મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧૦

From Ekatra Wiki
Revision as of 07:09, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઢાલ ૧૦

યશોવિજય

ઢાળ કડખાની.
વાહણ કહે "શરણ જગિ ધર્મ વિણ કો નહિ,
તૂં શરણ સિંધુ! મુજ કેણિ ભાંતિ?
શરણ આવ્યા તણી શરમ તે નિરવહે,
જેહ જાયા હુએ સુજસ રાતિ.          વાહણ. ૧

કાલ વિકરાલ કરવાલ ઊલાળતો,
ફૂંક મુકે પ્રબલ વ્યાલ સિરખી;
જાૂઠ અતિ દુઠ જન સુખ સરડોહતા,
યમ મહિષ સાંભરે જેહ નિરખી.          વાહણ. ૨

ચોર કરિ સોર મલબારિયા ઘારિયા,
ભારિયા ક્રોધ આવે હકાર્યા;
ભૂત અવધૂત યમદૂત જિમ ભયકાર,
અંજના-પુત નૂતન વકાર્યા.          વાહણ. ૩

હાથિ હથિયાર શિર ટોપ આરોપિયા,
અંગિ સન્નાહ ભુજ વીર વલાયાં;
ઝલકતે નૂર દલપૂર, બિહું તબ મલ્યાં,
વીર રસ જલધિ ઊધાણ બલિયાં.          વાહણ. ૪

નીલ સિત પીત અતિશ્યામ પાટલ ધ્વજા,
વસન ભૂષણ તરૂણ કિરણ છાજે;
માનું બહુ રૂપ રણ-લચ્છિ હૃદય-સ્થલે,
કંચુઆ પંચ–વરણી વિરાજે.          વાહણ. ૫

ભૂર રણતૂર પૂરે ગયણે ગડગડે,
આથડે કટકની સુભટ-કોડી;
નાવસ્યું નાવ રણભાવ ભર ભેળવી,
કેલવી ઘાઉ દિએ મૂછ મોડી.          વાહણ. ૬

નિશિતશિર ધાર જલધાર રસે ઘણૂં,
સંચરે ગગનિ બક-ધવલ નેજા;
ગાજ સાજે સમર-ઢોલ વાજે સબલ,
વીજ જિમ કુંત ચમકે સતેજા.          વાહણ. ૭

ક્રૂર-રસશૂર ગજ કુંભ સિંદૂર સમ,
રૂધિરનાં પૂર અવિદૂર ચાલે;
સૂર ચૂરઈ સમર ભૂમિ સૂરણ પરિ,
સીસ કાયર ધરા હેઠિ ઘાલે.          વાહણ. ૮

ભંડ બ્રહ્મંડ શત-ખંડ જે કરી સકે,
ઊછલે તેહવા નાલિ-ગોળા;
વરસતા અગન રણ-મગન રોસે ભર્યા;
માનું એ યમતણા નયન-ડોલા.          વાહણ. ૯

ચોર ભૂંકે મહા ક્રોધ મૂકે વલી,
વાહણ ઊપરિ ભરી અગનિ હોકા;
કોક બાણે વઢે સુબટ રણ-રસિ ચઢે,
બિરૂદ ગાયે તિહાં બંદિ લોકા.          વાહણ. ૧૦

ઓસરી ચોર જલિ સોર બહુ પાથરઈ,
સાથ રઈ અગનિ તિહાં સબલ લાગે;
ખાલતો બાલતો ટોળતો દર્પ તુજ,
તેહ તૂં દેખતો કિમ ન જાગે?          વાહણ. ૧૧

શેષ પિણ સલસલે મેદિની ચલચલે,
ખલભલે શલ્ય તે સમર-રંગે;
લડથડે ભીરૂ ઇક એક આગઈ પડે,
સુભટ સન્નાહ માએ ન અંગે.          વાહણ. ૧૨

ઘોર રણજોર ચિહુ ઓર ભટ ફેરવે,
દેવ પિણ દેખતાં જેહ ચમકે;
બાણ બહુ ધૂમથી તિમિર પસરે સબલ,
કૌતુકી અમરના ડમરૂ ડમકે.          વાહણ. ૧૩

એહવે રણ શરણ તૂં કિસ્યું મુજ કરે?
ખલપરિ દુષ્ટ દેખઈ તમાસા;
એક તિહાં ધર્મ છે શરણ માહરે વડું,
સુજસ દિએ તે કરે સફલ આશા."          વાહણ. ૧૪

દુહા.
સાયર કહે"તૂં ભોગવે, ઘણા પાપનો ભોગ;
એહ મુજ નિંદા કરી, સ્યો અધિકો ફલ ભોગ?          ૧

વીંધ્યો ખીલે લોહને, તૂં નિજ કૂખિ મઝારિ;
બાંધ્યો છે દૃઢ દોરસ્યૂં, નિજ વશ નહિ લગાર.          ૨

દુબ્ભર ભરિએ તુજ ઉદર. ઘાલિ ધૂલિ પાષાણ;
વાય ભર્યો ભચકે ઘણું, તૂં જગિ ખરો અજાણ."          ૩


વાહણ કહે "સાયર! તુહ્યો, વડા જડાશય જગ્ગિ;
દેખો છો ગિરિ પ્રજલતો, નવિ નિજ પગવિચ અગ્ગિ.          ૪

મેરૂ મંથાણે તૂં મથ્યો, રામશરે વલિ દૃદ્ધ;
ઊછાલી પાતાલ ઘટ, પવને કીદો અદ્ધ.          ૫

પામે મૂર્છા તે દુખે, મુખે મુકે છે ફીણ;
સન્નિપાતિઓ ઘુરઘુરે, લોટે કચરે લીણ          ૬

ભોગવતો ઈમ પાપ ફલ, નવિ જાણે નિજ હાનિ;
દોષ ગ્રહે તૂં પર તણા, તે નવિ આવે માનિ"          ૭