેખન સંશોધકે કર્યું છે. મહાનિબંધના અંતમાં પરિશિષ્ટ રૂપે સંશોધકશ્રીએ પ્રેમકથાના કથાવસ્તુના માળખાની ભૂમિકા, મોટીફ તથા કથાઘટકોની ક્રમાનુસાર વિગત આલેખી ‘કથા સરિત સાગર’ના કથાનકોનો સંદર્ભ આપ્યો છે.
ફાગુ
વ્યાસ, શંકરલાલ (પંકજ) હરિશંકર
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુ: સ્વરૂપ અને વિકાસ મુંબઈ, ૧૯૬૬.
બારમાસી
વિસાણી, દેવીદાન નારાયણ, ૧૯૩૯–
શીર્ષક : ગુજરાતી લોકસાહિત્યમાં બારમાસી
માર્ગદર્શક :પુષ્કર ચંદરવાકર, સૌરાષ્ટ્ર, ૧૯૭૮
પૃષ્ઠ સંખ્યા : ૩૭૨
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ લોકસાહિત્યમાં બારમાસીનું સ્થાન અને લોકબારમાસીની ઉત્પત્તિ, વિકાસ, સ્વરૂપની વિગતવાર રેખા આલેખી છે. અને લોકબારમાસીના ભાવિ અંગે પોતાનો વિચાર રજૂ કર્યો છે. ત્યારબાદ સંશોધકે ગુજરાતી લોકબારમાસીની વિશિષ્ટતાઓ પર નજર નાખી બારમાસીનો કલાપક્ષ અને ભાવપક્ષ એમ બન્ને પક્ષની વાત કરી છે. ગુજરાતી લોકબારમાસીઓની અન્ય પ્રદેશની લોકબારમાસીઓ તથા ગુજરાતી શિષ્ટ સાહિત્યની બારમાસી સાથે તુલના કરી છે. ત્યારબાદ લોકબારમાસીઓમાં લોક સંસ્કૃતિનું મિશ્રણ ક્યાં અને કેવી રીતે થયું છે તે ઉદાહરણ સહિત વર્ણવ્યું છે અને લોકબારમાસીના લોકસંગીતની વાત કરી છે. સંશોધકે છેલ્લે લોકબારમાસીની સ્વરલિપિ વિશે જણાવી વિશિષ્ટ બારમાસી લોકગીતો નમૂનારૂપે રજૂ કર્યાં છે.
ભક્તિ
ખીરા, ભારતી ગૌરીશંકર
શીર્ષક : મધ્યકાલીન સાહિત્યમાં રામભક્તિની કવિતા
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે, સૌરાષ્ટ્ર
રજૂ કર્યા વર્ષ : ૧૯૮૦
પૃષ્ઠ સંખ્યા : ૫૨૩
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ભારતીય સંસ્કૃતિમાં રામાયણનું મહત્ત્વ, પ્રાચીન સાહિત્યમાં રામકથા, મધ્યકાલીન ગુજરાત અને ત્યારનાં સમયની રામભક્તિ અને ત્યારના સાહિત્યસ્વરૂપોમાં રામભક્તિની વિગતે વાત કરી છે. તે ઉપરાંત પંદરમું શતક, સોળમું શતક અને સત્તરમું શતકનાં કવિતા સાહિત્યમાં રામભક્તિ બતાવી છે. સંશોધકશ્રીએ શામળથી દયારામ અને ગિરધર સુધીની રામકવિતા દર્શાવી છે અને અઢારમા તથા ઓગણીસમા શતકનાં પૂર્વાર્ધમાં રામભક્તિની વાત કરી છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન પરંપરાની કવિતાઓ દર્શાવી છે. સંશોધકશ્રીએ અંતમાં લોકસાહિત્ય અને રામકવિતા, આધુનિક સાહિત્ય અને રામકવિતાનું અનુસંધાન બતાવી મહાનિબંધની પૂર્ણાહુતિ કરી છે.
