સંચયન-૭૦

Revision as of 03:04, 2 July 2026 by Meghdhanu (talk | contribs)
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


સંચયન - ૭૦

॥ પ્રારંભિક ॥

 

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (anantrathod@ekatrafoundation.org)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૨ : જૂન ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬



 

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

 
 

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬

 

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



 

“ગણેશપૂજન”, ચિત્ર: અન. એસ. બેન્દ્રે

॥ અનુક્રમ ॥


સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૨ : જૂન, ૨૦૨૬

સમ્પાદકીય
ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ ~ કિશોર વ્યાસ

કવિતા
મને જો પૃથ્વીની હકૂમત મળે ~ ઉમાશંકર જોશી
નજરુંના કાંટાની ભૂલ ~ સુરેશ દલાલ
અનુભૂતિ ~ સુરેશ દલાલ
રાધાનું નામ તમે ~ સુરેશ દલાલ
લગ્નોત્સુક યુવતીનું ગીત ~ નિરંજન યાજ્ઞિક
લોગઈન: ~ રતિલાલ સોલંકી
ચૂમે છે વ્હાલથી પાની ~ અનિલ ચાવડા
મને છેતરીને કૂવામાં ઊતાર્યા ~ બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલ ~ હેમંત પુણેકર

વાર્તા
વાવ ~ રામ મોરી

વિવેચન
કાન્ત અને તેમની કવિપ્રતિભા..... ~ ભૃગુરાય અંજારિયા

સમીક્ષા - આસ્વાદ
માણેકચોકની મહામૂલી વાર્તાઓ ~ નરેશ શુક્લ
સ્વરૂપસિદ્ધિના આટાપાટા રચતું રસાળ ગીત ~ સંજુ વાળા
રમેશ પારેખઃ ગુજરાતી ભાષા અને કવિતાને લયબદ્ધ લાડ ~ આર.પી. જોષી

કલાજગત
કલામંદિર અધ્યાય - ૧૧ ~ કનુ પટેલ (કલાબત્રીસી પુસ્તકમાંથી એક અધ્યાય)
એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક ~ કનુ પટેલ

(નોંધઃ આ અંકના મુખપૃષ્ઠ પર અને અન્ય જગ્યાઓ પર ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી
ચિત્રકાર એન.એસ. બેન્દ્રે (નારાયણ શ્રીધર બેન્દ્રે)ના સુંદર ચિત્રો મૂકવામાં આવ્યા છે.)


॥ સમ્પાદકીય ॥

ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ

 
જન્મ ૩-૧૧-૧૯૬૬

આપણા કોઈપણ સાહિત્યકારોના ઈન્ટરવ્યૂઝ કે સંવાદમાં એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે ‘આપને ઈનામ મળવાથી કે ના મળવાથી કેવી લાગણી થઈ આવે છે ?’ સ્વાભાવિક છે કે સર્જકો મોટાભાગે એનો જવાબ હીરે મઢીને આપતા હોય છે. મનુષ્ય મન સતત અન્યના સ્વીકારને ઝંખતું રહેવાનું એથી ક્યારેક તો કોઈ વાર્તા-નવલકથાકારના લેખમાં એકાદ બે સર્જકના નામ પણ ભૂલેચૂકે જો રહી જવા પામ્યા હોય તો રહી જવા પામેલા સર્જકને પક્ષપાત થયાની લાગણી અનુભવાતી હોય કે દ્વૈષભાવનું ગાણું ગવાતું હોય તો ઈનામ-અકરામ જેવી ચીજ તરફ સૌનું ધ્યાન ચોંટી રહે એમાં કશું અસ્વાભાવિક નથી. સોનું દેખીને મુનિવર જો ચળી જતાં હોય તો મનુષ્યનો શો વાંક ભલા ! પારિતોષિકો લેખન માટેનો ઉત્સાહ વધારે છે. સર્જકને સાહિત્યવિશ્વમાં પ્રતિષ્ઠિત કરી આપે છે. સર્જકની નામનાને કારણે એની ખાસ ઓળખ બને છે. પ્રકાશકો એમના ગ્રંથોને પ્રગટ કરવા હોડ ભણે છે, છાપાઓ કૉલમ લખવાની ઓફર મૂકે છે તેમ વ્યાખ્યાનો કરવા માટેના આમંત્રણો આવા ઈનામોની દેણગી છે. જેમ મોટું સન્માન એમ આગળ વધવાની તક વિશેષ એમ માનનારો વર્ગ પણ હોવાનો જ. કોઈ સર્જકે તો કહેલું કે, ‘આવી બાબતો ઉત્સાહ વધારવાને બદલે તે લેખકોને કાવાદાવાવાળા બનાવે છે.’ ક્ષુલ્લક સન્માન લેવા માટે આવા પ્રપંચો કરવા પડે એ કેવું? સામા પક્ષે ઈનામ-અકરામ કે પુરસ્કાર જેવી બાબતોથી તદ્દન નિસ્પૃહ રહીને જાહેરમાં આવા કોઈ સન્માન ન લેવાનો નિર્ણય આપણા કેટલાક ગણમાન્ય સર્જકો કરી ચૂક્યા છે એથી એવું લાગે કે પુરસ્કારનું પણ એક અટપટું મનોવિજ્ઞાન છે. ‘માણસાઈના દીવા’ માટે ઝવેરચંદ મેઘાણીને ‘મહીડા પારિતોષિક’ આપવાની જાહેરાત થઈ ત્યારે નિર્ણાયક કમિટીએ મેઘાણી સાથે રવિશંકર મહારાજને પણ આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી! મેઘાણીએ નમ્રતાથી આ બાબતે વિરોધ કરેલો અને મહારાજે પણ એ વાતમાં સૂર પૂરાવેલો. એ જમાનાના ૩૦૦ રૂપિયાનો પુરસ્કાર મેઘાણીએ મહારાજને ધરી દીધો હતો જે મહારાજે પણ સ્વીકાર્યો નહીં! આમ પુરસ્કારો અને વિવાદને ઘણી લેણાદેવી છે. આજે અનેક સ્વરૂપોમાં એટલા પુરસ્કારો અને સન્માનો આપણે ત્યાં મળતા થયા છે કે એની લાંબી યાદી જોઈએ ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી કે ‘ઓહો! આપણે ત્યાં આટલા બધા? આટલા કેમ?’ આપણા પ્રતિષ્ઠિત સામયિકોની ખોટનો આંકડો લાખોમાં હોય એ સમાચાર વાંચીને ચોંકી જવાયું હતું બીજી બાજુએ એ જ સામયિકોમાં દર માસે પ્રગટ થતી ઉત્તમ રચનાઓને અપાતા પુરસ્કારની સંખ્યા જુઓ તો નવાઈ લાગે. આ પુરસ્કાર સામયિકને-સંસ્થાને સ્થિર કરવામાં વપરાતા હોય તો? આપણી દરેક સાહિત્ય સંસ્થાઓના પુરસ્કારો ઉપરાંત આજે અનેક સાહિત્ય સંસ્થાઓ સર્જકોને પુરસ્કૃત કરી રહી છે. સર્જકના શબ્દને માન મળે અને લોકસમુદાય સુધી સર્જક પહોંચે એથી રૂડું શું હોઈ શકે? પણ ક્યારેક તો બેચાર સર્જકોને માનસન્માનો મળ્યા જ કરે અને વૃકોદરની પેઠે એ સન્માનો ઝીલ્યા જ કરે એવું બને છે તેઓ પાછા સન્માન માટે એટલા નમ્ર હોય કે ક્યારેય એમ ન કહે કે હવે કેટલાક સન્માનો યુવાઓ માટે, નવા નિશાન તાકનારાઓ માટે રહેવા દો...એ વાત શોકકારક છે. સન્માન કરનાર કોણ છે? કર્તા નહી, કૃતિ કેટલી યોગ્ય છે? સર્જકનો વિકાસ કે સાહિત્યિક પ્રદાન શું છે? નિર્ણાયકો કોણ છે? જેવી બાબતોને નિરપેક્ષભાવે તેમ ઘણી ઝીણવટથી જોવી-તપાસવી ઘટે, નહીં તો ખોટા ધોરણો ઊભા થશે. સન્માનો, પારિતોષિકોના ભવ્ય સમારોહને બદલે સર્જકની ઉત્તમ રચનાઓના સંચયો, એમની પ્રકાશિત-અપ્રકાશિત રચનાઓના સંકલનો શાળા-કોલેજો સુધી ને સાહિત્યરસિકો સુધી સસ્તા દરે પહોંચાડવા જોઈએ. સર્જકને મળેલું સન્માન એ શબ્દનું, આપણી ભાષાનું ગૌરવ છે પણ તમામ સંસ્થાઓએ ઈનામ આપવાની દોડમાં વિચારવાનું એ રહે છે કે આપણે વિદ્યાજગતનો- સર્જનાત્મક સાહિત્યનો કેટલો પુરસ્કાર કર્યો? આપણી વિદ્યાવૃત્તિને -સર્જનને સંકોરવાનો આપણે કેટલો પ્રયત્ન કર્યો? આપણે દુર્લભ થઈ ગયેલા ગ્રંથોને પ્રકાશમાં લાવવાની કેટલી મથામણ કરી? બાકી રહી ગયેલા કામ તરફ આપણે નજર કરી છે ખરી?

- કિશોર વ્યાસ

 

“બારીની સામે બેઠલી છોકરી”, ૧૯૮૨, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે

॥ કવિતા ॥

 
જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૧૧
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮

મને જો પૃથ્વીની હકૂમત મળે
ઉમાશંકર જોશી


મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો

પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી

પ્રજા મારી પંખી-મનુજ-પશુ ને કીટક
ગણો
બધાને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.

દ્રુમોની ડાળીને નીડ, નગર-આવાસ ભીડમાં

વનોની ઝાડી કે ગિરિકુહરમાં, ભૂમિભીતરે

જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો

પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.

હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહ - શું વિગ્રહ નહિ

કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ તો,

પ્રીતિનું જેમાં ના જીતવું પણ જિતાઈ જ જવું,

સ્વ-તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.

પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે,

પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!
‘સમગ્ર કવિતા’માંથી

 
જન્મ : ૧૧ ઓક્ટોબર ૧૯૩૨
મૃત્યુ : ૧૦ ઓગસ્ટ ૨૦૧૨

નજરુંના કાંટાની ભૂલ
સુરેશ દલાલ


નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,

તારો તે સંગઃ ઊને પ્હોર જાણે પીપળો;

વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,

તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;

તું જે કહે તે કબૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

 
અનુભૂતિ
સુરેશ દલાલ


લીલ લપાઈ બેઠી જળને તળિયે;

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;

કિરણ તો ઝૂક્યું થઈ કપોત.

વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;

નેણને અણજાણી આ ભોમ.

લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

રાધાનું નામ તમે
સુરેશ દલાલ


રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 

વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે 

ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી 

કે ખાલી બેડાની કરે વાત,

લોકો કરે છે શાને દિવસ ને રાત


મારા મોહનની પંચાત?

વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે:


કેમ અલી ? ક્યાં ગઈ’તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 

વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું ‘લિ તારે અંબોડે ફૂલ?

એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ 

જો કે હોઠોની પાંખડીઓ બંધ;

મારે મોઢેથી ચહે સાંભળવા સાહેલી
માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર
મહીં 
વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી
‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી

 
જન્મ : ૧૯૪૮


લગ્નોત્સુક યુવતીનું ગીત
નિરંજન યાજ્ઞિક


મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
ઘરની વચાળ અમે પાથર્યા ઉજાગરા ને આંગણિયે શમણાંઓ છૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.

ફળિયામાં ઘેરઘેર અવસર ડોકાતા ને ગામલોક સરનામાં પૂછતાં,

કોરાડિબાંગ અમે કાગળિયાં-વણદેખ્યા અક્ષરનાં આંસુડાં લૂછતાં;
દાદાના મોરલાને પાંખો તો ઠીક સખી, પીંછાંયે કેમ નથી ફૂટતાં?
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.

મુરઝાતા હાથોને સૂરજ તો ઠીક, કોઈ મેંદીનું નામ નથી દેતું,

મોભારે કાગડાનું પગલું અડકે ને મારી છાતી ફાડીને કશું વે’તું;

દોમદોમ ચોમાસા એક પછી એક વગર હથિયારે સાવ મને લૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
FB

 

લોગઈન:
રતિલાલ સોલંકી


તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!

એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,

એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,

એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,

એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકસાનનો હિસાબ શાનો,

તારું બસ હોવાપણું સરભર હતું, મા!
FB


 
જન્મ : ૧૯૮૫

ચૂમે છે વ્હાલથી પાની
અનિલ ચાવડા


ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,

સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.

ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?

અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.

હજી ઘરમાં જ છે ઘર ત્યાગવાની વાત કરતું મન,

કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.

અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?

કહો છો દોડવાનું એય તે બાંધેલ પગ સાથે?

ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,

પધાર્યાં’તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.

છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો

હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે

તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?

અલગ રીતે સ્વયંનો માર્ગ કંડારેલ પગ સાથે?

જમાનાએ મને લાવી દીધો છે કાખઘોડી પર,

ઘરેથી નીકળ્યો’તો હું ઘણા કાબેલ પગ સાથે.
FB

 
જન્મ : ૧૯૭૪

મને છેતરીને કૂવામાં ઊતાર્યા
બાબુલાલ ચાવડા ‘આતુર’


મને છેતરીને કૂવામાં ઊતાર્યા પછી રાશ કાપીને ચાલ્યાં ગયાં છે,

ઠગારા સ્મરણ કંઈ ખબર ના પડે એ રીતે થાપ આપીને ચાલ્યાં ગયાં છે.

પૂરાશે એ ક્યારે અને કઈ રીતે એ વિશે એક પણ શબ્દ બોલ્યાં નથી ને,

અચાનક એ આવીને ચૂપચાપ મારો આ ખાલીપો માપીને ચાલ્યાં ગયાં છે.

કરું એકઠાં ચોતરફથી વીણીને હું સૂક્કાં તણખલાં વીતેલી ક્ષણોનાં,

અને આગ ચાંપી જતા-આવતા સૌ ઘણીવાર તાપીને ચાલ્યા ગયા છે.

હો એક એ પણ સમય કે ઝીલાતા હતા એમનાથી પડ્યા બોલ મારા,

હવે એક આ પણ સમય છે કે એ વેણ મારા ઉથાપીને ચાલ્યાં ગયાં છે.

હજી ચીંથરેહાલ મારું કથાનક ફરે છે જુઓ સાવ રસ્તે રઝળતું,

અને છાપનારા તો આખ્ખોય મારો આ ઇતિહાસ છાપીને ચાલ્યા ગયા છે.
FB

 
જન્મ : ૧૯૭૮

ગઝલ
હેમંત પુણેકર


દરિયો સમેટી ટીપું બેઠું

પાંપણ ધારે આંસુ બેઠું

બારેમાસ રહ્યું છે કાયમ

આંખે જે ચોમાસું બેઠું

એણે આંખ કરી એમ ઊંચી

જોઈ મારું હૈયું બેઠું

જનરલ ક્લાસનો ડબ્બો દુનિયા

અહીંયા તો જે બેઠું, બેઠું!

બેઠો નિરાંતે, મનને નિરખતો

એ પળભર ક્યાં સખણું બેઠું!

કોઈ આંધળી દોટ મૂકે છે

કોઈ નિહાળે બેઠું બેઠું
નવનીત સમર્પણ.. મે ૨૦૨૬

 

“નારી અને પિંજરાનું પક્ષી”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે


 

“કાલિ દાસ શ્રેણીના નાયકો - ૧૯૭૪”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે

॥ વાર્તા ॥


 

વાવ

રામ મોરી

“ધૂબાંગ્ગ્... કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત.... દર વખતની જેમ જ. કોણ ગયું? કણબીના ફળિયામાંથી.... પરમારોની પછીતેથી... ભરવાડોના નેસમાંથી... દરબારોની ડેલીએથી... વાણિયાની મેડીએથી... રબારીઓની ખડકીએથી એક હીબકું, ધ્રાસકો ને પરબારી દોટ સીધી વાવમાં. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પ્રાગડવાહે ઈ ધૂબકો આખા ગામમાં સંભળાય. એ પછી વાશીદા ટાણે આખો ધૂબકો બકડિયામાં ભરાઈ જાય અને ઉકરડે ઠલવાઈ જાય, તપેલીમાં તળિયે બળીને ચોંટી ગયેલી ચાની ભૂકીની જેમ કાંકરા ભેગો ઘસાઈને આખો ધૂબકો કદડામાં નીકળી જાય, નદીયે શીપર ઉપર ધબાધબ ધોકાથી ધોકાવાતા લૂગડાના ડોળ ભેગો નીતરી જાય ધૂબકો, ધૂડખાણ્યે તગારામાં ભરેલી ધૂડ્યના ફોતરાં ભેગો ઊડી જાય ધૂબકો. પણ તોય ઈ ધૂબકો કેટલાય દિવસ સુધી ગામની બાયુંના મૂંગાપણામાં સંભળાતો રહે. વાવમાં આવી પડેલા ધૂબકાથી પાણી ઉપર વળેલ ફીણ દિવસો સુધી ગામની બાયુના મોઢા પર વળતા રહે. વાવમાં ધૂબકા પછીના બુડબુડિયાનો મૂંઝારો ગામની બાયુની આંખ્યુંમાં ગોરંભાયા કરે. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પણ હવે ધીરે ધીરે આખી આ વાત નયણ્યા કોઠે ચા પીતા હોય એમ કોઠે પડી ગઈ હતી. હાલતા હાલતા ચપ્પલની પટ્ટી તૂટી જાય અને ચપ્પલ ફેંકી દેવી પડે એટલી સામાન્ય. ચા કરતાં કરતાં મોરસ વધુ પડી જાય એટલી સામાન્ય. મમરી તળતી વખતે ગમ્મે એટલું ધારો તોય મમરીનો અમુક તમુક ભાગ દાઝી જાય એટલી સામાન્ય. કઢી કરતાં કરતાં મીઠા લીમડાના પાન નાંખવાનું ભૂલી જવાય એટલી સામાન્ય. જમતાં જમતાં જીભે બચકું ભરાઈ જાય એટલી હદે સામાન્ય. ધુબકામાં જોકે ગામને મન ખાસ નવાઈ નોતી રહી. પણ તોય ડંકીએ પાણી ભરવા આવેલા બે બેડાં અંદરોઅંદર મૂંગા મૂંગા ઓઈલીંગ કર્યા વિનાની ડંકીના ધન્ગધબ્બ્બ્ ધન્ગ્ ધન્ગધબ્બ્ ધન્ગ્ અવાજની વચ્ચેય ધુબકાની વાત કરીને કાંઠેથી થોડા છલકાઈ જાય. વાડીયે કપાસમાં ચાલતી દાતરડિયોય પોરો ખાઈને પરસેવા હારે ધૂબકાના નામનું નાહી નાખે. નદીએ એકબીજાના લૂગડા ધોવાનો સાબુ માગવા લાંબા થયેલા હાથમાંથી સાબુની ગોટી ભેગો લપસી જતો ધૂબકો. ચાર રસ્તે ભેગા થઈ ગયેલા બે લેરિયામાંય થોડો ભીનો થઈ જતો ધૂબકો. ધુબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. મંજુને સમજાતું નહોતું કે વાવમાં એવું તો શું દાટ્યું છે કે બધ્યું ધોડી ધોડીને ન્યાં જ પોગે છે? એણે જોયેલું કે બા હારે વાડીયેથી રજકાનો ભારો લઈ ઘરે આવતી હોય ત્યારે જે જે બાયું રસ્તે મળતી ઈ બાયુંને બા વાતવાતમાં એમ પૂછે કે, “બીજું તો બધું ઠીક મારી બેન, પણ છે તો તું મજામાને? અને જવાબમાં નર્યા હીબકાં ને દિવસો પછી ઈ હીબકાંનો વાવમાં ધૂબકો. એક દિવસ બપોરે ટાણે બાબરની બાવલી હારે ડેલીએ બેઠી બેઠી સાસુ-થેલીમાં ભરત ભરતાં ભરતાં મંજુએ પૂછેલું કે, “હેં બાવલી, આ વાવમાં હું હશે? “સાવ ગાંડુ ખાતું છે મંજુ તારું તો. વાવમાં તો પાણી જ હોય ને. બાવલીએ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ અક્ષરનો છેલ્લો દોરો દાંતથી તોડ્યો અને ઓશીકાનું ભરત સંકેલતા જવાબ દીધો. “હા, હવે ગિલિન્ડર, ઈ તો ખબર જ છે પણ બીજું શું હશે એમ?” મંજુ સોયમાં દોરો પોરવતાં બોલેલી. બે ઘડી બાવલી મૂંઝાણી પણ જવાબ ન સૂઝ્યો એટલે કે, “તું તો બાપા આવી જ સાવ ધડમાથા વગર્યની વાત્યું કરતી હોય છે. આ નિશાળે ભણતર પૂરું થયું ઈ કેડ્યે તો તારું સહકી ગ્યું. મંજુથી દોરો સોયમાં પરોવાતો નહોતો એટલે એ ધૂંધવાણી, “માય જા નીસમારીની. કવ છું કાંક હોવું તો જોવે જ, નકર બધ્યું ધોડી ધોડીને ન્યાં હું લેવા પોગી જાત્યું હશે? બધ્યુંના વાંધાના ઉકેલ વાવની માલીપાથી જ મળે? મૂળે તો આ વાવ ગામની ભાગોળે આવેલી. આમ તો વર્ષોથી બંધ, એમાં પાણી છે કે કેમ એ પણ જોવા કોઈ જતું નથી. સહુને લાગ્યું કે આમ તો વાવનો કોઈ ઉપયોગ છે નહીં એટલે હવે એને પૂરી દ્યો. પણ પછી કોઈકે ના પાડી કે માલીપા જે જે જીવ હશે ઈ બધાને મૂંઝારો થશે તો પાછું ગામનું આવી બનશે. મંજુને થતું કે જો મુઝારો જ થાય છે તો બાયું શું કામ વાવમાં પડતી હશે? છેવટે ગામે એવું નક્કી કર્યું કે વાવને પૂરીએ નહીં તો કાંઈ નહીં પણ ફરતી ફરતી છાતી સમાણી ભીંત ચણી લઈએ. પછી તોય ગામમાં સત્યનારાયણની કથા કરી ગૌ મૂત્ર છાંટીને વાવ ફરતે