મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૬

From Ekatra Wiki
Revision as of 07:48, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૧૬

પ્રેમાનંદ

રાગ રામગ્રી
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
ઓખાને અનિરુદ્ધે લીધી ખોળે જી;
કંઠે બાંહોડી ઘાલી બાળા જી,
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી.          ૧

ઢાળ
જ્વાળા પ્રગટી તે ભાલ ભ્રકુટિ, સુભટ તેડ્યા જમલા,
મંત્રી કહે, ‘ભાઈ! સબળ શોભે, જેમ હરિ-ઓછંગે કમળા.          ૨
લઘુરૂપ ને લક્ષણવંતો, આવી સુતાસંગે કો બેઠો,
પ્રવેશ નહિ આંહાં પવન કેરો, તો માળીયામાં કેમ પેઠો?          ૩
નિ:શંક નિર્ભે થઈને બેઠાં, નિર્લજ્જ નર ને નારી,
હાસ્ય-વિનોદ કરે મનગમતાં, લજ્જા ન આણે મારી.’          ૪
ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાઈ ધાઈ દે છે સાંઈ,
મંત્રી કહે, ‘કો પુરુષ મોટો, કારણ દીસે છે કાંઈ;          ૫
અંબુજવરણી આંખડી ને ભ્રકુટિ મુગટે ચાંપી,
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી.          ૬
માળ ધેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ,
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ:          ૭
‘અલ્પ આયુષના ધણી! જમપુરીના માર્ગસ્થ!
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ?          ૮
બાણાસુરની કિંકરીને અમરે ન થાયે આળ,
તો તું રાજકુમારી સાથે કયમ ચડીને બેઠો માળ?          ૯
સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?
સત્યારથ હોય તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ?          ૧૦
અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!
હું ક્ષત્રીનંદન ઇચ્છાઓ આવ્યો, બાણનો જામાત્ર.’          ૧૧
મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,
જામાત્ર શાનો, બાળકા! કોણે આપ્યું કન્યાદાન?          ૧૨
અપરાધ કીધો તેં ઘણો (લોપી) બાણાસુરની આણ;
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ.          ૧૩
જીવિતવ્યનો વિચાર શો જ્યારે પડી પેલી ચૂક?
હોય કેસરી તો હાકી ઊઠે, પણ દીસે છે જંબૂક.’          ૧૪
કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ.          ૧૫

વલણ

‘ફાળ દઉં ને અંત લઉં, હોકારો જબરો કીધો રે,
ત્યારે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં લીધો રે.          ૧૬