પટેલ, સોમભાઈ છગનભાઈ, ૧૯૩૮–
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ
માર્ગદર્શક : મહેન્દ્ર અ. દવે, ગુજરાત, ૧૯૭૮-
પ્રકા. ૧૯૮૭, પૃ. ૨૩૦
પ્રેમભક્તિ એ મધ્યકાળનો સૌથી મહત્ત્વનો અને પ્રાણવાન કાવ્યવિષય રહ્યો છે. ભક્તિ એ પ્રેમનું જ બીજું નામ છે. ભક્તિ શબ્દ પ્રભુપ્રેમ માટે વિશેષ પ્રમાણમાં વપરાય છે. પ્રેમલક્ષણા ભક્તિ પ્રભુપ્રાપ્તિનો સરળ માર્ગ છે. ભક્તિની વિભાવના, ભક્તિનો વિકાસ, વેદો, ઉપનિષદો, મહાભારત, ભગવદ્ગીતા, હરિવંશ પુરાણો, વિષ્ણુપુરાણ, ભાગવત પુરાણમાં ભક્તિતત્ત્વનું ભાવપૂર્વકનું નિરૂપણ રાધા પ્રેમલક્ષણા ભક્તિનું અમર પાત્ર, આલવાર ભક્તો, વૈષ્ણવ આચાર્યો અને ભક્તિનાં પ્રચાર તેમજ સંતપરંપરાનું આલેખન આ મહાનિબંધમાં કરવામાં આવ્યું છે.
પારઘી જીવાભાઈ મેઘાભાઈ
શીર્ષક : સોરઠી ભક્તિસાહિત્ય - એક અધ્યયન
માર્ગદર્શક : નાથાલાલ ગોહિલ
સોરાષ્ટ્ર, ૨૦૦૧
ભટ્ટ, હિમાંશુ દામોદર, ૧૯૪૧–
શીર્ષક : ગુજરાતી ભજન સાહિત્ય - મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાત (૧૯૭૩)
માર્ગદર્શક : ડૉ. કે. બી. વ્યાસ
આ મહાનિબંધમાં કવિશ્રી ન્હાનાલાલ, ખબરદાર, સુધાંશુ આદિ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કવિઓની કવિતામાંથી પ્રેરણા મેળવી ગુજરાતી ભજન સાહિત્ય વિશે સંશોધન કરવાનો પ્રયાસ થયો છે. ઈ.સ. ૧૯૬૦થી ગુજરાતી ભજન સાહિત્યનું પરિશીલન શરૂ થયું હતું. ભજનની વ્યાખ્યા, વિષયરસ, ભાવતત્ત્વ દર્શાવી સમગ્રતયા તેનું મૂલ્યાંકન થયું છે. ગુજરાતી ભજનસૃષ્ટિના પ્રેરક સ્રોત તરીકે કબીરની રચનાઓ, રામકૃષ્ણની ભક્તિનું સાહિત્ય, ભજનમાં શ્રી ગણેશ, શારદા, ગુરુ શબ્દ અને કથાનું મહત્ત્વ બતાવાયું છે. ભજનનું સર્જન અને તત્ત્વચિંતન તેમજ અર્વાચીન ભજનસાહિત્યનો સમાવેશ થયો છે.
ભાવસાર, હંસાબહેન ચંપકલાલ
શીર્ષક : ભક્તિ ને રામકથાની પરંપરા અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યધારા. ગૂ. વિદ્યાપીઠ, ૧૯૯૬
માર્ગદર્શક : શ્રી ચંદ્રકાંત શેઠ
સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’ના નાયક રામ ભારતીય સંસ્કૃતિમાં એક આદર્શ અને મર્યાદાપુરુષોત્તમની છાપ ધરાવે છે. તેની અસર ભારતીય સાહિત્ય પર પડેલી છે. ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને મધ્યકાલીન કૃતિઓમાં રામ-કૃષ્ણ વગેરે જેવાં પાત્રોનો સવિશેષ ઉલ્લેખ જોવા મળે છે. અહીં મધ્યકાલીન સાહિત્યમાં નરસિંહથી દયારામ સુધીનાં કવિઓની કૃતિઓનો આધાર લઈ રામકથાનો સંશોધનાત્મક અભ્યાસ થયો છે.
