અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આજ વાદળીએ આખી રાત
Revision as of 06:42, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
આજ વાદળીએ આખી રાત
કૃષ્ણલાલ શ્રીધરાણી
આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું…
નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં…
ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં; લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય…
કૃષ્ણલાલ શ્રીધરાણી • આજ વાદળીએ આખી રાત • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા