ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર અંગ્રેજી પ્રભાવ

From Ekatra Wiki
Revision as of 10:39, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગુજરાતી સાહિત્ય પર અંગ્રેજી પ્રભાવ: ગુજરાતી સાહિત્ય પર અર્વાચીન – આધુનિક કાળમાં જે વિદેશી સાહિત્યના પ્રભાવ છે તેમાં અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ સૌથી મહત્ત્વનો છે. અંગ્રેજી શિક્ષણ, સાહિત્ય, ભાષા અને શાસનના સંપર્ક પછી જ જેમ એક પ્રજા તરીકે નવસંચાર થાય છે તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો નવે રૂપે આરંભ થાય છે. અલબત્ત આ પ્રભાવ ગુજરાતના પારસીઓએ પહેલો ઝીલ્યો હતો. અંગ્રેજોનો મુખ્ય ફાળો કેળવણીની નવી સંસ્થાઓ સ્થાપવામાં અને મુદ્રણયંત્રો લાવવામાં છે. ૧૮૩૫માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. ૧૮૪૮માં એ. કે. ફોર્બ્સે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપી. ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. નવલરામ, નંદશંકર, મહીપતરામ વગેરે પાશ્ચાત્ય શિક્ષણ પામેલા સાહિત્યકારો છે. કવિ દલપતરામ તો ફોર્બ્સની વર્નાક્યુલર સોસાયટી સાથે તેમજ હોપ વાચનમાળા સાથે જોડાયેલા હતા. ભારતીય સાહિત્યમાં અને ગુજરાતી સાહિત્યમાં મોટું પરિવર્તન લાવનાર પરિબળ આ રીતે અંગ્રેજી સાહિત્યનું છે. આપણે ત્યાં મધ્યયુગમાં પદ્યના પ્રકારો હતા. એમાં મધ્યયુગીન બોધ – ભક્તિ વગેરે મુખ્ય હતા. અંગ્રેજી પ્રભાવથી વિધવિધ ખેડાણો થયાં, અને અર્વાચીન બોધ પ્રકટ થયો. ગદ્ય વિકસિત થતાં આપણી તળભૂમિની આવશ્યકતા પ્રમાણે નવલકથા, નાટક, આત્મકથા, પત્રકારત્વ, ભ્રમણવૃત્ત, વિવેચન વગેરે સ્વરૂપો વિકસવા લાગ્યાં. કવિતા ક્ષેત્રે દલપતરામ ભલે સીધા અંગ્રેજી કવિતા સાથે નહિ, પણ અંગ્રેજ (એ.કે.) ફાર્બ્સના સંપર્કમાં આવે છે, અને તેને પરિણામે ફાર્બ્સના દેહાંત પછી ૧૮૫૬માં ‘ફાર્બસ વિરહ’માં કરુણપ્રશસ્તિનો પ્રકાર લાવે છે. તેમણે ‘લક્ષ્મી’, ‘નાટક’(૧૮૫૦), મૂળ ગ્રીક નાટક ‘પ્લુરસ’ની વાર્તા મિત્ર ફાર્બ્સ પાસેથી સાંભળીને લખેલું છે. અર્વાચીનોમાં આદ્ય ગણાતો કવિ નર્મદ તો, મુંબઈ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં અંગ્રેજી અધ્યાપકોના હાથે ભણી તૈયાર થાય છે. નર્મદના ‘નર્મ કવિતા’(૧૮૫૮)માંનાં પ્રકૃતિકાવ્યો, આખ્યાનકાવ્યો, સ્વેદશપ્રેમનાં કાવ્યોનો આત્મલક્ષી વળાંક અંગ્રેજી કવિતાના પ્રતિમાન પરથી આવેલો છે. સાચી કવિતા ઊંડી સંવેદના કે હૃદયના