શાહ, જગદીશ ઓચ્છવલાલ, ૧૯૩૯–
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા : એક અભ્યાસ
માર્ગદર્શક : ડૉ. જયંત પાઠક, દક્ષિણ ગુજરાત, ૧૯૭૮
સાત પ્રકરણોમાં વિભક્ત આ મહાનિબંધમાં નરસિંહ પૂર્વેના સમયમાં થયેલ ભક્તિમાર્ગનો ઉદ્ભવ અને વિકાસ બતાવી નરસિંહ, મીરાં, દયારામ, સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યના ગૌણ કવિઓની પ્રેમલક્ષણાભક્તિની વિવેચના આપી છે.
ભ્રમરગીત
મિનોચા, આદર્શ
શીર્ષક : હિંદી ઓર ગુજરાતી મેં ભ્રમરગીત કાવ્ય : એક તુલનાત્મક અધ્યયન (હિંદી). દિલ્હી, ૧૯૬૯
વ્યાસ, મનોહરનાથ મણિશંકર
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી ભ્રમરગીતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન (હિંદી). એમ. એસ. યુનિ., ૧૯૭૩
મહાભારત
ભટ્ટ, ઉષા અરૂણચંદ્ર
શીર્ષક : મધ્યકાલીન સાહિત્યમાં વિરાટપર્વ : વિવેચનાત્મક અભ્યાસ. એસ. એન. ડી. ટી., ૧૯૮૦
પંડ્યા, રાજેશ
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિરાટપર્વ આધારિત રચનાઓનું સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : શિરીષ પંચાલ, એમ. એસ. યુનિ. ૧૯૯૮, પૃ. ૫૪૫
આ શોધપ્રબંધ પાંચ પ્રકરણમાં વહેંચાયેલ છે, જેમાં મહાભારતમાં અઢાર પર્વમાં ચોથા સ્થાને આવેલા ‘વિરાટપર્વ’નું કથાનક વર્ણવ્યું છે. પાંડવોનો અજ્ઞાતવાસ, તે વખતની પરંપરાઓ, કુરુક્ષેત્ર વિરાટપર્વના કથાઘટકો પર આધારિત છ પ્રગટ રચનાઓને પણ આવરી લેવાઈ છે. અને સાત અપ્રગટ છે. પાંડવકથા, પાંડવચરિતને લગતી અનુશ્રુતિઓ સમગ્રભારતમાં અને ગુજરાતમાં પ્રચલિત છે તેની નોંધ લીધી છે અને તેનો સમીક્ષાત્મક અભ્યાસ કર્યો છે.
વકીલ, કિશોરી રમેશચંદ્ર
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં મહાભારતની કથાઓ,
મુંબઈ, ૧૯૬૪
માધવાનલ કામકંદલા
વાર્ષ્ણેય, શ્રીકૃષ્ણ
શીર્ષક : માધવાનલ કામકંદલા કી પરંપરા કા અધ્યયન
(હિંદી). આગ્રા, ૧૯૭૬
રહસ્યવાદ
જોષી, જયંત શામળજી, ૧૯૧૭-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં રહસ્યવાદ,
ગુજરાત, ૧૯૬૪
ઠક્કર કેશવલાલ અંબાલાલ
વિષય : ગુજરાતમાં રહસ્યવાદ
એમ. એસ. યુનિ., ૧૯૬૨
ઠક્કર, દશરથભાઈ પ્રભુદાસ, ૧૯૩૨-
વિષય : ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ
ગુજરાત, ૧૯૭૫
રવિભાણ સંપ્રદાયના કવિઓ
જોશી, ભગવતી એમ.
