સરળ અલંકાર-વિવેચન/પરિકર

From Ekatra Foundation
Revision as of 03:20, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૭) પરિકર :

આ અલંકાર પણ આમ તો સ્વતંત્ર અલંકાર ન જ ગણી શકાય. જ્યારે એક કરતાં વધુ પણ અત્યંત સૂચક વિશેષણો યોજવામાં આવે ત્યારે પરિકર અલંકાર બને છે. વસ્તુતઃ વિશેષણ અન્વર્થક જ હોવાં જોઈએ. નહિ તો તે ખાલી હારડો બને, પણ કશી અર્થપુષ્ટિ ન થાય. અહીં વિશેષણો મહત્ત્વનાં હોવા ઉપરાંત સૂચક હોય છે ને અનેક વિશેષણો સાથે આવવાથી એક ધારી અસર નીપજે છે, એટલી વિશેષતા આ અલંકારની ગણવી હોય તો ગણાવી શકાય. ‘સરસ્વતીચંદ્ર’માંનું’ નીચેનું વર્ણન આ દૃષ્ટિએ જુઓ : જે ક્ષણે સરસ્વતીચંદ્ર જડ જેવો, મૂર્ખ જેવો, શબ જેવો, સ્વપ્નસ્થ જેવો, સમાધિસ્થ જેવો આ પ્રમાણે ઊભો હતો તે પ્રસંગે રાત્રિ પણ એના જેવી નિરંકુશ બની, સંસારનાં સુખદુ:ખની ચેતના નષ્ટ કરી, નિશ્ચેતન જેવી પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપી રહી, જડ જેવી ઊભી રહી; કર્તવ્ય-અકર્તવ્યનું, યોગ્ય-અયોગ્યનું -ભાન નષ્ટ કરી, મુકુટ ધારણ કરનારાઓને સ્ત્રીવશ કરી, પંડિતોને બુદ્ધિહીન નિદ્રાવસ્થામાં નાંખી,...સ્થળે સ્થળે મૂર્ખ—ચેષ્ટા કરી રહી; વસ્ત્રહીન, પ્રકાશહીન, ચેતનહીન થઈ ગયેલા સંસારરૂપ આ મહાસ્મશાનમાં નિશ્રેષ્ટ શબ રૂપે પડી પડી... કાળાગ્નિની ભડભડ બળતી...ચિતાનામુખમાં ખવાવા લાગી ........

(‘સરસ્વતીચંદ્ર’ ભા. રજો)


અથવા વૈશંપાયનને ન જોવાથી ચંદ્રાપીડને જે ચિંતા થાય છે તે વખતનું ‘કાદંબરી’માં આવતું આ મંથનયુક્ત વર્ણન જુઓ : ... ત્રાસ પામેલા હરિણના બચ્ચા જેવો, જૂથમાંથી વિખૂટા પડવાથી ગભરાતા નાના હાથી જેવો, ગાયના વિરહથી ઊંચે-કાન થતા વાછડાના જેવો, એ કંઈ જોયા વિના, કંઈ બોલ્યા વિના, કંઈ વાત કર્યા વિના, કંઈ સાંભળ્યા વિના, કંઈ વિચાર્યા વિના, ક્યાંય ઊભા રહ્યા વિના, કોઈને બોલાવ્યા વિના-હું ક્યાં આવ્યો છું? શા માટે આવ્યો છું ? ક્યાં નીકળ્યો છું? ક્યાં જાઉં છું? શું જોઉં છું ? મેં શું આરંભ્યું છે? ને હું શું કરું છું ?-એ બધાના કંઈ ભાન વિના, અંધ હોય, બધિર હોય, મૂક હોય, જડ હોય, કે આવિષ્ટ હોય, તેમ ઠેઠ સૈન્યના મધ્યભાગ સુધી એવા જ વેગથી તે અશ્વને લઈ ગયો. ચંદ્રાપીડ બીજું કંઈ જોતો નથી, સાંભળતો નથી, બોલતો નથી, તે જાણે જડની જેમ અશ્વને હાંકી મૂકે છે, તે દર્શાવવા આ બધાં વિશેષણો ખૂબ સાર્થ છે એ જણાશે. આમ અહીં ઉત્પ્રેક્ષા સાથે પરિકર અલંકાર પણ રહેલો છે.

*

ના કૈં હતું,
એ નયન તો લાખો નયન જેવું હતું,
પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કરી.

(વસુધા)