સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મેરી વિલાર્ડ/નાતાલનાં રમકડાં

From Ekatra Wiki
Revision as of 11:47, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાતાલની આગલી રાતે ઘણા દેશનાં બાળકો હરખઘેલાં બની જાય છે. એવી માન્યતા છે કે સાંટા ક્લોઝ એ રાતે ઘરેઘરના છાપરા પરના ધુમાડિયામાંથી અંદર ઊતરીને ડાહ્યાંડમરાં બાળકો માટે રમકડાં અને બીજી ભેટ-સોગાદો મૂકી જાય છે. સાંટા ક્લોઝ દંતકથાનું એક પાત્રા છે. બેઠી દડીના, ખુશમિજાજી, ફાંદાળા ને લાંબી ધોળી દાઢીવાળા દાદા તરીકે એમને વર્ણવવામાં આવે છે. એ રાતાં લૂગડાં પહેરે છે, ને તેની કિનારીઓ સફેદ હોય છે. દંતકથા મુજબ ઉત્તર ધ્રુવના હિમપ્રદેશમાં એમનું ઘર છે, ત્યાંથી નાતાલની આગલી રાતે એ નીકળી પડે છે. એને ખભે રમકડાં ભરેલો એક મોટો થેલો હોય છે. આઠ આઠ કાળિયાર જોડેલી એમની બરફગાડી હવામાં ઊડતી આવે છે. બધાં ઘરનાં બાળકો નાતાલને આગલે દિવસે નાતાલ-વૃક્ષને શણગારવામાં સામેલ બને છે, ઘરના ધુમાડિયાને નીચલે છેડે પોતાનાં ખાલી મોજાં ટિંગાડી રાખે છે, જેથી સાંટા ક્લોઝ તેમાં એમને માટે રમકડાં મૂકી જઈ શકે, અને પછી વહેલાં વહેલાં ઊંઘી જાય છે. ઘણાં બાળકો તો સાંટા ક્લોઝ માટે કેકનું મીઠું બટકું, સફરજનનો કટકો કે એકાદ સેન્ડવિચ પણ ત્યાં મૂકતાં હોય છે! કેટલાંક વળી મીણબત્તી સળગાવીને બારીના કાચ પાસે રાખે છે, જેથી સાંટા ક્લોઝને એમનું ઘર ઝટ જડી જાય. અંતે બાળકો પોઢી જાય ત્યાર પછી ઘરનાં વડીલો જ બાળકો માટે લાવી રાખેલી ભેટો છાનાંમાનાં પેલાં મોજાંમાં કે ઘરમાં સજાવેલાં નાતાલ-વૃક્ષ તળે મૂકી દે છે. નાતાલની વહેલી સવારે ઊઠતાંની સાથે જ છોકરાં ધુમાડિયા તળે પહોંચીને શોધવા લાગે છે કે સાંટા ક્લોઝ એમને માટે શી શી ભેટ મૂકી ગયા છે. સાંટા ક્લોઝની ભેટ વિનાનું કોઈ ગરીબ બાળક પણ રહી ન જાય તેવી કોશિશ અમેરિકામાં કેટલીક સંસ્થાઓ કરે છે. નાતાલ અગાઉ અઠવાડિયાંઓ સુધી મથીને, ઉઘરાણાં કરીને તેમાંથી ખરીદેલાં રમકડાં ગરીબ કુટુંબોમાં પહોંચાડી આવનારા એ લોકો ‘સાંટાના સાથીઓ’ તરીકે ઓળખાય છે. સંતાડી રાખેલાં એ રમકડાં ગરીબ માબાપો નાતાલની સવારે પોતાનાં બાળકોને એમ કહીને આપે છે કે સાંટા ક્લોઝ એમને માટે તે મૂકી ગયા છે. અમેરિકાના આવા ‘સાંટાના સાથીઓ’માં સહુથી વધારે ઉદ્યમી કદાચ ત્યાંના બંબાવાળાઓ હશે. એ દિશામાં એમની પ્રવૃત્તિની શરૂઆત ૧૯૪૧માં અણધારી રીતે થયેલી. તે દિવસે અમેરિકાને આથમણે કાંઠે આવેલા પોર્ટલેંડ શહેરના એક બંબાખાનામાં એક બાળક આંસુભરી આંખે પોતાની નાની રેંકડાગાડી લઈને આવ્યો. ગાડી ખોટકાઈ ગઈ હતી તે ચાલુ કરી દેવાની વિનંતી તેણે એક બંબાવાળાને કરી. બધા દેશોની માફક અમેરિકામાં પણ, ક્યાંય આગ ન લાગી હોય ત્યારે બંબાવાળાઓ નવરા બેઠા છાપાં-સામયિકો વાંચે, ગંજીપાની કે બીજી રમતો રમે અથવા પોતાનાં પરચૂરણ કામ પતાવે. એવી નવરાશવાળા બે બંબાવાળાએ મળીને બાળકની ગાડી સમી કરી દીધી, એનાં પૈડાંમાં તેલ પૂર્યું અને પોતાના બંબા માટેના રાતાચોળ રંગ વડે ગાડીને રંગી આપીને જાણે નવીનકોર હોય તેવી કરી આપી. બાળક તો ખુશખુશાલ થઈ ગયો. પરોપકારના આવા કામની વાતને પ્રસરતાં શું વાર લાગે? એટલે વળતા શનિવારે એ બંબાખાના સામે આવીને ૨૦ છોકરાંનું એક ટોળું ઊભું રહ્યું. દરેકના હાથમાં પોતાનાં જૂનાં ભાંગલાં-તૂટલાં રમકડાં હતાં. બંબાવાળા પાસે તેની મરામત કરાવી, રંગાવી, નવાં જેવાં બનાવીને પોતાથી નાનાં બીજાં બાળકોને નાતાલની ભેટ તરીકે આપવાની એમને હોંશ હતી. વાત સાંભળીને બંબાવાળા તો આભા જ બની ગયા. પણ બંબાખાતામાંથી બાળકોની શ્રદ્ધા ઊડી જાય, એવું તો એમનાથી કાંઈ થાય જ નહીં ને?! એટલે એ તો બાંય ચડાવીને કામે લાગી ગયા. પોતાની આ નવીન કામગીરી માટે બંબાવાળાઓ કંઈક મગરૂરી પણ અનુભવવા લાગ્યા. એટલે પછીને વરસે નાતાલના આગલા મહિનાઓમાં મફત રમકડાં-મરામતનો ધંધો એમણે જરા મોટા પાયા ઉપર ઉપાડ્યો. અને થોડા વખતમાં તો એ ‘ટોય એન્ડ જોય મેર્ક્સ’ — રમકડાં ને આનંદના ઉત્પાદકો તરીકે ઓળખાવા લાગ્યા. ધીમે ધીમે આ પ્રવૃત્તિ દેશભરના બંબાવાળાઓમાં પ્રસરી ગઈ.