સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/દીકરો

From Ekatra Wiki
Revision as of 11:42, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું, જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય. પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે, સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતા પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું: “જો બેટા કાંતિ, આ તારી બીજી બા.” “બીજી બા,” કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું: “બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.” અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ—તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં. સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે? પીતાંબરના લગ્ન પછી બારે મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી. પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હૃદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું?’ પછી તો વર્ષો વહી ગયાં. અંબાને પોતાને પણ બાળકો થયાં. પરંતુ કાંતિનું સ્થાન તેના હૃદયમાં ધ્રુવવત્ અવિચળ જ રહ્યું. લગ્નજીવનને પહેલે દિવસે ‘બીજી બા’ કહી પોતાના ખોળામાં બેસી ગયેલો તે બાળક અંબાના હૃદયના પ્રેમસિંહાસન ઉપર આરૂઢ થયો હતો. અંબાનાં બાળકો કાંતિને ‘કાકા’ નહિ પણ ‘મોટાભાઈ’ કહી બોલાવતાં અને અંબાને તે છોકરાં પણ ‘બીજી બા’ને નામે જ સંબોધતાં. કાંતિને ભણાવ્યો-ગણાવ્યો અને તે જોતજોતામાં એકવીસ વર્ષનો થયો, ત્યારે અંબાએ તેના લગ્નની વાત ઉપાડી. પીતાંબર કહે: “બે વર્ષ ખમી જઈએ. લગ્નનો ખર્ચ કરવા જેટલી હાલ સગવડ ક્યાં છે? કન્યાને આપવા ખોબો ભરાય એટલું નગદ સોનું જોઈશે. ઉપરાંત કપડાં-ચપડાં વગેરેનું ખર્ચ થશે તે જુદું.” અંબા બોલી ઊઠી: “મારું પલ્લું અનામત પડ્યું છે, તે કાંતિની વહુને ચઢાવીશું.” પીતાંબર આશ્ચર્યચકિત થઈ બોલ્યો: “વાહ, તારી દેરાણીને તારું પલ્લું આપી દઈશ?—નથી આ કાંઈ દીકરાની વહુ આવવાની; આ તો મારુંતારું કરતી દેરાણી ઘરમાં આવશે, જાણતી નથી?” છેવટે અંબાની જીત થઈ. સારી કન્યા શોધવાનું પણ તેણે જ માથે લીધું. એક નહિ પણ એકવીસ કન્યાઓ તેણે જોઈ નાખી. પીતાંબર ચિઢાઈને કહેતો: “તારા કાંતિ માટે તો સ્વર્ગની કોઈ અપ્સરા ઊતરી આવશે, તો જ તારું મન માનશે.” ઠંડી રીતે અંબા બોલી: “તે કાંતિ પણ દેવના દીકરા જેવો ક્યાં નથી?” છેવટ કરુણા નામની કન્યા ઉપર અંબાની નજર ઠરી. તે છોકરીના રૂપરંગમાં જાણે કાંઈ મણા જ ન હતી. તેનાં આંખ, નાક અને ચામડીનો રંગ તથા દેહઘાટ ખરેખર જ અનુપમ હતાં. એ સાત ચોપડી ભણેલી પણ હતી અને ઉંમરમાં સોળ વર્ષની હતી. “દરેક રીતે મારા કાંતિને લાયકની છે,” અંબા સૌકોઈને હરખાઈ હરખાઈને કહ્યા કરતી હતી. અંબાએ તો ખૂબ જ હોંશથી કાંતિને પરણાવ્યો ને કરુણાને ઘરમાં આણી. પીતાંબરે મનમાં ગણતરી કરી