શીર્ષક : રવિ-ભાણ સંપ્રદાયના કેટલાક કવિઓ
માર્ગદર્શક : ડૉ. પ્રભાશંકર રા. તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૨, પૃષ્ઠ સંખ્યા : ૩૯૫
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે રવિ-ભાણ સંપ્રદાયનો સમય અને તત્કાલીન પરિસ્થિતિનું પુરાવા સહિત આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકશ્રીએ ધાર્મિક પરિસ્થિતિ, રવિ-ભાણ સંપ્રદાયનો મહામાર્ગ વગેરે વિગતે આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકે રવિ-ભાણ સંપ્રદાયના કેટલાક કવિઓનું જીવન-કવન આલેખ્યું છે. ખીમસાહેબનું જીવન-કવન, શ્રી મોરાર સાહેબનું જીવન-કવન, વિક્રમ સાહેબનું જીવન-કવન આલેખ્યાં છે. તે ઉપરાંત સંશોધકશ્રીએ દાસીજીવન : ભીમસાહેબ આમરણના સંતનું જીવનકવન આલેખ્યું છે. રવિ-ભાણ સંપ્રદાયનાં ગૌણકવિઓની ચર્ચા કરી રવિ-ભાણ સંપ્રદાયની કવિતાની જ્ઞાનધારા, ભક્તિધારા આલેખી છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે પરિશિષ્ટ રૂપે રવિ-ભાણ સંપ્રદાયના કવિઓનાં પ્રગટ-અપ્રગટ પદો આપ્યાં છે.
રાજસ્થાની કવિઓ
જાની, મદનકુમાર આનંદલાલ
શીર્ષક : રાજસ્થાન એવં ગુજરાત કે મધ્યકાલીન સંત એવં ભક્ત કવિ.
ઈ.સ. ૧૪૦૦ સે ૧૭૦૦ (હિંદી).
સરદાર પટેલ, ૧૯૬૬, પ્રકા. જવાહર પુસ્તકાલય મથુરા, ૧૯૭૦, પૃ. ૩૦૦
રાવણ-મંદોદરી સંવાદ
ભટ્ટ, નીતા આર.
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘રાવણ-મંદોદરી સંવાદ’ વિષયક રચનાઓ : એક સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક: શ્રી બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૭-’૯૭, પૃષ્ટ સંખ્યા : ૩૮૯
મહાનિબંધના આરંભમાં સંશોધકે રામ કથાનક મધ્યકાલીન ભારતીય પરંપરાનો પરિચય આપ્યો છે અને રાવણ-મંદોદરી સંવાદના મૂળકથાનકનો પરિચય આપ્યો છે. ત્યારબાદ સંશોધકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાવણ-મંદોદરી સંવાદ રચનાઓના અધ્યયનની અભ્યાસ પદ્ધતિ આલેખી છે અને ભૂમિકા બાંધી છે. મહાનિબંધમાં સંશોધકે ‘રાવણ-મંદોદરી’ સંવાદનું શતાબ્દીવાર અધ્યયન કર્યું છે. જેમાં પંદરમી શતાબ્દીની ‘રાવણ-મંદોદરી સંવાદ’ વિષયક રચનાઓનું અધ્યયન, સોળમી શતાબ્દીની ‘રાવણ-મંદોદરી સંવાદ’ વિષયક રચનાઓનું અધ્યયન, સતરમી શતાબ્દીની રચનાઓનું અને અઢારમી શતાબ્દીની રચનાઓનું અધ્યયન અને ઓગણીસમી શતાબ્દીના પૂર્વાર્ધની રચનાઓનું અધ્યયન આલેખ્યું છે. મહાનિબંધના અંતમાં સંશોધકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘રાવણ-મંદોદરી સંવાદ’ રચનાઓમાં વિષય સામગ્રી અને અભિવ્યક્તિનાં સંદર્ભે પ્રગટતા નવોન્મેષો આલેખ્યા છે.
