સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ તન્ના/સાહિત્ય પરિષદ શતાબ્દીએ

From Ekatra Wiki
Revision as of 09:32, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઘણી વખત એવી ટકોર કરવામાં આવે છે કે વેપારી માનસ ધરાવતી ગુજરાતી પ્રજાને સાહિત્ય-કળા આદિમાં ખાસ રસ નથી. ભલે, દેશના કેટલાક પ્રદેશોની પ્રજા જેટલી સાહિત્ય-કળામાં રસ-રુચિ ગુજરાતીઓમાં ન હોય, પણ વેપાર કરતાં કરતાં પણ ગુજરાતીઓ સાહિત્ય-કળાનું સંવર્ધન કરતા રહે છે. ગુજરાતની એક ટોચની સાહિત્યિક સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાના આરે છે, એ બાબત ગવાહી પૂરે છે કે ગુજરાતીઓ સાહિત્યનું મહત્ત્વ જાણીપ્રમાણી રહ્યા છે. સમૂહ માધ્યમો વ્યાપક અને પ્રભાવક બન્યાં હોય અને લોકોને ટેલિવિઝન, કોમ્પ્યુટર ને સંચાર માધ્યમોનું ઘેલું લાગ્યું હોય ત્યારે કોઈ પણ સાહિત્યિક સંસ્થાનું કામ કપરું બને. લોકોની સાહિત્ય અને વાચનમાંથી રુચિ ઓછી થતી હોય ત્યારે સાહિત્યિક સંસ્થાએ સામા પૂરે તરવાનું બને. આવી સ્થિતિમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સાહિત્યના જતન અને સંવર્ધનની પોતાની જવાબદારી અદા કરી રહી છે. આ સંસ્થાનો સ્થાપક તો, જેની પચ્ચીસી પણ પૂરી નહોતી થઈ તેવો એક યુવાન હતો. તેનું નામ રણજિતરામ વાવાભાઈ મહેતા. અમદાવાદની ગુજરાત કૉલેજમાં એ ભણતો ત્યારે કૉલેજના ધ સોશિયલ ઍન્ડ લિટરરી એસોસિયેશન નામના મંડળનો મંત્રી હતો. એ મંડળે સાહિત્યકારોની જયંતીઓ ઊજવવાનું શરૂ કર્યું હતું. આ મંડળ પછીથી બની ગુજરાત સાહિત્ય સભા. પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક આ સંસ્થા દ્વારા અપાય છે. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયું. પરિષદના અધિવેશનની યોજનાના મુસદ્દામાં જણાવાયું હતું : “આપણાં સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય શી રીતે ઉપજાવવું, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓનાં કર્તવ્યાકર્તવ્ય નક્કી કરવાં, તેઓ આપણા પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકે એ વિચારી રાહ દાખવવો, આપણી પ્રજાનો ઉત્કર્ષ થાય તે માટે પરિષદે પ્રજાને જાગ્રત કરવી અને કર્તવ્ય આચરવા પ્રેરવી.” ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશન પછી મરાઠી, ૧૯૦૭માં બંગાળી અને ૧૯૦૯માં હિન્દી સાહિત્ય સંમેલનનો પ્રારંભ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું બીજું અધિવેશન ૧૯૦૭માં મુંબઈમાં અને ત્રીજું ૧૯૦૯માં રાજકોટમાં ભરાયું હતું. ૧૯૨૧માં વડોદરામાં યોજાયેલા ચોથા અધિવેશનની ત્રણેય દિવસની બેઠકમાં મહારાજા સયાજીરાવે હાજરી આપી હતી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રણજિતરામે માત્ર ૩૫ વર્ષની વયે વિદાય લીધી. સાહિત્ય પરિષદ સાથે તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. બાર વર્ષ સુધી તેમણે સંસ્થાને તેમના જીવનથી છૂટી પાડી નહોતી. તેમની હયાતીમાં યોજાયેલાં પાંચેય અધિવેશનો માટે તેમણે સતત પરિશ્રમ કર્યો હતો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું. તેઓ ૧૯૫૫ સુધી પરિષદના સુકાની રહ્યા. ૧૯૫૫માં નડિયાદમાં યોજાયેલા પરિષદના ૧૯મા અધિવેશને ગુજરાતનું ધ્યાન ખેંચ્યું. કનૈયાલાલ મુનશીએ પરિષદ પર એકહથ્થુ કબજો જમાવી દીધો છે, તેવી વ્યાપક ફરિયાદ થતી હતી. ઉમાશંકર જોશી વગેરે સાહિત્યકારોએ આ અધિવેશનમાં કનૈયાલાલ મુનશી સામે અવાજ ઉઠાવ્યો. એમને લાગતું હતું કે પરિષદનું બંધારણ લોકશાસનની પ્રણાલિકાઓને અનુરૂપ નથી. પરિષદના પ્રમુખ કનૈયાલાલ મુનશીએ સમય પારખીને વિરોધ પ્રદર્શિત કરનારા સાત લેખક-પ્રતિનિધિઓ સાથે ચર્ચાવિચારણા કરીને પરિષદનું બંધારણ સુધારવા માટે એક સમિતિની નિયુક્તિ કરી. એ પછી નવું બંધારણ થયું અને પરિષદનું કાર્યાલય મુંબઈથી અમદાવાદ આવ્યું. નવું બંધારણ અમલમાં આવ્યા પછી પરિષદનું પહેલું અધિવેશન અમદાવાદમાં ભરાયું. નવજન્મ પામેલી પરિષદ માત્ર શહેરો પૂરતી સીમિત ન રહે તે માટે દર બે વર્ષે ગ્રામીણ વિસ્તારમાં જ્ઞાનસત્રાનું આયોજન કરવાનું વિચારાયું. એ રીતે અધિવેશન દર બે વર્ષે શહેરમાં અને જ્ઞાનસત્રા દર બે વર્ષે નગરોમાં યોજાય છે. કરાંચી, નવી દિલ્હી, કલકત્તા, મદ્રાસ, હૈદરાબાદ, પૂના, કોઈમ્બતૂર વગેરે સ્થળોએ પરિષદનાં અધિવેશનો થયાં છે. ૧૯૫૫ પછી પરિષદે પ્રકાશન પ્રવૃત્તિ અને સમૃદ્ધ પુસ્તકાલય શરૂ કરવાનું વિચાર્યું. સંમેલનો પ્રસંગે નિબંધવાચન ઉપરાંત પુસ્તકો અને સામયિકોનાં પ્રદર્શનો, મુશાયરા જેવાં અન્ય અંગો પણ વિકસતાં જતાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના વિશાળ ભવનને ‘ગોવર્ધન ભવન’ નામ અપાયું છે. પરિષદના પરિસરમાં ૩૦૦ બેઠકોવાળું અદ્યતન રા. વિ. પાઠક સભાગૃહ છે. પરિષદે અનુવાદ કેન્દ્રની સ્થાપના કરી અને તેના ઉપક્રમે શ્રેષ્ઠ ગુજરાતી કૃતિઓ અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં અવતરે તેવો ઉપક્રમ શરૂ કર્યો છે.