ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દૂતઘટોત્કચ

From Ekatra Wiki
Revision as of 12:04, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



દૂતઘટોત્કચ : ભાસનું મહાભારતમૂલક આ નાટક ઉત્સૃષ્ટિકાંક પ્રકારનું એકાંકી નાટક છે; કીથને મતે વ્યાયોગ પ્રકારનું નાટક છે. ભીમ-હિડિમ્બાનો પુત્ર ઘટોત્કચ કૃષ્ણનો સંદેશો લઈને ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. સંદેશો એ છે કે સૌ કૌરવસેનાનીઓએ સાથે મળીને બાલ અભિમન્યુનો વધ કર્યો છે તેથી અર્જુને સૂર્યાસ્ત થતાં પૂર્વે શત્રુઓના નાશની અથવા પ્રાણત્યાગની પ્રતિજ્ઞા લીધી છે. તો યુદ્ધની ભીષણતાનો વિચાર કરીને સર્વનાશનો ખ્યાલ કરીને, ધૃતરાષ્ટ્ર યુદ્ધ બંધ કરવાનો આદેશ આપે. કૌરવો સંદેશાનો સ્વીકાર કરતા નથી. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો બાદ વીર ઘટોત્કચ કૌરવોના આગામી વિનાશની આગાહી કરીને પાછો ફરે છે. તે જ વખતે નેપથ્યમાંથી જયદ્રથનો વધ કરવાની અર્જુનની પ્રતિજ્ઞાનાં વચનો સંભળાય છે. આ નાટક તેના શીર્ષકને અનુરૂપ રીતે પૂરું થયું માની શકાય તેમ છે. વીરતા અને ગૌરવભર્યા, સચોટ અને પ્રભાવશાળી સંવાદો આ એકાંકીમાં ખાસ ધ્યાન ખેંચે છે. ઘટોત્કચનું પાત્ર ગરવું જણાય છે. ર.બે.