સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/વડોદરા નગરી

From Ekatra Wiki
Revision as of 06:49, 4 June 2021 by ArtiMudra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વડોદરા શે’ર સાથે પુરાણી છે પ્રીત મારે,
સાત વર્ષ લગી મારો અહીં વસવાટ છે;
આજવાનાં પાણી હજી ઊછળે છે અંગઅંગ,
માંડવીની ધજાનો આ ઉરે ફરકાટ છે.
પાણી દરવાજો, ગેંડી, ચાંપાનેર, લે’રીપુરા,
એટલો આ શહેરનો અસલ વિસ્તાર છે;
અલકાપુરી ને બીજાં એવાં એવાં ઝૂમખાંઓ
પાછળથી વસેલાં તે બાવનની બા’ર છે.
માંડવીથી ડાબે હાથ ચોકસીની ઓળ, પછી
ઘડિયાળી પોળ-નાકે અંબાજી હજૂર છે;
નાકની દાંડીની સામે સીધેસીધા ચાલ્યા જાઓ,
સયાજી ઈસ્કૂલ ત્યાંથી જરાયે ના દૂર છે.
સયાજી ઈસ્કૂલ, ભાઈ, સંભારું છું સકારણ,
ભણ્યો છું હું એમાં, એનું ઋણ તો અપાર છે;
કુંભકાર જેમ જેણે ટીપણાથી ટીપી ટીપી
ઘડ્યો મારો ઘાટ, એને વંદન હજાર છે.
ભૂલું શેં શુક્કરવારી? દશેરાની ભવ્ય સ્વારી?
અગ્ગડ, અખાડા અને સંગીતની ગુંજને?
બળતા બપોર સમી ભવરણવાટ વિષે
સદાય હરિત રાખે હૈયાકેરી કુંજને.
નગર પિયારા! તારે પ્રાણ હજી સ્ફુરી રહ્યા
પ્રેમાનંદી માણતણા રમ્ય રણકાર છે,
દયારામ-નગરી ડભોઈ નથી દૂર, એની
ગરબીના સૂર ઉર પૂરે ઝણકાર છે.
શરદની રાતે અહીં પોળતણા ચોકઠામાં
સરખી સાહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે,
કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો
મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી,
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે;
સભાની અદબ રાખી, વાણીને લગામ કરું,
કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.
લલિત લાજાળુ નાર તણાં શાં કરું વખાણ?
રસોઈની વાનીમાંયે એવી હોશિયાર છે,
અરધીક પોળ લગી મચી જાય છીંકાછીંક
એવો એનો ટેસદાર દાળનો વઘાર છે!
અહીંની અનેક પોળ મહીં ઘર ભાડે રાખી,
ખટ માસે બદલતા, રસિક એ વાત છે;
મંડળી અમારી ઘર ગોતવાને ઘૂમે ત્યારે
ગુસપુસ બોલે લોક : ‘જુદી આ જમાત છે!’
‘ખાલી ઘર છે કે અહીં?’ પૂછતાંની વાર, જોઈ
દીદાર અમારા સામો સવાલ પુછાય છે :
‘કુંવારા કે પરણેલા?’ ઠેર ઠેર એની એ જ
શંકાભરી નજરોની મોકાણ મંડાય છે!
નાયક ટોળીનો થઈ ઠાવકો ભજાવે વેશ :
‘ઘરવાળાં પિયરમાં, થોડા દીની વાર છે.’
લખ્ખણ અમારાં જોઈ, ગાજી ઊઠે લોકનાદ :
પોળમાંથી કાઢો, આ તો વાંઢાની લંગાર છે!
રાજમે’લ જોવા જતાં પાવલી ખટાવી અમે
પલંગમાં પોઢવાની કરી લેતા પેરવી;
મ્યુઝિયમ જોવા જતાં નજર ચુકાવી અમે
આરસની સુંદરીને હાથ લેતા ફેરવી.
કાચના પિયાલા અમે રોશનીમાં ચોરી લીધા,
ગ્રંથાલયે ઘૂસી જઈ ફોટા ફાડી લીધા છે;
થાંભલે ચડીને ગોળા વીજળીના ગેપ કીધા,
એવાં એવાં કામ અમે બાહોશીનાં કીધાં છે.
કોને યાદ કરું? કોને વિસારું? કિતાબ થાય
એકથી સવાયા એક એટલા પ્રસંગ છે;
અધ્યયનકાળ મારો વીત્યો જે લાખેણો અહીં,
નમૂનાનાં બતાવ્યાં મેં એક-બે આ નંગ છે.
[ટૂંકાવીને]