કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ)
આઠમું દિલ્હી
દિલ્હી દૂર નથી.
કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને.
જીતનારના મ્હેલ વસે જેને જીત્યા’તા.
કર લેનારા કબરો નીચે;
કર દેનારા રાજ્ય કરે, ને વીંચે
આંખ ક્ષમાની; ભૂલી જે વર્ષો વીત્યાં’તાં.
દિલ્હી દૂર હતું, હા, દૂર હતું એક’દા.
દિલ્હી નૂર હતું કો ક્રૂર તણું ને, હા,
ચણાવનારના નામ થકી મશહૂર હતું. પણ આ
વૃંદ-વાંસળી વાગી આજે જમનાજીને તીર
ચણનારા હાથો પર સંગીત રચી સુધીર.
સંગેમરમર જાળી જોતાં જાગી ઊઠે સ્પંદ,
ઊભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ.
જો, ફાટ્યું ત્યાં ગુંબજ શિવ!
છટક્યો ઈંડામાંથી જીવ!
સાચું! ભવ્ય હશે ખંડેરો કો’દી આ જ
જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ.
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે
—- નવી પેઢીઓ રટશે કે અવગણશે —-
એક ચરુનો નકી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે;
ભાતભાતના સિક્કા મળશે;
નહિ જડશે તાજની છાપ;
કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ.
થર પર થર ખડકાયા.
સાત વંશ તો સાત પ્રકરણે છે સપડાયા.
મહાગ્રંથ ઇતિહાસ તણો ને કોરા છે અધ્યાય.
સાત સલ્તનતો લથડી, નવને ભવિષ્ય ના દેખાય.
લૂ-ધક્કેલ્યાં પડ્યાં હાડકાં, મસ્તકહીન મિનાર.
મ્હેલાતોમાં મ્હેક માત્ર જ્યાં સૂતાં નર ને નાર.
અહીં પડ્યા ઇતિહાસ, અને ઇતિહાસી બન્ધન
વિદારવાના યત્ન. અહીં છે થનગન
અશ્વ હજાર તણાં ડગલાં જે સૂતાં ધરણી-મન.
ડુંગરનાં ધણ દોડી, ઊભરી કદમ અહીં અટકાવે.
ધરણી પડી સપાટ અહીં જ્યાં યવનો આવે.
દેશ રક્ષવા કાજ મોરચા પ્રથમ રચાતા
અહીં. ચાંદનીચોકે જાતાં.
સ્વર્ણ, સુંદરી મદિરા તરસ્યાં સો સો લશ્કર.
લોહીનાં પુષ્કર.
અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે.
અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે.
કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે.
અહીંથી ભાગ્યા કૃષ્ણ ગોપી ગોપી કંકાસે.
સ્વર્ગ અહીં છે! એમ કવિવર ધૂણતા ત્રણ ત્રણ વાર.
કળશ અહીં ભારતને ચડિયો; અહીં થયું હિન્દ ખુવાર.
અહીં મર્યા ગાંધી કે જેનાથી જીવે ભારતવર્ષ.
મુક્તિ મળી તો આગળ ધપવું એશિયાઈ ઉત્કર્ષ.
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે.
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો ન્હાનો રણમાં!
ભારત-દર્શન એક જ કણમાં!
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું.
મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું.
ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ.
દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ.
જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર;
વેપારીનાં આવે ઘોડા-પૂર;
અને કાશ્મીરી નૂર;
મીર દેશના દૂર.
સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ;
જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ;
પદવી છે, પહેરામણ છે, છે બિલ્લાં એક અનેક;
રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક,
રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર!
નવ દિલ્હીના આકાર!
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે
—- નવી પેઢીઓ રટશે કે અવગણશે
જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર —-
એક ચરુનો નકી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે;
ભાતભાતની મ્હોરો મળશે;
નહિ જડશે તાજની છાપ.
જડશે ચંદ્રક એક અનેક;
એડન
જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી:
નવેનવ દ્વીપે હતી અરબ-ઘોષણા ગાજતી:
કુરાન-કલમા પઢી, હય પરે ચઢી, કૂચતા
અસંખ્ય નરવીર, ધર્મવીર હાલકે ઝૂઝતા:
અને ચરણ આ પડ્યા વરદ, દિવ્ય, પૈગમ્બરી! મશાલ ધરી આંખમાં, ઉચરતા ખુદાની તુરી; ઝનૂની જનલોકના હૃદયપ્હાણમાં સંસ્કૃતિ તણું ઝરણ પ્રેરતા! — અહીં રમે બધે આ કૃતિ!
અહીં પુરવ-સંહિદ્વાર! શતલોક રાખી જમા મથે વિફર નાથવા પુરવ-કેશરી, કારમા રચી છલન, દાવપેચ! પણ આવશે કો’ સમા જદિ સકળ જાગશું! ગરજશુંય આ દ્વારમાં.
અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા!
કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!
અરબી રણ
ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા;
કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયાં!
દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે;
કશેય નવ ઝાંખરું—તનખલું ન લીલું લસે!
વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા,
પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો.
અને અહીં હજાર ગાઉ તક ઝાળતો એ ઝર્યો;
ક્યહીં રચત રેતીના ઢગ, ક્યહીં સૂકા ડુંગરા!
બધે નજર વિસ્તરે! અતૂટ ચક્રવાલો ચહુ
નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું!
વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી
સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી!
ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ કલ્પનાનો થતો!
માલ્ટા ટાપુ
તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને
તને જકડવા રચેલ સહુ પાશવી વેશ; ને
વહેલ નદીઓ રુધિર તણી, દંગ થાતાં ખડાં
ધડો, વિકલ મસ્તકો શરીરનાં; — તને નાથવા!
સુવર્ણ-ઇતિહાસના ઊગમથી તને લક્ષ લૈ સહસ્ર-શઢ કાફલા ઊતરતા, વળી ભાગતા; કદીક તુરકો, કદી જરમનો અને ફ્રેન્ચ કૈં! અને સકળ પાછળે બ્રિટનનાંય થાણાં થતાં!
ભૂમધ્ય જલસાગરે શરીર આપીને આ રૂડું લખેલ વિધિએ કપાળ તવ ભાગ્ય ઊંધું — કૂડું! સહુ જલધિબાલરાષ્ટ્ર તણી કૂંચી તું! — હાથમાં લઈ જગત લૂંટવા, ડળક ડોળ સૌ રાષ્ટ્રના!
રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું!
હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું!
