સંચયન-૭૦

Revision as of 10:27, 4 July 2026 by Meghdhanu (talk | contribs)
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


સંચયન - ૭૦

॥ પ્રારંભિક ॥

 

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (anantrathod@ekatrafoundation.org)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૨ : જૂન ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬



 

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

 
 

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬

 

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



 

“ગણેશપૂજન”, ચિત્ર: અન. એસ. બેન્દ્રે

॥ અનુક્રમ ॥


સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૨ : જૂન, ૨૦૨૬

સમ્પાદકીય
ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ ~ કિશોર વ્યાસ

કવિતા
મને જો પૃથ્વીની હકૂમત મળે ~ ઉમાશંકર જોશી
નજરુંના કાંટાની ભૂલ ~ સુરેશ દલાલ
અનુભૂતિ ~ સુરેશ દલાલ
રાધાનું નામ તમે ~ સુરેશ દલાલ
લગ્નોત્સુક યુવતીનું ગીત ~ નિરંજન યાજ્ઞિક
લોગઈન: ~ રતિલાલ સોલંકી
ચૂમે છે વ્હાલથી પાની ~ અનિલ ચાવડા
મને છેતરીને કૂવામાં ઊતાર્યા ~ બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલ ~ હેમંત પુણેકર

વાર્તા
વાવ ~ રામ મોરી

વિવેચન
કાન્ત અને તેમની કવિપ્રતિભા..... ~ ભૃગુરાય અંજારિયા

સમીક્ષા - આસ્વાદ
માણેકચોકની મહામૂલી વાર્તાઓ ~ નરેશ શુક્લ
સ્વરૂપસિદ્ધિના આટાપાટા રચતું રસાળ ગીત ~ સંજુ વાળા
રમેશ પારેખઃ ગુજરાતી ભાષા અને કવિતાને લયબદ્ધ લાડ ~ આર.પી. જોષી

કલાજગત
કલામંદિર અધ્યાય - ૧૧ ~ કનુ પટેલ (કલાબત્રીસી પુસ્તકમાંથી એક અધ્યાય)
એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક ~ કનુ પટેલ

(નોંધઃ આ અંકના મુખપૃષ્ઠ પર અને અન્ય જગ્યાઓ પર ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી
ચિત્રકાર એન.એસ. બેન્દ્રે (નારાયણ શ્રીધર બેન્દ્રે)ના સુંદર ચિત્રો મૂકવામાં આવ્યા છે.)


॥ સમ્પાદકીય ॥

ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ

 
જન્મ ૩-૧૧-૧૯૬૬

આપણા કોઈપણ સાહિત્યકારોના ઈન્ટરવ્યૂઝ કે સંવાદમાં એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે ‘આપને ઈનામ મળવાથી કે ના મળવાથી કેવી લાગણી થઈ આવે છે ?’ સ્વાભાવિક છે કે સર્જકો મોટાભાગે એનો જવાબ હીરે મઢીને આપતા હોય છે. મનુષ્ય મન સતત અન્યના સ્વીકારને ઝંખતું રહેવાનું એથી ક્યારેક તો કોઈ વાર્તા-નવલકથાકારના લેખમાં એકાદ બે સર્જકના નામ પણ ભૂલેચૂકે જો રહી જવા પામ્યા હોય તો રહી જવા પામેલા સર્જકને પક્ષપાત થયાની લાગણી અનુભવાતી હોય કે દ્વૈષભાવનું ગાણું ગવાતું હોય તો ઈનામ-અકરામ જેવી ચીજ તરફ સૌનું ધ્યાન ચોંટી રહે એમાં કશું અસ્વાભાવિક નથી. સોનું દેખીને મુનિવર જો ચળી જતાં હોય તો મનુષ્યનો શો વાંક ભલા ! પારિતોષિકો લેખન માટેનો ઉત્સાહ વધારે છે. સર્જકને સાહિત્યવિશ્વમાં પ્રતિષ્ઠિત કરી આપે છે. સર્જકની નામનાને કારણે એની ખાસ ઓળખ બને છે. પ્રકાશકો એમના ગ્રંથોને પ્રગટ કરવા હોડ ભણે છે, છાપાઓ કૉલમ લખવાની ઓફર મૂકે છે તેમ વ્યાખ્યાનો કરવા માટેના આમંત્રણો આવા ઈનામોની દેણગી છે. જેમ મોટું સન્માન એમ આગળ વધવાની તક વિશેષ એમ માનનારો વર્ગ પણ હોવાનો જ. કોઈ સર્જકે તો કહેલું કે, ‘આવી બાબતો ઉત્સાહ વધારવાને બદલે તે લેખકોને કાવાદાવાવાળા બનાવે છે.’ ક્ષુલ્લક સન્માન લેવા માટે આવા પ્રપંચો કરવા પડે એ કેવું? સામા પક્ષે ઈનામ-અકરામ કે પુરસ્કાર જેવી બાબતોથી તદ્દન નિસ્પૃહ રહીને જાહેરમાં આવા કોઈ સન્માન ન લેવાનો નિર્ણય આપણા કેટલાક ગણમાન્ય સર્જકો કરી ચૂક્યા છે એથી એવું લાગે કે પુરસ્કારનું પણ એક અટપટું મનોવિજ્ઞાન છે. ‘માણસાઈના દીવા’ માટે ઝવેરચંદ મેઘાણીને ‘મહીડા પારિતોષિક’ આપવાની જાહેરાત થઈ ત્યારે નિર્ણાયક કમિટીએ મેઘાણી સાથે રવિશંકર મહારાજને પણ આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી! મેઘાણીએ નમ્રતાથી આ બાબતે વિરોધ કરેલો અને મહારાજે પણ એ વાતમાં સૂર પૂરાવેલો. એ જમાનાના ૩૦૦ રૂપિયાનો પુરસ્કાર મેઘાણીએ મહારાજને ધરી દીધો હતો જે મહારાજે પણ સ્વીકાર્યો નહીં! આમ પુરસ્કારો અને વિવાદને ઘણી લેણાદેવી છે. આજે અનેક સ્વરૂપોમાં એટલા પુરસ્કારો અને સન્માનો આપણે ત્યાં મળતા થયા છે કે એની લાંબી યાદી જોઈએ ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી કે ‘ઓહો! આપણે ત્યાં આટલા બધા? આટલા કેમ?’ આપણા પ્રતિષ્ઠિત સામયિકોની ખોટનો આંકડો લાખોમાં હોય એ સમાચાર વાંચીને ચોંકી જવાયું હતું બીજી બાજુએ એ જ સામયિકોમાં દર માસે પ્રગટ થતી ઉત્તમ રચનાઓને અપાતા પુરસ્કારની સંખ્યા જુઓ તો નવાઈ લાગે. આ પુરસ્કાર સામયિકને-સંસ્થાને સ્થિર કરવામાં વપરાતા હોય તો? આપણી દરેક સાહિત્ય સંસ્થાઓના પુરસ્કારો ઉપરાંત આજે અનેક સાહિત્ય સંસ્થાઓ સર્જકોને પુરસ્કૃત કરી રહી છે. સર્જકના શબ્દને માન મળે અને લોકસમુદાય સુધી સર્જક પહોંચે એથી રૂડું શું હોઈ શકે? પણ ક્યારેક તો બેચાર સર્જકોને માનસન્માનો મળ્યા જ કરે અને વૃકોદરની પેઠે એ સન્માનો ઝીલ્યા જ કરે એવું બને છે તેઓ પાછા સન્માન માટે એટલા નમ્ર હોય કે ક્યારેય એમ ન કહે કે હવે કેટલાક સન્માનો યુવાઓ માટે, નવા નિશાન તાકનારાઓ માટે રહેવા દો...એ વાત શોકકારક છે. સન્માન કરનાર કોણ છે? કર્તા નહી, કૃતિ કેટલી યોગ્ય છે? સર્જકનો વિકાસ કે સાહિત્યિક પ્રદાન શું છે? નિર્ણાયકો કોણ છે? જેવી બાબતોને નિરપેક્ષભાવે તેમ ઘણી ઝીણવટથી જોવી-તપાસવી ઘટે, નહીં તો ખોટા ધોરણો ઊભા થશે. સન્માનો, પારિતોષિકોના ભવ્ય સમારોહને બદલે સર્જકની ઉત્તમ રચનાઓના સંચયો, એમની પ્રકાશિત-અપ્રકાશિત રચનાઓના સંકલનો શાળા-કોલેજો સુધી ને સાહિત્યરસિકો સુધી સસ્તા દરે પહોંચાડવા જોઈએ. સર્જકને મળેલું સન્માન એ શબ્દનું, આપણી ભાષાનું ગૌરવ છે પણ તમામ સંસ્થાઓએ ઈનામ આપવાની દોડમાં વિચારવાનું એ રહે છે કે આપણે વિદ્યાજગતનો- સર્જનાત્મક સાહિત્યનો કેટલો પુરસ્કાર કર્યો? આપણી વિદ્યાવૃત્તિને -સર્જનને સંકોરવાનો આપણે કેટલો પ્રયત્ન કર્યો? આપણે દુર્લભ થઈ ગયેલા ગ્રંથોને પ્રકાશમાં લાવવાની કેટલી મથામણ કરી? બાકી રહી ગયેલા કામ તરફ આપણે નજર કરી છે ખરી?

- કિશોર વ્યાસ

 

“બારીની સામે બેઠલી છોકરી”, ૧૯૮૨, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે

॥ કવિતા ॥

 
જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૧૧
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮

મને જો પૃથ્વીની હકૂમત મળે
ઉમાશંકર જોશી


મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો

પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી

પ્રજા મારી પંખી-મનુજ-પશુ ને કીટક
ગણો
બધાને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.

દ્રુમોની ડાળીને નીડ, નગર-આવાસ ભીડમાં

વનોની ઝાડી કે ગિરિકુહરમાં, ભૂમિભીતરે

જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો

પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.

હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહ - શું વિગ્રહ નહિ

કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ તો,

પ્રીતિનું જેમાં ના જીતવું પણ જિતાઈ જ જવું,

સ્વ-તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.

પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે,

પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!
‘સમગ્ર કવિતા’માંથી

 
જન્મ : ૧૧ ઓક્ટોબર ૧૯૩૨
મૃત્યુ : ૧૦ ઓગસ્ટ ૨૦૧૨

નજરુંના કાંટાની ભૂલ
સુરેશ દલાલ


નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,

તારો તે સંગઃ ઊને પ્હોર જાણે પીપળો;

વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,

તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;

તું જે કહે તે કબૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

 
અનુભૂતિ
સુરેશ દલાલ


લીલ લપાઈ બેઠી જળને તળિયે;

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;

કિરણ તો ઝૂક્યું થઈ કપોત.

વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;

નેણને અણજાણી આ ભોમ.

લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

રાધાનું નામ તમે
સુરેશ દલાલ


રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 

 વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે 

ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી 

કે ખાલી બેડાની કરે વાત,

લોકો કરે છે શાને દિવસ ને રાત


મારા મોહનની પંચાત?

વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે:


કેમ અલી ? ક્યાં ગઈ’તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 

વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું ‘લિ તારે અંબોડે ફૂલ?

એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ 

જો કે હોઠોની પાંખડીઓ બંધ;

મારે મોઢેથી ચહે સાંભળવા સાહેલી
માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર
મહીં 
વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી
‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી

 
જન્મ : ૧૯૪૮


લગ્નોત્સુક યુવતીનું ગીત
નિરંજન યાજ્ઞિક


મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
ઘરની વચાળ અમે પાથર્યા ઉજાગરા ને આંગણિયે શમણાંઓ છૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.

ફળિયામાં ઘેરઘેર અવસર ડોકાતા ને ગામલોક સરનામાં પૂછતાં,

કોરાડિબાંગ અમે કાગળિયાં-વણદેખ્યા અક્ષરનાં આંસુડાં લૂછતાં;
દાદાના મોરલાને પાંખો તો ઠીક સખી, પીંછાંયે કેમ નથી ફૂટતાં?
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.

મુરઝાતા હાથોને સૂરજ તો ઠીક, કોઈ મેંદીનું નામ નથી દેતું,

મોભારે કાગડાનું પગલું અડકે ને મારી છાતી ફાડીને કશું વે’તું;

દોમદોમ ચોમાસા એક પછી એક વગર હથિયારે સાવ મને લૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
FB

 

લોગઈન:
રતિલાલ સોલંકી


તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!

એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,

એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,

એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,

એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકસાનનો હિસાબ શાનો,

તારું બસ હોવાપણું સરભર હતું, મા!
FB


 
જન્મ : ૧૯૮૫

ચૂમે છે વ્હાલથી પાની
અનિલ ચાવડા


ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,

સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.

ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?

અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.

હજી ઘરમાં જ છે ઘર ત્યાગવાની વાત કરતું મન,

કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.

અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?

કહો છો દોડવાનું એય તે બાંધેલ પગ સાથે?

ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,

પધાર્યાં’તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.

છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો

હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે

તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?

અલગ રીતે સ્વયંનો માર્ગ કંડારેલ પગ સાથે?

જમાનાએ મને લાવી દીધો છે કાખઘોડી પર,

ઘરેથી નીકળ્યો’તો હું ઘણા કાબેલ પગ સાથે.
FB

 
જન્મ : ૧૯૭૪

મને છેતરીને કૂવામાં ઊતાર્યા
બાબુલાલ ચાવડા ‘આતુર’


મને છેતરીને કૂવામાં ઊતાર્યા પછી રાશ કાપીને ચાલ્યાં ગયાં છે,

ઠગારા સ્મરણ કંઈ ખબર ના પડે એ રીતે થાપ આપીને ચાલ્યાં ગયાં છે.

પૂરાશે એ ક્યારે અને કઈ રીતે એ વિશે એક પણ શબ્દ બોલ્યાં નથી ને,

અચાનક એ આવીને ચૂપચાપ મારો આ ખાલીપો માપીને ચાલ્યાં ગયાં છે.

કરું એકઠાં ચોતરફથી વીણીને હું સૂક્કાં તણખલાં વીતેલી ક્ષણોનાં,

અને આગ ચાંપી જતા-આવતા સૌ ઘણીવાર તાપીને ચાલ્યા ગયા છે.

હો એક એ પણ સમય કે ઝીલાતા હતા એમનાથી પડ્યા બોલ મારા,

હવે એક આ પણ સમય છે કે એ વેણ મારા ઉથાપીને ચાલ્યાં ગયાં છે.

હજી ચીંથરેહાલ મારું કથાનક ફરે છે જુઓ સાવ રસ્તે રઝળતું,

અને છાપનારા તો આખ્ખોય મારો આ ઇતિહાસ છાપીને ચાલ્યા ગયા છે.
FB

 
જન્મ : ૧૯૭૮

ગઝલ
હેમંત પુણેકર


દરિયો સમેટી ટીપું બેઠું

પાંપણ ધારે આંસુ બેઠું

બારેમાસ રહ્યું છે કાયમ

આંખે જે ચોમાસું બેઠું

એણે આંખ કરી એમ ઊંચી

જોઈ મારું હૈયું બેઠું

જનરલ ક્લાસનો ડબ્બો દુનિયા

અહીંયા તો જે બેઠું, બેઠું!

બેઠો નિરાંતે, મનને નિરખતો

એ પળભર ક્યાં સખણું બેઠું!

