મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૪.ઇન્દ્રાવતી/પ્રાણનાથ સ્વામી

From Ekatra Wiki
Revision as of 09:50, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૩૪.ઇન્દ્રાવતી/પ્રાણનાથ સ્વામી

રમણ સોની

ઇંદ્રાવતી/પ્રાણનાથ (સ્વામી) (ઈ. ૧૭મી સદી: જ.૧૬૧૯–અવ.૧૬૯૫):

‘ઇન્દ્રાવતી’ એવા નામે કવિતા લખનાર કવિ પ્રાણનાથ (પૂર્વાશ્રમના દયાસાગર) પ્રણામી પંથ(નિજાનંદ સંપ્રદાય)ના સંત હતા. સંપ્રદાયમાં એ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે જાણીતા છે. છેક અરબસ્તાન સુધીનો એમણે પ્રવાસ ખેડેલો. અરબી વગેરે ભાષાઓના તેમજ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના જાણકાર હતા. વિવિધ ધાર્મિક પરંપરાઓ વચ્ચે સમન્વય સાધવાનો એમણે પ્રયાસ કરેલો. આ સંપ્રદાયમાં મૂર્તિને બદલે ‘તારતમસાગર’ ગ્રંથની પૂજા થાય છે. ઈન્દ્રાવતી (મહામતિ) એ સંજ્ઞા આ પંથની વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા છે. એ ઉપરથી કવિ પ્રાણનાથ ‘ઇંદ્રાવતી’ તરીકે ઓળખાતા થયેલા. એમણે ગુજરાતીમાં ‘રાસગ્રંથ’, ‘ખટઋતુ’ (વિરહનીબારમાસી- ષડ્ઋતુ), ‘કલસ’ જેવી કૃતિઓ રચી છે. કૃષ્ણની રાસલીલા, ગોપીનો કૃષ્ણવિયોગ પ્રથમ બે કૃતિઓમાં વર્ણવાયો છે. પાખંડીઓના મતનું ખંડન કરી મોક્ષમાર્ગને ઉપદેશતો ‘કલસગ્રંથ’ એમની નોંધપાત્ર રચના છે. ગુજરાતી ઉપરાંત હિંદી-સિંધી ભાષામાં પ્રેમભક્તિ સંવેદનો તેમજ જ્ઞાન-ભક્તિબોધ નિરૂપતાં અનેક કીર્તનો એમણે રચ્યાં છે.

૧ પદ; વિરહની બારમાસી

પદ

પીઉજી તમે
પીઉજી તમે શરદની રુતે રે સિધાવ્યા,
હાં રે મારા અંગડામાં વ્રહવન વાવ્યાં.
એ વન ખિણ ખિણ કૂંપળીઓ મૂકે,
હાંરે, મારું તેમ તેમ તનડું સૂકે.
હો સ્યામ, હું તો પીઉ પીઉ કરી રે પુકારું.

વાલા હું તો પીઉ પીઉ કરી રે પુકારું,
પીઉજી વિના દોહેલાં ઘણાં રે ગુજારું,
હું તો દુખડાં માંહે ને માંહે જ ઉતારું
હો સ્યામ, પીઉ પીઉ કરી રે પુકારું.

વાલા મારા ભાદરવે તે નદીનલાં ભરિયાં,
પીઉજી નિર્મલ જલ રે ઉછળિયાં.
વાલા મારા ગિર ડુંગર રે ખળભળિયાં,
પીઉજી તમે એણે સમયે હિજએ ન મળિયા.
હો સ્યામ, પીઉ પીઉ કરી રે પુકારું.

વાલા તમે ચાલતાં તે ચાર દિનડા કહ્યા,
હાં રે અમે એણી રે આસાએ જોઈને રહ્યા.
વાલા અમે વચન તમારાં ગ્રહ્યાં,
હવે તે અવધ ઊપર દિનડા ગયા.
હો સ્યામ, પીઉ પીઉ કરી રે પુકારું.