સાચા જુસ્સામાં રહેલી છે. એવી હેઝલિટે સૂચવેલી કવિતાલેખનની રીતિ અંગ્રેજી સાહિત્યને આધારે જ નર્મદે ગુજરાતીમાં પ્રચલિત કરી છે – વર્ડ્ઝવર્થની કાવ્યોત્પત્તિ વિશેની અંત:સ્ફુરણા પરનો ઝોક પણ આ કાવ્યભાવના અંતર્ગત રહેલો છે. અંગ્રેજી રીતિનું મહાકાવ્ય રચવા મહાછંદ – બ્લેન્કવર્સની આવશ્યકતા નર્મદે જોઈ, અને પોતાની રચનામાં વીરવૃત્તનો પ્રયોગ પણ કર્યો. ૧૮૮૭માં નરસિંહરાવની ‘કુસુમમાળા’ પ્રકટ થાય છે ત્યારે અંગ્રેજી રોમાન્ટિક કવિઓની કવિતાની વિશેષે ‘ધ ગોલ્ડન ટ્રેઝરી’ની ભૂમિકા હોય છે – ઓગણીસમી સદીના અંતમાં અંગ્રેજી સૉનેટના જેવી સૉનેટરચનાઓ બ. ક. ઠાકોર લઈ આવે છે. ‘ચિંતનોર્મિકાવ્ય’ની તેમની વિભાવના પણ અંગ્રેજી પ્રભાવ હેઠળ ઘડાયેલી છે. કવિ વર્ડ્ઝવર્થની ‘ટિન્ટર્ન એબી’ અને બ. ક. ઠાકોરનું ‘આરોહણ’ (૧૯૯૦) તપાસીએ તો બંનેમાં ઘણું જ સામ્ય જોવા મળે છે. પોતાની અગેય પ્રવાહી પદ્યરચનાઓમાં તેમણે અંગ્રેજી બ્લેંકવર્સનો આદર્શ લીધો છે, અને પ્રવાહી, અગેય પૃથ્વીછંદમાં કાવ્યો રચ્યાં છે. ‘લિરિક’ પુસ્તકમાં તે ઊર્મિકાવ્યની અંગ્રેજી વિભાવનાને સ્પષ્ટ કરે છે. નાનાલાલે પોતે જ કહ્યું છે તેમ ‘પ્રોમિથિયસ અનબાઉન્ડ’ જેવાં પદ્યનાટકોમાંથી તેમની ડોલનશૈલી માટે પ્રેરણા લીધી છે. ઉમાશંકર જોશીના કાવ્યપ્રયોગોમાં અને પદ્યનાટકોમાં અંગ્રેજી કવિતા તેમજ કવિ એલિયટની વિવેચનાની અસર જોવા મળે છે. ગુજરાતી કવિતામાં પ્રતીકવાદી અને કલ્પનવાદી બંને આંદોલનોની યુગપત અસર એલિયટને કારણે છે. ઉમાશંકરની કેટલીક કવિતામાં વિચ્છિન્નતાનો ભાવબોધ અને ઉલ્લેખો જોડવાની કાવ્યરીતિ છે તો, નિરંજન ભગતના નગરજીવનનાં કાવ્યોમાં આધુનિકતાનો ભાવબોધ છે. નગરમાં રહેતાં જ ‘હૉલોમેન’ મળ્યાં તે પણ એલિયટના અને પાશ્ચાત્ય પ્રભાવથી. સુરેશ જોષી અને ગુલામ મોહમ્મદ શેખ – બંનેએ અંગ્રેજી તેમજ પાશ્ચાત્ય કવિતાના સંસ્કારો ઝીલ્યા છે. સુરેશ જોષીમાં નિર્વેદ, વિષાદના ભાવો છે, તેને પ્રકટ કરવા તેઓ જે વ્યંગ્યનો આશ્રય લે છે, તે એલિયટની જાણીતી કાવ્યરીતિ છે. તેઓ આક્રોશને ઉચ્ચ સ્વરે નહિ; વ્યંગ, કટાક્ષ, વિનોદ કે વિરોધાભાસથી પ્રકટ કરે છે – પછીની કવિઓની પેઢીમાં પણ આ પ્રભાવ દાયકા સુધી વર્તાય છે. ગુજરાતીમાં નવલકથાનું સ્વરૂપ તે સંપૂર્ણપણે પાશ્ચાત્ય દેણ છે. નંદશંકરે રસેલ સાહેબના કહેવાથી વૉલ્ટર સ્કૉટના આદર્શ પર ‘કરણઘેલો: ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા’ ૧૮૬૭માં લખી; અને પછી તો ૧૮૮૭માં ગોવર્ધનરામ ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાકાય નવલકથા લઈને આવે છે. નવલકથાની પ્રસ્તાવના અંગ્રેજીમાં છે. એમની ચિંતનશીલતા જે સમગ્ર નવલકથામાં વ્યાપ્ત છે, તેમાં અનેક અંગ્રેજી સર્જકો – વિચારકો રસાઈ ગયા છે, આ અનુકરણ નહિ, પણ એક સાહિત્યનો બીજા સાહિત્ય પરનો સર્જનાત્મક પ્રભાવ છે. ગુજરાતી ઐતિહાસિક નવલકથામાં વૉલ્ટર સ્કૉટની અસર હેઠળ અસંભાવ્ય ઘટનાઓ, કૌતુક, રહસ્ય વગેરે જોવા મળે છે. તે romances કહેવાય છે. અંગ્રેજી સાહિત્યમાં આવતાં સ્વરૂપપરિવર્તન સાથે ગુજરાતીમાં પણ એના પ્રભાવથી પરિવર્તન આવતાં ગયાં છે. ગુજરાતીમાં ૧૯૬૦ પછી જેમ્સ જોય્સની ચેતનાપ્રવાહની રચનારીતિથી લખાયેલી નવલકથાથી પ્રેરાઈને એ પ્રકારની નવલકથાઓ પ્રકટ થાય છે. જેમકે રાધેશ્યામ શર્માની ‘ફેરો’ કે મુકુંદ પરીખની ‘મહાભિનિષ્ક્રમણ’. નવલકથાની જેમ વાર્તાનું સ્વરૂપ પણ વિદેશી વાર્તાકારોની વાર્તાના પ્રતિમાનને અનુસરે છે. અંગ્રેજી પૂરતી વાત કરીએ તો અમેરિકી એડ્ગર એલન પો., ઓ. હેન્રી કે રોબર્ટ લુઈ સ્ટીવન્સ જેવા વાર્તાકારો પ્રેરક રહ્યા છે. અંગ્રેજોના આગમન સાથે પારસી થીએટરનો આવિર્ભાવ થાય છે. તેમાં ભારતીય સંદર્ભે અંગ્રેજી નાટકોનાં વિશેષે – શેક્સપીઅરનાં નાટકોનાં રૂપાન્તરો થયાં છે. ગુજરાતી રંગ ભૂમિની પ્રેરણા બ્રિટિશ રંગભૂમિને આભારી છે. શેક્સપીઅર પછી આધુનિક નાટકોમાંથી બર્નાર્ડ શૉ કે જેમ્સ બેરીનાં નાટકોનાં પણ રૂપાન્તરો થયાં છે. ઉમાશંકરનાં પદ્યનાટકો જેમાં ‘કવિતાનો ત્રીજો સૂર’ (third voice of poetry)ની ભૂમિકા છે, તે એલિયટનાં પદ્યનાટકોને આભારી છે. એબ્સર્ડ નાટકની વાત કરીએ તો બૅકેટના ‘વેઇટીંગ ફોર ગોદો’ પ્રકારનું નાટક ‘એક ઊંદર અને જદુનાથ’ લાભશંકર ઠાકર અને સુભાષ શાહ પાસેથી મળે છે. આપણા વિવેચનની પરિપાટી અંગ્રેજી વિવેચનને અનુસરે છે. નવલરામની કાવ્યતત્ત્વના પૃથક્કરણની રીતિ, રમણભાઈ નીલકંઠની ‘વૃત્તિમય ભાવાભાસ’ ચર્ચા, બ. ક. ઠાકોર, રા. વિ. પાઠક અને છેક ઉમાશંકર જોશી સુધીની વિવેચના અંગ્રેજપ્રભાવિત છે. આજની વાત કરીએ તો ગુજરાતીમાં સંરચનાવાદ કે અનુઆધુનિકતાવાદ અંગ્રેજી વિવેચનમાં બદલાતા જતા પ્રવાહોની અસર હેઠળ ચાલે છે. ગુજરાતીમાં આત્મકથાત્મક સાહિત્ય પ્રકારનું ખેડાણ પણ અંગ્રેજીના સંપર્કથી શરૂ થાય છે. દુર્ગારામ મહેતા રોજનીશીના સ્વરૂપમાં ૧૮૪૪માં નોંધો રાખે છે, તો નર્મદની ‘મારી હકીકત’ કે નારાયણ હેમચંદ્ર ‘હું પોતે’ જેવી આત્મકથાઓ આપે છે. નિબંધ અને ભ્રમણવૃત્ત પર પણ અંગ્રેજીનો પ્રભાવ છે. અ.દ.