સરળ અલંકાર-વિવેચન/પ્રતિવસ્તૂપમા

Revision as of 03:13, 27 June 2026 by Meghdhanu (talk | contribs) (bold text)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૮) પ્રતિવસ્તૂપમા :

આ અલંકાર ઘણી રીતે દૃષ્ટાંતને મળતો છે. વસ્તુતઃ ગુજરાતીમાં પ્રતિવસ્તૂપમા જેવો ઉપ-ભેદ ન સ્વીકારીએ ને દૃષ્ટાંત જ ગણીએ તોયે ચાલે. જેમ દૃષ્ટાંતમાં બિંબ–પ્રતિબિંબ ભાવ હોય છે તેમ આ અલંકારમાં વસ્તુ-પ્રતિવસ્તુ-ભાવ હોય છે. દૃષ્ટાંતમાં બે વાક્યમાં બે સાધારણ ધર્મ હોય છે. પણ ઉપમેય વાક્ય અને ઉપમાન વાક્ય એમ બે વાક્યો વચ્ચે સમાનતા લાવતો એક જ સાધારણ ધર્મ જ્યારે બંને વાક્યોમાં બે જુદા જુદા (પણ પર્યાયવાચી-સમાનાર્થક) શબ્દોથી વ્યક્ત કરવામાં આવે ત્યારે પ્રતિવસ્તૂપમા અલંકાર થાય. ઉદાહરણરૂપે નીચેની પંક્તિઓ જુઓ :

કો સ્નેહી કેરા સ્નેહના કુંજઆરે,
અખંડ જ્યોત્સના સ્નેહરાણી પધારે,
ને એકલી એ સ્નેહકુંજે ઝઝૂમે;
મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રી એકાકી ઘૂમે.
(ચિત્રદર્શનો)

અહીં આકાશે એકાકી ઘૂમતી ચન્દ્રી સ્નેહકુંજે એકલી ઝઝૂમતી સ્નેહરાણી સાથે દૃષ્ટાંત દ્વારા સરખાવેલી છે. અહીં કોઈ ઉપમાવાચક શબ્દ નથી, પણ પ્રતિવસ્તૂપમામાં એક સમાન ધર્મ જુદા જુદા શબ્દથી વ્યક્ત થતો હોય છે. તે અહીં ‘ઝઝૂમે’ ને ‘ઘૂમે’ શબ્દોથી વ્યક્ત થાય છે, માટે આ પ્રતિવસ્તૂપમા છે. એવું જ બીજું ઉદાહરણ જુઓ :

શરદ્ઋતુના નાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ તેનાં વસ્ત્ર ઉપર તેનું આછા સ્મિતવાળું મુખ દેખાતું.

(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)

અથવા આ ઉદાહરણ જુઓ : અંતે ઉધાઈ લાકડાને આરપાર કોતરી ખાય તેમ ગુમાનની નિષ્કંટક જીભે લક્ષ્મીનંદનના મસ્તકને નિ:સત્ત્વ કરી દીધું.

(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)

‘કાદંબરી’માંથી આવું જ એક ઉદાહરણ જુઓ : જો કે કાદંબરી ખરેખર આપની જાણે અપરાધી થઈ હોય એમ પોતાને માને છે, તો પણ એણે પોતાનો આ હાર એમ ધારી મોકલાવ્યો છે કે—આ આભૂષણ આપને જ શરીરે શોભે-ચંદ્રનું યોગ્ય સ્થળ આકાશ જ, પૃથ્વી નહિ!—અહીં ઉપમાવાચક શબ્દ વિના પણ તુલના અભિપ્રેત છે-ચંદ્ર હાર સાથે, આકાશ ચંદ્રાપીડ સાથે ને પૃથ્વી કાદંબરી સાથે અહીં સરખાવ્યાં છે; યોગ્ય છે, ને શોભે (છે) દ્વારા અહીં એક જ સાધારણ ધર્મ વ્યક્ત થાય છે. શ્રી ડોલરરાય માંકડ ‘કાવ્ય—વિવેચન’માં ‘જનની’ની ચર્ચા કરતાં યોગ્ય જ કહે છે: “અહીં મારે નોંધવું જોઈએ કે પ્રાચીન આલંકારિકોએ માનેલો પ્રતિવસ્તૂપમા તથા દૃષ્ટાંત વચ્ચેનો ઉપરનો તફાવત એ બેને જુદા અલંકારો ગણવા જેટલો ઉત્કટ હોય એમ મને નથી લાગતું. તેથી આપણી નવી અલંકાર-વ્યવસ્થામાં આ બેને બદલે એક જ અલંકાર આપણે સ્વીકારવો જોઈએ અને એનું નામ દૃષ્ટાંત રાખવું જોઈએ એમ મારું માનવું છે.”