સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/સાડલા ધોવાની મોજ!

From Ekatra Wiki
Revision as of 10:57, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યરવડા જેલમાં નાવાધોવાની બહુ મજા હતી. આમેય પૂનાનું પાણી એટલું સારું છે કે જરાક મહેનત કરો તો કપડાં સફેદ બગલાની પાંખ જેવાં થાય. મને પહેલેથી કપડાં ધોવાનો બહુ શોખ, એટલે મારાં કપડાં બધાંથી જુદાં તરી આવે એવાં સફેદ રહેતાં. મોટી ઉંમરની એક-બે બહેનો કહે, “અમનેય તારા જેવો સફેદ સાડલો ધોઈ આપ ને!” મને જે કહે તેને હું ખુશીથી ધોઈ આપતી. મણિબહેન પટેલ પણ ત્યાં હતાં, એમને આ ખબર પડી. એ હસતાં હસતાં કહે, “કાંઈ મહેનતાણું આપ્યા વગર તમે સાડલા ધોવડાવો, એ તો સારું નહિ. તમારે સાડલો એક દિવસ એને પહેરવા આપવો, અને એ ધોઈને તમને આપી દેશે. એટલે તમારો સાડલો ધોળો થઈ જશે, અને એને બે ધોવા નહિ પડે.” આ યોજના બધાંએ તરત સ્વીકારી લીધી. પછી તો આ ‘ધોબી’ની ઘરાકી, એટલે વધી ગઈ કે, જેલમાંથી છૂટી ત્યાં સુધી એક દિવસ પણ મારે મારો સાડલો પહેરવાનો વારો આવ્યો નહિ! મારા જાડા સાડલાને બદલે રોજ ઝીણા, ફેન્સી ખાદીના સાડલા પહેરવાના મળ્યા, તે નફામાં!