ગીઝાના પિરામિડો 0
પૃથ્વી તણી પથ્થર-કાય તોડી મહાનદો સ્નિગ્ધ કરે વસુંધરા. રુધિરના રાગ-વિષાદ છોડી બની રહે પ્રાણ તણી પયોધરા.
તીરેતીરે આથડતા પ્રવાસી
આવી, વસી, ઠામ કરી ઠરંતા.
શરીરની ભૂખ જતાં વિકાસી
ઊંડું ઊંડાં અંતરમાં તરંતા.
અને અહીં સંભવ સંસ્કૃતિના
વિકાસ તો માનસ-વ્યાપૃતિના,
વિરાટ કો આરસની કૃતિના,
પ્રકંપ ત્યાં થાય શ્રુતિ-સ્મૃતિના!
પૃથ્વી તણા તપ્ત પ્રચંડ અંગે
મહાનદો તો લચતાં પયોધરો.
ધાવી લઈ સંસ્કૃતિ-બાળ, રંગે
વિકાસતું સર્જનનાં પડો-થરો!
ફર્યો હતો સિન્ધુ તણા કિનારે,
પુરાણથીએય પુરાણ સંસ્કૃતિ
દ્રવિડીની, સર્જનની સવારે,
ખીલી હતી; — તેની સ્મરંત વિસ્મૃતિ!
આર્યો તણી સંસ્કૃતિ-માત ભવ્ય,
કાલંદીિ ને ગંગની છાતીઓ પે
ચડ્યો હતો બાલક હું, સ્મૃતવ્ય
સ્મરી, ભરી અંતરચક્ષુઓ બે!
જીવિતનો ધન્ય ઊગ્યો સવિતા!
ત્રીજી મહાસંસ્કૃતિ-માત દર્શી!
ઈજિપ્તની ઊછળતી શી ગીતા
સમી દીઠી નાઈલ: ક્રાન્તદર્શી
નથી; છતાં ભૂત-ભવિષ્યનાં સહુ
ભેદી પડો, દર્શન અંતરે લહું!
કાંઠે જમા દંગલ રેતી કેરાં;
— પરે વળી પથ્થર દંગલો ભરી,
— આકાશનો ઘુમ્મટ ઘેરવા કરી! —
કર્યા ઊભા ભવ્ય, મહા, વડેરા
ગીઝા તણા ચાર પિરામિડો! — તૂટ્યા!
આશ્ચર્ય તો પૃથ્વી તણાં ન ફૂટ્યાં!
અને નીચે શાશ્વત સોણલામાં
સરી જવા, માનવ કોઈ સૂતાં;
મૃત્યુ તણી જીવતી કો’ કલામાં
ભળી જવા, જીવન છોડી જૂઠાં!
જાગી જશે! અંદર સોણલે પડ્યું!
બ્હીને! — કર્યો મંદ ત્વરિત ઊંટિયો.
ને આંખથી અશ્રુ ઊનું નીચે દડ્યું,
પ્રતપ્ત રેતી મહીં એ ગયું ગળી.
આ સૂર્યનો ધોમ પ્રચંડ તાપ
ભેદી શકે પથ્થર-દંગ કેમ?
મસ્તીભરી નાઈલના પ્રલાપ
પૂછી શકે અંદરના ન ક્ષેમ?
ત્યજી દઈ જીવન જૂઠડાં આ,
મૃત્યુ તણું જીવન જીવવાને
સૂતેલ જે અંદર, તે મડાં ના,
— જીવી રહ્યાં જીવતદાન દાને!
સોનારૂપા ઓપી સહસ્ર ભારે
રચી હતી ભવ્ય, વિરાટ શય્યા!
સમૃદ્ધિ રાખી સઘળા પ્રકારે,
ત્યજ્યા હતા પ્રાણ તણા બપૈયા!
સુવાસને સંઘરવા સજાનો.
પ્રદીપવા ખંડ દીવી સુવર્ણની.
અંગાંગને સાજવવા ખજાનો
સામગ્રી ત્યાં સાથ તમામ વર્ણની.
જીવિતનો સાગર પાર પામવા
સાથે લઈ હોડી અને હલેસાં
સૂતેલ, તેને મૃત કેમ માનવાં?
હશું નહીં આપણ સૌ મરેલાં?
— ખરે મને તોય અદમ્ય શંકા!
બાજી રહે છાતી મહીંય ડંકા!
નહીં! અહીં તો સઘળાં નગારાં
પડ્યાં દીસે, ગૌરવગાન પીટવા
મિથ્યાભિમાની નરપુંગવોનાં;
— ત્રિકાલના કર્ણ વિદારવા મહા!
‘અમાપ છે શક્તિ અમારી’ એવી
ચણી દીધી તો નહીં હોય ઘોષણા?
હસી રહી હોય ન દૈવદેવી
પછાડીને પથ્થરપ્હાણ તો ઘણા?
મહાન કો’ રાજવીનું, મહાન
સામ્રાજ્યનું કોઈ વિરાટ સોણલું
ઠરી ગયું; તે નહિ હોય થાન?
— ભવિષ્યના વારસે મહામૂલું?
મનેય આજે બળતા બપોરે
જાગી રહે ભીષણ એક એષણા:
બનું કદી રાજવી દૈવ-જોરે!
પિરામિડો હુંય ચણાવું સો-ગણા!
— ઊંચાઊંચા આથીય અભ્રભેદી!
અને રચું અંદર એક વેદી!
સ્મશાનથી સૌ પરમાણ ગોતી
ભેગું કરું માતનું દેહ-મોતી!
સોના તણી સાત સુવર્ણપેટી
મહીં દઉં એ દવલું લપેટી!
અને પછી હું બનીને પ્રતિમા
રક્ષી રહું વેદીની સર્વ સીમા!
ધીમે પળું હું નમણી નિશામાં!
મોના લિસાનું સ્મિત
કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો!
—વિવેચક હજારને જીવન વેડફ્યે ના મળ્યો!
સહુ ભમ્રર ભાંગશે વિકલ: બેસ, ડાહ્યો થયો :!
જરાક લવતાં શીખ્યો, જરીક પાંગર્યો, ત્યાં છળ્યો!
છતાંય વદું: લુવ્રને જીવન આપતાં હાસ્યની
પ્રતિચ્છવિ પડી હૃદે, જગ ચળાવતા લાસ્યની!
અજેય સ્મિત આ દીધું નહિ હતું તને વિન્ચીએ!
—- ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ! —
જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા,
અકારણ તને હતી કદીક ચીતરી વ્યાપવા.
પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં,
કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં!
અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી,
જરીક ઊપસેલ તે અધરનીય રેષા ઢળી.
અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા,
જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી!
ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું!
કપોત તુજ છાતીનું જરીક ઊછળીને લસ્યું!
પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં!
સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા!
નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને!
કહો, ક્યમ વિવેચકોય તણી પાસ ખુલ્લો બને?
વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો,
જરીક હસતાં રડી રચત ફિલસૂફીના થરો!
અને તુજ સ્વરૂપના ચીતરનારના માનસે
દ્વિધા
પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી,
અપાર પૃથિવી તણા સકળ પાર લેવા લડી:
ઊડી ગગન ફૂંકફૂંક નભદીપ હોલાવવા:
સરું વિતલ નાગપુત્રી વરમાળધારી થવા:
અને અહીં ખળંત આ ઝરણ, ને ઊભા ડુંગરા,
વચાળ નવપલ્લવે લચિત ઝૂંપડી, સુંદરા
પ્રતિક્ષણ પ્રતીક્ષતી-નીતરતી પીળાં પોપચે;
મૂકી સકળ કૂચવું! હૃદય જુદ્ધ ભારી મચે!
અજંપ મુજ અંગમાં; હૃદય રાગભારે ભર્યું;
જ્વલંત મુજ ભાવનારુધિર ક્યાંક થોડું ઠર્યું;
અપ્રાપ્ય સહુ પામવું: નહિય મેળવ્યું છોડવું,
વિરાટ હૃદયી થવું!-સકળ વિશ્વ જેમાં જડ્યું.
ઊઠીશ પુલકી કદીક જગ મૃત્યુનાં ખોળવા!
વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા!
સમાન્તર સુરેખ બે
સમાન્તર સુરેખ બે ઉભય આપણે વીંધતાં
જશું જીવન આપણું: સકલ પૃથ્વી પે મૂકતાં
જશું ચરણચિહ્નની અતૂટ વાધતી વીથિકા,
વિજોગ મહીંયે સમી ગ્રથિત પ્રેમની લિપિકા:
સમાન્તર સુરેખ બે ઉભય એકમેકાકુલા હું-તું સદય દોડશું વર, વિરાટ રુદ્રં, મહા, અપ્રાપ્ય સમ પામવા મહદ કાલના અન્તને: અનન્ત કદી અન્તમાં વિલીન થયા શ્રદ્ધા મને!
સમાન્તર સુરેખ બે ઉભય વેગળીવેગળી; છતાંય પથ, લક્ષ્ય ને તલપ એક: સાથે મળી અસ્પૃશ્ય સ્પર્શે અડી સકળ જંદિગી બેકલાં રહી જગત ઝૂઝશું ઉભય એકલાંએકલાં.
સમાન્તર સુરેખ બે અખિલ કાલગંગાતટે કદી નવ મળે, અડેય નહિ; તોય સારી વદે પ્રમા ગણિતશાસ્ત્ર : એય મળતી અનન્તે નકી! ખરે? ઊગમ એક: ને અગમ ભાવિ; આશા થતી!
મૂકી તુરગ મોકળા પવન-પાણી-પન્થા હવે સખી! જીવનદેવતા! ઉભય દોડશું આ ભવે કૂદંત પુરપાટ, વક્ષસ્થળ ફાટ, સાથે - જુદાં, ઊગ્યાં ત્યમ અલોપવા પ્રણયએકમે, અનન્ત મહીં જાગવા ઉભયમાં! — સૂતેલાં જુદાં!
અને જીવન વીંધતી સરિતના સમા તીર બે અસ્પૃષ્ટ — અતિસ્પૃષ્ટ, એક પથ-પાન્થ, યાત્રી બની, પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી, અનન્ત ધરી લક્ષમાં જીવનશું — સખી, કોલ દે!
10-10-’33
પુરુષ અડતો સ્ત્રીને
અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને: તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.
પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.
જરીક થડકી ઊઠી હું અણચંતિવ્યા પ્રશ્નથી:
પ્રિયા! પ્રિયતમા! કહે, ક્યમ તું આટલાં વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?
તમેય... હુંય ઉચ્ચરી, ક્યમ ન વાંસળી સાંભળી?
અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં.
સુકાન પર ટેકવી
સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની
પડાળ કરી આંખને, કમરથીય નીચે નમી,
પ્રિયે! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને;
હતી અમૂલ બે ઘડી જલધિ પાર જાવા મને.
અને ત્યહીં દીઠી ઢળેલ તવ પોપચે તોરણે
રચી નીતરતી સુધાંશુ સમ મૌક્તિકો પાંપણે,
સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું,
મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું.
સહસ્ત્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે;
અને જલધિ આ મહાન નીરખી વ્રીડા સંભવે;
હશેય અવડું, મહાન, દવલું, ઊનું આંસુડું!
રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું!
મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા!
સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા!
ઘરજાત્રા
પાર કર્યો પહેલો મહેરામણ અમુક્ત માનસ નીતરવા; ઘર લથડેલો નીચો ઝંડો પર ઓથે ઊંચો કરવા. ફૂલ મળ્યાં, આશ્વાસન પામ્યો, ના એકલ હું, સમજાયું; લડાઈ સૌની જુદી જુદી, એક થતાં સત રોપાયું. અખબારો આહ્લેક પુકારે, બીજો સમદર વીતી આવ! દોડધામની દુનિયામાં તું અનહત હિન્દી ઢોલ બજાવ! દુશ્મનના ધડાકારા વચ્ચે અહીં તહીં ગયા સાચા સૂર; રોજિંદી એ કલમે મારા ના ઊતર્યાં હૈયાનાં પૂર. ત્રીજે ટેકે રચ્યાં પુસ્તકો અર્થશાસ્ત્ર ઇતિહાસ ભરી; ચોથો દરિયો પાર કરીને પરભાષાને આપ્ત કરી. આત્મકથા સરજાવી ત્યારે જમણી મારી ફરકી આંખ; વાત અનોખી સૂણી પૂર્વની પરદેશોએ લીધો પાંખ. નવલકથા નાટક સર્જાતાં ઓળંગ્યા બે દરિયા સાથ; પરભાષામાં મળ્યાં ચુંબનો, પરભાષામાં લીધી બાથ. પરદેશણ ભર્યા જોબને પરદેશીએ માંડી મીટ; આંખ વીંચાણી એ તંદ્રામાં શિર પર ત્યાં તો ડગ્યો કિરીટ. યાત્રા કેરો અંત જણાયો, સર્વ જીત્યો એવું જ્યાં થાય; સાત સમુંદર ઓળંગેલી કવિતાની કેડી પરખાય. કમાન જેવો દેહ પાતળો, પકડું, પકડું, છટકી જાય; પકડી, આળોટ્યાં જ્યાં, નીચે સ્વભોમનું ધ્રો-ખડ પથરાય! ઊખડેલા નવ આંબા ઊગે! ઘરે ઊગેલા આભે પૂગે!