વાલા મારા દિનડા આસોના આવ્યા,
હાં રે, ઘેર મેઘલિયો બારે રે સિધાવ્યા,
હાં રે, વનવેલડિએ રંગ સોહાવ્યા.
પીઉજી તમે એણી સમે વ્રજડી કાં ન આવ્યા.
હો સ્યામ, પીઉ પીઉ કરી રે પુકારું.
વાલા મારા, એક વાર જુઓ વનડું આવી,
હાં રે ચાંદલિએ જોત રે ચઢાવી.
વેલડિએ વનસપતિ રે સોહાવી,
એણે સમે વ્રહણિયું કાં વિખલાવી,
હો સ્યામ, પીઉ પીઉ કરી રે પુકારું.

‘વિરહની બારમાસી: ષડ્ઋતુ’ માંથી

(વર્ષા અને શરદમાં વહાલાજીનો વિરહ)
વર્ષાઋતુ

(રાગ- મલાર)

મારા વ્હાલાજી રે વલ્લભ કહું વિનંતી રે
મારા કર્મ-તણી રે કથાય સુણો મારી આપવીતી રે          ૧

આવ્યો તે માસ અષાઢ કે ઋતુ મલારની રે
જાણ્યું કરી વ્હાલા-શું વિલાસ લેશું લ્હાણ અધરની રે          ૨

મારી જોગવાઈ હુતી જેહ સફળ થશે આ વારની રે
જાણ્યું આવી માયા માંહીં ભાંજશું હાય સંસારની રે          ૩

વર્ષાઋતુ કર્મે કાઢી વિદેશ અવગુણ હુતા અપાર રે
હવે એણે સમે ધણી વિણ લેશે કોણ સારને રે          ૪

વ્હાલા વરસે તે મેઘ મલાર વીજલડીના સાટકા રે
મને વ્હાલાજી વિના આ ઋત લાગે અંગ ઝાટકા રે          ૫

મોરલીયાં કરે રે કીગોર સૂણીને ગર્જાના રે
મારો જીવ આકુળ-વ્યાકુળ થાય સૂણી સૂર કોયલના રે          ૬

મુને કેમ કરી રેણી જાય બપૈયો પિયુ પિયુ લવે રે
સુંદરી કહે આ વાર તેડો ચરણે હવે રે          ૭

નિશા દિવસ દોહિલા જાય પિયુજી વિના અંગના રે
મારું કાળજડું રે કપાય માર વ્હાલાજી વિના રે          ૮

અચકે વાએ વાય? ઉછાળે વન વેલડી રે
હું તો વ્હાલાજી વિના રે વિદેશ ઝૂરું છું એકલી રે.          ૯

મારી વહેલી તે લેજો સાર વ્હાલાજી હુ વિરહિણી રે
મારા દિવસ દોહિલા જાય વિશેષે આ રયણી રે          ૧૦

ઈંદ્રાવતી કહે અવગુણ વિસારો આમ-તણા રે
મેં જે કીધા રે અપાર વ્હાલાજી-શું અતિ ઘણા રે          ૧૧

હવે વાદળ મળીયા મલાર શોભા લીયે વનરાજ રે
રચી પોતે વરસે મેઘ તેડી ભીડો અંગના રે           ૧૨

ધરાએ કીધો શણગાર ડુંગરડા નીલયા રે
એણી ઋતે રે આધાર કરો શીતલ કાયા રે           ૧૩

મારી વહેલી તે લેજો સાર નહીં તોજીવ ચાલશે રે
પછે આવીને લેજો સાર કાયા માંદી પડી હશે રે          ૧૪

મારા અવગુણ ઘણા રે અનંત પણ છેહ કેમ દીજીએ રે
એણે વચને ઈંદ્રાવતી અંગ વ્હાલા તેડી લીજીએ રે          ૧૫
શરદઋતુ
(રાગ: સામેરી-ચોપાઈ)
શરદની ઋતુ રે સોહામણી રે
રે’ણી પ્રેમની રે મૂંને વ્હાલાજી વિના કેમ જાય
મને ક્ષણ વરસો સો થાય હો વ્હાલૈયા હું રે વિદેશણીના પિયુજી રે          (ટેક)૧