રામકથા
જોશી, દેવદત્ત શિવપ્રસાદ, ૧૯૩૬-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા (૧૯૭૧)
માર્ગદર્શક : પ્રા. જશભાઈ કા. પટેલ, સરદાર પટેલ.
શીર્ષક સૂચવે છે તેમ આ મહાનિબંધમાં નરસિંહથી દયારામ સુધીના સમયગાળામાં રચાયેલી રામકથા આધારિત જૈનેતર કવિઓની કૃતિઓનું અધ્યયન કર્યું છે. રામકથાનો ઉદ્ભવ, વિકાસ સવિસ્તર જણાવી ૧૫મા સૈકાથી માંડી ૧૯મા સૈકા સુધીની રામકથાઓ વિશે વિચારણા કરી છે. આ અભ્યાસ દ્વારા ગુજરાતી સાહિત્યના વિકાસમાં રામકથાના પ્રવાહનું મહત્ત્વનું સ્થાન દર્શાવ્યું છે.
નાયક, માલતી ચંદુલાલ
શીર્ષક : ગિરધરકૃત રામાયણ : એક અધ્યયન. ભાવનગર, ૧૯૯૦-૯૧
માર્ગદર્શક : તખ્તસિંહ પરમાર
મહેતા, કીર્તિદા ૨.
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથાનો વિકાસ મુંબઈ, ૧૯૭૭
રાસ-રાસા
રંગાટિયા, સનતકુમાર ચુનીલાલ
શીર્ષક : જૈન રાસા સાહિત્ય ૧૫વીં સદી તક
(હિંદી). ગુજરાત, ૧૯૭૭
વૈદ્ય, ભારતી મધુકાન્ત, ૧૯૨૯-
શીર્ષક : બારમીથી અઢારમી સદીના ઉપલબ્ધ રાસાઓના આધારે જૂની ગુજરાતીના રાસાઓનું વિવેચનાત્મક અધ્યયન. મુંબઈ, ૧૯૬૧
પ્રકા. : ‘મધ્યકાલીન રાસ સાહિત્ય’ પૃ. ૪૫૬
શાહ કે. એમ.
શીર્ષક : ચંદ્રાજનો રાસ (વિદ્યારુચિ રચિત)
મુંબઈ, ૧૯૮૪
સાધ્વી, ડોલરબાઈ
શીર્ષક : ‘શ્રીપાળ રાજાનો રાસ : એક અધ્યયન’ (નવકાર તત્ત્વદર્શન અને કથા પરંપરાના વિશિષ્ટ સંદર્ભમાં)
માર્ગદર્શક : શ્રી બળવંત જાની, સૌરાષ્ટ્ર, ૧૯૯૭
પૃષ્ઠ સંખ્યા : ૩૩૨ (૭૬૨થી ૧૦૯૪)
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકશ્રીએ જૈનકથા સાહિત્યનો પરિચય અને રાસના સ્વરૂપનો ખ્યાલ આપ્યો છે. ત્યારબાદ ‘શ્રીપાળ રાજાનો રાસ’નું પ્રાચીન કથાનક આલેખી રાસના કર્તાનો પરિચય આપ્યો છે. ત્યારબાદ ‘શ્રીપાળ રાજાનો રાસ’ મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્યના સંદર્ભમાં આલેખી તેની પાત્રસૃષ્ટિ અને કથા પરંપરાના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કર્યું છે. ખંડ-રમાં સંશોધકે અરિહંતપદનું અધ્યયન, સિદ્ધપદનું અધ્યયન, આચાર્યપદનું અધ્યયન, ઉપાધ્યાયપદનું અધ્યયન અને સાધુપદનું અધ્યયન સુંદર રીતે આલેખ્યું છે. ખંડ ૩માં સંશોધકશ્રીએ સમ્યગ્દર્શનપદ અધ્યયન, સમ્યગ્જ્ઞાનપદ દર્શન અધ્યયન, સમ્યગ્ ચરિત્રપદ અધ્યયન, સમ્યક્પદ અધ્યયન કર્યું છે અને મહાનિબંધનાં અંતમાં શ્રી નવપદની આરાધના વિધિ આલેખી સંશોધકે “શ્રીપાળ રાજાનો રાસ’નું કથા અને અધ્યાત્મનો વિરલ સમન્વય ધરાવતી કૃતિ તરીકે સમગ્રલક્ષી મૂલ્યાંકન કર્યું છે.