કોઈ આંધળી દોટ મૂકે છે

કોઈ નિહાળે બેઠું બેઠું
નવનીત સમર્પણ.. મે ૨૦૨૬

 

“નારી અને પિંજરાનું પક્ષી”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે


 

“કાલિ દાસ શ્રેણીના નાયકો - ૧૯૭૪”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે

॥ વાર્તા ॥


 

વાવ
રામ મોરી

“ધૂબાંગ્ગ્... કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત.... દર વખતની જેમ જ. કોણ ગયું? કણબીના ફળિયામાંથી.... પરમારોની પછીતેથી... ભરવાડોના નેસમાંથી... દરબારોની ડેલીએથી... વાણિયાની મેડીએથી... રબારીઓની ખડકીએથી એક હીબકું, ધ્રાસકો ને પરબારી દોટ સીધી વાવમાં. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પ્રાગડવાહે ઈ ધૂબકો આખા ગામમાં સંભળાય. એ પછી વાશીદા ટાણે આખો ધૂબકો બકડિયામાં ભરાઈ જાય અને ઉકરડે ઠલવાઈ જાય, તપેલીમાં તળિયે બળીને ચોંટી ગયેલી ચાની ભૂકીની જેમ કાંકરા ભેગો ઘસાઈને આખો ધૂબકો કદડામાં નીકળી જાય, નદીયે શીપર ઉપર ધબાધબ ધોકાથી ધોકાવાતા લૂગડાના ડોળ ભેગો નીતરી જાય ધૂબકો, ધૂડખાણ્યે તગારામાં ભરેલી ધૂડ્યના ફોતરાં ભેગો ઊડી જાય ધૂબકો. પણ તોય ઈ ધૂબકો કેટલાય દિવસ સુધી ગામની બાયુંના મૂંગાપણામાં સંભળાતો રહે. વાવમાં આવી પડેલા ધૂબકાથી પાણી ઉપર વળેલ ફીણ દિવસો સુધી ગામની બાયુના મોઢા પર વળતા રહે. વાવમાં ધૂબકા પછીના બુડબુડિયાનો મૂંઝારો ગામની બાયુની આંખ્યુંમાં ગોરંભાયા કરે. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પણ હવે ધીરે ધીરે આખી આ વાત નયણ્યા કોઠે ચા પીતા હોય એમ કોઠે પડી ગઈ હતી. હાલતા હાલતા ચપ્પલની પટ્ટી તૂટી જાય અને ચપ્પલ ફેંકી દેવી પડે એટલી સામાન્ય. ચા કરતાં કરતાં મોરસ વધુ પડી જાય એટલી સામાન્ય. મમરી તળતી વખતે ગમ્મે એટલું ધારો તોય મમરીનો અમુક તમુક ભાગ દાઝી જાય એટલી સામાન્ય. કઢી કરતાં કરતાં મીઠા લીમડાના પાન નાંખવાનું ભૂલી જવાય એટલી સામાન્ય. જમતાં જમતાં જીભે બચકું ભરાઈ જાય એટલી હદે સામાન્ય. ધુબકામાં જોકે ગામને મન ખાસ નવાઈ નોતી રહી. પણ તોય ડંકીએ પાણી ભરવા આવેલા બે બેડાં અંદરોઅંદર મૂંગા મૂંગા ઓઈલીંગ કર્યા વિનાની ડંકીના ધન્ગધબ્બ્બ્ ધન્ગ્ ધન્ગધબ્બ્ ધન્ગ્ અવાજની વચ્ચેય ધુબકાની વાત કરીને કાંઠેથી થોડા છલકાઈ જાય. વાડીયે કપાસમાં ચાલતી દાતરડિયોય પોરો ખાઈને પરસેવા હારે ધૂબકાના નામનું નાહી નાખે. નદીએ એકબીજાના લૂગડા ધોવાનો સાબુ માગવા લાંબા થયેલા હાથમાંથી સાબુની ગોટી ભેગો લપસી જતો ધૂબકો. ચાર રસ્તે ભેગા થઈ ગયેલા બે લેરિયામાંય થોડો ભીનો થઈ જતો ધૂબકો. ધુબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. મંજુને સમજાતું નહોતું કે વાવમાં એવું તો શું દાટ્યું છે કે બધ્યું ધોડી ધોડીને ન્યાં જ પોગે છે? એણે જોયેલું કે બા હારે વાડીયેથી રજકાનો ભારો લઈ ઘરે આવતી હોય ત્યારે જે જે બાયું રસ્તે મળતી ઈ બાયુંને બા વાતવાતમાં એમ પૂછે કે, “બીજું તો બધું ઠીક મારી બેન, પણ છે તો તું મજામાને? અને જવાબમાં નર્યા હીબકાં ને દિવસો પછી ઈ હીબકાંનો વાવમાં ધૂબકો. એક દિવસ બપોરે ટાણે બાબરની બાવલી હારે ડેલીએ બેઠી બેઠી સાસુ-થેલીમાં ભરત ભરતાં ભરતાં મંજુએ પૂછેલું કે, “હેં બાવલી, આ વાવમાં હું હશે? “સાવ ગાંડુ ખાતું છે મંજુ તારું તો. વાવમાં તો પાણી જ હોય ને. બાવલીએ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ અક્ષરનો છેલ્લો દોરો દાંતથી તોડ્યો અને ઓશીકાનું ભરત સંકેલતા જવાબ દીધો. “હા, હવે ગિલિન્ડર, ઈ તો ખબર જ છે પણ બીજું શું હશે એમ?” મંજુ સોયમાં દોરો પોરવતાં બોલેલી. બે ઘડી બાવલી મૂંઝાણી પણ જવાબ ન સૂઝ્યો એટલે કે, “તું તો બાપા આવી જ સાવ ધડમાથા વગર્યની વાત્યું કરતી હોય છે. આ નિશાળે ભણતર પૂરું થયું ઈ કેડ્યે તો તારું સહકી ગ્યું. મંજુથી દોરો સોયમાં પરોવાતો નહોતો એટલે એ ધૂંધવાણી, “માય જા નીસમારીની. કવ છું કાંક હોવું તો જોવે જ, નકર બધ્યું ધોડી ધોડીને ન્યાં હું લેવા પોગી જાત્યું હશે? બધ્યુંના વાંધાના ઉકેલ વાવની માલીપાથી જ મળે? મૂળે તો આ વાવ ગામની ભાગોળે આવેલી. આમ તો વર્ષોથી બંધ, એમાં પાણી છે કે કેમ એ પણ જોવા કોઈ જતું નથી. સહુને લાગ્યું કે આમ તો વાવનો કોઈ ઉપયોગ છે નહીં એટલે હવે એને પૂરી દ્યો. પણ પછી કોઈકે ના પાડી કે માલીપા જે જે જીવ હશે ઈ બધાને મૂંઝારો થશે તો પાછું ગામનું આવી બનશે. મંજુને થતું કે જો મુઝારો જ થાય છે તો બાયું શું કામ વાવમાં પડતી હશે? છેવટે ગામે એવું નક્કી કર્યું કે વાવને પૂરીએ નહીં તો કાંઈ નહીં પણ ફરતી ફરતી છાતી સમાણી ભીંત ચણી લઈએ. પછી તોય ગામમાં સત્યનારાયણની કથા કરી ગૌ મૂત્ર છાંટીને વાવ ફરતે ભીંત ચણી લીધી. પણ તોય જાનારાના બાવડા કોઈ કેટણીઘણી ઝાલી રાખે? નસીબને તો કાંઈ નાડા બાંધીને ખેંચી શકાય નહીં. ગામની વહુવારુ વાવ ફરતે છાતી સમાણી બનાવેલી ભીંત પર ચડીનેય ધુબકો લગાવી આવે. પછી તો ગામમાં એવી વાતું થઈ કે વાવ ભોગ માગે છે. વાવની આજુબાજુ આવળ, બાવળ, બોરડી, દેશી બાવળ અને ડાંડલા થોર ઊગેલા. ગામનું વેંત જેવડું છોકરુંય વાવ બાજુ ફરકે નહીં. નદીના આ કાંઠે વાવ અને સામાકાંઠે વડસાવિત્રીનો વડલો. વડલો પૂજવા આવે ઈ બધ્ધી છોકરીઓ વડલાને સૂતરના દોરાથી વીંટોળે ત્યારે વાવ સામે જોઈ રહે. મંજુને દિવસે દિવસે વાવમાં ડોકાવાની તલપ વધતી હાલી. તે એ દિવસોમાં કુટુંબની દીકરી સેજલ પગફેરો કરવા પિયર આવેલી. સેજલને બા નહોતી તો મંજુની બાને જ નાનપણથી બા જેવી ગણેલી. સેજલ ફળિયે બેહવા આવી ત્યારે મંજુ હરખાઈ ગયેલી. બા રસોડામાં ઘી ઉનું કરતી હતી. સેજલ સીધી ન્યાં જ બેસવા ગઈ. મંજુ પણ દોડીને ત્યાં પહોંચી ગઈ પછી ટી.વી.માંથી જોઈ જોઈને શીખી હોય એવા નખરા કરતી કરતી સેજુદીદી, જીજા કેમ છે? જીજા શું કરે? અમી તમારા લગનમાં એની હારે બોવ મસ્તી કરી’તી એવું બોલ્યા કરતી હતી. મંજુનું ધ્યાન ન ગયું પણ ગરમ થયેલા ઘી પર બાઝેલા કીટુંને સાંઠીકડાથી આઘું કરી ફૂંક મારતી બા સેજલની ડબડબ થતી આખ્યું દેખી ગયા. બાએ રસોડાની ગાર્યની પોપડી ખોતરતી સેજલને કીધું, “સેજલી, તને સરખાઈ તો છે ને? રસોડામાં ચૂલાના તાપથી કાળી પડી ગયેલી ભીંતના ઉખડી ગયેલા પોપડાને સેજલ ઘડીક એકીટશે જોઈ રહી અને પછી હેઠું જોઈ ગઈ. બાએ બળતું લાકડું આઘાપાછું કરીને ચૂલાનું અજવાળું થોડું ઓછું કર્યું. રસોડામાં ગલોપની ફરતે કાળી મેશ બાઝી ગઈ હતી એટલે બળી ગયેલો પ્રકાશ રસોડામાં ખૂણે ને ખાંચરે બધ્ધે ઢોળાઈ ગયો હતો. ગલોપની ફરતે જીવડાં ગોળ ગોળ ફરતા હતા અને એક ગરોળી ગલોપની પાછળ લપાઈને બેઠી બેઠી આંખો પટપટાવતી હતી. મંજુને ઘડીક તો એવું લાગ્યું જાણે એને એકલીને જ આ બધું દેખાય છે. અચાનક એણે હીબકાં જેવું કાંઈક સાંભળ્યું. મંજુએ જોયું તો સેજલ હીબકે ચડી હતી. બા સેજલની સામું એકધારુ જોઈ રહ્યા. સેજલે આસું લૂછીને પોતાની ઘાઘરી ઊંચી કરીને બાને સાથળ સુધીના પગ બતાવ્યા. મંજુએ જોયું કે સેજલની પિંડીઓમાં અને સાથળમાં ખૂબ સોજા ચડેલા હતા. બાએ ત્યાં હળવેથી હાથ મૂક્યો. મંજુ આ બધું સમજવા મથતી રહી. “ના નથી પાડી હકતી? મંજુને બાનો અવાજ બોદો લાગ્યો. “જનાવર જેવો છે કાકી એ તો.... હું તો એને કાંઈ કે’તા કાંઈ.... સેજલ એટલું માંડ બોલી શકી અને એનો અવાજ ચૂલાના લાકડામાંથી ફટ્ટ અવાજ આવે એમ ફાટી ગયો. તરત બાએ ચૂલામાં એક લાકડું વધારે નાખી તાપ વધાર્યો. બાજુમાં વાસણોમાંથી નાની વાટકી કાઢી એમાં ઘી ભર્યું અને હીંગના થોડા દાણા નાખી વાટકી ગરમ કરી. તાપમાં બાનું લાલચોળ મોઢું મંજુ જોતી રહી. મંજુને લાગ્યું કે ગરોળીએ ઝપટ મારીને જીવડું મોઢામાં લઈ લીધું, જીવડું ફફડાટ કરતું રહે છે અને ગલોપનું બળેલું અજવાળું સહેજ સહેજ હાલકડોલક થયા કરે છે. સેજલે સાડીના છેડાથી નાક લૂછ્યું અને બા સામે જોતા બોલી, “કાકી, તમી માર કાકાને ક્યને માર સાસરિયે.... સેજલની વાત અડધેથી કાપતાં બા બોલી, “આ ઘીમાં હીંગ ફૂટે પછી ઉતારી લેવાનું ને હળવા હાથે માલીશ કરીશ તો સોજો ઊતરી જાશે. પછી બાએ તરત ફુંક મારીને ચૂલાનું છેલ્લે વધેલું ઘટેલું અજવાળુંય ઓલવી નાખ્યું. મંજુ જેટલું પણ સમજી હતી એટલી વાતે પણ એનો જીવ ચૂંથાતો હોવાનું એને લાગ્યું, એને થયું કે વાવમાં પડ્યા પછીય આવો જ જીવ ચૂંથાતો હશે? તરત એ રસોડાની બહાર નીકળી ગઈ અને બાવલીના ઘર બાજુ ચાલતી થઈ. શેરીમાં નાકે પુરીમા બેઠા બેઠા માળા ફેરવતાં હતાં એણે નેઝવું કર્યું અને સાદ પાડ્યો, “કોણ મંજુડી કે? લેને બટા, નળ આયવા છે..... મા પાણિયારું ભરી દેને માર પેટ.... આજ કેડ્ય બવ દુખેસ, નકર તો વાંકાં વાંકાય હું ભરી જ લવ.” પુરીમા વર્ષોથી એકલા રહે. મંજુએ મોઢું બગાડ્યું, “હા માડી હા.... પણ આખ્ખું નહીં ભરું હોં? મારી સિરિયલ ચાલું થઈ જાહે બાવલીના ઘરે. મંજુએ ફટાફટ પાણિયારું ધોઈને ગોળો ભરી દીધો. પુરીમા બહાર ઓટલેથી આવીને ઓશરીની કોરે બેઠા પછી તૂટી ગયેલા ચપ્પલની પટ્ટીને લીરાથી બાંધવા લાગ્યા. મંજુએ ઓશરીની લાઈટ ચાલુ કરી અને એની પાંહે બેઠી પછી ધીરેથી બોલી, “હેં પુરીમા, આ ગામની વાવમાં તો હું હશે? ડોશીએ હળવા દાંત કાઢ્યા અને પછી બોખા મોઢામાંથી પડતી લાળને બજરિયા સાડલાના છેડાથી લૂંછી. “વાવમાં તો હું હોય... એટલું બોલીને પુરીમાએ અંધારા સામે મોઢું ઊંચું કર્યું. મંજુએ જોયું કે પુરીમા નાકને આગળ પાછળ ડાબે જમણે મરોડી રહ્યા છે, ઘડીક તો એવું લાગ્યું કે પુરીમા વાવની લીલવાળી ભીંતો સૂંઘી રહ્યા છે. “....વાવમાં તો હું હોય.. ગંધાતુ પાણી... લીલ.... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા.... એટલું બોલ્યાં ત્યાં પુરીમાનો શ્વાસ ચડી ગયો. ઓશરીમાં લાગેલા બલ્બના અજવાશમાં મંજુએ ધ્યાનથી પુરીમાનું મોઢું જોયું. એને લાગ્યું કે પુરીમાની આખ્યું જ વાવ જેટલી ઊંડી ઊતરી ગઈ છે, ઈ આખ્યુંમાં ગંધાતા પાણી તગતગતા દેખાણા, આખ્યુંના બેય છેડે લીલ જેવા શીપડા બાઝ્યા હતા અને ફિક્કાશ ભરેલી કીકીઓના ડાળખામાંથી અંધારું ઉલેચાયને આખ્યુંની બહાર નીતરી રહ્યું છે. એ સીધી ભાગી. પુરીમાની ખડકીની બહાર અંધારામાં સૂતેલી કૂતરીની પુંછડી પર ભૂલથી પગ દઈને એ બાવલીના ઘર તરફ ભાગી. કૂતરીના કાવ્વ... કાવ્વ.... કાવ્વમાં મંજુને પુરીમાના વાક્યો સંભળાતા રહ્યા. “.... વાવમાં તો હું હોય... ગંધાતું પાણી... લીલ... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા... બાવલીના ઘેર બેસીને સિરિયલ જોવામાંય જીવ ન ચોંટ્યો અને એ રાત્રે લૂસલૂસ ખાઈને બા સાથે ખાટલે આડી પડી. રાત્રે એ બા સાથે જ સૂવે અને બા પણ મંજુ એની સાથે જ સૂવે એવો વધારે પડતો આગ્રહ રાખતી એવું મંજુને લાગ્યા કરતું. આકાશમાં કાળા વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો એટલે ક્યાંય તારોડિયાનો અજવાસ કળાતો નહોતો. રાત્રે નવેક વાગ્યાના સુમારે લાઈટ જતી રહી હતી. બાએ ઓશરીમાં બત્તી ચાલુ કરી પાણિયારે ટિંગાડી. સવારે બત્તી ચાર્જ કરવાનું બા ભૂલી ગઈ હશે એટલે બત્તીમાંથી ખૂબ ઓછું અજવાળું નીકળતું હતું. એ બત્તીના આછા અજવાળાનો ગોળ ચંદો પાણિયારે ઉખડી ગયેલી ચૂનાની પોપડીઓ પર પડતો હતો. મંજુ એકીટશે પાણિયારે બત્તીના આછા અજવાસના ચંદાને જોતી હતી. એને થયું કે આ અજવાસના ચંદામાં ઓગળતું અંધારું ય છે તો વાવ જેવું જ. બા વાસણ ધોઈને મંજુની બાજુમાં સુતી. ધીમો ધીમો વરસાદ શરૂ થયો. વચ્ચે વચ્ચે વીજળીનો ચમકારો થતો, મંજુ બાપુના મોબાઈલમાં ફોટા પાડતી વખતે ક્લીક કરે અને ઝબૂક લાઈટ થઈ ઓલવાઈ જાય એમ. પવન ફૂંકાતો હતો અને બત્તી પાણિયારે જ્યાં ટિંગાડી હતી ત્યાંથી હલ્યા કરતી હતી. બત્તી હલતી હતી એટલે આછું અજવાસ ભર્યું માંદલ ચાંદરણુંય હલ્યા કરતું હતું. મંજુને લાગ્યું કે જાણે વાવમાં બધું હિલોળે ચડ્યું છે. થોડીવાર મંજુએ આંખો બંધ રાખી અને બત્તીની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો. મંજુએ આંખ્યું ખોલી. અંધારામાં સરખું કશું દેખાતું નહોતું. અંધારામાં એક ઓળો બા પાસે આવ્યો. મંજુએ આંખ્યુંને થોડી ખોલી અને ઓળાને ઓળખવા મથતી રહી. ઓળામાંથી અવાજ આવ્યો “અય.... કવ છું ઊભી થા હાલ્ય. “હાશ.... સૂવા દ્યોને... આજ બવ થાકી ગઈ સવ. “ઊભી થાને... કીધુંને તને એકવાર... મંજુને થયું કે વીજળીની ઝબૂક લાઈટ નો થાય તો પાડ માતાજીનો. “ધીરેલી બોલો.. મંજુડી જાગી જાહે કવ સુ. “હાલ્યને સાનીમાની. “શરમ કરો હવે ઉંમરની કાંઈક મરજાદ.. છોકરાવય તે હવે તો મોટા... અંધારામાં એક ઝાપટ બાના ગાલ પર પડી. “ઓયમાં મારી આંખ્ય... હાશ... “મોડું નો કરતી. મંજુએ જોયું તો એ ઓળો અંદર ઓરડામાં જતો રહ્યો. થોડીવાર સુધી બા ખાટલામાં બેઠી રહી પછી મંજુ સામે ધારી ધારીને જોઈ રહી. મંજુએ જોશથી આંખો મીંચી રાખી. બાએ અંધારામાં આંસુ લૂછ્યા. સાડીનો છેડો ખૂલો કરી વાળ છોડીને અંધારામાં અંદર ઓરડામાં ઓળા પાછળ ઓગળી ગઈ. મંજુની બંને હથેળીઓમાં પરસેવો વધવા લાગ્યો. એને લાગ્યું કે શ્વાસ લેવામાં એને તકલીફ પડી રહી છે. વરસાદ વધ્યો, વીજળીના અવાજો વધ્યા. ગોદડાને કસકસાવી મંજુ નેવેથી નીતરતા પાણીને વીજળીના અજવાસમાં જોતી રહી. થોડીવારે અંધારામાંથી એ ઓળો બહાર આવ્યો ડેલી બાજુના ઢોલિયે જતો રહ્યો. મંજુ બધું ઉકેલવા મથતી રહી. બત્તીની સ્વીચ ચાલુ થવાનો અવાજ આવ્યો એટલે મંજુ સમજી ગઈ કે બા આવી ગઈ. બા સીધી મંજુના ખાટલે બેસી ગઈ. એ આખી હાંફતી હતી, પરસેવે રેબઝેબ. બાએ સાડલાથી પરસેવો લૂછ્યો. બાના હીબકા મંજુની છાતીમાં ઉગ્યા. ઘડીક તો મંજુને લાગ્યું કે બા પેલી ભમ્મર અંધારી વાવમાંથી નીતરીને બાર્ય આવી છે. રાતે મંજુને સપનુંય એવું આવ્યું કે વાવમાંથી કોઈ લાંબા ઢાળે ગીત ગાઈ રહ્યું છે અને ઝાંઝરનો અવાજ તાળીઓના ટપાકા સાથે આખા ગામમાં સંભળાય છે. એ ઝબકીને જાગી ગઈ અને જુવે તો સવાર પડી ગઈ હતી. સવારમાં જાગીને વડસાવિત્રીના વ્રતની પૂજાથાળી તૈયાર કરવા લાગી. સવાર પડી ગઈ તોય વાતાવરણ સાંજ જેવું હતું. વાદળાઓએ આકાશ ઢાંકી રાખ્યું હતું. ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો. રાણી કલરના ચણિયાચોળી પહેરીને પૂજાની થાળી અને તાંબાનો લોટો લઈ એ બાવલી, આશલી, ગવરી અને હરસુડી સાથે વડલો પૂજવા ગઈ. આખી પૂજામાં મંજુ નદીના સામા કાંઠાની વાવને ધારી ધારીને જોયા કરતી હતી. પ્રવીણ મહારાજ છોકરીઓને વડપૂજા કરાવતા કરાવતા કહેતા હતા હવે અબીલ-ગુલાલ-કંકુથી વડદેવતાને વધાવો... બે હાથ જોડીને કૂળદેવીનું નામ બોલો... પછી વડદેવતાને પ્રાર્થના કરો કે હે વડદેવતા, અમે તનમનધનથી વ્રત કર્યા છે... જેમ તમે સાવિત્રીને ફળ્યા એમ અમનેય..... બાવલીને વહેમ પડ્યો કે મંજુનું ધ્યાન નથી. એણે જોયું તો મંજુ વાવ સામે જોયા કરતી હતી. બાવલીએ હડદોલો માર્યો, “એય મંજુડી, આંય પૂજામાં ધ્યાન દેને બાપા... ન્યાં હું દાટી સે કે ટગર ટગર જોયા કરે સ. મંજુ જવાબ દીધા વિના થાળીમાં કમળકાકડી રમાડતી રહી. પૂજા પૂરી થઈ એટલે પ્રવીણ મહારાજ બોલ્યા, “સોડિયું, બેટા હટ ઘરે પોગજો.... મે અંધાર્યો છે. બધ્યું કલબલ કલબલ કરતી ઘર ભણી હાલતી થઈ. મંજુએ બાવલીને થાળી પકડાવી અને બોલી, “બાવલી, તું ઘરે પોગ્ય, હું આવું હમણે મંજુને વાવ બાજુ જતા જોઈને આશલી બોલી, “એલી અય મંજુ, આંય વાવ બાજુ નો બેસતી... થોડી આઘે જઈને બેસજે અને થૂંકીને બેસજે મંજુએ તો જાણે કશું સાંભળ્યું જ નથી, એ વાવ બાજુ ચાલતી રહી. બાવલીનો જીવ મૂંઝાણો, “મંજુડી... બવ આઘી જા મા. ન્યાં હનુમાનદાદાનું નામ લઈન બેહી જા. થોડીવારે બાવલીને સમજાઈ ગયું કે મંજુ હળવીભારે થવા તો નથી જ જાતી. એની છાતીના ધબકારા વધી ગયા. મંજુ બાવળિયાના ડાળખા અને કાંટાને ઠેકતી આગળ વાવ બાજુ ચાલવા લાગી. “મંજુડી પાછી વળ્ય.... તાર બાપુને કઈ દશ હો.... આમ જો મેહ ખરેખરનો અંધાર્યો છે. બાવલી પોતાની ચણિયાચોળી કાંટામાં ન ભરાઈ જાય એવું ધ્યાન રાખતી પોતાની અને મંજુની થાળી સંભાળતી ડરતી ડરતી મંજુ પાછળ આવી. ધીમે ધીમે છાંટા પડવાના ચાલુ થઈ ગયા. વાતાવરણમાં વરસાદનો ગડગડાટ વધ્યો. બાવલીએ મંજુ પાછળ દોડવાની ઝડપ વધારી “મંજુ... મારી મા.... પાછી વળ્ય... મને બોવ બીક લાગે છે. એણે જોયું કે મંજુ વાવ પાસે પહોંચી ગઈ. મંજુ વાવ પાસે પહોંચી ગઈ હતી. એણે જોયું તો છાતી સમાણી ભીંતમાં જ્યાં જ્યાં ટેકો લઈ બાયું વાવમાં પડી હશે ઈ બધા ટોસાઈ ગયેલા ભાગમાં પીપળા ઊગ્યા હતા. મંજુએ એ ટોસાયેલા ભાગ પર અંગુઠો ગોઠવ્યો અને ભીંત પર ચડી. બાવલીનો જીવ ઊંચો થઈ ગયો. મંજુએ ભીંતનો આધાર લીધો અને વાવ તરફ નમી. બાવલીએ રાડારોળ્ય મચાવી, “એય મંજુડી.... ઊભી રે મારી મા... એય તું માલીપા પડી જાશ... તાર બાપુને કહી દઈશ... ધોડો... ધોડો... મંજુ વાવમાં જાય છે... મંજુનું અડધા ભાગ ઉપરનું શરીર વાવમાં નમેલું હતું. એ ધારી ધારીને વાવના અંધારાને જોવા લાગી. ઘડીક તો કાંઈ સરખું દેખાયું જ નહી. અચાનક મંજુને લાગ્યું કે કોઈ બાઈ વાવ બાજુ ધોડતી આવે છે... એ બાઈના ઝાંઝરનો અવાજ અને હીબકા મંજુના કાનમાં ઉભરાઈ ગયા. મંજુએ પાછળ ફરીને જોયું. મંજુને રાડો પાડતી બાવલી ન દેખાણી પણ સાચ્ચે જ ખૂબ ઝડપથી દોડી આવતી બાઈ દેખાણી. મંજુ ફાટી આંખે એ બાઈને ઓળખવા મથતી રહી. એ બાઈ કાંટામાં દોડતી હતી, એ હીબકાં ભરતી હતી, એનું મોઢું રાણી કલરના લેરિયાના ઘુમટામાં ઢંકાયેલું હતું. બંને હાથમાં કાચની લીલા રંગની બંગડીઓ હતી, એ બાઈના પગના જાડ્ડા ઝાંઝરનો અને એકબીજા સાથે અથડાતી બંગડીઓનો અવાજ વાદળાઓની ગડગડાટીમાંય મંજુને સંભળાતો હતો. એના લાંબા વાળ ઘૂમટામાંથી બહાર ડોકાઈ રહ્યા હતા. એ હાંફતી હાંફતી વાવ બાજુ દોડી આવતી હતી. વરસાદ એકદમથી વધી ગયો અને મોટા મોટા છાંટા પડવા લાગ્યા. એ બાઈ પોતાની તરફ દોડી આવતી હતી એ જોઈ મંજુએ વરસાદે ઊભા કરેલા અંધારામાં બાવલીને શોધી. ચહેરા પર વરસાદથી ભીંજાઈને ચોંટી ગયેલી લટને ખસેડી એણે બૂમ પણ પાડી, “બાવલી, આમ જો કોઈ બાઈ ધોડી આવે છે.... આ બાજુ.. વાવ પાંહે જો... બાવલી બેબાકળી બનીને મંજુ જે દિશામાં હાથ ચીંધતી હતી એ દિશામાં જોવા લાગી પણ ત્યાં કશું દેખાતું નહોતું. વરસાદ એકદમથી ખૂબ વધી ગયો.. પવન ફૂંકાવા લાગ્યો. બાવલીના ચણિયાચોળી બોરડીના ઝાળામાં ફસાઈ ગયા. એ ધૂંવાપૂંવા થઈ ગઈ. “મંજુડી, હવે બોવ થ્યું હો.. વાવમાં જોઈ લીધું હોય તો આંય પાછી ગુડા... કભારજા, તું મારો જીવ લઈ લેવાની આજ તો.... હેઠી ઊતર કવ સવ.... બાવલીએ ફરી મંજુ જે દિશામાં આંગળી ચીંધતી હતી એ દિશામાં જોયું પણ કશું દેખાતું નહોતું, પણ તોય મંજુ ફરી ફરીને બાવલીને કહેતી હતી, “જો જો બાવલી... કોઈ બાઈ દોડતી આ બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાઈ નહીં. પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હીબકાંનો અવાજ એકદમથી વધી ગયો. એ બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો, વીજળીના ઝબકારામાં મંજુને એ બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને એ બાઈનો ઘૂમટો ઊડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે આ બાઈને તો હું ઓળખું જ છું... આ બાઈને ક્યાંક મેં તો જોઈ જ છે... એ હજુ વિચારીને કશું યાદ કરે એ પહેલા એ બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નીકળી ગઈ. મંજુનો ચહેરો ફિક્કો પડી ગયો. ગળું રંધાઈ ગયું. એને કશું જ સંભળાતું નહોતું. બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ... વીજળીના કડાકા.... વાદળાઓનો ગડગડાટ... બાવલીની ચીસો... બધું શાંત... એને માત્ર પોતાના ધબકાર સંભળાતા હતા.. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ... મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું... ....વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું, તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી,

“સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનરાધાર રે

એ આખી પલળી તોય કોરી ઓઢણાની કોર રે...!

એણે આંખ્યું ખોલી તો કેટલી બધી બાયું તળિયે બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉભડક બેસીને પગના નખ રંગતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખોસતી હતી, કોઈ કોડિયે ને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેશ આંજતી હતી, કોઈ નિરાંતે કપાળે ચાંદલો લગાવીને ધારી ધારીને ચાંદલો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી. અજવાસમાં બાંધણી, લેરિયા, કાપડા, ઓઢણા, દુપટ્ટાનો રંગ બાયુંના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યું. તળિયે અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુંને જોઈ... એના અચંબાનો કોઈ પાર ન રહ્યો... એને બા દેખાણી, સેજલ દેખાણી, પુરીમા દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી, ગવરી, હરસુડી, આશલી બદ્યું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી... આંબલિયા ખાતી હતી... ભરત ભરતી હતી... ઠીકરીથી રમતી હતી.. પેલી જે હમણાં જ વાવમાં પડી હતી એ બાઈ આ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાઈ. બધી બાયું એને ઘેરીને બેસેલી હતી. મંજુ એ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલીએ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયું જોરજોરથી હસવા લાગી. એકબીજાને તાળિયો આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. એ બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. એ બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.. એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. એ માંડ એટલું બોલી શકી, આ તો હું જ સવ..... એના ધબકારા એકદમથી વધી ગયા. વીજળીનો પ્રચંડ કડાકો થયો. વાવમાંથી હસવાના અવાજો બહાર નીકળી ગયા એવું મંજુને લાગ્યું. એણે બાવલીને શોધવા આજુબાજુ નજર કરી પણ વરસાદમાં એને કાંઈ દેખાયું નહીં. એણે ઉપર નજર કરી તો કાળા ડિબાંગ વાદળાઓ નીચે ઝૂકી રહ્યા હોય એવું એને લાગ્યું, એણે ફરી વાવમાંથી આવતા અજવાસમાં તરફ જોયું. મંજુને થયું કે હેઠ્યે તો નર્યું અજવાળું જ છે... અંધારું તો મારી ઉપર તોળાઈ રહ્યું છે!

‘મહોતું’ વાર્તાસંગ્રહમાંથી



 

“માતા અને પુત્રની અમિટ રાહ”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે


 

“ગ્રામકન્યા” ચિત્રઃ એન. એસ. બેન્દ્રે”


 

“વાટમાં વાતોના વંટોળે”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે”


॥ વિવેચન॥


 
કવિ કાન્ત
જન્મઃ ૨૦ નવેમ્બર ૧૮૬૭
મૃત્યુઃ ૧૬ જૂન, ૧૯૨૩


 
ભૃગુરાય અંજારિયા
જન્મઃ ૬ ઓક્ટોબર, ૧૯૧૩
મૃત્યુઃ ૭ જુલાઈ, ૧૯૮૦
કાન્ત અને તેમની કવિપ્રતિભા.....
ભૃગુરાય અંજારિયા

ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રમાં આમ તો મણિશંકરે અનેક પ્રવૃત્તિ કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં જ, ગુજરાતના એક મહાન સ્વપ્નદૃષ્ટા ત્રિભુવનદાસ ગજ્જરના સમર્થ સાથી તરીકે, અને વડોદરાના કલાભવનની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે, શિક્ષણના ક્ષેત્રમાં તેમણે ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કામ દીપાવ્યું; તેને પરિણામે, એક તો ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવો ઉત્તમ ગ્રંથ રચાયો, અને બીજું, તેમણે પોતાની નીચે તાલીમ લઈ રહેલા શિક્ષકો ઉપર આજીવન અસર રહે તેવો ઘેરો પ્રભાવ પાડ્યો. સ્વ. કરુણાશંકર માસ્તર જેવા આદર્શ શિક્ષકો ગુજરાતને એ રીતે મળ્યા. ઉપરાંત, મણિશંકરે સંવાદો લખ્યા, નાટકો લખ્યાં, ગ્યોઈટે અને સ્વીડનબૉર્ગના અનુવાદો કર્યા, નાનકડી નવલકથાઓ લખી, અને જોકે કલાપીના પત્રોની જેમ તેમના પત્રોની સામગ્રી એકત્રિત રૂપે પૂરેપૂરી છપાઈ નથી, તોપણ એ સામગ્રીમાં પણ તેમણે પોતાના હૃદયનો વૈભવ ઠાલવ્યો છે એ તો જાણીતું છે. વળી, જે યુગમાં વકતૃત્વકળા સોળે કળાએ ખીલી હતી, અને જ્યારે એ કલાનું ધોરણ ઘણું ઊંચું હતું, ત્યારે પણ ગાંધીજીના ‘નવજીવન’ને અંજલિ આપવી પડે એવું મણિશંકરના વકતૃત્વનું વશીકરણ હતું. આ બધી સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ આવે પ્રસંગે સહજ રીતે યાદ આવે એ સ્વાભાવિક છે, પણ જન્મશતાબ્દીના ઉત્સવનું મુખ્ય નિમિત્ત એ તો કાન્તે અર્વાચીન ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં કરેલું વિશિષ્ટ પદાર્પણ છે. તો પછી, આજે શતાબ્દીદિને, આપણે એમની કવિતા ઉપર નજર ઠેરવીએ એ ઉચિત ગણાશે. કાન્તના કવિમિત્ર અને સહાધ્યાયી સ્વ. પ્રો. બલવંતરાય ઠાકોરે પોતાને માટે નોંધ્યું છે કે એમને કવિતાને લગતા કોઈ સંસ્કારો બચપણથી કે વાતાવરણથી મળ્યા નહોતા, આથી ઊલટું, પ્રશ્નોરા જ્ઞાતિમાં જન્મેલા કાન્તને વારસાથી અને વાતાવરણથી છંદોલીલા કરવી સહજ હતી. હાઇસ્કૂલમાં ભણતા ચૌદ વરસની ઉંમરના કિશોર કાન્ત પોતે કવિતા કરે છે ત્યારે ભાષા બરોબર નથી આવતી, કારણ કે કલ્પના પણ જોઈએ તેવી નથી આવતી-એમ મૂંઝાય છે, અને ‘ખળખળ કરતું જળશિશું રમતું’ જેવી પંક્તિઓ રચી શકે છે, એમ એમના એક સ્વજનનું તે સમયનું સ્મરણ મળે છે. એ પછી, પંદર-સોળમે વર્ષે, મૅટ્રિક થયા પહેલાં જ, કાન્ત ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ એ નામની, છંદોનું મિશ્રણ ધરાવતી વાર્તાની ચોપડી, મણિશંકર રત્નજી ચામુંડકરના નામથી છપાવવાનું સાહસ પણ કરે છે! કેવા છે એમાંના છંદો? એક નમૂનો આ રહ્યોઃ

અરે મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર,

જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?

