બહુરંગી/વાહ, ભઈ વાહ!

Revision as of 00:51, 27 May 2026 by Meghdhanu (talk | contribs)
પાંચ કટાક્ષ કાવ્યો
વાહ, ભઈ વાહ!

સારો વર મળ્યો (કાનકુંવર)
સારું ઘર મળ્યું (ગોકુળ ધામ)
સારાં ક્રોંકરી-સેટ (ફ્રાન્સથી-જાપાનથી)
સારું ફર્નિચર (આબરૂને ચાર ચાંદ)
રસોયા-ચાકર (કહ્યાગરા)
વાહ, ભઈ વાહ!

બે-ચાર પાર્ટી ગોઠવી (હસાહસ ખસાખસ)
બે-ચાર પ્રવાસ કર્યા (ઊડાઊડ, ખેલકૂદ)
બે-ચાર દોસ્તી થઈ (હેલો, હાઉ આર યુ, ફાઇન)
બે-ચાર વાહન લીધાં (હૈંડ હૈંડ)
બે-ચાર ચુંબન (જોયેલી ફિલ્મને અનુરૂપ)
બે-ચાર આલિંગન (ઝપાઝપ)
વાહ, ભઈ વાહ!

થોડી રીસ (રડવાની અવેજીમાં)
થોડી રમત (શરમથી ભાંગી પડવાને બદલે)
થોડી થુઈ થોડા થપ્પા
વાહ, ભઈ વાહ!

ક્યારેક દાખલા (વાત ગળે ઉતારવા)
ક્યારેક દલીલ (ફોગટની)
ક્યારેક ચર્ચા, ક્યારેક વિવાદ (મધપૂડામાં હાથ)
ક્યારેક પ્રશ્ન (ક્યારેય જવાબ નહીં)
વાહ, ભઈ વાહ!

કંઈક સારું (રસગુલ્લા જેવું)
કંઈક નરસું (થૂંકી કાઢવા જેવું)
કંઈક ગોઠે તેવું (રૂની ગોદડી જેવું)
કંઈક છેતરતું (સમડીની રીતે)
કંઈક કોતરતું (ઊધઈ જેમ)
કંઈક ડંખે, કંઈક ઝંખે, કંઈક ઠેબે ચડે (નકામું)
કંઈક પતે (અચ્યુતમ્ કેશવમ્)
વાહ, ભઈ વાહ!

આમ જ ચાલવાનું (લપછપ નહીં ચાલે)
તેમ જ રહેવાનું (કહીં દઉં છું, હા)
કામ જ કરવાનું (સમજી લેજે)
આ ઘરમાં જ ઠરીઠામ (પિયર-બિયર-માર્યા ફરે)
વરમાં જ વ્રજધામ (મૂંગી મર, કહું તે કર)
વર-જ-ધામ (સમજી કે)
હા, ભઈ હા!!

ડૉ. નીતા રામૈયા
કાવ્યસંગ્રહ ‘તે જળપ્રદેશ છે’માંથી