સંઘવી, દેવબાળા સુરેશ
શીર્ષક : હરિબાલ રાસા (ભાવરત્ન ભાવપ્રભસૂરિકૃત)
મુંબઈ, ૧૯૯૧
વલ્લભાખ્યાન
વકીલ, એસ. કે.
શીર્ષક : વલ્લભાખ્યાનનો સાહિત્યિક અભ્યાસ
ગુજરાત, ૧૯૮૯-૯૦, માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી
વાત્સલ્ય
શર્મા, તારાચંદ
શીર્ષક : મધ્યકાલીન હિંદી ઓર ગુજરાતી કાવ્ય મેં વાત્સલ્યવર્ણન (હિંદી).
દિલ્હી, ૧૯૭૬
વિરાટ પર્વ
જુઓ મહાભારત
સમાજ-જીવન
ભટ્ટ, ઇન્દ્રપ્રસાદ જેઠાલાલ, ૧૯૨૦-
શીર્ષક : પ્રેમાનંદ - શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ અને શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી. ગુજરાત, ૧૯૫૮
ભટ્ટ, પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી લોકપ્રિય અને શ્રેષ્ઠ કવિ હતા. અનેક આખ્યાનો લખી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનું પ્રશસ્ય કાર્ય તેમણે કર્યું. બે વિભાગ અને ચાર ખંડમાં રજૂ થયેલ આ મહાનિબંધમાં પ્રેમાનંદ અને શામળનો સમય, બંનેનો સર્વમાન્ય ગાળો તત્કાલીન સમયસંબંધી સહાયભૂત માહિતી તેની રૂપરેખા, તત્કાલીન લોકસ્થિતિનું પ્રેમાનંદે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન અને તત્કાલીન લોકસ્થિતિનું શામળે પોતાની કૃતિઓમાં કરાવેલ દર્શનનો સમાવેશ થાય છે.
શાહ, બાબુલાલ મણિલાલ
શીર્ષક : નરસિંહ મહેતાની પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યક્ત થતું સમાજજીવન
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૭, પૃ. ૪૦૧, પ્રકા. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, ૧૯૭૮, પૃ. ૨૩૨.
આ મહાનિબંધમાં પ્રાચીન ગુજરાતીના સીમાપ્રદેશનું વર્ણન અને મર્યાદાનો પરિચય આપી નરસિંહ મહેતાનો સમય બતાવ્યો છે. દીર્ઘપરંપરા - સમાજ જીવનનો વિકાસ, સામાજિક રીતરિવાજો, ભૌતિક જરૂરિયાતો - વસ્ત્રાભૂષણ અને ખોરાક, શિક્ષણ, વિદ્યા અને કલા સ્વરૂપનો પરિચય આપ્યો છે. તે સમયની ધાર્મિક સ્થિતિ - શૈવધર્મ, વૈષ્ણવધર્મ, રામ પૂજા, શક્તિ સંપ્રદાય, બ્રહ્માની પૂજા, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, જરથોસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ જેવા વિવિધ ધર્મો પ્રચલિત હતાં. ત્યારબાદ આર્થિક સ્થિતિ કેવી હતી લોકો જીવન નિર્વાહ માટે લોન - ગીરો - વ્યાજની પદ્ધતિ અપનાવતાં હતાં અને રાજકીય સ્થિતિનો ખ્યાલ આપી સમાજના બંધારણ - વર્ણવ્યવસ્થા – સ્ત્રીપુરુષનાં નામ, સંયુક્ત, વિભક્ત કુટુંબ - સમાજ, અને તે વખત રીતરિવાજોનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મનોરંજન માટે ઉત્સવો, નાટ્યપ્રયોગ રમતગમતો અને વહેમો ભૂતપ્રેત જેવી માન્યતા પણ હતી. તેમજ ધાર્મિક અને આર્થિક સ્થિતિ, ઉદ્યોગો, રાજકીય સ્થિતિનો અભ્યાસ કર્યો છે.