16-9-’48
બારી અનન્ત પરે
કાંચનજંઘાની જાંઘ પરે
એક ગામડામાં એક ખોરડું છે,
એ ખોરડામાં એક ઓરડો છે.
એક બારી ખરી એ ઓરડામાં;
સાંકડી બારીમાં દૃશ્ય મઢ્યું વિરાટ તણું;
કાળ અનન્ત ને સર્જન સર્વ પરે
સાંકડી બારી ડોકિયું દ્યે.
માણસ માણસને મન છે,
મગજ છે, જિગર છે.
એક માપના ઓરડા સમ.
એક માપની બારી ખરી
મનને, મગજને, જિગર પર, બધે.
કદ માનસનાં આંહીં ઘટે તો આંહીં વધે;
ક્યાં બારી પડે? —
(જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?)
લઘુતમ સાધારણ અવ્યય
અંધારાના ઢગલા જેવાં વૃક્ષો ઝૂમે બંને હાથ; વચમાં રસ્તો વળે સાંકડો, અકળાતાં રજનિની બાથ. મોટર-બત્તી તેજ કરું! પ્રકાશ-કેડી હું પ્રગટું! વેગ વધાર્યો, ઢાળ આવતાં, આગળ કો મોટર દેખાય—- સરકંતા અંધારા જેવું કાળમુખમાં લબકું જાય. મુજ બત્તીનું તેજ ઝીલી! બારી આગળ જાય ખીલી! મોટા શ્યામ ગુલાબ સરીખો અંબોડો રૂપકોર મઢ્યો. બટમોગરની ચક્ર વેણીએ તિબેટ-શાલીગ્રામ જડ્યો. અર્ધ ઊંઘમાં એ દર્શન! થાતાં સ્મૃતિઓનાં થનગન! કોણ હશે? ક્યાં જાતી આજે? ઘેર ભાઈને? કે અભિસાર? જે મુખ અંબોડાએ ઢાંક્યું, કેમ પામવો એ આકાર? એવી વેણીવાળાં કૈં કૈં મુખનો મનમાં થાય ઉચ્ચાર! વિહ્વળતા વધતાંની સાથે સુપ્ત સ્મૃતિના થર ઊખડ્યા. ધુપેલ, વેણી, સો અંબોડા, સો સો ચિત્રો ત્યાં ખખડ્યાં. અમુખને મોઢું આપું! રુઝેલ સો ભીંગડ કાપું! હશે શેવતી? — ભણતાં સાથે; બાળા? — સફર કરેલી એક; હશે આરતી? — તરવા જાતાં; આશા? — કાવ્ય સ્ફુરેલ અનેક. બીજ? — પાતળી; રાધા? —જાડી; પ્રેમી? — જેણે ના પાડી. મૂરખ, કવિ ! જો મોઢું દેવું, જગદંબા આદ્યા સર્જાવ! અંબોડે અંબોડે ગૂંથ્યા લઘુતમ શા ઈશ્વરના ભાવ! પ્રેમજોશ તો લઘુતમ અવ્યય જેનું ‘પ્રત્યેકા’ ભાજક. કવિ કને જે વિશ્વવિજય તે, સંત મને પહેલું ત્યાજક. શક્તિ સરખી, સંત, કવિની! છે મ્હોંકાણ જ્વલંત છબીની!
5-9-’50
મીણબત્તી
કયા ખૂણામાં નગર તણા આ શી ગમ મુજને થાય? વીજળી તેલ તપેલું ખાલી તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.
એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ત્રીજ
ઊંચાઊંચા પર્વત ઊભા, તળિયાહીન દરિયાવ; વચગાળેનું શૂન્ય સ્મરકતું, કરત અસ્મિતા-દાવ? ના પૂનમ, નહિ બીજ, તને કોણ સંભારે ત્રીજ? પોલ હૃદયનો ખૂંચે વાંસડો, આ કે પેલે પાર; સમીર તણી એ બંસી બનતો, ગૌરવનો આકાર; ડૂબે, ડુબાવે આધારીને, સરતા વચલી ધાર. ના પૂનમ, નહિ બીજ, તને કોણ સંભારે, ત્રીજ? એક આંકડો એકલવાયો, પાડે સર્જક ભાત; એકાંતીને કથળે જાડી. સરવાળી તાકાત. ના પૂનમ, નહિ બીજ, તને કોણ સંભારે, ત્રીજ? ‘અવગણનાથી ઝાંખી તોયે, હું છું ત્રીજની ત્રીજ!’
12-12-’52
રાતના અવાજો
નીંદરનાં બારણાં ખોલવાનો કારણે
પાંપણોને પોરવી તાળાં દીધાં;
શાંતિની જીભ શા રાતના અવાજે
અંધાર વંડીએથી ડોકિયાં કીધાં.
જોયો કો જમ ને કોળીનું કૂતરું
કૂવા કને જઈ ભસતું જતું,
હાથમાં મિલાવી હાથ કુમળા પ્રકારના
મેડી નીચે કોઈ હસતું હતું.
જેલની દીવાલ પે આલબેલ ગાજતા
અંદરના ‘ઓહ!’ સો મૂંગા રહ્યા;
ઘૂવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં
કબરોમાં કોઈ પેર આવ્યાં, ગયાં.
ગાડામાં એકલો વાસળી વગાડતો
બેકલ થવાની હોંશ ગાતો જતો;
ચીલાએ જીરવ્યા આવા અનેકને
એટલે ‘કર્રડકટ્ટ’ બળખો થતો.
રોવું, રાજી થવું, હસવું કે ભૂલવું?
સમજી શકું ન હું ને પાસાં પડું;
દિનભર સૂતેલ દિલ આળસ મરોડી
પોપચાંને તંબૂને થાતું ખડું.
શેતૂર અને પોપટ
પોપટ પઢાવી મને ભરતમુનિની વાત, ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.
ઘરઆંગણામાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ;
હાથ ફેરવી પંપાળે એ પછવાડેની વાડ.
ઉનાળો આવે ના’વે ત્યાં માણેકનો ભંડાર
લાલંલાલ ગુલાબી માલે શેતૂરનો અંબાર.
એવે ટાણે લીલાલીલા કીલકીલ કરતા હાશ!
પોપટ આવે નીલ ઘટાની વધારવા લીલાશ;
પરોઢ, સાંજે શોર મચાવે, તોડે ફળ ને પાન
તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન.
કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન
પોપટ ના’વે, ઊડી ગયા એ આપ્યા વિણ એંધાણ.
એક દફા ઓચિંતા મળતાં છેડી એણે વાત:
આપો શેતૂર રોજરોજ તો આવું દિન ને રાત!
ભૂલી ગયો હું બ્રહ્મા બનવું, મારી શું તાકાત?
— સમજાવું શેણે લાચારી? મનડું થયું મહાત.
શબ્દ વિના સંવેદન ઊંડું, એથી ગહન કરુણ
શબ્દકોશ જે પરિસ્થિતિનાં ચૂકવી શકે ન ઋણ.
પોપટે પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.
આજ મારો અપરાધ છે, રાજા!
આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર. પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય; નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય. આવશે ના! નહિ આવશે! એની ઉરમાં જાણ અમાપ; કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ?
રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર;
નેવલાં મારાં ખાળતાં ન્હોતાં અશ્રુ સર્યાં ચોધાર.
આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર;
પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર.
રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ?
ક્યારે તેં આંગળે હાથ પરોવ્યા? ક્યારે તેં પૂછ્યા ખેમ?
હોઠને તારક ટીલડી ક્યારે? ક્યારે તેં લીધ નિશ્વાસ?
કાંઈ ન જાણું કેટલી વેળા સૂંઘતો મારા શ્વાસ?
પાંપણે ઘેનના ડુંગરા બેઠા, ઇચ્છ્યા ન ઊભા થાય;
અંતરમાં પડછંદ પડ્યા તોય ત્રાટક ના સંધાય.
ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર?
જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર!
આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર;
આજ મારો અપરાધ છે, જાણું કાલનો કાળો કેર.
આવજે એવું માગવું ના, પણ એક હું માગું વેણ;
એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના કે’ણ:
જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર!
ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર!
ઝંઝારતે
જાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ! જીવની આણ જો છોડશો મારી બાથ! આજ નથી આભ હાથમાં એના તૂટતા ચાર મિનાર, ધણણ ધણણ મેઘ ધ્રબૂકે: વીજળીના ચમકાર.
ઊઠશો ના, પ્રાણ! આણ કુમારની આજ,
કાળ-ઝંઝાનાં વાગતાં ઝાંઝ-પખાજ;
વિજન કાનને વૃક્ષ થતાં ઉન્મૂલ!
તૂટતી ડાળીઓ, તૂટતાં નાળાંપુલ:
કોઈ નથી ઉડુ આભ, સુકાયાં સુરગંગાનાં નીર;
વીજની નાગણ ડંખતી આજે વ્યોમધરાનાં હીર.
આણ છે દેવની, ઊઠશો ના ભરથાર:
આજ નહિ, પ્રભુ! સાંભળો હાહાકાર,
ઊઠતો વાટથી: પૂર છૂટ્યાં પુરપાટ —
જનપદો, પૂર, ગામડાંને સસડાટ
તાણતાં સાગરમુખ ભણી જેના પેટનો ના’વે પાર:
વાયુવંટોળમાં દ્વિજગણોના સાંભળો શા ચિત્કાર!
ખોલશો ના દ્વાર, દેવ! ન ખોલશો આજ:
કાળના તાંડવતાલ ને રુદ્રનો નાચતો સાજ સમાજ.
કોઈ નથી પથ ચીંધવા આપને:
દીપ ઠર્યા સહુ વાયુના કાતિલ કાંપને:
ગોરંભને નથી જંપ, કરંત પ્રકંપ ધરા:
વ્યોમની છૂટતા બર્ફ ખરંત કરા!
છોડશો ના, નાથ! આંગણું, મારા ગર્ભની આપું આણ:
હૂંફ ત્યજો મુજ કોટિની શાને? આવજો ઝેરી બાણ
ચીરવા ઉદર, છેદવા કોચો પ્રાણ
જેમ ચીર્યા’તા પરીક્ષિતને જનની-ઉદરસ્થાન:
દીપપ્રકાશમાં નીરખ્યું એણે નારનું આખું અંગ:
છીછરી ચૂંદડી ઢાંકતી’તી એનો બીજ સમો કટિભંગ:
જેમ પ્રદીપશિખા ધ્રૂજતી ત્યમ પાંપણના પલકાર:
ધમતી છાતીએ, ઊછળે ને પડે હીરલા કેરો હાર:
શેઠ હજી ધરે સ્નિગ્ધતા એને ચાંદલા બેઉ કપોલ:
આંખમાં કાંઈ અમોલ:
ધડ કરી દ્વાર વાસતો નાઠો પાછળ નેન કરી,
દૂર જતાંજતાં માર્ગમાં સ્હેજ ફરી:
ઊછળે સાગર, વીંઝતા વાંસડા હાથ,
ડાળીઓ ઝીંકતી એકબીજાને કરવા જાણે મ્હાત
જેમ ઝીંકે ધીક આખલા ઊછળી: દૂર
આભમાં મેઘમૃદંગ ગગડતાં ક્રૂર:
સૃષ્ટિના તાંડવે એય ભળ્યો નવ સાંભર્યાં નેહના નીડ:
દીપક દ્વારનો ક્યાંય છુપાયો: વચમાં વનની ભીડ.
ઝંઝાવાત
ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! સાદ દે મ્હેરામણા! આભ ચંદરવો, ઝણે સંગીત સાગરતાર: પાનખરનાં ઓઢણાં, ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું પૃથ્વીને પગથાર: વન-ચમન ગાય હુલામણાં! સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો! સાદ દે મ્હેરામણા! મયૂર નાચે મત્ત હૈયે, આભ પંખે પાથરી; કપોત કૂજે કુંજેકુંજે પાંખમાં પાંખો વણી; આમલીની ડાળ વીંઝે વીંઝણા! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! સાદ દે મ્હેરામણા! શિરિષતરુના શુષ્ક ઘૂઘરે, અનિલ બાજે ખંજરી; સહકાર સુંદરીઓ હસી હસી, દાંત વેરે મંજરી. શાલવનનાં પર્ણ ગાય ગધામણાં! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! સાદ દે મ્હેરામણા! શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ, જીર્ણ નીછે ખરે — વિશ્વસંગીતમાં બસૂર જે, સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે! નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! સાદ દે મ્હેરામણા! નિસર્ગ નાચ્યો, શુષ્ક પર્ણ સરી પડ્યાં; પૃથ્વી નાચી, માટીના થર ઊતર્યા; વ્યોમ નાચ્યું, હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા: એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! સાદ દે મ્હેરામણા! ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં! સાગર પુકારે સાદ: સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા. ઝાડ જાગે, શુષ્ક ત્યાગે, પંખી પ્રાણી નાચતાં; પણ માનવી ધડ ધડ કરી નિજ દ્વારબારી વાસતાં. એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! સાદ દે મ્હેરામણા!