‘દલપત પ્રાસે વ્હાય’ એ આક્ષેપને યાદ આપતી આ પંક્તિ બતાવે છે કે હજી સ્વાભાવિક રીતે જ કિશોર કાન્ત દલપતયુગના પ્રભાવે નીચે છે. પણ આ ચોપડી વીગતે જોતાં એટલી ખાતરી તો થાય છે કે કાન્તનો હાથ અનેક છંદો ઉપર બેસી ગયો છે, અને એ છંદોમાં પૃથ્વી છંદ પણ મળે છે. આ પછી આપણને કાન્તની આ ઉંમરની કવિતાની ગતિ આટલી સ્પષ્ટતાથી જોવા મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે કાન્ત ૧૮૮૪માં રાજકોટથી મૅટ્રિક પાસ કરી મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાય છે ત્યારે જ એમની કવિતાની અભિરુચિ સાચી દિશામાં કેળવાય એવા સંજોગો એમને પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારા છંદોમાં અનેક વિષયો પર જે કાંઈ લખાય તે બધું જ કાવ્ય; શબ્દના વિવિધ અર્થની રમત અને પ્રાસની ચાતુરી એટલે પણ કાવ્ય-આવી માન્યતાથી રચાતી દલપતયુગની કવિતાનો યુગ ઝડપથી અસ્ત પામતો હતો. પણ કોઈપણ કાવ્યયુગ ગમે તેટલો જીર્ણ અને મૃતપ્રાય હોય, નવાં પરિબળો વિના એ અસ્ત પામતો નથી. કાન્તને અને તેમના પહેલાંના નવોદિત કવિઓને આ નવાં પરિબળોનો લાભ યુનિવર્સિટીના અધ્યયનથી મળ્યો હતો. એલ્ફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના પૌત્ર જ કવિતા શીખવે; પાલગ્રેવની ‘Golden Treas-ury’નાં જ કાવ્યો નહીં પણ અનેક અંગ્રેજી કવિઓના કાવ્યસંગ્રહો વંચાય અને ચર્ચાય; અંગ્રેજી વિવેચકોની કાવ્યભાવનાના સિદ્ધાંતોની ચર્ચા થાય, તે સમયના કૉલેજના ખૂબ જ નાના વર્ગોમાં વિકટોરિઅન યુગના ગંભીર અને કર્તવ્યનિષ્ઠ અંગ્રેજી પ્રોફેસરો હોશિયાર વિદ્યાર્થીઓને અંગત માર્ગદર્શન આપે- આવું વાતાવરણ યુનિવર્સિટીનું શિક્ષણ લેતા તરુણ કવિઓની અભિરુચિને દલપત-નર્મદયુગથી આગળ લઈ જવામાં ખૂબ જ ઉપકારક નિવડ્યું. આ નવીન અભિરુચિનાં પહેલાં કિરણો આપણે નરસિંહરાવમાં જોઈએ છીએ. નરસિંહરાવ નાનપણમાં દલપતરામ પાસે, ભણેલા, પણ એમની ‘કુસુમમાળા’માં અંગ્રેજી કવિતાની અસર સ્પષ્ટ જોવા મળે છે. એટલું જ નહીં, એ સમયે તેમણે ‘એક ચિત્ર જોઈને સૂઝેલા વિચારો’ નામનો લેખ લખ્યો તેમાં ત્યાર સુધીની કવિતા ઉપર ટકોર કરી છે. કાન્તને ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા તો જન્મથી જ મળી હતી, પણ એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રોત્સાહક વાતાવરણમાં પોતાની અત્યાર સુધીની કવિતા તરફ કડક આત્મપરીક્ષણ શરૂ થાય છે. પોતે કવિ તરીકે નામ કાઢશે એવી તમન્ના જ નહીં, આત્મ વિશ્વાસ પણ સ્ફૂરે છે. અને જ્યારે ૧૮૮૬માં કૉલેજકાળ પૂરો થવા આવે છે ત્યારે, એમના કૉલેજમિત્ર, અને એમની અત્યાર સુધીની કવિતાના સાક્ષી બની ચૂકેલા રમણભાઈ નીલકંઠ ‘ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા’ સમક્ષ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ વિશે નવા ખ્યાલોથી ભરેલું ભાષણ કરે છે ત્યારે એમને કાન્ત

સાંપ્રત રસમય ઋતુની કદર અરે જાણતા નથી કોઈ,

તે મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.

એ ગતિથી વધાવી લે છે. પણ નવી કવિતાની ‘સાંપ્રત રસમય ઋતુ’ કહેતી આ સુંદર ગતિમાં દલપતયુગની શ્લેષચાતુરી તો છે જ. અંગ્રેજી કવિતા, અંગ્રેજી વિવેચન અને સંસ્કૃત સાહિત્યનો રસિક આસ્વાદ થવા લાગ્યા પછી લખાયેલું અને રમણભાઈને ‘બુદ્ધિપ્રકાશ’માં છાપવા મોકલેલું કાવ્ય ‘મારી કીસ્તી’ ચંદર-બંદર-અંદર જેવા પ્રાસ મેળવે છે; જૂની લઢણનું આ છેલ્લું કાવ્ય છે અને એ કારણે જ કાન્તે ‘પૂર્વાલાપ’માં એને સાચવ્યું લાગે છે. ૧૮૮૬નું ‘મારી કીસ્તી’ લખાયા પછી કાન્તની કાવ્યસાધના બેશક ખૂબ જ ઉચ્ચ ભૂમિકાએ પહોંચે છે, પણ હરિલાલ ઝીણા ભટ્ટ, રમણભાઈ વગેરે બહુ થોડા મિત્રોને બાદ કરતાં, કોઈને જ તેમની workshopમાં, કાવ્યરચનાના તેમના કાર્યાલયમાં, ડોકિયું કરવાની તક મળતી નથી, વરસો વીતે છે, ૧૮૮૭, ૧૮૮૮,૧૮૮૯. તે સમયના કાવ્યરસિકો ગુજરાતી કવિતાને કાન્તને હાથે નવા મરોડો મળી રહ્યા છે તેથી બિલકુલ અજાણ છે. એકાએક ૧૯૮૦ના વર્ષના પહેલે જ દિવસે ‘બુદ્ધિપ્રકાશ’નો અંક કાવ્યરસિકોના હાથમાં આવે છે. એ અંકમાં પહેલા જ પાને કાન્તનું ‘વસંતવિજય’ અને પાનાના નીચલા ભાગમાં ‘મકરંદ’ એટલે કે રમણભાઈની ટીકા છેઃ પૂરાં પંદર પાનાં બાવીસ વરસના કવિની કવિતા અને તેટલી જ ઉંમરના કવિમિત્રની ટીકાના સહચારમાં રોકાયાં છે. એને જેવી કવિની કવિતા છે, એવી જ એને જેબ આપે તેવી વિવેચકની ટીકા છે. સુજ્ઞ કાવ્યરસિકોએ તે જ ક્ષણે તરત નોંધ્યું કે ગુજરાતી કવિતા સાહિત્યની આ વિરલ, રોમાંચક અને ચમત્કૃતિપૂર્ણ સિદ્ધિ હતી, વચલાં વર્ષોના કાન્તના પ્રયોગો પોતે ન જાણતા હોવાથી નરસિંહરાવે ઘણાં વરસ પછી પણ આ પ્રમાણો નોંધ કરી છેઃ “હવે ૧૮૯૦ની સાલમાં મણિશંકરનું, ‘વસંતવિજય’ નામના અપૂર્વ સૌન્દર્ય અને કલાવિધાનયુક્ત કાવ્યની દ્વારા, દર્શન કરું છું. ખરે! નીલકંઠનું ભાવિદર્શન સાચું; મેઘના રસમય જલ વડે સ્વાતિ નક્ષત્રમાં ગુજરાતની સીપમાં અપૂર્વ મણિ - મૌક્તિકમણિ-પાક્યો હતો. મણિશંકરનું એ પ્રથમ જ કવિત્વફળ હતું, છતાં પરિપક્વ કવિત્વનાં લક્ષણ એમાં પ્રગટ હતાં. ઝીયુસના મસ્તિષ્કમાંથી એથીના પૂર્ણ વિકાસવાળી-સંપૂર્ણ, સુસજ્જ-નીકળીને પ્રગટ થઈ, એ કલ્પિત કથાનું પ્રત્યક્ષ પ્રતિબિંબ આ કાવ્યમાં જોઈ શકાય.” આમ નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચક, અને પોતાને જ અર્વાચીન કવિતાના પિતા મનાવનાર કવિને પણ લાગ્યું. એમનાં કાવ્યોમાં સ્નેહજીવનની કરુણતા ગાનાર કાન્ત, દામ્પત્ય સ્નેહ બધા સ્નેહોમાં સર્વોપરિ અને દિવ્ય છે, અને સ્વર્ગમાં જ એનું અનંત સુખ છે એમ કહેતા સ્વીડનબૉર્ગ તરફ વળ્યા. તે સમયે તો કાન્ત ક્રિશ્ચિયન થયા એટલું જ સમજાયું, અને કાન્ત ઉપર અનેક પ્રકાનો સીતમ વરસ્યો.... આ અસદ્ભાવને કારણે કાન્તની કવિતાના સ્વીડનબૉર્ગી અંશો આપણે સમજ્યા નથી.

● કાન્તની અદ્ભુત સંવિધાનશક્તિ

આજે આપણે કાન્તની પુણ્યતિથિને નિમિત્તે અહીં એકઠા થયા છીએ. કાન્તની પુણ્યતિથિ સોળમી જૂને પડે છે, પણ આપણે એક દિવસ મોડા મળ્યા તેમાં કદાચ હું કારણરૂપ છું. ગઈ કાલે મારે અન્યત્ર બોલવાનું હતું. ભાવનગર રાજ્યના શિક્ષણખાતાની, સર્જકને બહુ ફાવે નહીં એવી નોકરી ઉપરથી પેન્શન ઉપર ઉતરી, કાન્ત કાશ્મીરની મુસાફરીએ ગયા; અને તબિયત લથડતાં પાછા ફરતાં ટ્રેઈનમાં જ એમનો દેહ પડી ગયો. એ જ દડાહે - સોળમી જૂને - એમને કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ બહાર પડ્યો. આમ ફાઈલોમાં દટાયેલાં કાવ્યો એકત્રિત સ્વરૂપે વાંચવા મળતાં વિવેચકો એ તરફ આકર્ષાયા. એ પછીની સોળમી જૂને - પહેલી પુણ્યતિથિએ - મારો ખ્યાલ સાચો હોય તો, આજના પ્રમુખે ‘વસંતવિજય’ના કરુણરસ વિશે ચર્ચા કરી; કાન્તની પુણ્યતિથિ ઊજવવાની પ્રણાલી આમ બંધાઈ. એ પ્રણાલીનો આજે એકઠા મળીને આપણે આદર કરીએ છીએ. હું પણ શરૂઆતમાં ‘વસંતવિજય’ વિશે કહેવા માગું છું. એ કાવ્યને નરસિંહરાવે, આનંદશંકરે અને પ્રો. પાઠકે સર્વાંગસુંદર ગણ્યું છે, પણ પ્રો. ઠાકરે એ કાવ્ય વિશે એમના ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ‘બે ઝીણી અમથી ટીપ’ આપી છેઃ એક તો એ કે, એનું છંદોવૈવિધ્ય, પ્રો. પાઠક કહે છે તેમ, નવું નથી. એ તો કાન્તને, પ્રશ્નોરાઓના ‘પ્રવીણસાગર’ના વાચનથી મળ્યું. આ વિશે મેં ગઈ પરિષદમાં નિબંધમાં કહ્યું છે. કાન્તે એક પછી એક દસ કાવ્યોમાં છંદોનો સભાન પ્રયોગ કરીને એમના ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં જે ભાવ અને આકારનું દ્વૈત ટાળ્યું છે, તે ગુજરાતી કવિતામાં નવીન જ છે. હવે પ્રો. ઠાકોરની બીજી ટીપ - taken cut - લઈએ. પ્રો. ઠાકોરે એમની ૧૯૩૧ની ‘કવિતાસમૃદ્ધિ’માં શ્રી બેટાઈના ‘સુલોચનાનું લોચનદાન’ વિશે લખતાં કહેલું કે, એ કાવ્યમાં ‘વસંતવિજય’નો દોષ નથી. ‘વસંતવિજય’માં “વસ્તુનો વેગ અતિ મંદ” છે. “વસ્તુનો વેગ અતિ મંદ” એ શબ્દો બરાબર નથી; તેથી પ્રો. ઠાકોરે એમના ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં એ મતને સમારતાં કહ્યું કે ‘વસંતવિજય’માં કાર્યગતિની મંદતા છે, જોકે ખૂંચે તેટલી નહીં. આમ, પ્રો. ઠાકોરના જ આ સુધારેલા મતમાં આવતી-ઉચ્ચહણિતનો એક શબ્દ યોજું તો - નતિમાત્રા જોઈ શકાશે. હવે આપણે આ ખામીને તપાસીએ. ‘વસંતવિજય’માં કવિને કેવા ભાવો આલેખવા હતા? આ સમયના એક પત્રમાં, - જીવનમાં કોઈ ન્યાયની કે દયાળુ અધિષ્ઠાતા હોય એમ હું માનતો નથી; પ્રણયમાં જ સાચું સુખ છે, અને તે પ્રણયીને સુખી કરતાં દુઃખી વધારે કરે છે - આ મતલબનું કાન્ત લખે છે. એ વખતે કાન્તમાં ઉત્કટ નાસ્તિકતા હતી; પ્રો. પાઠક એમની પ્રસ્તાવનામાં કહે છે કે, એ સમયે કાન્ત નાસ્તિક નહીં પણ અજ્ઞેયવાદી જેવા હતા. પણ ‘મૃગતૃષ્ણા’માં ‘નથી ઈશ્વર દુઃખીનો’ એમ એ કહે છે; ‘ચક્રવાકમિથુન’માં પક્ષીયુગલને ‘તરફડે સમજી રચનારને’ એમ વર્ણવે છે. એ જોતાં કાન્ત અસ્તિપક્ષે પણ આવા કોઈ ઐશ્વર્યમાં માનતા હતા. ‘વસંતવિજય’માં કાવ્યના અંતભાગ તરફ જતાં, પ્રણયમાં સુખ, છતાં એ જ પ્રણયીને દુઃખી કરે છે એ વિરોધ સ્પષ્ટ થતો જાય છે. પાંડુની પ્રણયજીવનની ઇચ્છા અને ઋષિના ઉગ્ર શાપનું જ્ઞાન, એ બેનો વિરોધ અહીં વર્ણવાય છે. ઇચ્છા પાંડુની છે. એ એના જીવનના મર્માંકુરરૂપ છે; એમાં એને સુખ છે. પણ જે પાંડુનું જ્ઞાન છે તે જ એની ઇચ્છા પણ નથી, તે તો પારકાની - ‘ચક્રવાકમિથુન’માં છે તેવા કોઈ ઐશ્વર્યની - ઇચ્છા છે. આમ પરસ્પરવિરોધી તત્ત્વોનું દ્વૈત આ આપણને પહેલી જ વાર મળતી નાસ્તિક કવિતામાં આલેખાય છે. વૃત્તિઓની આવી અથડામણ તો માત્ર માનસભૂમિકાથી આલેખી શકાય. કાવ્ય આમ માનસપ્રદેશ પર નિરૂપાતું નાટક છે, તેથી તેનું કાર્ય જોનારે એની ગતિ બાહ્ય પ્રસંગો આલેખનાર કૃતિમાં હોય એમ ન હોય એ યાદ રાખવું જોઈએ. બીજું: કાન્તે ઉપર કહેલા ભાવને નિરૂપવા જે વસ્તુ પસંદ કર્યું તેની મુશ્કેલી પણ જોઈએ. ઊંચી કલાકૃતિમાં કલાકારને અશક્યને શક્ય કરી બતાવીને કવિઓ કાર્ય સાધે છે. ‘વસંતવિજય’ને અંતે આવતી પરાકાષ્ઠાને નિરૂપવાનું કાર્ય સહેલું નહોતું. કવિ લાગણી, વિચાર, ઝીણાંઝીણાં કારણો, આકસ્મિક ઘટનાઓ, ઇચ્છા અને જ્ઞાનના યુદ્ધમાં આવતા પલટાઓની એવી તો લાંબી અને ઊંચી સોપાનમાલા ગૂંથે છે કે જે ચડતાંચડતાં જ આપણું willing suspension of disbelief પૂરેપૂરું થાય છે, અને પાંડુ ‘પ્રિયે, પ્રિયે, પ્રિયે તારા હાથમાં સર્વ, હાય રે!’ એમ આર્તનાદ કરી ઊઠે છે ત્યારે વાચકને એ પરાકાષ્ઠા લૂલી અને લોલુપતાભરી નથી લાગતી. આમ, આ કાવ્યમાં, પરાકાષ્ઠાને દૂર હડસેલવી એ કલાપ્રશ્ન હતો; એ રીતે જોતાં અહીં મંદતા જ અપેક્ષિત છે. કાન્ત બને ત્યાં સુધી, કોઈ વિગત અભિનયને રૂપે મૂકી શકાય ત્યાં લગી કથન તરીકે મૂકતા નથી; અને પહેલેથી છેલ્લે સુધી એકએક શ્લોકમાં હેતુકતા = ગુજરાતી કાવ્યસાહિત્યમાં તો બીજે જડતી નથી એવી હેતુકતા - motivation - સાધે છે. એ બે લક્ષણોને લઈને પણ જરૂરી એવી મંદતા પ્રાપ્ત થાય છે. ત્રીજું: વરસો પહેલાં નવલકથાના સ્વરૂપનો અભ્યાસ કરતાં Edwin Muitનું ‘The Structure of the Novel’ વાંચતો હતો. તેમાં જીવનની જટિલતા જેમાં આવે, જેમાં પાત્રો, પ્રસંગો, વાર્તાનો અંશ વગેરે હોય એવી કૃતિઓમાં સ્થાન અને કાળનાં ચિત્રણોથી કેવી છાપ પડે, એ જાણવાનું મળ્યું. કાળનું લક્ષણ ગતિ છે, અને ગતિ પ્રસંગોથી નિરૂપાય છે. સ્થળનું લક્ષણ સ્થિરતા, વિસ્તાર છે. કેવળ સ્થળના વિસ્તારમાં, સમયનું વહન પણ બહુ વરતાતું ન હોય એવા વિસ્તારમાં, પાત્રને મૂક્યું હોય તો એના નિરૂપણમાં પણ માનસદશાઓ જ હશે. ‘વસંતવિજય’ને (આ અવકાશ વિસ્તારની દૃષ્ટિએ) જોઈએઃ

વૃક્ષો અદૃશ્ય સઘળાં નઝરે પડે છેઃ

ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છેઃ

એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,

ઊંચા પ્રચંડ શિખરો નભને અડે છે.

