સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનભાઈ શં. પટેલ/સર્જનકર્મની સખી

From Ekatra Wiki
Revision as of 13:09, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહાકવિ ભવભૂતિ વિરચિત ‘ઉત્તરરામચરિતમ્’નો અનુવાદ ૧૯૫૦માં શ્રી ઉમાશંકર ગુજરાતને આપે છે. અનુવાદ માટેનો એમનો ખંત નોંધપાત્ર છે. ‘ઉત્તરરામચરિત’ અનુવાદ પ્રગટ થયા પછી પણ અનુવાદને મઠારવાની તક એમણે જતી કરી નથી. અનુવાદને તો મઠાર્યા કરવો જ પડે, સાચા અનુવાદકને ધરવ જ ન થાય એવું આ કામ છે. કાકાસાહેબે ‘સદ્બોધશતકમ્’માં ભર્તૃહરિની કૃતિઓના અનુવાદ નિમિત્તે શ્રી મહાદેવભાઈનો મત ટાંકતાં કહ્યું છે: “ગાય જેમ પોતાના વાછરડાને ચાટી ચાટીને રૂપાળું કરે છે, તેમ ભાષાંતર પણ રૂપાળું કરવાનું હોય છે.” કાકાસાહેબ સમજાવે છે કે “શુદ્ધ અનુવાદ કર્યા પછી અનુવાદકે મૂતિર્કારની પેઠે એને મઠારવો જોઈએ.” શ્રી ઉમાશંકરે, એમના કહેવા પ્રમાણે, ‘આત્મશિક્ષણ અર્થે કાલિદાસ-ભવભૂતિને ચરણે બેસવાની’ ઇચ્છા કરી છે. એમના અનુવાદ-કર્મનું એમણે કરેલું વર્ણન રસ પડે તેવું છે: “ ‘ઉત્તરરામચરિત’નો અનુવાદ, બલકે અનુવાદનું ડોળિયું, તૈયાર કરવામાં પંદર દિવસથી વધારે સમય ન લાગ્યો. પણ પછીથી મેં જોયું કે એ પંદર દિવસમાં મેં મારે માટે પૂરતી મુશ્કેલી ઊભી કરી છે. તે પછીનાં ત્રણ વરસમાં મેં એ અનુવાદ સુધાર્યો-મઠાર્યો, ફરી લખ્યો, ફરી મઠાર્યો, વળી રંદો ફેરવ્યો,—કાંઈ નહીંં તો સાત કરતાં વધારે વખત એ અનુવાદમાં વળી વળીને હું ગૂંથાયો. અને તેમ છતાં મુદ્રણકાર્ય ચાલતું હતું ત્યારે પણ ક્યાંક કોઈક છટકી ગયેલી ભૂલ પકડાઈ જતાં આવા કાર્ય માટેના મારા અધિકારની શંકાનું તીવ્ર ભાન મને વારંવાર થયું છે. મહાકવિ પાસેથી શીખવાની મારી ઇચ્છા ખરે જ મેં કલ્પ્યું હશે તે કરતાં પણ વધુ ગંભીર અર્થમાં ફળીભૂત થઈ છે એમ કહી શકું.” શ્રી ઉમાશંકરને મન અનુવાદ-પ્રવૃત્તિ એમના સર્જનકર્મની સખી જેવી છે—બીજું જાણે કે એમનું હૃદય.