કુંવરબાઈનું મામેરું/કડવું ૭
[ ઉપર ‘વિકરાળ’ અને ‘ફાળ’નો પ્રાસ જોયો ને? હવે, ડઘાઈ ગયેલી કુંવરબાઈની હતાશા એનામાં ‘... મારે સીમંત શાને આવ્યું રે’ એવી વેદના પ્રગટાવે છે, પણ પછી પિતાની શ્રદ્ધા એનામાં વિશ્વાસ જગાડે છે. નરસિંહ તો કહે છે : ‘ ...એ કરશે પ્રતિપાલ રે...’ આ પ્રભુશ્રદ્ધા જ ‘ડોશીએ ડાટ વાળ્યો રે’-નો જવાબ છે.]
(રાગ સારંગ)
‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે;
વડસાસુ વેરણ થઈ, મારો હરખ હૈયાનો ટાળ્યો રે. ડોશીએ૦ ૧
મીઠાંવચની ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે;
પરમારથ થઈને પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી રે.’ ડોશીએ૦ ૨
કાગળ લેઈ કુંવરબાઈ આવ્યાં પિતાજીની પાસે રે;
‘વડસાસુએ વિપરીત લખાવ્યું, પિતાજી! શું થાશે રે? ડોશીએ૦ ૩
લખશરીથી નવ પડે પૂરું એવું તો એણે લખાવ્યું રે;
સાધુ પિતાને દુખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે? ડોશીએ૦ ૪
સહસ્ર મહોર સોનાની લખાવી, વસ્ર તણું નહિ લેખું રે;
તાતજી! હું તમારી પાસે કોડી એક ન દેખું રે. ડોશીએ૦ ૫
પિતાજી! તમો ગામ પધારો, આંહી રહે ઇજ્જત જાશે રે.’
મહેતોજી કહે : ‘પુત્રી મારી! રહેજો તમો વિશ્વાસે રે. ડોશીએ૦ ૬
શામળિયો નહિ અવસર ભૂલે, તું કાં આંસુ પાડે રે?
દામોદરજી નથી દોહિલો, નહીં કારજ કાઢે રે? ડોશીએ૦ ૭
કુંવરી મારી! ઘેર પધારો, એમાં આપણું શું જાશે રે?
જો મોસાળું હરિ નહીં કરે, તો ઉપહાસ એહનો થાશે રે. ડોશીએ૦ ૮
પાંચાલીને પટકૂળ પૂર્યાં નવસેં ને નવ્વાણું રે;
એ રીતે મોસાળું કરશે, થાવા દે ને વહાણું રે. ડોશીએ૦ ૯
વિશ્વાસ રુદિયામાં રાખો, છો વૈષ્ણવનાં બાળ રે;
આપણું તે પ્રતિપાલન કરશે તાત ય્રિભુવનપાળ રે.’ ડોશીએ૦ ૧૦
હૈડે હેત દીકરીને આવ્યું સુણી તાતની વાણી રે;
કુંવરબાઈ ફરી મંદિર આવ્યાં વિશ્વાસ ઉરમાં આણી રે. ડોશીએ૦ ૧૧