હતી કે દેરાણી બની આવેલી કરુણા અંબાની પાસે સમાન હક્કની માગણી કરશે ત્યારે અંબા રૂઠ્યા વગર નહિ રહે, અને આટલાં વર્ષથી પોતીકો કરી લીધેલો કાંતિ હવે આ રૂપાળી વહુનો બની જશે તે અંબાથી કદી સહન નહિ થાય. શાંત સંસારસાગરમાં તરતા પોતાના જીવન-હોડકામાં આગનું છમકલું જોવાની અને તે જોઈ મનને એક છૂપે ખૂણે રાચવાની અવળી ઇચ્છા પીતાંબરના અસંતુષ્ટ દિલમાં જાગી. માણસ પોતે જ્યારે કોઈક કારણસર હૈયાને એકાદ ઓતાડે ખૂણે પણ દુ:ખી કે અસંતુષ્ટ હોય, ત્યારે બીજાને ડામવા ને દુ:ખી જોવા તે ઇંતેજાર બને છે; એવું જ પીતાંબરને થયું. પરંતુ વીસ વર્ષથી ઘરમાં આવેલી ગૃહિણીને પીતાંબર ઓળખી શકેલો નહિ, તેથી તેની ગણતરી ઊધી વળી. રૂપરાશિ સરખી સોળ વરસની સુંદરીને પોતાના પ્રાણપ્રિય કાંતિની વહુ તરીકે ઘરમાં હરતીફરતી દેખીને અંબાનું હૈયું તો હરખાઈ જતું. અંબાના હૃદયમાં પ્રેમનું પાત્ર એવું તો છલકાઈ જતું હતું કે તેના સંપર્કમાં આવનાર સૌ કોઈને તે પાત્રમાંથી જેટલો જોઈએ એટલો પ્રેમ મળી શકતો. જ્યારે સૌની માફક કરુણાએ પણ તેને “બીજી બા” કહી બોલાવવા માંડી, ત્યારે અંબાને ખૂબ આનંદ થયો. અંબાને માથે સ્વર્ગ અડકવામાં માત્ર એક જ વેંત બાકી છે, એમ તેને લાગવા માંડ્યું. પણ એવું સંપૂર્ણ સુખ ભાગ્યે જ કોઈનું ટકી શકે છે; અંબાનું પણ ન ટક્યું. બજારમાંથી ઘર ભણી આવતાં કાંતિને એક રખડતું કૂતરું કરડ્યું, ત્યારે કોઈને કલ્પના ન થઈ કે તે કૂતરું હડકાયેલું હશે અને આઠ દહાડે કૂતરાના દાંત પડવાથી પડેલો ઘા રુઝાઈ ગયો. તે સાથે સૌ કોઈના મનમાંથી પણ તે વાત ભૂંસાઈ ગઈ. પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું. કૂતરું કરડ્યા પછી મહિને દિવસે કાંતિને હડકવા હાલ્યો અને બે દિવસમાં જુવાનજોધ કાંતિ ખલાસ થઈ ગયો. બાળક-અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું. દુ:ખના દિવસો ધીમે જાય છે, તે ન્યાયે દિવસોનું ધીમું ધીમું વહેણ વહી જતું હતું. સવાર પડતી ત્યારે અંબાનું બેચેન ઉદાસ મન રાત્રીની શાંતિ ઝંખતું અને રાત્રીનું શાંત નીરવ વાતાવરણ તેના નિદ્રાવિહીન મનને અસહ્ય લાગતું, ત્યારે તે ઉગમણી દિશા ભણી મોઢું રાખી ઊગતા દિવસની રાહ જોતી. કાંતિના મૃત્યુનો વાંક કરુણા ઉપર ઢોળી પાડવા જેવી તે મૂર્ખ કે વહેમી નહોતી, એ તો પીતાંબર પણ જાણતો હતો. છતાં કદાચ કાંતિના ગયા પછી તેની વહુ પ્રત્યે અંબાને જાણેઅજાણે પણ અણગમો ઉત્પન્ન થશે એવી પીતાંબરની ગણતરી હતી, તે પણ ખોટી પડી. કાંતિ ઉપરનું તમામ હેત અંબાએ કરુણા ઉપર કેંદ્રિત કર્યું. ઘણી વાર સમીસાંજે કામથી પરવારી દેરાણી-જેઠાણી એકલાં પડે ત્યારે અંબા કહેતી: “મારાં સાસુએ પહેલે દિવસે જ મારે ખોળે છૈયો મૂકી દીધો. ભગવાનની કૃપાથી મેં તેને નાનેથી મોટો કર્યો, પણ ખરા વખતે હું ભાન ભૂલી. કૂતરું કરડ્યું ત્યારે તે હડકાયું હશે એ ખ્યાલ મને હૈયાફૂટીને કેમ ન આવ્યો? મેં સાચવ્યો નહિ તેથી જ મારો રતન જેવો દીકરો કાળે કૂતરાનું રૂપ લઈ ભરખી ખાધો! અને