ભીંત ચણી લીધી. પણ તોય જાનારાના બાવડા કોઈ કેટણીઘણી ઝાલી રાખે? નસીબને તો કાંઈ નાડા બાંધીને ખેંચી શકાય નહીં. ગામની વહુવારુ વાવ ફરતે છાતી સમાણી બનાવેલી ભીંત પર ચડીનેય ધુબકો લગાવી આવે. પછી તો ગામમાં એવી વાતું થઈ કે વાવ ભોગ માગે છે. વાવની આજુબાજુ આવળ, બાવળ, બોરડી, દેશી બાવળ અને ડાંડલા થોર ઊગેલા. ગામનું વેંત જેવડું છોકરુંય વાવ બાજુ ફરકે નહીં. નદીના આ કાંઠે વાવ અને સામાકાંઠે વડસાવિત્રીનો વડલો. વડલો પૂજવા આવે ઈ બધ્ધી છોકરીઓ વડલાને સૂતરના દોરાથી વીંટોળે ત્યારે વાવ સામે જોઈ રહે. મંજુને દિવસે દિવસે વાવમાં ડોકાવાની તલપ વધતી હાલી. તે એ દિવસોમાં કુટુંબની દીકરી સેજલ પગફેરો કરવા પિયર આવેલી. સેજલને બા નહોતી તો મંજુની બાને જ નાનપણથી બા જેવી ગણેલી. સેજલ ફળિયે બેહવા આવી ત્યારે મંજુ હરખાઈ ગયેલી. બા રસોડામાં ઘી ઉનું કરતી હતી. સેજલ સીધી ન્યાં જ બેસવા ગઈ. મંજુ પણ દોડીને ત્યાં પહોંચી ગઈ પછી ટી.વી.માંથી જોઈ જોઈને શીખી હોય એવા નખરા કરતી કરતી સેજુદીદી, જીજા કેમ છે? જીજા શું કરે? અમી તમારા લગનમાં એની હારે બોવ મસ્તી કરી’તી એવું બોલ્યા કરતી હતી. મંજુનું ધ્યાન ન ગયું પણ ગરમ થયેલા ઘી પર બાઝેલા કીટુંને સાંઠીકડાથી આઘું કરી ફૂંક મારતી બા સેજલની ડબડબ થતી આખ્યું દેખી ગયા. બાએ રસોડાની ગાર્યની પોપડી ખોતરતી સેજલને કીધું, “સેજલી, તને સરખાઈ તો છે ને? રસોડામાં ચૂલાના તાપથી કાળી પડી ગયેલી ભીંતના ઉખડી ગયેલા પોપડાને સેજલ ઘડીક એકીટશે જોઈ રહી અને પછી હેઠું જોઈ ગઈ. બાએ બળતું લાકડું આઘાપાછું કરીને ચૂલાનું અજવાળું થોડું ઓછું કર્યું. રસોડામાં ગલોપની ફરતે કાળી મેશ બાઝી ગઈ હતી એટલે બળી ગયેલો પ્રકાશ રસોડામાં ખૂણે ને ખાંચરે બધ્ધે ઢોળાઈ ગયો હતો. ગલોપની ફરતે જીવડાં ગોળ ગોળ ફરતા હતા અને એક ગરોળી ગલોપની પાછળ લપાઈને બેઠી બેઠી આંખો પટપટાવતી હતી. મંજુને ઘડીક તો એવું લાગ્યું જાણે એને એકલીને જ આ બધું દેખાય છે. અચાનક એણે હીબકાં જેવું કાંઈક સાંભળ્યું. મંજુએ જોયું તો સેજલ હીબકે ચડી હતી. બા સેજલની સામું એકધારુ જોઈ રહ્યા. સેજલે આસું લૂછીને પોતાની ઘાઘરી ઊંચી કરીને બાને સાથળ સુધીના પગ બતાવ્યા. મંજુએ જોયું કે સેજલની પિંડીઓમાં અને સાથળમાં ખૂબ સોજા ચડેલા હતા. બાએ ત્યાં હળવેથી હાથ મૂક્યો. મંજુ આ બધું સમજવા મથતી રહી. “ના નથી પાડી હકતી? મંજુને બાનો અવાજ બોદો લાગ્યો. “જનાવર જેવો છે કાકી એ તો.... હું તો એને કાંઈ કે’તા કાંઈ.... સેજલ એટલું માંડ બોલી શકી અને એનો અવાજ ચૂલાના લાકડામાંથી ફટ્ટ અવાજ આવે એમ ફાટી ગયો. તરત બાએ ચૂલામાં એક લાકડું વધારે નાખી તાપ વધાર્યો. બાજુમાં વાસણોમાંથી નાની વાટકી કાઢી એમાં ઘી ભર્યું અને હીંગના થોડા દાણા નાખી વાટકી ગરમ કરી. તાપમાં બાનું લાલચોળ મોઢું મંજુ જોતી રહી. મંજુને લાગ્યું કે ગરોળીએ ઝપટ મારીને જીવડું મોઢામાં લઈ લીધું, જીવડું ફફડાટ કરતું રહે છે અને ગલોપનું બળેલું અજવાળું સહેજ સહેજ હાલકડોલક થયા કરે છે. સેજલે સાડીના છેડાથી નાક લૂછ્યું અને બા સામે જોતા બોલી, “કાકી, તમી માર કાકાને ક્યને માર સાસરિયે.... સેજલની વાત અડધેથી કાપતાં બા બોલી, “આ ઘીમાં હીંગ ફૂટે પછી ઉતારી લેવાનું ને હળવા હાથે માલીશ કરીશ તો સોજો ઊતરી જાશે. પછી બાએ તરત ફુંક મારીને ચૂલાનું છેલ્લે વધેલું ઘટેલું અજવાળુંય ઓલવી નાખ્યું. મંજુ જેટલું પણ સમજી હતી એટલી વાતે પણ એનો જીવ ચૂંથાતો હોવાનું એને લાગ્યું, એને થયું કે વાવમાં પડ્યા પછીય આવો જ જીવ ચૂંથાતો હશે? તરત એ રસોડાની બહાર નીકળી ગઈ અને બાવલીના ઘર બાજુ ચાલતી થઈ. શેરીમાં નાકે પુરીમા બેઠા બેઠા માળા ફેરવતાં હતાં એણે નેઝવું કર્યું અને સાદ પાડ્યો, “કોણ મંજુડી કે? લેને બટા, નળ આયવા છે..... મા પાણિયારું ભરી દેને માર પેટ.... આજ કેડ્ય બવ દુખેસ, નકર તો વાંકાં વાંકાય હું ભરી જ લવ.” પુરીમા વર્ષોથી એકલા રહે. મંજુએ મોઢું બગાડ્યું, “હા માડી હા.... પણ આખ્ખું નહીં ભરું હોં? મારી સિરિયલ ચાલું થઈ જાહે બાવલીના ઘરે. મંજુએ ફટાફટ પાણિયારું ધોઈને ગોળો ભરી દીધો. પુરીમા બહાર ઓટલેથી આવીને ઓશરીની કોરે બેઠા પછી તૂટી ગયેલા ચપ્પલની પટ્ટીને લીરાથી બાંધવા લાગ્યા. મંજુએ ઓશરીની લાઈટ ચાલુ કરી અને એની પાંહે બેઠી પછી ધીરેથી બોલી, “હેં પુરીમા, આ ગામની વાવમાં તો હું હશે? ડોશીએ હળવા દાંત કાઢ્યા અને પછી બોખા મોઢામાંથી પડતી લાળને બજરિયા સાડલાના છેડાથી લૂંછી. “વાવમાં તો હું હોય... એટલું બોલીને પુરીમાએ અંધારા સામે મોઢું ઊંચું કર્યું. મંજુએ જોયું કે પુરીમા નાકને આગળ પાછળ ડાબે જમણે મરોડી રહ્યા છે, ઘડીક તો એવું લાગ્યું કે પુરીમા વાવની લીલવાળી ભીંતો સૂંઘી રહ્યા છે. “....