સાહિત્યસ્વરૂપો
મહેતા, ચંદ્રકાંત હરિપ્રસાદ, ૧૯૧૧-
શીર્ષક : સાહિત્યના સ્વરૂપો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એનો વિકાસ
મુંબઈ, ૧૯૫૨. પ્રકા. : ‘મધ્યકાળનાં સાહિત્યપ્રકારો’. ૧૯૫૮, પૃ. ૩૭૪
સુદામાચરિત્ર
જોશી, અમૃતલાલ ડી.
શીર્ષક : “મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સુદામાચરિત્ર”
માર્ગદર્શક : શ્રી બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૨ પૃષ્ઠ સંખ્યા : ૨૪૦
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકશ્રીએ આખ્યાનનું સ્વરૂપ સમજાવી આખ્યાનની વિષય સામગ્રી આલેખી છે. ત્યારબાદ સંશોધકે સુદામાનો કથાનક જણાવી પ્રાચીન સામગ્રીનો પરિચય આપ્યો છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સુદામાચરિત્ર વિષયક કૃતિઓ આલેખી સંશોધકે મધ્યકાલીન ગુજરાતીમાં સુદામા કથાનકનો વિકાસ આલેખ્યો છે. ત્યારબાદ સંશોધકે મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સુદામાચરિત્ર કથાનકને મળેલ સ્થાન માન આલેખી મહાનિબંધની સમાપ્તિ કરી છે.
હિન્દી સાહિત્ય
ગુપ્તા, રાજકુમાર
શીર્ષક : હિંદી સાહિત્ય કો ગુજરાત કે સંત કવિઓ કી દેન
(હિંદી). એમ. એસ. યુનિ. ૧૯૬૬.
પ્રકા. : જવાહર પુસ્તકાલય, મથુરા, ૧૯૬૮, પૃ. ૩૮૪
નાગર, અંબાશંકર, ૧૯૨૪
શીર્ષક : ગુજરાત કી હિંદી-સેવા
હિંદી, રાજસ્થાન, ૧૯૫૭
વ્યાસ, નટવરલાલ અંબાલાલ, ૧૯૨૬
શીર્ષક : ગુજરાત કે કવિઓં કી હિંદી કાવ્યસાહિત્ય કો દેન
(હિંદી.) આગ્રા, ૧૯૬૦
પ્રકા. વિનોદ પુસ્તક મંદિર, આગ્રા, ૧૯૬૭, પૃ. ૩૩૪
શાહ, નરેન્દ્ર નરોત્તમદાસ, ૧૯૨૯
શીર્ષક : મધ્યકાલમાં ગુજરાતી અને હિંદી સાહિત્યનો આંતરિક સમન્વય
મુંબઈ, ૧૯૭૨
શુક્લ, હરિપ્રસાદ ગજાનન
શીર્ષક : ૧૭વીં ઔર ૧૮વીં સદી કે જૈન ગુર્જર કવિયોં કી હિંદી કવિતા
(હિંદી). ગુજરાત, ૧૯૬૯