* * *

વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે,

નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;

બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,

જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.

* * *

ઉત્તુંગ નમ્ર સહકાર દિસે ઘણાય,

લાખો વળી અગરુ, ચંદન ત્યાં જણાય;

વૃક્ષો, લતા સકલ કૈંક અપૂર્વ રંગઃ

જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?

* * *

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,

ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;

બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,

ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.

જોઈ શકાશે, કે ‘વસંતવિજય’ નિરવધિ અવકાશનું કાવ્ય છે. અને જાણીજોઈને અહીં કેટલી મંદતા (toning down) આરોપાય છે! પાંડુના મનઃપ્રદેશની બહુ ધ્યાન ન ખેંચે પણ સ્વાભાવિક લાગે એવાં બાહ્ય કારણોથી ફરતી જતી તડકીછાંયડી આમ વર્ણવાય છે. પાંડુ સમક્ષ અવકાશ, અને ચોક્કસ ક્ષણે ચોક્કસ કાર્ય કરાવે એવો કાળ નથી. આથી વૃત્તિઓ બરાબર નિરૂપી શકાય છે. ‘ચક્રવાકમિથુન’માં કાળ પોતે જ કૃતિનું અંગ બનીને અટવાઈ જાય છે તેથી તેવી નાટ્યતા આવે છે? સૂર્યાસ્તની પળ અને તિમિરજન્ય વિયોગ ત્યાં સંકળાયેલાં છેઃ

હાવાં રક્તદ્યુતિ ઊડી જતાં થાય વૃક્ષો સરોષ;

હાવાં થંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ.

એ લીટીઓ કે

ઉદધિને રવિબિંબ હવે અડે,

અતિ સમુચ્છિત તેય હવે ચડે.

એ લીટીઓમાં હાવાં - હવે કાળ સૂચવે છે. અને કાળની સાથે સંકળાયેલી એ પરાકાષ્ઠા સામે આંગળી ચીંધીચીંધીને કવિ દિલમાં કેવો તરફડાટ કરાવે છે! એ પ્રકારની નાટ્યતા અહીં નથી. ‘વસંતવિજય’માંથી કાલતત્ત્વને કવિએ જાણે શોષી લીધું છે. સવારે સ્નાન, બપોરે ભોજન, નિદ્રા વ. કાલક્વેરની સ્થૂળ હાડકીઓ છે ખરી, પણ એ વૃત્તિઓના પલટાનું કારણ આપવા પૂરતી જ. પણ ‘વસંતવિજય’ની પરાકાષ્ઠાને અને કાળને કાંઈ સંબંધ નથી. આ રીતે જોતાં, ‘વસંતવિજય’ વિશે પ્રો. ઠાકોરે મૂકેલી આ ‘ઝીણીઝીણી અમથી ટીપ’માં દર્શાવાયેલી ખામીને હું જુદી રીતે જોઉં છું. આ કાવ્યમાં જે મંદતા છે તે આવશ્યક છે, અને એ કાવ્યના ભૂષણરૂપ છે. હવે પુણ્યતિથિ અને ‘વસંતવિજય’ વિશે પ્રવચન - એ બેના સુયોગથી મર્યાદામાંથી બહાર આવી હું ‘ચક્રવાકમિથુન’ તરફ વળીશ. ‘ચક્રવાકમિથુન’ વિશે થોડું તો મેં હમણાં જ કહ્યું. ‘વસંતવિજય’માં કવિ આછા time-sequence - કાલાનુક્રમ - નો આશરો લઈને વર્ણન કરે છે. ‘ચક્રવાકમિથુન’માં એ, સાંજ પડવા આવી છે ત્યાંથી જ, પરાકાષ્ઠાની નિકટ જ લાવી મૂકીને શરૂ કરે છે. અને અહીં, જાણે કે આપણને ઓરડામાં બેસાડીને પહેલાં ચક્રવાકયુગલના પ્રણયસુખનાં ચિત્રોની એક રંગીન બારી, અને પછી, સામેની, રાત્રિના, વિરહના ઘોર અનુભવોની બારી ખુલ્લી મૂકે છે. આવું કલાવિધાન તે પહેલાંની ગુજરાતી કવિતામાં શોધ્યું જડશે નહીં. સૈકાઓથી અનેક પ્રયોગોથી સમૃદ્ધ બનેલી અંગ્રેજી કાવ્યપ્રણાલીના અભ્યાસનું આ ફળ છે. ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ કાન્તે ક્યાંથી લીધું? કાન્તનાં ખંડકાવ્યોમાં કાન્ત, હજારો વરસોથી લોકોના લોહીમાં ભળી ગયેલું હોય એવા પરિચિત વસ્તુની પસંદગી કરતા. આથી એનું મંડન સહેલું થઈ પડે છે. નવાં પાત્રોને નિરૂપતાં આવી કરકસર શક્ય ન બને. ‘વસંતવિજય’ વાંચતાં કાન્તના મહાભારતના વાચનની છાપ પડે છે; છતાં મને લાગે છે કે, કાન્તે એ વસ્તુની પંસદગી કરવાનું ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ વાંચતા સૂઝ્યું. અલકકિશોરીની પાસે બેઠેલો સરસ્વતીચંદ્ર નિદ્રાની અસરમાં જ મોહવશ બને છે અને પછી ઊગરતાં પશ્ચાત્તાપ કરે છે. પશ્ચાતાપ કરતાંકરતાં, પાંડુ જ્ઞાન છતાં મૃત્યુને શરણ થયો હતો, એ યાદ કરે છે. ગોવર્ધનગિરિની છાયા જેમના પર ન પડી હોય એવા લેખકો તે સમયે ઓછા જ હશે, અને પ્રાર્થનાસમાજી (સુધારાનો) કાર્યક્રમ સ્વીકારતા કાન્ત પણ, સામા પક્ષમાં હોવા છતાં, મુક્ત નહોતા. અહીં એક બીજી વાત કહી લઉં. એ સમયે બધા જ શિક્ષિતો સુધારાના કાર્યક્રમને ગંભીરતાથી વિચારતા. અંગ્રેજોના સ્નેહના આદર્શની અસરને લઈને. આ સુધારાનું પ્રેરકબળ, પાયો સુખદ સ્નેહજીવન જ હોઈ શકે, એવી પણ એમની માન્યતા હતી. ‘સરસ્વતીચંદ્ર’ પહેલો ભાગ, એ સમયના સ્નેહજીવનમાં શક્ય નહીં એવા સરસ્વતીચંદ્ર-કુમુદના મિલન, પત્રલેખન વ. વર્ણનોથી પણ ખૂબ લોકપ્રિય થયો હશે. ગોવર્ધનરામની તે પહેલાં લખાયેલી કાવ્યમાલા ‘સ્નેહમુદ્રા’ ૧૮૮૯માં પ્રસિદ્ધ થઈ. એમાં જીવનમાં સ્નેહ માયારૂપ છે, એ ભાવના સ્પષ્ટ છે - કાન્તના (૧૮૯૦ની શરૂઆતમાં લખાઈ રહેલા) ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ એમને અહીંથી લાધ્યું. પ્રો. પાઠકે કાવ્યમીમાંસાના એક શ્લોકનો અને બાવાઓના એક દુહાનો ઉલ્લેખ આ પરત્વે કર્યો છે. પણ ‘સ્નેહમુદ્રા’નાં ૧૧૦ કાવ્યોમાં પથરાયેલાં વસ્તુ, પ્રતિરૂપો, સ્નેહચિત્રો વ. ને ઝીણવટથી વાંચતાં એટલું સ્પષ્ટ થાય છે કે કાન્તના ‘ચક્રવાકમિથુન’ની શરૂઆત ‘સ્નેહમુદ્રા’ના વાંચન પછી થઈ. ‘સ્નેહમુદ્રા’માં દસ-બાર સ્થાનો એવાં છે કે જ્યાં મહાન કવિની નિશાની આપતો પ્રેરણાનો વાયુ જોસભેર વાતો લાગે છે. પણ તે સિવાય એ લગભગ કાટમાળ જેવું છે. તેમાંથી કાન્તે એક અતિ સૂક્ષ્મ મનોહર કાવ્યરત્નનું નિર્માણ કર્યું. ગોવર્ધનરામ અને કાન્ત બંને સ્નેહ ઉપર ભાર મૂકવામાં માને છે; પણ ગોવર્ધનરામ જીવનમાં મંગલ જુએ છે; પત્નીમૃત્યુથી લખાવા માંડેલી કાવ્યમાલાના અંત તરફ લખવા માંડેલી કાવ્યમાલા અંત તરફ વેદાન્તની છાયાવાળું સ્નેહસાયુજ્ય વર્ણવે છે; અને છેક અંતે, રાત્રે વિયોગ સહતી, પણ પ્રભાતે મિલન અનુભવતી ચક્રવાકીમાં ‘ઉત્સાહક પ્રેરણા’નું દૃષ્ટાંત જોઈને હરખના હેલારા લેતું એક અત્યંત સુભગ કાવ્ય રચે છે. આવા છેલ્લા કાવ્યની અસર થોડી ન હોય. કાન્તે અહીંથી પોતાનું વસ્તુ પસંદ કર્યું એવી મારી દૃઢ માન્યતા છે. ગોવર્ધનરામ જ્યાં પ્રભાતના મિલન ઉપર ભાર મૂકે છે, ત્યાં કાન્ત રાત્રિના સંરક્ષક સુધારક અને ઉત્કટ સુધારકનો દૃષ્ટિભેદ અહીં સભાનતાથી નિરૂપાયો છે. ‘ચક્રવાકમિથુન’નો પૂર્ણ અનુભવ આમ ‘સ્નેહમુદ્રા’ને પડછે વાંચતાં જ થઈ શકે. ‘વસંતવિજય’નું વસ્તુ લેતાં પણ કાન્તે ગોવર્ધનરામની એ વિશેની દૃષ્ટિ ત્યજી દઈને સ્નેહીની કરુણતા વર્ણવી. કાન્તે આમ જ કર્યા કર્યું છે. મહાભારતમાં દેવયાનીના પ્રસંગમાં નૈતિક ધોરણ સ્થાપવામાં આવ્યું છે ત્યાં કાન્તે કરુણતા જોઈ, અને એને ટાળી, એક જ વાર સ્નેહના ઉલ્લાસનું કાવ્ય રચ્યું. ‘ચક્રવાકમિથુન’નાં પક્ષીયુગલ, ભૂમિકા, પ્રણયચિત્રો, ઉત્તરધ્રુવનો માર્મિક ઉલ્લેખ અને દુઃખ આપનાર ઐશ્વર્ય એ બધાંનું મૂળ ‘સ્નેહમુદ્રા’ની વેરવિખેર વીગતોમાં અને પ્રતિરૂપોમાં છે. કાન્તની કરકસર અને સંવિધાનશક્તિ આશ્ચર્ય ઉપજાવે એવાં છે.