વાવમાં તો હું હોય.. ગંધાતુ પાણી... લીલ.... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા.... એટલું બોલ્યાં ત્યાં પુરીમાનો શ્વાસ ચડી ગયો. ઓશરીમાં લાગેલા બલ્બના અજવાશમાં મંજુએ ધ્યાનથી પુરીમાનું મોઢું જોયું. એને લાગ્યું કે પુરીમાની આખ્યું જ વાવ જેટલી ઊંડી ઊતરી ગઈ છે, ઈ આખ્યુંમાં ગંધાતા પાણી તગતગતા દેખાણા, આખ્યુંના બેય છેડે લીલ જેવા શીપડા બાઝ્યા હતા અને ફિક્કાશ ભરેલી કીકીઓના ડાળખામાંથી અંધારું ઉલેચાયને આખ્યુંની બહાર નીતરી રહ્યું છે. એ સીધી ભાગી. પુરીમાની ખડકીની બહાર અંધારામાં સૂતેલી કૂતરીની પુંછડી પર ભૂલથી પગ દઈને એ બાવલીના ઘર તરફ ભાગી. કૂતરીના કાવ્વ... કાવ્વ.... કાવ્વમાં મંજુને પુરીમાના વાક્યો સંભળાતા રહ્યા. “.... વાવમાં તો હું હોય... ગંધાતું પાણી... લીલ... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા... બાવલીના ઘેર બેસીને સિરિયલ જોવામાંય જીવ ન ચોંટ્યો અને એ રાત્રે લૂસલૂસ ખાઈને બા સાથે ખાટલે આડી પડી. રાત્રે એ બા સાથે જ સૂવે અને બા પણ મંજુ એની સાથે જ સૂવે એવો વધારે પડતો આગ્રહ રાખતી એવું મંજુને લાગ્યા કરતું. આકાશમાં કાળા વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો એટલે ક્યાંય તારોડિયાનો અજવાસ કળાતો નહોતો. રાત્રે નવેક વાગ્યાના સુમારે લાઈટ જતી રહી હતી. બાએ ઓશરીમાં બત્તી ચાલુ કરી પાણિયારે ટિંગાડી. સવારે બત્તી ચાર્જ કરવાનું બા ભૂલી ગઈ હશે એટલે બત્તીમાંથી ખૂબ ઓછું અજવાળું નીકળતું હતું. એ બત્તીના આછા અજવાળાનો ગોળ ચંદો પાણિયારે ઉખડી ગયેલી ચૂનાની પોપડીઓ પર પડતો હતો. મંજુ એકીટશે પાણિયારે બત્તીના આછા અજવાસના ચંદાને જોતી હતી. એને થયું કે આ અજવાસના ચંદામાં ઓગળતું અંધારું ય છે તો વાવ જેવું જ. બા વાસણ ધોઈને મંજુની બાજુમાં સુતી. ધીમો ધીમો વરસાદ શરૂ થયો. વચ્ચે વચ્ચે વીજળીનો ચમકારો થતો, મંજુ બાપુના મોબાઈલમાં ફોટા પાડતી વખતે ક્લીક કરે અને ઝબૂક લાઈટ થઈ ઓલવાઈ જાય એમ. પવન ફૂંકાતો હતો અને બત્તી પાણિયારે જ્યાં ટિંગાડી હતી ત્યાંથી હલ્યા કરતી હતી. બત્તી હલતી હતી એટલે આછું અજવાસ ભર્યું માંદલ ચાંદરણુંય હલ્યા કરતું હતું. મંજુને લાગ્યું કે જાણે વાવમાં બધું હિલોળે ચડ્યું છે. થોડીવાર મંજુએ આંખો બંધ રાખી અને બત્તીની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો. મંજુએ આંખ્યું ખોલી. અંધારામાં સરખું કશું દેખાતું નહોતું. અંધારામાં એક ઓળો બા પાસે આવ્યો. મંજુએ આંખ્યુંને થોડી ખોલી અને ઓળાને ઓળખવા મથતી રહી. ઓળામાંથી અવાજ આવ્યો “અય.... કવ છું ઊભી થા હાલ્ય. “હાશ.... સૂવા દ્યોને... આજ બવ થાકી ગઈ સવ. “ઊભી થાને... કીધુંને તને એકવાર... મંજુને થયું કે વીજળીની ઝબૂક લાઈટ નો થાય તો પાડ માતાજીનો. “ધીરેલી બોલો.. મંજુડી જાગી જાહે કવ સુ. “હાલ્યને સાનીમાની. “શરમ કરો હવે ઉંમરની કાંઈક મરજાદ.. છોકરાવય તે હવે તો મોટા... અંધારામાં એક ઝાપટ બાના ગાલ પર પડી. “ઓયમાં મારી આંખ્ય... હાશ... “મોડું નો કરતી. મંજુએ જોયું તો એ ઓળો અંદર ઓરડામાં જતો રહ્યો. થોડીવાર સુધી બા ખાટલામાં બેઠી રહી પછી મંજુ સામે ધારી ધારીને જોઈ રહી. મંજુએ જોશથી આંખો મીંચી રાખી. બાએ અંધારામાં આંસુ લૂછ્યા. સાડીનો છેડો ખૂલો કરી વાળ છોડીને અંધારામાં અંદર ઓરડામાં ઓળા પાછળ ઓગળી ગઈ. મંજુની બંને હથેળીઓમાં પરસેવો વધવા લાગ્યો. એને લાગ્યું કે શ્વાસ લેવામાં એને તકલીફ પડી રહી છે. વરસાદ વધ્યો, વીજળીના અવાજો વધ્યા. ગોદડાને કસકસાવી મંજુ નેવેથી નીતરતા પાણીને વીજળીના અજવાસમાં જોતી રહી. થોડીવારે અંધારામાંથી એ ઓળો બહાર આવ્યો ડેલી બાજુના ઢોલિયે જતો રહ્યો. મંજુ બધું ઉકેલવા મથતી રહી. બત્તીની સ્વીચ ચાલુ થવાનો અવાજ આવ્યો એટલે મંજુ સમજી ગઈ કે બા આવી ગઈ. બા સીધી મંજુના ખાટલે બેસી ગઈ. એ આખી હાંફતી હતી, પરસેવે રેબઝેબ. બાએ સાડલાથી પરસેવો લૂછ્યો. બાના હીબકા મંજુની છાતીમાં ઉગ્યા. ઘડીક તો મંજુને લાગ્યું કે બા પેલી ભમ્મર અંધારી વાવમાંથી નીતરીને બાર્ય આવી છે. રાતે મંજુને સપનુંય એવું આવ્યું કે વાવમાંથી કોઈ લાંબા ઢાળે ગીત ગાઈ રહ્યું છે અને ઝાંઝરનો અવાજ તાળીઓના ટપાકા સાથે આખા ગામમાં સંભળાય છે. એ ઝબકીને જાગી ગઈ અને જુવે તો સવાર પડી ગઈ હતી. સવારમાં જાગીને વડસાવિત્રીના વ્રતની પૂજાથાળી તૈયાર કરવા લાગી. સવાર પડી ગઈ તોય વાતાવરણ સાંજ જેવું હતું. વાદળાઓએ આકાશ ઢાંકી રાખ્યું હતું. ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો. રાણી કલરના ચણિયાચોળી પહેરીને પૂજાની થાળી અને તાંબાનો લોટો લઈ એ બાવલી, આશલી, ગવરી અને હરસુડી સાથે વડલો પૂજવા ગઈ. આખી પૂજામાં મંજુ નદીના સામા કાંઠાની વાવને ધારી ધારીને જોયા કરતી હતી. પ્રવીણ મહારાજ છોકરીઓને વડપૂજા કરાવતા કરાવતા કહેતા હતા હવે અબીલ-ગુલાલ-કંકુથી વડદેવતાને વધાવો... બે હાથ જોડીને કૂળદેવીનું નામ બોલો... પછી વડદેવતાને પ્રાર્થના કરો કે હે વડદેવતા, અમે તનમનધનથી વ્રત કર્યા છે... જેમ તમે સાવિત્રીને ફળ્યા એમ અમનેય..... બાવલીને વહેમ પડ્યો કે મંજુનું ધ્યાન નથી. એણે જોયું તો મંજુ વાવ સામે જોયા કરતી હતી. બાવલીએ હડદોલો માર્યો, “એય મંજુડી, આંય પૂજામાં ધ્યાન દેને બાપા... ન્યાં હું દાટી સે કે ટગર ટગર જોયા કરે સ. મંજુ જવાબ દીધા વિના થાળીમાં કમળકાકડી રમાડતી રહી. પૂજા પૂરી થઈ એટલે પ્રવીણ મહારાજ બોલ્યા, “સોડિયું, બેટા હટ ઘરે પોગજો.... મે અંધાર્યો છે. બધ્યું કલબલ કલબલ કરતી ઘર ભણી હાલતી થઈ. મંજુએ બાવલીને થાળી પકડાવી અને બોલી, “બાવલી, તું ઘરે પોગ્ય, હું આવું હમણે મંજુને વાવ બાજુ જતા જોઈને આશલી બોલી, “એલી અય મંજુ, આંય વાવ બાજુ નો બેસતી... થોડી આઘે જઈને બેસજે અને થૂંકીને બેસજે મંજુએ તો જાણે કશું સાંભળ્યું જ નથી, એ વાવ બાજુ ચાલતી રહી. બાવલીનો જીવ મૂંઝાણો, “મંજુડી... બવ આઘી જા મા. ન્યાં હનુમાનદાદાનું નામ લઈન બેહી જા. થોડીવારે બાવલીને સમજાઈ ગયું કે મંજુ હળવીભારે થવા તો નથી જ જાતી. એની છાતીના ધબકારા વધી ગયા. મંજુ બાવળિયાના ડાળખા અને કાંટાને ઠેકતી આગળ વાવ બાજુ ચાલવા લાગી. “મંજુડી પાછી વળ્ય.... તાર બાપુને કઈ દશ હો.... આમ જો મેહ ખરેખરનો અંધાર્યો છે. બાવલી પોતાની ચણિયાચોળી કાંટામાં ન ભરાઈ જાય એવું ધ્યાન રાખતી પોતાની અને મંજુની થાળી સંભાળતી ડરતી ડરતી મંજુ પાછળ આવી. ધીમે ધીમે છાંટા પડવાના ચાલુ થઈ ગયા. વાતાવરણમાં વરસાદનો ગડગડાટ વધ્યો. બાવલીએ મંજુ પાછળ દોડવાની ઝડપ વધારી “મંજુ... મારી મા.... પાછી વળ્ય... મને બોવ બીક લાગે છે. એણે જોયું કે મંજુ વાવ પાસે પહોંચી ગઈ. મંજુ વાવ પાસે પહોંચી ગઈ હતી. એણે જોયું તો છાતી સમાણી ભીંતમાં જ્યાં જ્યાં ટેકો લઈ બાયું વાવમાં પડી હશે ઈ બધા ટોસાઈ ગયેલા ભાગમાં પીપળા ઊગ્યા હતા. મંજુએ એ ટોસાયેલા ભાગ પર અંગુઠો ગોઠવ્યો અને ભીંત પર ચડી. બાવલીનો જીવ ઊંચો થઈ ગયો. મંજુએ ભીંતનો આધાર લીધો અને વાવ તરફ નમી. બાવલીએ રાડારોળ્ય મચાવી, “એય મંજુડી.... ઊભી રે મારી મા... એય તું માલીપા પડી જાશ... તાર બાપુને કહી દઈશ... ધોડો... ધોડો... મંજુ વાવમાં જાય છે... મંજુનું અડધા ભાગ ઉપરનું શરીર વાવમાં નમેલું હતું. એ ધારી ધારીને વાવના અંધારાને જોવા લાગી. ઘડીક તો કાંઈ સરખું દેખાયું જ નહી. અચાનક મંજુને લાગ્યું કે કોઈ બાઈ વાવ બાજુ ધોડતી આવે છે... એ બાઈના ઝાંઝરનો અવાજ અને હીબકા મંજુના કાનમાં ઉભરાઈ ગયા. મંજુએ પાછળ ફરીને જોયું. મંજુને રાડો પાડતી બાવલી ન દેખાણી પણ સાચ્ચે જ ખૂબ ઝડપથી દોડી આવતી બાઈ દેખાણી. મંજુ ફાટી આંખે એ બાઈને ઓળખવા મથતી રહી. એ બાઈ કાંટામાં દોડતી હતી, એ હીબકાં ભરતી હતી, એનું મોઢું રાણી કલરના લેરિયાના ઘુમટામાં ઢંકાયેલું હતું. બંને હાથમાં કાચની લીલા રંગની બંગડીઓ હતી, એ બાઈના પગના જાડ્ડા ઝાંઝરનો અને એકબીજા સાથે અથડાતી બંગડીઓનો અવાજ વાદળાઓની ગડગડાટીમાંય મંજુને સંભળાતો હતો. એના લાંબા વાળ ઘૂમટામાંથી બહાર ડોકાઈ રહ્યા હતા. એ હાંફતી હાંફતી વાવ બાજુ દોડી આવતી હતી. વરસાદ એકદમથી વધી ગયો અને મોટા મોટા છાંટા પડવા લાગ્યા. એ બાઈ પોતાની તરફ દોડી આવતી હતી એ જોઈ મંજુએ વરસાદે ઊભા કરેલા અંધારામાં બાવલીને શોધી. ચહેરા પર વરસાદથી ભીંજાઈને ચોંટી ગયેલી લટને ખસેડી એણે બૂમ પણ પાડી, “બાવલી, આમ જો કોઈ બાઈ ધોડી આવે છે.... આ બાજુ.. વાવ પાંહે જો... બાવલી બેબાકળી બનીને મંજુ જે દિશામાં હાથ ચીંધતી હતી એ દિશામાં જોવા લાગી પણ ત્યાં કશું દેખાતું નહોતું. વરસાદ એકદમથી ખૂબ વધી ગયો.. પવન ફૂંકાવા લાગ્યો. બાવલીના ચણિયાચોળી બોરડીના ઝાળામાં ફસાઈ ગયા. એ ધૂંવાપૂંવા થઈ ગઈ. “મંજુડી, હવે બોવ થ્યું હો.. વાવમાં જોઈ લીધું હોય તો આંય પાછી ગુડા... કભારજા, તું મારો જીવ લઈ લેવાની આજ તો.... હેઠી ઊતર કવ સવ.... બાવલીએ ફરી મંજુ જે દિશામાં આંગળી ચીંધતી હતી એ દિશામાં જોયું પણ કશું દેખાતું નહોતું, પણ તોય મંજુ ફરી ફરીને બાવલીને કહેતી હતી, “જો જો બાવલી... કોઈ બાઈ દોડતી આ બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાઈ નહીં. પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હીબકાંનો અવાજ એકદમથી વધી ગયો. એ બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો, વીજળીના ઝબકારામાં મંજુને એ બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને એ બાઈનો ઘૂમટો ઊડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે આ બાઈને તો હું ઓળખું જ છું... આ બાઈને ક્યાંક મેં તો જોઈ જ છે... એ હજુ વિચારીને કશું યાદ કરે એ પહેલા એ બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નીકળી ગઈ. મંજુનો ચહેરો ફિક્કો પડી ગયો. ગળું રંધાઈ ગયું. એને કશું જ સંભળાતું નહોતું. બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ... વીજળીના કડાકા.... વાદળાઓનો ગડગડાટ... બાવલીની ચીસો... બધું શાંત... એને માત્ર પોતાના ધબકાર સંભળાતા હતા.. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ... મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું... ....વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું, તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી, “સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનરાધાર રે
એ આખી પલળી તોય કોરી ઓઢણાની કોર રે...! એણે આંખ્યું ખોલી તો કેટલી બધી બાયું તળિયે બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉભડક બેસીને પગના નખ રંગતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખોસતી હતી, કોઈ કોડિયે ને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેશ આંજતી હતી, કોઈ નિરાંતે કપાળે ચાંદલો લગાવીને ધારી ધારીને ચાંદલો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી. અજવાસમાં બાંધણી, લેરિયા, કાપડા, ઓઢણા, દુપટ્ટાનો રંગ બાયુંના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યું. તળિયે અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુંને જોઈ... એના અચંબાનો કોઈ પાર ન રહ્યો... એને બા દેખાણી, સેજલ દેખાણી, પુરીમા દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી, ગવરી, હરસુડી, આશલી બદ્યું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી... આંબલિયા ખાતી હતી... ભરત ભરતી હતી... ઠીકરીથી રમતી હતી.. પેલી જે હમણાં જ વાવમાં પડી હતી એ બાઈ આ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાઈ. બધી બાયું એને ઘેરીને બેસેલી હતી. મંજુ એ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલીએ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયું જોરજોરથી હસવા લાગી. એકબીજાને તાળિયો આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. એ બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. એ બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.. એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. એ માંડ એટલું બોલી શકી, આ તો હું જ સવ..... એના ધબકારા એકદમથી વધી ગયા. વીજળીનો પ્રચંડ કડાકો થયો. વાવમાંથી હસવાના અવાજો બહાર નીકળી ગયા એવું મંજુને લાગ્યું. એણે બાવલીને શોધવા આજુબાજુ નજર કરી પણ વરસાદમાં એને કાંઈ દેખાયું નહીં. એણે ઉપર નજર કરી તો કાળા ડિબાંગ વાદળાઓ નીચે ઝૂકી રહ્યા હોય એવું એને લાગ્યું, એણે ફરી વાવમાંથી આવતા અજવાસમાં તરફ જોયું. મંજુને થયું કે હેઠ્યે તો નર્યું અજવાળું જ છે... અંધારું તો મારી ઉપર તોળાઈ રહ્યું છે!

‘મહોતું’ વાર્તાસંગ્રહમાંથી