15-2-’32
પૂજારી
ઘંટના નાદે કાન ફૂટે માર, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય: ન નૈવેદ્ય તારું આ! પૂજારી, પાછો જા! મંદિરના આ ભવ્ય મહાલો બંધન થાય મને; ઓ રે, પૂજારી! તોડ દીવાલો, પાષાણ કેમ ગમે? ન પ્રેમનું ચિહ્ન આ! પૂજારી, પાછો જા! એરણ સાથ અફાળે હથોડા ઘંટ તણો ઘડનાર; દિન કે રાત ન નીંદર લેતો: (ને) નૈવેદ્ય તું ધરનાર? ખરી તો એની પૂજા! પૂજારી, પાછો જા! દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્હાર ખડી જનતા; સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહિ પથરા: ઓ તું જો ને જરા! પૂજારી, પાછો જા! માળી કરે ફૂલ-મ્હેકતી વાડી, ફૂલને તું અડ કાં? ફૂલ ધરે તું: સહવાં એને ટાઢ અને તડકા! એ તે પાપ કે પૂજા? પૂજારી, પાછો જા! ઓ રે, પૂજારી! આ મંદિર કાજે મજૂર વ્હે પથરા; લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા! અરે, તું ના શરમા? પૂજારી, પાછો જા! ખેડૂતને અંગ માટી ભરાતી અર્ધ્ય ભર્યો નખમાં; ધૂપ ધર્યો પરસેવો ઉતારી ઘંટ બજે ઘણમાં: પૂજારી, સાચો આ! પૂજારી, પાછો જા!
6-8-’29
દેવ
કંકુ ઘોળી કંકાવટીઓ બે, ચોખે ભર્યા બે થાળ; નૈવેદ્યનાં શત છાબડાં લીધાં, ફૂલ અને ફૂલમાળ: હું ને એ મંદિર ચાલ્યાં, અમારા દેવ વધાવા! ઘંટ વાગે ને શંખ ફૂંકાયે, ફોરતા ધૂપસુવાસ! ધન-સોનાના ઢગલા થાતા દેવનાં પગલાં પાસ! પ્રભુનો પ્રેમ વધાવા આવે સૌ ધન ધરાવા! હસતી એ તો દ્વારમાં પેઠી, થંભી ગયા મુજ પાદ! ઝાંઝપખાજ સહુ વીસરાયાં, આવ્યા નિશ્વાસના નાદ! મંદિરનાં દ્વાર અગાડી! સૂણું હું કકળતી નાડી! લૂલાં, ઠૂંઠાં કો દીન ભિખારી, ભૂખે પીડાતો સમાજ! ફાટ્યાંતૂટ્યાં ચીંથરાંથી ગંધાતા ઢાંકતા દેહની લાજ! ધરાના સર્વ નિસાસા! થીજી આ માનવી થાતા! કુમકુમના મેં ચાંદલા કીધા, ચોખે વધાવ્યા દીન; ભૂખ્યા દેવોને નૈવેદ્ય દીધાં, પાય પડ્યો હું હીન! બધું મેં ધન લૂંટાવ્યું! હજારોને હાથ ન આવ્યું! હળવે મેં શણગાર ઉતાર્યા, આપી દીધા અલંકાર; લૂગડાં દીધાં સર્વ ઉતારી, લાજ ન ઢાંકી લગાર: મેં તો મારા દેવ વધાવ્યા! આંસુડાં હર્ષનાં આવ્યાં! હસતી મંદિરથી નીસરી એ, સ્વસ્તિક એને ભાલ! ધૂળભર્યા મુજથી શરમાતી, હોય સ્નેહી શું કંગાલ? એના તો દેવ રંગીલા! મને તો ધૂળનાં ટીલાં! ભટકી એના દ્વારમાં ઊભો, હસતી મારે કર્મ! હુંય હસ્યો એના હાલને મીઠું, રડતાં બંને મર્મ! ભિખારી મેં ગીતડાં ગાયાં! પછાડી દ્વાર વસાયાં!