કાન્ત વિશે (૧૯૮૩)-ભૃગુરાય અંજારિયા,

સં. જયંત કોઠારી, સુધા અંજારિયા


॥ સમીક્ષા - આસ્વાદ ॥


 
વિજય સોની
જન્મઃ ૧૯૬૯


 
નરેશ શુક્લ
જન્મઃ ૧૨ ઓક્ટો બર, ૧૯૭૨


માણેકચોકની મહામૂલી વાર્તાઓ....
નરેશ શુક્લ

પહેલાં જ વાર્તાસંગ્રહ ‘વૃદ્ધ રંગાટી બજાર’ (૨૦૧૯)થી જ અભ્યાસીઓ અને વાર્તાપ્રેમીઓનું ધ્યાન ખેંચનારા વિજય સોનીનો બીજો વાર્તા સંગ્રહ માણેકચોકની ચકલી લઈને આવ્યા છે. આ સંગ્રહમાં કુલ ૧૧ વાર્તાઓ સમાવવામાં આવી છે. આ ઉપરાંત શ્રી સુમન શાહનો પ્રતિભાવ અને કૅફિયત સમાવી છે. કેફ્યિત ખાસ વાંચવા જેવી છે. એમાં સ્વાભાવિક જ પોતે કઈ રીતે અને કેવા સંજોગોમાં લેખન તરફ વળે છે એની વાત તો મળે જ છે સાથોસાથ એમની વાર્તાસમજ અને આગ્રહો પણ જાણવા મળે છે. જૂઓ એની ઝલક- ‘દરેક નગરને એનાં નર્ક હોય છે. દોસ્તોયવસ્કીએ એની ક્લાસિક નવલ ‘ઘ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’માં સેન્ટ પીટર્સબર્ગની ગંધ ભરેલી, વાસી, નૈરાશ્યથી છલોછલ આબોહવાનું વર્ણન કર્યું છે. કંઈક એવું જ મને ૨૦૦૧ની કુદરતી આપત્તિ ભૂકંપ અને તેના પછીના જ વર્ષે માનવસર્જિત કોમી રમખાણો વખતે અનુભવાયું હતું, એ બંને વર્ષો ગુજરાત માટે સામાજિક-આર્થિક રીતે ઇનફલેક્સન પોઇન્ટ હતા. અમે જૂના અમદાવાદમાં રહેતા હતા, ચાર-પાંચ મહિના કામ-ધંધા બંધ થઈ ગયા હતા એ યાતનામય અવકાશમાં મેં લખેલી અનિયમિત ડાયરીમાં એ કાલખંડનો ઘાતક યથાર્થ ઝીલાયો છે. ગોધરાકાંડ પછી અનુ-ગોધરા રમખાણો સમગ્ર ગુજરાતમાં આગની જેમ ફેલાઈ ગયા કતા. દિવસભર પોલીસ પેટ્રોલીંગ, મીલીટરી વાન અને ટીયરગેસની દુર્ગંધથી આખોય માહોલ નર્ક જેવો ભાસતો હતો. એ ૨૦૦૨નું વર્ષ હતું. દુકાનો ખૂલી...ત્યાર બાદ એક દિવસ હું દુકાને બેઠો હતો અને મારી સામેની દુકાને કામ કરતો મારો એક મુસ્લિમ દોસ્ત મળવા આવ્યો હતો. વાતો ચાલતી હતી. હુલ્લડની..ઘરમાં ખૂટી ગયેલા આટા-ચાવલની..કત્લેઆમની...અમે બધા સ્તબ્ધ થઈને અમારા વર્તમાનમાં થીજી ગયા હતા. એણે એક વાત કહી કે અમારા મહોલ્લામાં એક ઔરત બોગસગીરી કરતી હતી. અમારી બધી વાતો તમારા વાળાને જઈને કહી આવતી હતી અને પૈસા પડાવતી હતી, એ પકડાઈ ગઈ તો પહેલાં તો બધાએ એને બહુ મારી અને પછી એના બે પગ વચ્ચે મરચું ભરી દીધું. હુ અવાક્‌ થઈ ગયો હતો. માથું ફાડીને લોહી કાઢે એવું ક્રૂર વાસ્તવ હતું. એનાં શબ્દો મારા કાનમાં પડઘાતા હતા. એ ઔરતની વેદનાની ‘સાંક્ડીગલીમાં ઘર’ મારી પ્રથમ વાર્તા લખી, હું ચોક્કસપણે માનું છું કે વાર્તાક્ષણ સૌ પ્રથમ જમીન ફાડીને ઊગી નીકળે છે, રૂપ..આકાર...ભાષા... લાઘવ...,પરિવેશ એ બધું એની પાછળ દોડતું આવે છે, કોઈ પણ અનુભૂતિ કેટલીય સંક્ષુબ્ધ કરતી હોય તોય એના તરફની સંપૂર્ણ અને શુદ્ધ સભાનતા સર્જનને પ્રતીતિકર બનાવે છે.’ (પૃ. ૧૨૪) તો જાણીતા વાર્તાકાર શ્રી કિરીટ દૂધાતે એમની વાર્તાઓ વિશે આમ કહ્યું છે- ‘જેમ કોઈ પથ્થરની ખરલમાં કોમળ પાંખડીઓને ક્રૂરતાથી ઘૂંટીને અત્તર બનાવે એ રીતે વિજય સોની ખરબચડી વાસ્તવિકતાના પથ્થર પર એનાં પાત્રો અને પરિસ્થિતિઓને લસોટીને વાર્તા સિદ્ધ કરે છે. OTTએ Based on true incidentનો કાચો પકવાન ચખાડીને આપણી સ્વાદેન્દ્રિયોને બુઠ્ઠી બનાવી દીધી છે એ સમયમાં એવી જ વાસ્તવિકતાને કલાનો પુટ આપીને વિજય વાર્તાસ્વરૂપની સંકુલતાને આસ્વાદ્ય બનાવે છે. જરઠ જિંદગી જીવતાં એનાં પાત્રોને આપણે જોઈને નજરઅંદાજ કર્યા છે. વિજય સોનીની અંદરનો કલાકાર એ બધાને vulnerabilityને નાણી-પ્રમાણી શકે છે.’ (ફ્લેપ-૪) આ બંને સર્જકોની વાર્તામાંથી આપણને આ વાર્તઓ પામવાનું રહસ્ય હાથવગું થાય છે. સર્જક પોતે કહે છે તેમ જીવનની કરાળ વાસ્તવિક્તા પોતે જ એમનામાં વાર્તાક્ષણ પ્રગટાવીને સર્જન માટે પ્રેરે છે. આ ધક્કો પોતે જ પોતાનું પોત નક્કી કરીને આવે છે. એને ગાઢ નિર્મમતાથી આ વાર્તાકાર તાટસ્થ્ય સાથે આલેખવા મથે છે અને એટલે જે છે, જેવું છે એ પોતે જ વાર્તારૂપ ધરીને ભાવકને વાર્તાનો ભેટો કરાવે છે. બીજી બાજુ ઓટીટી જેવા માધ્યમોએ જે રીતે જીવાતા જીવનને સીધું જ ઢાળવાનું શરૂ કર્યું છે એવું જ હિંસા, ગાળો, કડવી ઘટનાઓ, એકદમ પડખે બેસીની શ્વસતું વાસ્તવ આલેખવાનું આરંભ્યુ છે એવું જ કંઈક વિજય સોનીએ કર્યુ છે -એમાં ઉમેરો હોય તો એ છે કલાનો પુટ આપવાનું કામ. આમ પણ વાર્તાકારે એ જ તો કરવાનું હોય છે, અને એમ થાય તોજ એ ઘટનાનું કળાકૃતિમાં રૂપાન્તરણ થાય. વિજય સોનીની વાર્તાઓની સૌથી મોટી લાક્ષણિકતાઓ તરફ પણ એમણે આંગળી ચીંધી આપી છે. જેમ કે, એમાં એવો વર્ગ અને એની વાસ્તવિક ઘટનાઓ છે જેની તરફ આપણું ધ્યાન ભાગ્યે જ ગયું છે. જૂના અમદાવાદની પોળોમાં આવેલ સોનીબજાર, એમાં કામ કરતાં બંગાળ-ક્લકત્તાથી આવેલાં બંગાળી કારીગરો, અહીંના કારીગરો અને વેપારીઓની આસપાસ ગૂંથાયેલી આ વાર્તાઓ છે. ઓટીટી પર જેનો ભરપૂર ઉપયોગ થાય છે એવી ગાળાગાળી અને વિષયો પણ આ વાર્તાઓમાં છે. એકદમ સંકડાશભર્યા માહોલમાં ઊંધું ઘાલીને કામ કરતાં આ કારીગરોનાં આંતરસંબંધો, એમનાં સંઘર્ષો, એમની મૂંઝવણો, ખાસ તો જાતીય સમસ્યાઓ અને નાની નાની મહેફિલોમાં પ્રગટતો ઝનૂનપૂર્વકનો આનંદ અને કરુણ આ વાર્તાના મોટા મોટા કહી શકાય એવા વિષયો છે. આ બધી વાર્તાઓ એકબીજીથી સ્વતંત્ર હોવા છતાં મોટાભાગની વાર્તાઓ વચ્ચે કશુંક ને કશુંક સન્ધાન અનુભવાયા કરે છે. બેએક વાર્તાઓ અપવાદ જરૂર છે. બાકીના પાત્રોના નામો અને બાકીનું અલગ હોવા છતાંય એ બધાની વચ્ચે કોમન આઈડેન્ટીટી અનુભવાયા કરે છે. આ પ્રકારની વાર્તાઓ આધુનિકોત્તર ગાળામાં બહુ લખાઈ છે. કિરીટ દૂધાત, અજિત ઠાકોર, મોહન પરમાર, દલપત પઢિયાર, સુમન શાહે આ પ્રકારની વાર્તાઓ આપી છે જેમાં પરિવેશ, પાત્રો, સંવેદનવિશ્વ વચ્ચે એક સમાન્તર ચાલતો અનુભવ થયા વિના નથી રહેતો. ‘જેન્તિ-હંસા સિમ્ફની’, બાપાની પીંપરની વાર્તાઓ જોવાથી મારો આ મુદ્દો તરત સમજાશે. ‘ત્રીજું બટન’ વાર્તાની નાયિકા બાહ્ય દેખાવે પુરુષ જેવી લાગે, સોનીને ત્યાં કારીગરોની વચ્ચે એ એકલી કામ કરે, મા-બાપ રહ્યા નથી, ભાઈ-ભાભીની સાથે રહે- આ સ્થિતિમાં એને બહુ બોલવા દીધા વિના એની અંદર રહેલ ધૂંધવાટને અંતભાગે જે રીતે પ્રતીકાત્મક રહસ્યસ્ફોટ કર્યો છે એમાં એનું વ્યક્તિત્વ વાર્તા બનીને ઊભરી આવે છે. નાયક જ નહીં, અનેક પુરુષોની નજરો એના શર્ટના ત્રીજા બટન સુધી ફરતી રહે- ભાઈ-ભાભીના દામ્પત્યનો કકળાટ, ઓફિસના એકાંતમાં મળેલી તકનો ફાયદો લેવાના પ્રયત્નોમાં થતી નાયકની હાલત, આ વાર્તાને કલાત્મક બનાવે છે. આ ધંધામાં પડેલાં કારીગરો ખાસ કરીને બંગાળી કારીગરોની જિંદગી જે સંકુલતાથી પ્રગટી છે એમાં પરિમાણ ઉમેરાયું છે નવો આવેલ છોકરો કદાચ ધંધામાં તો સેટ થઈ જાત પણ જેની આંગળી પકડીને આવ્યો છે એ કેરટેકરની પત્ની જે રીતે એનું જાતીય શોષણ કરવાની મથામણ કરે છે એ ‘ખડગપુરનો છોકરો’ આ વાર્તાનું કેન્દ્ર છે. એ બાળકની હાલત વાર્તાને રસપ્રદ તો બનાવે જ છે સાથે કરુણને જે રીતે ઘૂંટે છે તે અનન્ય છે, ‘રૂસ્તમે ઈસનપુર’ અને ‘અનારકલી અને સ્કોચ’, ‘ગંજુની દ્રૌપદી’ એ વાર્તાઓમાં ઘણું સામ્ય હોવા છતાં આગવા પરિમાણો સિદ્ધ કરવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. આ વાર્તાઓમાં દારુ પીનારા મિત્રોનું ચિત્રણ ગજબનું થયું છે. ભાગ્યે જ આવું વર્ણન ગુજરાતી વાર્તામાં આવ્યું છે. સેલવાસ જેવા ગુજરાતીઓના દારુ પીવાના સ્થળો હોય કે, દરેક શહેર- ગલીઓમાં સહજ મળતો દેશી દારુ હોય- એને કોઈ બદી કે નકારાત્મક રીતે પ્રયોજવાને બદલે જીવન આનંદ કે દુઃખને પ્રગટાવવાનું, ચીંધવાનું કામ વાર્તાકારે કર્યું છે. ગાળો, સેક્સ વિશેની વિચારણા, પુરુષ લાલસાઓ, જીવનમાં રહેલ આંટીઘૂંટીઓ અને એનું દબાણ, મોટાભાઈ કે પિતાનું અનેક વાર્તાઓમાં આલેખાયેલું પાત્ર અને એનો કડપ, વાર્તાઓમાં ઓછી પણ સતત હાજર રહીને ગતિ આપતી સ્ત્રીઓ, અલ્પ-વિરામની જેમ આવતી ગાળો, ચાના કડવા ઘૂંટ જેવું બ્લેક હ્રુમર- આ વાર્તાના લેયર્સમાં જે કલાત્મક રીતે પ્રગટ્યું છે એ આ વાર્તાઓને ભવ્ય બનાવે છે. ‘માણેકચોકની ચકલી’ વાર્તામાં પૈસાની ઠગીમાં ફસાયેલ ગરીબ કારીગરની કડવી વ્યથા - બંગાળી જાદુગરના સંદર્ભ સાથે ‘જા ચકલી બના દુંગા..’ના રૂપને કલાત્મક રૂપે પ્રયોજી આપ્યું છે. ‘૭૦૨, રતન ચેમ્બર’, ‘કેવું હતું નહીં...?’ના નાયક ભીખાનું પ્રગટતું વ્યક્તિત્વ જેવી વાર્તાઓ આ જ પરિવેશમાં જન્મેલી વૈવિધ્યસભર ઘટનાઓ અને વ્યક્તિત્વોને ચિત્તમાં જડાઈ જાય તે રૂપે પ્રગટાવી આપનારી વાર્તાઓ બની છે. ‘સણકો’ વાર્તા બધી જ વાર્તાઓથી તદ્દન અલગ પડી જતી વાર્તા છે. વિજય સોની પહેલીવાર પોતાની સીમાઓની બહાર નીકળીને નવો પ્રયોગ કરી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. છૂટાછેડા જેવા દુ:ખદ પ્રસંગે બાળકોની માનસિક હાલત કેવી થાય છે તેનું આલેખન આ વાર્તાને તાજગી અને નવી દિશા આપે છે. એ જ રીતે ‘તાવણી’ વાર્તા પણ એવા જ સંકુલ વિષય ઉપર કેન્દ્રિત છે. પ્રેમીને છોડવાની સિચ્યુએશન અને એ પછી મળતો વર કેવો તો છે- એની વાત આ વાર્તામાં વાર્તા બનાવનારું તત્ત્વ બને છે, એ પરંપરાગત લાગે એવી વાર્તા હોવા છતાં માવજત સારી કરી છે. જીવન સમસ્યાઓ અને અકસ્માતોથી સભર છે એ આ વાર્તાઓમાંથી સવિશેષ ઊપસી રહે છે. એમાંય શ્રમજીવી, વ્રતવિચ્છેદ, જાતીય અતૃપ્તિ સાવ બેઝિક લક્ષ્યથી જીવાતું જીવન, એમાં જાત-ભાતના ફિતૂર ધરાવતાં સામાન્યજનનું આલેખન આ વાર્તાઓમાં મળે છે. લેખક કહે છે- ‘હું લખું છું કારણ કે મને જીવનના એબ્સર્ડની મુખોમુખ વારંવાર થવું ગમે છે એની સન્મુખ થવાથી ક્યારેક બધું કુરુપ લાગે છે, ગ્રોટેસ્ક લાગે છે. વળી મારી વાર્તાની કોઈ પ્રશંસા કરે એ પણ મને ગમે છે. મારા પાત્રો જાણે મારા હાથે નિર્વાણ (નિર્માણ?) પામ્યા હોય એમ અથવા એ પરિસ્થિતિને મેં શબ્દો વડે જાણો સહ્ય બનાવી હોય એવું પણ લાગે છે. સાહિત્યમાં પ્રતિબદ્ધતા કે સાહિત્યમાં વાસ્તવદર્શન મને આઉટ ઓક ડૅટ લાગતું નથી. કારણ કે કોઈ ને કોઈ સ્વરૂપે દરેક સમયખંડમાં આવિર્ભાવ પામતું રહે છે. (પૃ.૧૨૬) લ્યો તો તમારી વાર્તાઓ વિશે વાત કરી, અમને ગમી એ તમને પણ ગમ્યું હશે, જો કે, હવે જરા તમારી અંદરની ચકલીને (ટાઈટલ પર જો કે ચકલાઓનાં જ ફોટા છે..!) પોળોની બહાર ઉડતી કરશો એવી અપેક્ષા અસ્થાને નહીં હોય. (માણેકચોકની ચકલી (ટૂંકીવાર્તા સંગ્રહ) વિજય સોની, પ્ર.આ. ૨૦૨૫, ડિવાઈન પબ્લિકેશન, ૩૦, બીજો માળ, કૃષ્ણ કૉમ્પલેક્સ, જૂનું મોડેલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, કુલ પાનાં - ૧૨૮, કિં. ૧૬૦.૦૦રૂા. કાચું પૂઠું, ડેમી)

‘ગુજરાત મિત્ર’ સમાચારપત્રમાંથી


 


 
મણિલાલ હ. પટેલ
જન્મઃ ૦૯ નવેમ્બર, ૧૯૪૯


 
સંજુ વાળા
જન્મઃ ૧૧ જુલાઈ, ૧૯૬૦
સ્વરૂપસિદ્ધિના આટાપાટા રચતું રસાળ ગીત
સંજુ વાળા

કેડીનું ગીત

સૈ હું તો વગડામાં વહી જાતી કેડી... !

રૂપ મારું વાયરાની લહેરખી!

હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી

સૈ હું તો આધા મલકની કેડી... !

મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી

સીમાડેસીમાડે મસ્તીમાં મ્હાલતી

ડુંગરની કેડે વિંટળાઉં અને

ઘાટીલી ટેકરીઓ લે મને તેડી

સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી... !

કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં

સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા

જાય મારી બલ્લા ! જ્યાં પથ્થરમાં

કોરેલાં હોય બધાં માઢ અને મેડી

સૈ હું તો ભવભવની કેડી...!

