સરળ અલંકાર-વિવેચન/દૃષ્ટાંત

Revision as of 02:36, 23 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૭) દૃષ્ટાંત :

આ અલંકારમાં એક વિધાન કરીને કવિ તેને પુષ્ટિ આપવા માટે દૃષ્ટાન્ત-દાખલો-આપે છે માટે દૃષ્ટાન્ત અલંકાર બને છે; અર્થાત્ એક વાક્ય જાણે ઉપમેયવાક્ય હોય છે ને તેની પુષ્ટિ માટે આવતો દૃષ્ટાન્ત જાણે કે ઉપમાનવાક્ય હોય છે. દૃષ્ટાન્તમાં આમ બિંબ-પ્રતિબિંબભાવ હોય છે; ચંદ્રનું બિંબ આકાશમાં હોય ને તેનું પ્રતિબિંબ જેમ સ્વચ્છ સરોવરમાં પડે તેમ મૂળનું પ્રતિબિંબ દૃષ્ટાંત દ્વારા બીજી ઉક્તિમાં પડતું હોય છે. આપણે તેનાં થોડાં ઉદાહરણ જોઈએ એટલે આ બરાબર પ્રતીત થશે. “જ્યાં સુધી મધમાખી ફૂલ ઉપર બેઠી હોય ત્યાં સુધી જ તે બણબણાટ કરે છે, ફૂલ ઉપરથી મધ ચૂસવા માંડે એટલે એકદમ ચૂપચાપ ! તેમ જ્યાં સુધી જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી જ વાદવિવાદ અને બકબકાટ રહે છે.” (ત્રિવેણીતીર્થ) અહીં પહેલાં દૃષ્ટાંત આપ્યો છે, રસ ચૂસતી મધમાખીનો ને પછી મૂળ વિધાન કરેલું છે. ઘણી વાર જેવો, જેવી શબ્દોનો પ્રયોગ પણ દૃષ્ટાંતમાં કરવામાં આવે છે; એટલે જેવો કે જેવી પ્રયોગથી તેને ઉપમાવાચક ગણી ભ્રમમાં ન પડવું જોઈએ. નીચેનાં ઉદાહરણોથી સ્ફુટ થશે :

અહે! મહાભાગ તળાવ તીર !
અહો મહાભાગ હું યે લગીર !
જેવી તમારા જલમાં વનશ્રી,
તેવી જ મારા ઉરમાં કુલથી.

(ચિત્રદર્શનો)

અહી ચોક્ખો બિંબપ્રતિબિંબભાવ દર્શાવાયો છે; તળાવના જલમાં જેવી (અર્થાત્ જેમ) વનશ્રી વિલસે છે તેવી જ રીતે મારા ઉરમાં કુલશ્રી (અર્થાત્ મારી પત્ની) વિલસે છે ને માટે હું યે તમારા જેવો ભાગ્યશાળી છું-આવો ભાવ અહીં રહેલો છે. એક બીજું ઉદાહરણ જોઈએ :

લજ્જાનમેલું નિજ મંદ પોપચું,
કો મુગ્ધ બાલા શરમાતી આવરે,
ને શોભી ‘ર્’હે નિર્મળ નેનની લીલા,
એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે.

(ચિત્રદર્શનો)

અહીં ‘ધીરે ધીરે ચંદ્રકલા ઊગી’ એ જ પ્રસ્તુત છે. ચંદ્રકલા કેવી રીતે ઊગી? તે કવિ વિસ્તારીને સુંદર દૃષ્ટાંતદ્વારા તે સ્ફુટ કરે છે કે કોઈ નમણી મુગ્ધ બાલા તેની લજ્જાભરી પાંપણો જેમ ધીમે ધીમે શરમાતી આવરે ને તેનાં નયનોની નિર્મળ લીલા સોહી રહે તેવી રીતે ચંદ્રકલા ઊગી. અખામાં—તેના છપ્પાઓમાં અનેક દૃષ્ટાંતો મળશે.

ઊંડો કૂવો ને ફાટી બોખ,
શીખવ્યું સાંભળ્યું સઘળું ફોક.

અથવા

અખા, મોટાની એવી જાણ,
હીરો મૂકી ઉપાડે પહાણ.

કલાપીની કવિતામાં આવતો નીચેનો હૃદયભેદક દૃષ્ટાંત જુઓ

 :

પવન સુસવી વ્હેતો કેંઈ ખંડેર માંહીં;
હૃદય ત્યમ હસે છે, હર્ષ તો કૈં જ છે ના;
હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીએથી,
રુદન ત્યમ કરું છું-દર્દ તો કૈં જ છે ના !

(કલાપીનો કેકારવ)

અથવા નીચેની પંક્તિઓ :

મારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,
જીવ્યો, મરીશ: જ્યમ તારક ત્યાં ખરે છે.
એવા તણી ગરજ છે વિભુને ન મારી,
નૌકા તણી ગરજ ના જ્યમ સિંધુ રાખે.

—(કલાપીનો કેકારવ)

અથવા

અગ્રે કુંતી; સ્પૃશતી કરથી સ્કંધ, ગાંધારી આવે,
તેને સ્કંધે નૃપતિ કર દૈ અંધ દોરાય ભાવે.
સંધ્યા સ્કંધે રજની કર દૈ જેમ પામે પ્રચાર,
ને સ્કંધે દૈ કર રજનીને આવતો અંધકાર.

(પ્રાચીના)

અહીં ઘણા ઉપમા કહે છે, પણ વાસ્તવમાં દૃષ્ટાંત અલંકાર છે. કુંતી, ગાંધારી ને ધૃતરાષ્ટનું પ્રતિબિંબ સંધ્યા, રજની ને અંધકારમાં રહેલું છે; કવિ ‘જેમ’ દ્વારા તે સ્ફુટ કરે છે.