16-9-’30
મંદિર
દેવદુવારાની ગાવડી રેણુ ચરતી વગડા પાર; સાંજ નમે ને વાછરું જોતાં દૂધની છૂટે ધાર — આંચળ એના મૂઠ ન માતા: દધિના કૂપ સમાતા! આંખડી બે એની કોડિયાં જેવી, શીંગડી દીપક-વાટ; કામદુધાની બેટડી રેણુ, સંતનો ઉર ઉચાટ: ટણણણ ઘંટડી બોલે, દિશાનાં બારણાં ખોલે! કેમ થતું એ કોઈ ન જાણે, સંત રુએ દિન-રાત; દિવસ ઉપર દિવસ ચાલ્યા, વાછરુને રઘવાટ: રેણુનાં ધાવણ ખૂટ્યાં! જોગીડાનાં સત શું તૂટ્યાં! વાયરે વાયરે વાતડી ચાલી ફરક્યા કાનેકાન; વાળંદિયે વાત નૃપને કીધી, રાણીને માલણ-સાન: પાણો કો વગડા પારે! નાવડતી દૂધની ધારે! ચોરેચૌટેથી માનવ ચાલ્યાં ઊમટ્યાં ચારે જન; રાજા, રાણી બેઉ પાલખી બેઠાં, જોગીનાં ફૂલતાં મન: જંગલમાં મંગળ થાતાં! જનો હૈયેહૈયાં દળાતાં! શેવતીમાં શિવલંગિ છુપાયું, ઉપર છાતીમ-છાંય; રેણુડી મોકળે આંચળ ઊભી, દૂધની ધારે ન્હાય: ધૂતરાનાં ફૂલડાં ડોલે! બપૈયા બે ડાળીએ બોલે! લંકાદ્વીપેથી સોનાં મંગાવ્યાં, રેવાના આરસપ્હાણ; એશિયા-ઉરથી શિલ્પવિશારદ, નાંગરે આરે વ્હાણ: મહા ઘોર ઘુમ્મટ બાંધ્યાં; ધરા-આભ થાંભલે સાંધ્યાં! મધ્યમ દેશનું ઈંડું ચડાવ્યું, જાવાના ઝૂલતા ઘંટ; હીરા ખોદી શત ખાણના ચોડ્યા, વાવટા વ્યોમ ઊડંત: નવે દ્વીપ નામના ગાજે! આવે લોક દર્શન કાજે! પુર મહીં દીપમાળ રચાઈ, શેરીએ પાથર્યાં ફૂલ: માનવીથી ભરચક ઝરૂખા, ઝૂલતાં તોરણ ઝૂલ: રાજા-રાણી પાલખી કાંધે, મહીં શિવલંગિ વિરાજે! દૂર ઊભા ઊભા ઢેઢડા જુએ, કોઈ ન આવે પાસ; ભીની આંખે શિવલંગિ નિહાળે, પાથરે પથ નિશ્વાસ: ‘છી! છી!’ કરી મા’જન ભાગે: ધિક્કારના ધૂતકા ગાજે! વેદી પરે શિવલંગિ ધર્યું જ્યાં, કંપતી ધરાણી માત; ઘુમ્મટ ફાટ્યો, આભ ધ્રૂજી રહ્યું, સ્તંભ ખર્યા ધધડાટ: ચીરે સાત વ્યોમ ધડાકો! દેરે નવ દેવડો માતો! નૃપતિના બેઉ હોઠ ધરુજ્યા, આંખ ઝરે અંગાર; કંપ નહિ એની કાયમાં માતો, જીભ ધ્રૂજે ક્ષણ વાર: પાણાને ધૂળમાં રંગો! કીચડનો રચજો દંગો! કોઈ નથી ઊભું ક્યાંયે નિહાળી ધ્રૂજતો આવ્યો ઢેઢ: રાતનાં આંસુ વ્યોમમાં ફૂટ્યાં, દેવગંગાનો વેઢ: આંસુડે લંગિને ધોયું; સૂકા વાળે અંગને લ્હોયું! ઝૂંપડીમાં જ્યમ લંગિ મુકાયું ફૂટતી અમૃત વાચ— સાત નભોના ઘુમ્મટ તાણો, માયે ન તાંડવ નાચ: તોયે તારું ઝૂંપડું મોટું!
ત્યજાયાંને ઉર આળોટું!
પાપી
કોટિ કોટિ નિહારિકા ઘૂમે, કોટિ પ્રકાશના ગોળ: કોટિ પ્રકાશના ગોળ; નવલખ તારલા લોકવાણીના, સૂરજ રાતા ચોળ: એવું અંતરીખ તણાયું, અનન્તનું ગેબ ચણાયું! ટમટમે ઘર-દીવડા જેવો સૂરજ આપણો એક: સૂરજ આપણો એક; આભ-અટારીના એક ખૂણામાં, એક ખૂણામાં છેક: વળી એનું મંડળ મોટું, ગુરુ-શનિ આઠનું જોટું! આઠ ગ્રહોનાં આઠ કૂંડાળાં, એમાં કૂંડાળું એક: એમાં કૂંડાળું એક; પૃથ્વીનો મારગ પાંચમો ને આડા ચાંદના ચાંદ અનેક: એમાં પાંચ ખંડ સમાણા, પાંચેનાં અલાયદા થાણાં! પાંચમાં તો જરી એશિયા મોટું, એમાંય હિન્દુસ્થાન: એમાંય હિન્દુસ્થાન; હિન્દમાં મુંબઈ એક ઈલાકો, વાણિયાઓનું ધામ: ઈલાકે ગુર્જર વાડી, દારૂ ઓછો, ઝાઝી તાડી! ગુજરાતમાંય કચ્છની પાંખમાં, આવ્યો કાઠિયાવાડ: આવ્યો કાઠિયાવાડ; એમાંયે વળી એક ખૂણામાં, શેતરૂંજાના પહાડ: એમાં એક ગામ સંતાણું, એનું મારે કરવું ગાણું! શેતરૂંજાના ડુંગરા ડોલે, વચમાં ગાંભુ ગામ: વચમાં ગાંભુ ગામ; કાળા ભગતની લીમડીનું ઠૂંઠું, આંગળી ચીંધે તમામ: મોટી મોટી વાતમાં મારું, નાનું ગાણું લાગશે ખારું! શેતરૂંજીનાં નીર વહ્યાં જાય, ગાંભાની કોર ઘસાય: ગાંભાની કોર ઘસાય; ગામને પાદર રામદુવારે; સાંજના આરતી થાય: ફળીમાં લીમડી લૂમે, લીંબોળીનાં લૂમખાં ઝૂંમે! એક દી’ને સમે વાત રહી ગઈ, ધાર્યું ધણીનું થાય: ધાયું ધણીનું થાય; મારનારો ઉગારનારો બધું એ જ; કશું નવ જાય: કે’તાં જીભ તાળવે ચોંટે, વહે લોહી દિલમાં દોટે! સાવ હતો દિન ઊજળો ને હતો ધોમ ધખેલ બપોર: ધોમ ધખેલ બપોર; ગરમી! ગરમી! યોગ્ય હતું ટાણું કાંધ જો મારવો ચોર: બેઠું’તું રામદુવારે, હરિજન એકાકારે! નવ હતા બેઠા ભાવિક, વચ્ચે બાવાજી વાંચે પાઠ: બાવાજી વાંચે પાઠ; એક ખૂણામાં ગોદડી નાખી વાળી અદબ પલાંઠ અગ્યારમા કાળુ ભાભા, મૂછો જાણે રૂના ગાભા! કેમ થયું એ તો રામજી જાણે, છૂટ્યા વા બારેબાર: છૂટ્યા વા બારેબાર; આભમાં મેઘાડંબર ગાજ્યો વરસે મુશળધાર: ડોળું ડોળું આભ ડોળાયું, નદી મહીં ઘોડલું ધાયું! સનન સનન વીજ ઝબૂકે કાન ફૂટે કકડાટ: કાન ફૂટે કકડાટ, કોઈનાં ઊંચે છાપરાં ઊડતાં, કોઈનાં ઊડતાં હાટ: માળામાં કાગ કળેળે, ઝીંકાઝીંક ડાળીઓ ખેલે! કડડ કરતા થાય કડાકા, વીજ ઝઝૂમે શિર: વીજ ઝઝૂમે શિર; પડી કે પડશે, મરશું બાપલા! મૂંઝાયા ધારણધીર: અગ્યારેયે આંકડા ભીડ્યા, એવામાં બાવાજી ચીઢ્યા! પાપીને માથે વીજ ઝઝૂમે! (એમ)લોકની વાણી ગાય: લોકની વાણી ગાય; અગ્યારેને મારવા કરતાં સારું જો એકને ખાય. બાવાજીએ સાફ સુણાવ્યું, કોઈનેયે મન ના ભાવ્યું! સાંભળો સાચનાં વેણ સાધુજન! સૂચવું એક ઉપાય: સૂચવું એક ઉપાય; સામી ફળીમાં ડોલતી લીમડી, પંચ એ પાપણી થાય: જઈ જઈ હાથ અડાડો, પાપી શિરે વીજનો ખાડો! એક પછી એક લોક ઊઠે, ને સર્વના ધ્રૂજતા પાય: સર્વના ધ્રૂજતા પાય; અડ્યા કે ના અડ્યા એમ કરીને ચટકે પાછા ધાય: આવીને ‘હાશ!’ કરંતા, સહુ સાથે બાથ ભીડંતા. નવ જણાએ હાથ અડાડ્યા જીવ્યા નવેના નવ: જીવ્યા નવેના નવ; કાળો ભગત તો ઘરડું માણસ! બાવો કે’ જાવા ન દઉં. લીમડીએ હાથ અડાડ્યો, બાવોયે પાછો આવ્યો! કાળું કરો તમ મુખડું, કાળા! ફટ રે ભગત નામ! ફટ રે ભગત નામ! પાપી તમે નક્કી, વારો તમારો, નામ જેવાં તમ કા! સહુ ફિટકાર વહાવે, ભગતને મન ન આવે! ડૂલતા, ધ્રૂજતા, ભગત ઊઠ્યા, પોં’ચ્યા એ લીમડી પાસ: પોં’ચ્યા એ લીમડી પાસ; કડડ કરતો થાય કડાકો, સહુના અધ્ધર શ્વાસ: ભગતના રામ રમ્યા શું? પાપી કેરું પારખું તો થ્યું! સનન કરતી વીજળી આવી, દશને લીધા બાથ: દશને લીધા બાથ; કાળા થઈને કોલસા કેરા, સહુના પગ ને હાથ: જીવ્યો કાળો લીમડી કેડે, માર્યા દશ રામજી-મેડે! જાવ જદિ કોઈ પાન્થ, મુસાફર! શેતરૂંજીને તીર: શેતરૂંજીને તીર; ગાંભાને પાદર રામદુવારે થામજો ભાઈ લગીર, કદી કો બાળને જાચો!
બતાવશે થાનક સાચો.
સ્વરાજરક્ષક
ધીમે સરી શાશ્વત બ્રહ્મચારિણી ઉષા પ્રસારે ભગવી પ્રભાને; કર્મણ્યતા પાય વસુંધરાને સુધા સ્મિતે, ચેતન-દંડ-ધારિણી.
વાંછી સુખો લોક, સમાજ, સર્વનાં,
પળ્યા પ્રવાસે નિજ કર્મદંડી,
સમર્થ સ્વામી ગ્રહી ધર્મઝંડી:
સ્વરાષ્ટ્રના—પ્રેરક—મુક્તિપર્વના.
ઇચ્છ્યું મળે સ્વામી શિવાજીરાજને,
શિષ્યો થયા ચાર સમર્થ સાથ;
ધખે નભે ધોમ પ્રકાશનાથ,
સહે ગણી ધર્મ સ્વરાષ્ટ્ર — કાજને.
મધ્યાહ્નના અગ્નિ અસહ્ય વર્ષતા,
સ્વામી સૂતા શીતળ વૃક્ષછાંયે:
લળી લળી વૃક્ષ સુવાયુ વાયે:
જ્વાલા ઝરે: સ્વામી અગમ્ય હર્ષતા.
શિષ્યો ફરે ખેતર આસપાસ,
હસી રહ્યો શેલડી-વાઢ ભાળી;
પેઠા નથી કો ક્યહીંયે નિહાળી,
ચૂસી ચૂસી સાંઠ કરે ખલાસ.
ટીપે ટીપે ખેડૂત સ્વપ્રસેવે,
એ શેલડીમાં રસ મિષ્ટ પૂરે.
દેખી લીધું સર્વ ઘડીક શૂરે,
હાથે ધરી લાકડી અન્નદેવે—
ઊભા રહો બે ઘડી, ઓ હરામી!
આ શેલડીનો જરી સ્વાદ ચાખો.
દેખી ધ્રૂજે ક્રોધિત લાલ આંખો,
દોડી પૂગ્યા જ્યાંહીં સૂતેલ સ્વામી.
સ્વામી હસે છે મધુરું સુહાસ,
ખેડુ ગ્રહી લાકડી આવી ઊભો.
ચોરો બધા આ, સરદાર તું તો!
સોટા સબોડે થઈ એક શ્વાસ.
સ્વામી હસે, લાલી ચડે સુગાલમાં,
સોટા સહી થાય ગુલાલ વાંસે;
શિષ્યો ધસ્યા ખેડૂત આસપાસે,
સ્વહસ્તે સ્વામીને રાજા શિવ સ્નાન કરાવતો;
નિહાળી લાલ વાંસાને ક્રોધથી રાય કાંપતો.
કશું નથી, વત્સ! સમર્થ ભાખતા. પૂછી પૂછી રાય શિવાજી થાકતા;
કર્યા પ્રયત્નો સહુ જાય વ્યર્થ.શિષ્ય એકે કરી વાત, રાયનો ક્રોધ માય ના!
સેવકો, બાંધીને લાવો, જરીયે ઢીલ થાય ના!
કાંપી રહ્યા ક્રોધથી ઓષ્ઠ રાયના; શિવે મૂક્યું મસ્તક સ્વામીપાયમાં: શિક્ષા કરું શું હું સમર્થ આને?
હસી રહ્યા સ્વામી સુમંદ હાસ,
શિવાજી! એનું કર દાણ માફ
રાજા બની સ્તબ્ધ હુવા અવાક!
ખેડુ પડ્યો પાય સમર્થ પાસ.
બેટા, અમે સર્વ હરામ-ભક્ષક!
ડર્યો નહિ શિષ્ય સમીપ ચાર,
વડો ગણી ચોર કર્યા પ્રહાર,
સન્માન એવા તું સ્વરાજ્ય—રક્ષક!