વ્હાલાજી રે ડહોળાં તે જળ વહી ગયાં હવે આવ્યાં તે નિર્મળ નીર
પિયુજી વિના હું એકલી તે ત્યાં કેમ રાખું મન ધીર          હો ૨

વ્હાલાજી રે વન છાહ્યું દ્રુમ વેલડી હવે ધણી-તણી આ વાર
હું રે વિદેશણીના પિયુજી મુંને ચરણે તેડો આ વાર           હો ૩

વ્હાલાજી રે નીર ઝરણે રે કૂપ ભર્યા નદી-સર ભરીયાં નવાણ
પણ એ જળ વહાલાજી વિના, મારા વિલસંતા સૂકે પ્રાણ          હો ૪

વ્હાલાજી રે જીવ મારો મુંને દહે અંગે તે ઉપજે દાહ
અવગુણ મારા છે અતિ ઘણા તમે રખે મન આણો રાજ          હો ૫

વ્હાલાજી રે શ્રાવણ માસની અષ્ટમી કૃષ્ણ-પક્ષની જેહ
મુંને એ રે’ણી વ્હાલાજી વિના ઘણું દોહિલી ગઈ તેહ          હો ૬

વ્હાલાજી રે એમ તમે મો-શું કાં કરો મારા હો પ્રાણનાથ
આવી કરું તુમ-શું ગુંજડી મારી વીતકની જે વાત          હો ૭

વ્હાલાજી રે અષ્ટમી ભાદરવા તણી કાંઈ શુક્લ-પક્ષની રાત
એ રયણી રૂડીય મારા જન્મ સંગાતી સાથ           હો ૮

વ્હાલાજી રે મેં તો એમ ના જાણીયું જે મો-શું થાશે એ
જો હું જાણું કરશો વિરહિણી તો કંઠ બાંહુડી ટાળું કેમ          હો ૯

વ્હાલાજી રે ભાદરવા માસની ચતુર્દશી કાંઈ અતિ અજવાળી થાય
એહ સમો નવ સાચવ્યો મારું તલવારે અંગ છેદાય          હો ૧૦

વ્હાલાજી રે એ રે’ણી રે સિધાવિયા વ્હાલો પહોત્યા તે ધામ મોઝાર
એણે સમે મુંને એકલી તમે કાં રે કીધી નિરાધાર          હો ૧૧

વ્હાલાજી રે તમે તો ઘણુંએ જણાવીયું પણ મેં ના જાણ્યું હું અધમ
જો હું જાણું થાશે એવડી તો તમને મૂકું કેમ          હો ૧૨

વ્હાલાજી ચતુદર્શી આસો તણી કાંઈ બ્રહ્માંડ થાપ્યો પ્રકાશ
એ રજની મુંને એકલી તમે કાંય કરી નિરાશ          હો ૧૩

વ્હાલાજી રે પૂનમ-રાતનો ચાંદલો કાંઈ વન શોભે અપાર
રાસની રાતનો ઓચ્છવ મુંને કાં ના તેડી આધાર          હો ૧૪


વ્હાલાજી રે અવગુણ મારા છે અતિ ઘણા તમે રખે મન આણો સ્વામી
વિરહિણી કહે મુંને તમ વિના અમ ઉપર થઈ એ ઘણી          હો ૧૫

વ્હાલાજી રે વિનતા વિરહિણી કેમ કીજીએ એવડો ન કીજે રોષ
જો જીવ દેહ મૂકી ચાલીયો તમે ત્યારે થાજો નિર્દોષ          હો ૧૬

હવે ચિત્ત આણી ચરણે તેડજો વ્રેહ હવે ટાળો આધાર
એણે વચને ઈન્દ્રાવતીને વ્હાલો તેડી લેશે તત્કાળ          હો ૧૭