સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 9

From Ekatra Wiki
Revision as of 12:23, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું 9

[આ કડવામાં કૃષ્ણ-સુદામાનો વિરલ સંવાદ છે. વર્ષો પછી મિત્રને મળતા કૃષ્ણ સુદામાનો દુર્બળ દેહ જોઈને તેનાં કારણો અંગે પૃચ્છા કરે છે. કૃષ્ણે પૂછેલાં કારણો લગભગ સુદામાને લાગુ પડતાં હોવાં છતાં સુદામા એક ઋષિને છાજતો ઉત્તર વાળતાં કહે છે તેમ, કહેવું હોય તો તેમને એક જ દુ:ખ છે, કૃષ્ણનાં વિયોગનું. પણ હવે કૃષ્ણ તેમને મળ્યા તેથી પોતે હૃષ્ટપુષ્ટ થઈ જશે એવું કહેતા સુદામાનું તાટસ્થ્ય અહીં સાક્ષાત થાય છે.]

રાગ-મલાર

ગોવિંદે માંડી ગોઠડી, ‘કહોને મિત્ર અમારા;
સાંભળવા આતુર છું, સમાચાર તમારા.          ગો01
શે દુ:ખે તમે દૂબળા? એવી ચિંતા કેહી?
મન મૂકીને કહો મને, મારા બાળ સ્નેહી.          ગો02

કોઈ સદ્ગુરુ તમને મળ્યો, તેને કાન શું ફૂંક્યો?
વેરાગી ત્યાગી થયા, સંસાર શું મૂક્યો?          ગો03

શરીર પ્રજાળ્યું જોગથી, તપે દુ:ખે દેહી;
તો તે કિયે દુ:ખે દૂબળા? મારા પૂર્વસ્નેહી.          ગો04

કે શત્રુ કોઈ માથે થયો, ઘણાં દુ:ખનો દાતા?
કે ઉપરાજ્યું ચોરીએ ગયું, તેણે નહિ સુખશાતા?          ગો05

કાંઈ ધાતુપાત્ર કને નહીં, આવ્યા તુંબડું લેઈ?
વસ્ત્ર નથી કાંઈ પહેરવા, મારા બાળસ્નેહી?          ગો06

કે સુખ નથી સંતાનનું, કાંઈ કર્મ દોષે?
ભાભી અમારાં વઢકણાં, તે લોહીડું શોષે?          ગો07

કે શું ઉદર ભરાતું નથી? તેણે સૂકી દેહી?
એ દુ:ખમાં કિયું દુ:ખ છે, મારા પૂર્વસ્નેહી?’          ગો08

પછી સુદામોજી બોલિયા, પ્રભુને શીશ નામી;
‘તમારું અજાણ્યું કાંઈ નથી, છો અંતરજામી.          ગો09

અમને તો દુ:ખ વિજોગનું, નહીં પ્રભુજી પાસે;
આજ હરિ હુંને જો મળ્યા, પિંડ પુષ્ટ જ થાશે.’          ગો010