કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૩. છેલ્લો કટોરો

From Ekatra Wiki
Revision as of 06:28, 14 September 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૪૩. છેલ્લો કટોરો

ઝવેરચંદ મેઘાણી

[ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને]
છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!

સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ!

કહેશે જગત: જોગી તણા શું જોગ ખૂટ્યા?
દરિયા ગયા શોષાઈ? શું ઘન-નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો–ન લાવો!
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!

હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!
જગ મારશે મે’ણાં: ન આવ્યો આત્મજ્ઞાની!
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની!
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!

જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!

૧૯૩૧
ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધુ’ શબ્દોને સ્થાને ‘બાપુ’ ‘બાપુ’ શબ્દો સૂચવ્યા. ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી – સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે બંદર પર આ વહેચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.

“કુડીબંધ તારો અને કાગળો આવેલા તે [આગબોટમાં] વાંચવા માંડ્યા, ...મેઘાણીનો ‘છેલ્લો કટોરો’ [વાંચીને] બાપુ કહે, ‘મારી સ્થિતિનું આમાં વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’ કાવ્ય વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે... જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને — અંધારપછેડો ઓઢીને — જોયા કીધું હોય એમ લાગે છે. [મહાદેવ દેસાઈ]
(સોના-નાવડી, પૃ. ૮૫-૮૬)