- મણિલાલ હ. પટેલ

આપણી ગીતકવિતાએ રમણીય, રસકીય અને ભાવભાષાને રળિયાત કરતી નોખી-અનોખી અનેક કેડીઓ આંકી છે. એમાં ઊંડાં ઉતરીએ તો જણાઈ આવે કે આ સરિતાએ જ્યાંજ્યાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવસંબંધને નરવી આંખે ભાળ્યાં તો તરત એનું ગીત ગાયાં, એણે ફાટફાટ વનશ્રીને, ભાળી કે ભોગવી તો તરત ભાળનારના કંઠને વાચા ફૂટી. ઋતુઓથી પર્વો અને નક્ષત્રો, ચોઘડિયાંથી નદ-નદી, નવાણો સુધીનો બહેલાવ કેમ અને કેવો માણ્યો એની રસસભર વાતો આપણાં ગીતે ઝીલી છે અને માનવકંઠે ઉભરાઈ છે. આવાં ગીત જ્યારે ભાવદશાના પૂરે ચડ્યાં તો, ભજન કે ધોળ થઈ સંતો-ભક્તોનાં ગરવાં ગળે ઉભરાયાં, એણે ભાવ-ઊર્મિની ધારાઓ ઝીલી તો એ લોકગીત-લગ્નગીત થઈ લોકહૈયેથી ખળખળ વહ્યાં. આ ગીતનાં કેટકેટલાં રૂપ ! ક્યાંક આરતી- ગરબી, ક્યારેક સળૂકા-ફટાણાં-ફાગ તો વળી કદીક એ જ તો પદ-પરચરી કે ગાન-ગરબા કહેવાયાં. હવે તો એ પણ નક્કી થઈ ગયું છે કે આ બધાં તો એનાં ગાવાનાં કે ગવાતાં ઢાળ-ઢંગ-રૂપ છે. પ્રસ્તુતિના પ્રકાર છે. એ સૌમાં પલાઠીવાળીને બેઠું છે એ તો ગીત જ, એટલે આ બધાં રૂપોને ગીતસ્મરણા જેવું નામ આપી શકાય, ગીત વિશે આવી બધી વિગતે વાતો કરવા બેસીએ તો આરો ન આવે. કવિ શ્રી મણિલાલ હરિદાસ પટેલ. (૯મી નવેમ્બર ૧૯૪૯) કવિ, કથાલેખક, વિવેચક. મણિલાલનો જન્મ ગોલાના પાલ્લા, લુણાવાડા તાલુકામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોટા પાલ્લા અને મધવાસમાં, ઉચ્ચ શિક્ષણ મોડાસામાં. પછી ગુજરાતી-અંગ્રેજીમાં સ્નાતક, ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં અનુસ્નાતક, અને ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી. ઈડર કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના અનુસ્નાતક વિભાગમાં રીડર-પ્રાધ્યાપક અને વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. અનેક માન-અકરામ મળ્યાં. ગદ્ય-પદ્યનાં અનેક પુસ્તકો પ્રગટ થયાં. ‘દસમો દાયકો’, “શ્રુતમ્‌’, ‘પરસ્પર’, અને ‘પ્રજ્ઞા’ નામનાં સામયિકોનું સંપાદન કર્યું છે. “પદ્મા વિનાના દેશમાં’ (૧૯૮૩) તેમનાં પ્રથમ કાવ્યસંગ્રહ, પછીથી ગદ્ય, પદ્ય અને વિવેચનના અનેક ગ્રંથો કવિના નામે. સાંપ્રત સમયના તેઓ એક માતબર કવિ, લેખક, વિવેચક છે. પણ અગત્યની વાત એ પણ કે મણિલાલ ખૂબજ સહજ અને સહૃદય ભાવક છે. આ ગીતને કવિએ ‘કેડીનું ગીત’ એવું શીર્ષક આપ્યું છે. કવિતા માણવાથી ટેવાયેલ ન હોય તેને તો શીર્ષક વાંચી ઝાડી-જાંખરા કે વગડામાં વહી જતી પગદંડી દેખાવા લાગે, પરંતુ ધ્યાનથી વાંચે તો ખબર પડે કે આ તો કોઈની ઉક્તિ છે અને એ પોતાને કેડી કહાવે છે. વળી સંબોધન પણ ‘સૈ’ એટલે કે સહિયરને. તરત સમજાય કે આ તો કોઈ અંદર બહારથી ભર્યાભર્યા પ્રકૃતિપણાને વરેલી નાયિકાની વાત જે જાતને કેડી કહે છે. કવિતા કોઈ વાત સીધેસીધી થોડી કરે! ભાળ્યું જ ભાખે એ સર્જક શો હોય! સર્જક તો સાનમાં સમજાવે. આ નાયિકા ગીતમાં આગળ કહે છે ઃ હું તો કોઈ ધોમધખતી બપોરે આવી ચડેલી લ્હેરખી. આટલું ઓછું પડ્યું તે વળી કહ્યુંઃ વાંસળીથી વહેલી રસીલી સૂરાવલિ હું. બે કલ્પનોમાં તો કવિએ નાયિકાની કેવી આહ્લાદક અને સૂરીલી છબી ઉપસાવી દીધી. (એક ખાનગી વાત. આ સજ્જ કવિએ લ્હેરખીને ‘વાયરાની’ કહીને ચોખવટ કાં કરી હશે?) પછીની પંક્તિ આઘેથી મુસાફરીએ દોરી જતી વીથિકાનો પથરાય ચીંધે છે. બહુ અર્થઘન અને વ્યાપકવાળી પંક્તિ અવતારી કવિએ કથકની સ્વરૂપસિદ્ધિના આટાપાટા રચાઈને ભાવકને જાગતો રાખે છે. ગીતની કથક નાયિકા અને કેડી વચ્ચે થતો પારસ્પરિક ઉછાળ, (Rebound) કે સ્વરૂપાંતરણ (Transformation of Existence) અનેક દૃશ્યપલટા આપે છે અને એ જ તો કવિતાની દેણગી છે. ગીતના પહેલાં અંતરામાં આ કેડી પોતાના વરણાંગીપણાને ગાય છે. પોતાનું અસ્તિત્વ ક્યાં ક્યાં અને કેવું છે એનું આમ તો આ બયાન છે. છતાં ‘સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી’માં કવિનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ સંકળાયું છે. સ્વાભાવિક જ ગામ આવતાં તો કેડી ઓગળી જાય અને ફરી સીમ આવે એટલે જન્મે. આ જ તો એનું મ્હાલવું, મલપવું પરંતુ ‘ડુંગરની કેડે વિંટળાઉં’માં તો આ કેડી કંદોરો બની રહે અને ટેકરીઓ પાસે જતા તો કોઈ બાલિકા! એમાં ‘તેડી’ જેવા પ્રાસનો કવિએ કરેલો કાવ્યચમત્કાર છે. ગીત કવિતાનો જ એક પ્રકાર છે. માત્ર વર્ણનો ગીતમાં સમૃદ્ધિ ન લાવે. કશોક કાવ્યાત્મક ઉન્મેષ ગીતને રિદ્ધિ અને સિદ્ધિ બંને આપે. અન્યથા ગીતને, ગાન બનતાં વાર નથી લાગતી. પહેલાં અંતરામાં બરાબર ઊઘડેલી કેડી, બીજા અંતરામાં આવતા જ તો કથક નાયિકા સભાન થઈ બહુ જાય છે. જો માત્ર કેડી થઈ પથરાઈ પડ્યાં રહેવાય તો તો બહુ ઓછો ભાવ પૂછાય! આપણી હયાતી તો ઉપસાવવી પડે. એટલે વળી કેડીનું કોડિલી કન્યામાં કવિએ કાયાપલટ કર્યો છે. પાદર સુધી પહોંચતી કેડીરૂપી આ કાવ્યનાયિકા કહે છે કે ‘સુવાળા રસ્તા સપનામાં’ આવે છે. આવે જ. એ રસ્તાને ભાથ ભરી બેઠી હતી ત્યાંથી તો અળગી થઈ છે. કવિએ સરસ સજીવારોપણથી સંયોગશૃંગારને આળેખ્યો છે પરંતુ બહુ ગોપિત કાવ્યતરીકાથી પણ આ નાયિકાને સામે આવી ચડેલા એવાં કોઈ ગામમાં જવું નથી. કારણ? કવિએ સરસ પંક્તિ રચીઃ જ્યાં પથ્થરાં
 કોરેલા હોય બધાં માઢ અને મેડી 
સૈ હું તો ભવભવની કેડી...! જાગતો મુકામ દેખાતો નથી એમાં જીવતો જણ તો ક્યાંથી હોય? પથ્થરના માઢ-મેડીની ઊંચાઈ-પહોળાઈ ભાળીને ભોળવાઈ જાય કે એમાં ભળી જાય એવી આ કેડી, ના. ના... નાયિકા નથી. એ હવે ‘સુવાળાં સપનાં’ જોતી થઈ છે. એને આમ પથ્થરમાં ભળીને કંડારવું નથી પણ સતત વહેતાં રહેવું છે. બધા પ્રાસ-અનુપ્રાસ પછી આવતા ત્રણ ટપકાં ન વાંચ્યાં? સારું, પણ એને ભવોભવ કેડી રહેવું છે અને ક્યાંકથી કોઈ સાચો વટેમાર્ગુ આવી ચડે એની રાહ જોવી છે. કેડીનું ગીત એવું વાંચી ને કવિતાની ધારણા બાંધી લેનાર જો ગીતમાં ઊંડો ન ઊતરે તો એ કેડી પર જઅટકી જાય પરંતુુ જે ગીતને વાંચે, પામે એને આ ગીતની જે અસલ નાયિકા છે એનો મોમેળાપ અચૂક થાય. આ કવિએ કરેલો નિરૂપણગત કસબ અથવા કવિકર્મનો કિમિયો છે. મણિભાઈ આપણા ઘણાં જ કાવ્યમર્મી અને કાવ્યધર્મી સર્જક છે. તેઓના હાથે આવી કેડી ચડે તો એને પાંખો પ્રગટે અને એ પરી થઈ જાય એમાં કૈં આશ્ચર્ય ન જ હોય!

‘ફૂલછાબ’, રાજકોટ,
FB.


 

“વાંસળીવાદન”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે


 
રમેશ પારેખ
જન્મઃ ૨૭ નવેમ્બર ૧૯૪૦
મૃત્યુ : ૧૭ મે ૨૦૦૬


 
આર.પી. જોષી
જન્મઃ ૦૫ ઓક્ટો બર, ૧૯૫૭
રમેશ પારેખઃ ગુજરાતી ભાષા
અને કવિતાને લયબદ્ધ લાડ

આર.પી. જોષી

ર.પા. તરીકે ખ્યાત આ સર્જકનાં નામે ત્રણેક ડઝન પુસ્તક બોલે છે, જેમાં કવિતા ઉપરાંત વાર્તા, નાટક, આસ્વાદ, સંપાદન અને બાળસાહિત્ય સમાવિષ્ટ છે પરંતુ ર.પા.ની આગવી અને અમીટ ઓળખ તો એક કવિ તરીકેની જ રહી છે. ૨૦૧૩માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ગાંધીનગર દ્વારા ‘મનપાંચમના મેળામાં’ શીર્ષકથી તેમની સમગ્ર કવિતા ૩ વોલ્યુમ્સમાં પ્રકાશિત થયેલ છે. સંજુ વાળા, અરવિંદ ભટ્ટ અને પ્રણવ પંડ્યા દ્વારા સંપાદિત આ ૩ ગ્રંથમાં અનુક્રમે ૫૪૦ ગીત કવિતા, ૩૨૯ ગઝલ અને ૪૨૪ છાંદસ-અછાંદસ-પ્રકીર્ણ રચનાઓ સહિત કુલ ૧૨૫૩ કવિતા સંગ્રહસ્થ છે. ૧૯૫૭માં ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે રમેશ પરેખે એક વાર્તા ‘પ્રેતની દુનિયા’ લખી, જે એ સમયનાં સુખ્યાત મેગેઝિન ‘ચાંદની’માં પરિચય-તસવીર સાથે પ્રકાશિત થઈ. રમેશ પારેખની સર્જનયાત્રાનું મંગલાચરણ આ રીતે વાર્તાલેખનથી થયું. પાંચેક વર્ષ બાદ ૧૯૬૨માં યુવાકવિ અનિલ જોષીનો મેળાપ થતાં તેમની ભલામણ મુજબ રમેશ પારેેખે વાર્તાની વાટ છોડીને કવિતાનો કેડો પકડ્યો, જે કાળક્રમે રમણીય રાજમાર્ગ બની રહ્યો. આગળ જણાવ્યું તેમ અનેક સ્વરૂપોમાં કામ કરવા છતાં કવિતા એ ર.પા.નો પર્યાય બની રહી. એમાંય મુખ્ય તો ગીતકવિતા. ગુજરાતી ગીતકવિતાનો એક કમનીય, રમણીય વળાંક ર.પા.ની ગીતકવિતા થકી અંકાયો. તેમનાં ગીતમાં વૈવિધ્યસભર સર્જકતા છલકાય છે. સાહજિક સંવેદન, નૂતન કલ્પનાલીલા, ઈન્દ્રીયગ્રાહ્ય કલ્પનવૈવિધ્ય, અર્થગંભીર પ્રતીકો અને સૌરાષ્ટ્રની તળપદી બોલીનો લયાત્મક લહેકો એ ર.પા.ની ગીત કવિતાનો આગવો વિશેષ છે. તેમની આ નવોન્મેષપૂર્ણ ગીતકવિતાને કારણે જ ર.પા. ‘લયનો કામાતુર રાજવી’ કે ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ તરીકેની અનન્ય ઓળખ ધરાવે છે. તેમના વરસાદ વિશેના કે છોકરા-છોકરીનાં ગીતો ગુજરાતી યુવાજગતમાં ખાસ્સા લોકપ્રિય છે. ર.પા.ની સર્જકતાની ચરમસીમા તેમનાં મીરાંકાવ્યો - હરિગીતોમાં માણી-પ્રમાણી શકાય છે. ગીતની જેમ ગઝલ પણ ર.પા.નો મનગમતો વિસ્તાર. ૩૨૯ જેટલી ગઝલો ર.પા.-ની કલમમાંથી અવતરી છે. મનોજ-રાજેન્દ્ર-ચિનુ વગેરે ગઝલકારોની સક્ષમ હાજરી વચ્ચેય રમેશે પોતીકી વિશિષ્ટ સર્જકપ્રતિભા થકી ગરિમામય ગઝલકર્મ કરી જાણ્યું છે. તેમની ગઝલમાં પરંપરાનું અનુસંધાન અન પ્રયોગશીલતાનું પ્રસ્થાન જોઈ શકાય છે. રદીફ-કાફિયાનો કસબ, ભાવાનુરૂપ ભાષાભિવ્યક્તિ, ભાતીગળ ભાવસંદવેન, વિષયનું વૈવિધ્ય અને રમ્ય રચનારીતિ એ ર.પા.ની ગઝલની લાક્ષણિકતાઓ કહી શકાય. ગીત-ગઝલ ઉપરાંત છાંદસ-અછાંદસ કવિતાઓમાં પણ ર.પા.ની સર્જકપ્રતિભા ખૂલતી અને ખીલતી જણાય છે પરંતુ હકીકત એ છે કે ‘સાંવરિયો કે મારો સાંવરિયો’ કે ‘ગોરમાને પાંચે આંગળીયે પૂજ્યાં’ કે ‘વરસાદ ભીંજવે’ ઇત્યાદિ ગીત-ગઝલની લોકપ્રિયતા આડે ર.પા.ની કેટલીક છાંદસ-અછાંદસ કવિતાઓ ઢંકાઈ ગઈ. ‘લાખા સરખી વાર્તા’ કે ‘તારા સોરઠ દેેશે’ અથવા તો ‘કુરુક્ષેત્ર’ જેવી કાવ્યત્વસભર છાંદસ કવિતાઓના કવિ રમેશ પારેખને બહુ ઓછા ગુજરાતી ભાવકો અને વિવેચકો ઓળખે છે, એવાં રાજેશ પંડ્યાનાં તારણમાં તથ્ય છે. કવિતા ઉપરાંત ટૂંકી વાર્તા, નાટક, સંપાદન, બાળકાવ્યો, બાળવાર્તા, કિશોરકથા, કાવ્યાસ્વાદ, નિબંધ-લેખ વગેરે સ્વરૂપોમાં પ્રકાશિત થયેલ ૨૧ જેટલા પુસ્તક ર.પા.ની અનૂઠી ભાવયિત્રી - કારયિત્રી પ્રતિભાના પરિચાયક છે. ર.પા.ના વિવિધ કાવ્યસંગ્રહો ‘ગુજરાત સાહિત્ય અકાદમી’થી શરૂ કરીને ‘કેન્દ્રીય સાહિત્ય અકાદમી’ દ્વારા સમયાંતરે વિવિધ સ્તરે પુરસ્કૃત થતા રહ્યા છે. ૧૯૭૦માં ‘કુમાર ચંદ્રક’થી માંડીને ૨૦૦૮માં ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ’થી રમેશ પારેખ ઉચિત રીતે નવાજાયેલ છે. ૩ ગુજરાતી ફિલ્મમાં પણ ર.પા.ની એકેક રચનાઓ લેવાઈ છેઃ ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ ઃ ફિલ્મઃ ‘કાશીનો દીકરો’ (૧૯૭૯) ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ ફિલ્મઃ ‘નસીબદાર’ (૧૯૮૨) ‘જૂનું જૂનું ઝૂરીએ’ ફિલ્મઃ ‘માનવીની ભવાઈ’ (૧૯૯૩). ર.પા.ની ગીતકવિતાની લાક્ષણિકતા તારવતાં સંજુ વાળા લખે છેઃ “રમેશ પારેખની કવિતાની નાયિકા જનપદની ભાવમુદ્રા લઈને પ્રગટે છે ત્યારે તળ બોલીની સંસ્કારવાળી વાણીમાં વ્યક્ત થાય છે અને અદ્યતન જગતની નારી સ્વરૂપે પ્રગટે છે ત્યારે આધુનિકતાના સ્પર્શવાળી ભાષામાં વ્યક્ત થાય છે એ આગવી વિશેષતાને કારણે રમેશનાં ગીતોમાં નારીસંવેદન અને નાયિકાની ઉક્તિ સ્વરૂપે પ્રગટ થતાં ગીતોનું બાહુલ્ય રહ્યું છે.” સાંઈ મકરંદ દવે જણાવે છેઃ “રમેશ ગુજરાત પર અમૃતમેઘ બની વરસ્યો છે અને દૂધિયાં વાદળ સમો વિસ્તર્યો છે. અત્યંત કુમાશથી માંડી અત્યંત કૌવત સુધી તેની વાણી વિસ્તરી છે.” “આ કવિ કૈંક ભાળી ગયો છે!” એવું પૂ. મોરારિબાપુએ જેમના માટે કહ્યું છે એ કવિવર્ય રમેશ પારેખે કવિતાનાં માધ્યમ દ્વારા ‘સૌરાષ્ટ્રની સૌરભ’ને વિશ્વભરમાં પ્રસરાવેલ છે.

‘ફૂલછાબ’ રાજકોટ,
FB.


॥ કલાજગત ॥


 


 
કનુ પટેલ
જન્મઃ ૩૦ નવેમ્બર, ૧૯૬૬

કલામંદિર અધ્યાય - ૧૧
કનુ પટેલ


કલા બત્રીસીની એકાદશી પૂતળી: ‘નાદિની’ની ‘અનાહત વાણી’

ભારતીય સંગીતનો ધ્વનિ અને મૌનની કળા - “જે ગવાયું નથી, તે સૌથી વધુ ગૂંજે છે”

જ્યારે કલાકાર સંવાદ, સમન્વય અને સંમતિના
સંગમને પાર કરી ગયો,

ત્યારે આગળના સોપાન પર તેણે જોયું - ચારે બાજુ
મૌન હતું.

એક એવું મૌન, જે ખાલી નહોતું -

પરંતુ સ્પંદનોથી ભરેલું હતું.

ત્યારે તે પૂતળી પ્રગટ થઈ,

જેના આભૂષણો પણ ધ્વનિ તરંગોથી બનેલા હતા,

અને જેનો અવાજ શબ્દ નહોતો, નાદ હતો.

તે હતી - નાદિની.

ભારતીય સંગીત અને ધ્વનિ દર્શનની અધિષ્ઠાત્રી.

તેણીની હાજરી કોઈ ઝંકાર જેવી નહીં, પણ જાપ જેવી
લાગતી હતી.

તે કેવળ ‘ગાવાનું’ નહીં,

પણ જીવવાનું સંગીત શીખવવા આવી હતી.

નાદિનીની વાણી

“હે કલાકાર,

શું તમે કેવળ સ્વર સાંભળ્યા છે, કે પછી ક્યારેય અનાહત નાદને પણ સાંભળ્યો છે

જે ન તો કંઠમાંથી નીકળે છે, ન તો કાનથી સંભળાય છે -

પરંતુ તે આત્મામાં પ્રતિધ્વનિત થાય છે?”

“શું તમે જાણો છો કે

ભારતીય સંગીત રાગોથી શરૂ થયું ન હતું,

કે ન તો તાલથી -

પરંતુ તે શરૂ થયું હતું મૌનથી”

કલાકારનો ઉત્તર: મૌનમાંથી ઉત્પન્ન ધ્વનિ

“હે નાદિની…

હવે મને લાગે છે

કે ધ્વનિ પહેલા મૌન હોય છે,
અને ધ્વનિ પછી પણ મૌન હોય છે.
શિવના ડમરુની પ્રથમ આહત
ઓમકારનો અનાહત ધ્વનિ
ઋષિઓના હૃદયમાં સ્પંદિત થતો ‘શ્રુતિ’નો પ્રથમ ધ્વનિ
આ બધું ક્યાંકથી આવ્યું ન હતું -

પરંતુ ભીતરથી પ્રસ્ફુટિત થયું હતું.
“ભારતીય સંગીત શ્રવણથી નહીં, પણ સાધનાથી ઉત્પન્ન થયું હતું.”

નાદિનીનો પ્રશ્ન: “શું તમે રાગને કેવળ એક સ્કેલ માનો છો? ”

“શું તમારા માટે એક રાગ ફક્ત સૂરોનો ક્રમ છે,

કે તે ભાવનાનું મૂર્ત સ્વરૂપ છે?

શું તમે રાગ ભીમપલાસીમાં ભિક્ષુકનો પોકાર,

રાગ માલકૌંસમાં માતાનું હાલરડું

અને રાગ દરબારીમાં રાજકારણના આટાપાટા સાંભળ્યા છે?”

કલાકારનો ઉત્તર: રાગ - ભાવનું ચૈતન્ય સ્વરૂપ

“હે નાદિની…
હવે મને ખબર પડી કે

રાગ એ ભારતીય સંગીતનો એક ભાવલોક છે.

તે સમય, ઋતુઓ અને મન સાથે જોડાયેલો છે.
રાગ ભૈરવમાં પ્રભાતની પ્રાર્થના છે.
રાગ મેઘમાં વરસાદની વિહ્વળતા છે.
રાગ તોડીમાં પ્રકૃતિને પરિવર્તન કરવાની શક્તિ છે.
“રાગ એ ભારતીય સંગીતનું આધ્યાત્મિક દૃશ્ય છે,

અને ગાન એ તેની અભિવ્યક્તિ છે.”

નાદિનીનો પ્રશ્ન: “શું તમે સંગીતને સમયમાં સાધી શકો છો? પ્રમાણ આપો.”

“ભારતીય સંગીત ‘ઓસરતું’ નથી, તે અવિરત રહે છે.
શું તમે તે લયબદ્ધ સમયની કલા જાણો છો

જે તાલમાં વસે છે?”
“શું તમે નોંધ્યું છે કે અહીં સમય માપી નથી શકાતો - પણ તેને નચાવી શકાય છે?”

કલાકારનો ઉત્તર: લય, ધબકારા અને ચક્રનું દર્શન

“હા, હે નાદિની…

હવે મને ખબર પડી કે તાલ કેવળ ગણતરી નથી,

પણ સમયની ચેતના છે.

ત્રિતાલમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સંતુલન છે.

ઝપતાલ એ માનવીય મૂંઝવણ અને શોધ છે.

એકતાલ એ સાધુની નિશ્ચલતા છે.

“ભારતમાં, લય ઘડિયાળ નથી, એક યાત્રા છે –

જેમાં સમયને બાંધીને રસની નિષ્પત્તિ થાય છે.”

શારદાતનયે આ સમગ્ર રજૂઆતમાં સૌ પ્રથમ નાદસ્વરૂપ સમજાવ્યું છે અને જણાવ્યું છે કે, સુષુમ્ણા નામે જે મધ્યમા નાડી છે તે અગ્નિશિખાને આશ્રયે રહેલી હોય છે. અગ્નિશિખા જ્યારે પ્રાણના સંપર્કમાં આવે છે, ત્યારે નાદરૂપે સ્ફૂટ થાય છે.

सुषुम्ना मध्यमा नाडी शिखां वह्येः समाश्रिता।

शिखा प्राणेन संसूष्टा नादाख्यां लभते स्फूटम् ।। ભા.પ્ર. ૭, પૃ. ૧૮૪

આ નાદ બે પ્રકારનો હોય છે. તે પૈકી પ્રથમ પ્રકારનો નાદ સુષુમ્ણા નાડીના માર્ગે ઊર્ધ્વગતિ કરી વ્યોમમાં સ્થિર થાય છે અને તે યોગીઓની અનુભૂતિનો વિષય બને છે, જ્યારે બીજો પ્રકાર સંગીતમાં પ્રયોજાતા વર્ણોને ઉત્પન્ન કરે છે.

નાદિનીનો અંતિમ પ્રશ્ન: “શું તમે મૌનથી ધ્વનિ તરફ, અને પછી ધ્વનિથી મૌન તરફ પાછા ફરી શકો છો?”

“કારણ કે ભારતીય સંગીત એક વર્તુળ છે –

જ્યાં દરેક સૂર મૌનમાંથી ઉભરી આવે છે, અને અંતે મૌનમાં ઓગળી જાય છે.

શું તમારી કલા પણ

પ્રદર્શનનો ઘોંઘાટ નથી,

પણ અનુભૂતિની શાંતિ છે?”

કલાકારનો ઉત્તર: મૌનથી ધ્વનિ ને ધ્વનિથી મૌન સુધી

“હે નાદિની…

હવે મને ખબર પડી કે ભારતીય સંગીતનું લક્ષ્ય અભિવાદન નથી,

પરંતુ તત્કાલ આત્મ સાક્ષાત્કાર છે.
તે એક સાધના છે -

જ્યાં ‘સા’ થી શરૂ કરીને

કલાકાર સ્વ સુધી પહોંચે છે.
અહીં ‘ધ્વનિ’ ‘વ્યાકરણ’ નથી,

પરંતુ વેદનાનો અવાજ છે.

અને ‘મૌન’ -

સૌથી સંપૂર્ણ સંગીત.”

સંગીતના વર્ણોની અભિવ્યક્તિ સાત સ્થાનમાંથી થાય છે. તે છે - કંઠ, તાલુ, ઓષ્ઠ, મૂર્ધા, દંત, કંઠતાલુ ને કંઠોષ્ઠ. વર્ણોનાં સાત સ્થાનના નિરૂપણ પ્રસંગે તે દરેક સ્થાન સાથે જોડાયેલ વિભિન્ન નાડીઓને પણ વર્ણવે છે, મધ્યનાડીની મધ્યે કુલ બાવીસ નાડીઓ રહેલી છે અને તેમાં જ્યારે એક સાથે વાયુથી થડકો પામેલ નાદ પ્રવેશે છે ત્યારે શ્રુતિ પ્રગટ થાય છે. શારદાતનય નાદમાંથી જ શ્રુતિનો ઉદ્ભવ તથા શ્રુતિમાંથી સ્વરની ઉત્પત્તિ થતી હોવાનું જણાવે છે.

नादः श्रुतिसमुत्पत्तिः श्रुतिभ्यः स्वरसम्भवः। ભા.પ્ર.-૭, પૃ. ૧૮૪

આ શ્રુતિનો સંબંધ તેમણે હૃદયગ્રન્થિની ઉપર તથા કપાલફલકની નીચે સંચાર પામતા પ્રાણ સાથે જોડ્યો છે. શ્રુતિ એટલે જે સંભળાય છે તે અર્થાત શ્રુતિ એટલે ધ્વનિ - જે અનેક છે.

નાદિનીનું અનુમોદન: હવે તમે ‘શ્રુતિ’ છો
“હે કલાકાર,

હવે તમે ‘ગાયક’ નથી,

પણ શ્રુતિ બની ગયા છો.
અને જે અનાહત મૌન સાંભળી શકે છે તે જ વેદની ઋચા રચી શકે છે, કબીરનો દુહો અને તાનસેનનો વૃંદાવની સારંગ રચી શકે છે.
તો હું - નાદિની,

કલા બત્રીસીની એકાદશી પૂતળી -

તમને બારમા સોપાન પર આગળ જવાની અનુમતિ આપું છું.

ત્યાં આગામી પૂતળી - ‘ચિત્રાંગી’, તમારી રાહ જોઈ રહી છે.
તે તમને પૂછશે -
“શું ચિત્રકળા કેવળ એક દૃશ્ય છે,

કે તે એક ભાષા છે

જેમાં રેખાઓ બોલે છે અને રંગો વિચારે છે?”

 

“સંગીતકાર”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે



 
કનુ પટેલ
જન્મઃ ૩૦ નવેમ્બર, ૧૯૬૬

એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક
કનુ પટેલ

ભારતીય આધુનિક ચિત્રકલાના ઇતિહાસમાં નારાયણ શ્રીધર બેન્દ્રે (એન. એસ. બેન્દ્રે)-નું નામ અતિ આદર અને ગૌરવ સાથે લેવામાં આવે છે. તેઓ માત્ર એક કુશળ ચિત્રકાર જ નહોતા, પરંતુ એક પ્રયોગશીલ કલાકાર, પ્રેરણાદાયી શિક્ષક અને ભારતીય કલાજગતને નવી દિશા આપનારા સર્જક હતા. તેમની કૃતિઓમાં ભારતીય પરંપરા અને આધુનિકતાનો અદભૂત સમન્વય જોવા મળે છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

એન. એસ. બેન્દ્રેનો જન્મ ૨૧ ઑગસ્ટ, ૧૯૧૦ના રોજ ઈન્દોરમાં થયો હતો. બાળપણથી જ તેમને ચિત્રકળામાં વિશેષ રસ હતો. તેમણે ચિત્રકલાનું ઔપચારિક શિક્ષણ મેળવવા માટે શ્રી જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો. અહીંથી તેમણે કલાના મૂળભૂત સિદ્ધાંતો અને વિવિધ માધ્યમોનો ઊંડો અભ્યાસ કર્યો.

કલાયાત્રા અને સર્જન

બેન્દ્રેએ પોતાની કારકિર્દીની શરૂઆત વાસ્તવવાદી (Realistic) શૈલીથી કરી હતી, પરંતુ સમય જતાં તેમણે આધુનિક કલાના વિવિધ પ્રવાહોનો અભ્યાસ કરીને પોતાની આગવી અભિવ્યક્તિ વિકસાવી. તેમના ચિત્રોમાં રંગોની સમૃદ્ધિ, પ્રકાશ-છાયાનું સંવેદનશીલ સંયોજન અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાય છે. તેમણે ગ્રામ્ય જીવન, પ્રાકૃતિક દૃશ્યો, માનવ આકૃતિઓ અને ભારતીય સંસ્કૃતિને પોતાના ચિત્રોમાં જીવંત બનાવ્યાં. તેમની કૃતિઓમાં એક તરફ ભારતીય ભાવવિશ્વ જોવા મળે છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય આધુનિક કલાના પ્રયોગો પણ જોવા મળે છે.

કલાશિક્ષક તરીકેનું યોગદાન

એન. એસ. બેન્દ્રેએ માત્ર સર્જન કર્યું એટલું જ નહીં, પરંતુ અનેક યુવા કલાકારોને માર્ગદર્શન પણ આપ્યું. તેઓ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં પ્રોફેસર અને પછી ડીન તરીકે કાર્યરત રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ભારતના અગ્રણી કલાશિક્ષણ કેન્દ્રોમાં સ્થાન પામી. તેમના શિષ્યોમાં અનેક એવા કલાકારો હતા જેમણે આગળ જઈને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી.

શૈલીની વિશેષતાઓ

એન. એસ. બેન્દ્રેની કલાશૈલીની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં રંગોનો જીવંત અને સંવેદનાત્મક ઉપયોગ, ભારતીય વિષયવસ્તુ અને આધુનિક અભિવ્યક્તિનો સમન્વય, પ્રકૃતિ અને માનવ જીવન પ્રત્યે ઊંડો લગાવ, આકારો અને બંધારણમાં સર્જનાત્મક પ્રયોગો, પ્રકાશ અને વાતાવરણનું કલાત્મક નિરૂપણ. તેમની પાછળની કૃતિઓમાં પોઇન્ટિલિસ્ટ અને અર્ધ-અમૂર્ત (Semi-Abstract) અભિગમની અસર પણ જોવા મળે છે.

પુરસ્કારો અને સન્માન

ભારતીય ચિત્રકળામાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા. ભારત સરકારે તેમને ૧૯૯૨માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. ઉપરાંત તેમને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં પણ વિશેષ માન્યતા મળી. એન. એસ. બેન્દ્રેએ ભારતીય ચિત્રકળાને વૈશ્વિક દૃષ્ટિકોણ આપતાં તેની મૂળ ભારતીય ઓળખ જાળવી રાખી. તેઓ એવા કલાકાર હતા જેમણે પરંપરા અને આધુનિકતાની વચ્ચેનો સેતુ રચ્યો. તેમની કૃતિઓ આજે પણ ભારતની અગ્રણી કલા સંસ્થાઓ, સંગ્રહાલયો અને ખાનગી સંગ્રહોમાં સુરક્ષિત છે અને નવી પેઢીના કલાકારોને પ્રેરણા આપે છે. એન. એસ. બેન્દ્રે માત્ર એક ચિત્રકાર નહોતા, પરંતુ ભારતીય આધુનિક કલાના ઘડવૈયા હતા. તેમની કલાસાધના, પ્રયોગશીલતા અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને કારણે તેઓ ભારતીય કલા ઇતિહાસમાં સદાય સ્મરણીય રહેશે. રંગ, રેખા અને કલ્પનાશક્તિના માધ્યમથી તેમણે ભારતીય જીવન અને સંસ્કૃતિને કેનવાસ પર જે રીતે ઉતારી છે, તે તેમને ભારતીય કલાજગતના અવિસ્મરણીય મહાનાયક તરીકે સ્થાપિત કરે છે.

 


વધુ વાર્તાઓનું પઠન
તબક્કાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન :

શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન:

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો:

અનિતા પાદરિયા
પરામર્શક:

તનય શાહ
ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત

ગુજરાતી ઑડિયો વાર્તા
સાંભળવા અહીં ક્લીક કરો


» ગોવાલણી » એક સાંજની મુલાકાત
» શામળશાનો વિવાહ » મનેય કોઈ મારે !!!!
» પોસ્ટ ઓફિસ » ટાઢ
» પૃથ્વી અને સ્વર્ગ » તમને ગમીને?
» વિનિપાત » અપ્રતીક્ષા
» ભૈયાદાદા » સાડાત્રણ ફૂટની ઘટના
» રજપૂતાણી » સળિયા
» મુકુંદરાય » ચર્ચબેલ
» સૌભાગ્યવતી!!! » પોટકું
» સદાશિવ ટપાલી » મંદિરની પછીતે
» જી’બા » ચંપી
» મારી ચંપાનો વર » સૈનિકનાં બાળકો
» શ્રાવણી મેળો » શ્વાસનળીમાં ટ્રેન
» ખોલકી » તરસના કુવાનું પ્રતિબિંબ
» માજા વેલાનું મૃત્યુ » સ્ત્રી નામે વિશાખા
» માને ખોળે » અંધારી ગલીમાં સફેદ ટપકાં
» નીલીનું ભૂત » ઇતરા
» મધુરાં સપનાં » બારણું
» વટ » ત્રેપન સિંહ ચાવડા જીવે છે
» ઉત્તરા » બદલી
» ટપુભાઈ રાતડીયા » લીલો છોકરો
» લોહીનું ટીપું » રાતવાસો
» ધાડ » ભાય
» ખરા બપોર » નિત્યક્રમ
» ચંપો ને કેળ » ખરજવું
» થીગડું » જનારી
» એક મુલાકાત » બદામી રંગનો કોટ અને છત્રી
» અગતિગમન » ગેટ ટુ ગેધર
» વર પ્રાપ્તિ » મહોતું
» પદભ્રષ્ટ » એક મેઈલ