વહુ! મારે વાંકે આજે તારે પણ આ બાળવયે રંડાપો વેઠવાનો આવ્યો. ભગવાનને ઘેર મારાં સાસુજીનો મેળાપ થશે, ત્યારે હું શું મોઢું દેખાડીશ?” આક્રંદ કરતાં અંબા બોલ્યે જતી અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી. નવયૌવનસંપન્ન વિધવા કરુણા મૂંગે મોઢે સાંભળ્યે જતી. કોઈ ભૂંડી પડોશણ કદાચ એવો ઇશારો કરે કે, “વહુને નઠારે પગલે તમારો કાંતિ ગુજરી ગયો,” તો અંબા કહેતી: “અરેરે, વહુ તો મારી કંકુ-પગલાંની, પણ મારાં જ નસીબ ફૂટી ગયાં તે કાંતિ કશું ભોગવ્યા વગર ચાલતો થયો. વહુએ તો અમૃતનો પ્યાલો એના મોઢા આગળ ધર્યો, પણ કાળે ઝાપટ મારી તે ઢોળી નાખ્યો; તેથી આ કાચી કેળ જેવી છોકરીનું અસહ્ય દુ:ખ મારે દેખવાનું રહ્યું.” અંબાનાં પોતાનાં છોકરાં મોટાં થવાં લાગ્યાં હતાં અને વળી કાંતિની નવજુવાન વિધવા ઘરમાં ફરતી હતી તેથી, અને ખાસ કરીને તો પોતાનું દિલ જ ભાંગી પડેલું હોવાથી, અંબાએ પતિ સાથેનું સહજીવન કાંતિના મૃત્યુ પછી પૂરું કર્યું હતું. સંસારસુખ ઉપરથી તેનું મન જ ઊઠી ગયું હતું. કાંતિના મૃત્યુ પછી કપડાંલત્તાં વિષે અંબા સાવ બેપરવા બની ગઈ હતી. માથું ઓળે ત્યારે પણ કદી સામે આરસી ન રાખે—માત્ર હેવાતનની નિશાનીનો ચાંદલો કપાળમાં કરે, ત્યારે એક અરધી ક્ષણ આરસીમાં કપાળનો ભાગ તે જોઈ લેતી, અને ચાંદલો તો કરવો જ પડે એટલે તે કરતી. બાકી કરુણાનું રૂપાળું, ઘાટીલું કપાળ ઉજ્જડ ઓરસિયા જેવું અને પોતાના કપાળમાં લાલચોળ ચાંદલો કરતાં પણ તેનું દિલ ક્ષોભ પામતું. પીતાંબરને કાંતિના અકાળ મૃત્યુનો આઘાત નહોતો લાગ્યો એમ તો ન જ કહેવાય; પણ તે ઝટ રુઝાઈ ગયો. અને તેથી કાંતિના મૃત્યુ પછી છ મહિને તેનું મન વિષયસુખની ઝંખના કરવા માંડ્યું, ત્યારે અંબાએ કહ્યું: “આપણે બહુ વર્ષ સુખ ભોગવ્યું, અને સંસારના મંદિરમાં પેસતાં પહેલાં જ, ઊબરા ઉપર પગ મૂકતાં જ કાંતિ બિચારો—” રુદનના સ્વરમાં અંબાના શબ્દો ગૂંગળાઈ ગયા. અંબાની દલીલ તથા આંસુનો જવાબ પીતાંબર પાસે ન હતો, પરંતુ તેથી કાંઈ તેનું મન વાનપ્રસ્થ બનવા તૈયાર થયું એમ તો ન જ કહેવાય. અને તેથી અંબા પ્રત્યે તે બેપરવા બન્યો ખરો, પણ તેના બદલામાં તેની નજર હવે યુવાનીને પહેલે પગથિયે ઊભેલી કરુણાની પાછળ પાછળ ભમવા લાગી. અને વળી બે વર્ષ એમ જ વહી ગયાં. પીતાંબરનો મોટો દીકરો દશરથ હવે પરણે એવડો થયો હતો. સુરતમાં એક સારી કન્યા હતી તેને જોવા માટે અંબા તથા દશરથ સુરત જવાનાં હતાં. નવા જમાનાની સુરતી કન્યાએ મુરતિયાને જોયા વગર લગ્ન કરવાની અનિચ્છા બતાવી હતી અને આ તરફ દશરથે પણ કન્યાને જોયા પછી જ ‘હા-ના’નો જવાબ દેવાની શરત રજૂ કરી હતી. ઘર, રસોડું તથા બાળકોની જવાબદારી કરુણા ઉપાડી લેશે એવી ખાતરી હોવાથી અંબા નિશ્ચિત જીવે દશરથને લઈ કન્યાને જોવા સુરત ગઈ. આઠ દહાડે તે પાછી ફરી ત્યારે પીતાંબરને સ્ટેશન ઉપર તેડવા આવેલો દેખી પહેલાં તો અંબાના પેટમાં ફાળ પડી, કે જરૂર કાંઈ માઠું બની ગયું હશે—બીજું તો શું, પણ જરૂર કોઈ માંદું-સાજું થઈ ગયું હશે. પણ જ્યારે પીતાંબરે હસતે મોઢે સૌના ખુશીખબર આપ્યા ત્યારે અંબાનો જીવ હેઠો બેઠો; પણ તેને નવાઈ ખૂબ લાગી. મનમાં ને મનમાં એ પૂછવા લાગી: “આ સ્ટેશન ઉપર આવ્યા જ કેમ?” ઘેર બધાં બાળકો કુશળ હતાં, પણ આઠ દહાડામાં કરુણાનો તો જાણે અવતાર જ ફરી ગયેલો લાગ્યો. તે ફિક્કી, ગભરાયેલી ને દૂબળી પડી ગયેલી જણાઈ. બપોરે નવરાશની વેળાએ અંબાએ કરુણાને વાંસે હાથ ફેરવી પૂછ્યું: “કેમ, બીજી બા વગર તારી કોઈએ ભાળ ન રાખી કે શું? આમ કેમ ઢીલી પડી ગઈ?” અંબાના પ્રેમાળ શબ્દો સાંભળી કરુણા રોઈ પડી. ખૂબ ખૂબ રોઈ, પણ મોઢેથી એક શબ્દ પણ ન બોલી. અંબાના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાની ગેરહાજરીમાં શું બન્યું હશે એ વિષે તેને વહેમ પડ્યો, પણ તે તેણે પોતાના મનમાં વસવા ન દીધો. થોડા દિવસ એમ જ વીતી ગયા. પીતાંબર કદી નહિ ને હવે અંબાની જાણે ખુશામત કરતો ન હોય એમ વર્તવા લાગ્યો; અને પીતાંબરને દેખી તે ભૂત હોય તેમ છળીને કરુણાને ભાગતી દેખી બે-દુ-ચારનો હિસાબ ગણતાં અંબા જેવી ચતુર સ્ત્રીને વાર ન લાગી. તેણે કરુણાને એકાંતે બોલાવી વાત પૂછી લીધી, અને અંબાની ગેરહાજરીમાં પીતાંબરે પોતાના ઉપર કરેલા બળાત્કારની વાત કરુણાએ અક્ષરે અક્ષર કહી દીધી. જતે દિવસે જ્યારે કરુણાને ગર્ભ રહ્યાની ખાતરી થઈ, ત્યારે પણ અંબા શાંત જ રહી. અખૂટ ઉદારતાનો સાગર હૈયે ભરીને જ અંબાએ જન્મ લીધો હતો. તેને પતિ ઉપર ઘૃણા ન ઊપજી, અને પુત્રીવત્ દેરાણી ઉપર તો સહાનુભૂતિ ને અનુકંપાથી તેનું હૃદય ભરાઈ ગયું. દરેક દુ:ખદ પરિસ્થિતિ માટે તે પોતાને જ જવાબદાર ગણતી, તેમ આ વખતે પણ તે પોતાના મનને કહેવા લાગી: “વાંક તારો જ ગણાય. તેં સંસારમાંથી જીવ ખસેડી લીધો, પણ એ બિચારા પરાણે વૈરાગ્ય શી રીતે પાળે? વળી ભલભલા ઋષિમુનિઓનું પણ મન ચળાવે એવું અપ્સરા જેવું રૂપ આ કરુણાનું છે, તે જોઈ એમનું પરાણે રોકી રાખેલું મન હાથમાં ન રહ્યું તેમાં એમનો શો દોષ?” અંબાએ તો દશરથનું લગ્ન ઝટપટ આટોપી લીધું. તે છોકરાને તેના સસરાએ મુંબઈમાં પોતાના ધંધામાં ભેગો લઈ લીધો, એટલે પરણીને એ ગયો મુંબઈ. તે જ અરસામાં અંબાની મોટી છોકરી કાશીના પતિને ત્રણ વર્ષ માટે આફ્રિકા જવાનું થયું. ત્યાં ઠરીઠામ થયા પછી કાશીને તેડાવી લેવાનું નક્કી કરી પીતાંબરને ઘેર મૂકી જમાઈ પરદેશ ગયા. કાશી ઘરમાં આવી એટલે અંબાને ખૂબ નિરાંત થઈ. તેણે અનેક રાતના ઊજાગરા કરી મનમાં એક યોજના ગોઠવી કાઢી; કરુણાની વાતનો તોડ કાઢવાની તેને સરસ યુકિત સૂઝી. તેણે, અલબત્ત, પીતાંબરને તથા કરુણાને તે યોજના સમજાવી. અંબા પોતે સગર્ભા છે, એવી વાત તેણે જાણે કેટલી શરમ સાથે પાડોશમાં તેમજ સગાંસંબંધીમાં ફેલાવી દીધી. “બળ્યું, બહેન! માયા છોડવા ઘણુંયે મથીએ, પણ આ દેહની વાસના કેડા છોડતી જ નથી. જુવાનજોધ દેરાણી રંડાપાનું ઢગ દુ:ખ ખમતી ઘરમાં ફરે છે, કાશી બે છોકરાંની મા થઈ છે, કાલ સવારે દશરથને ઘેર છોકરાં થશે, ત્યારે પણ અમારો સંસાર સંકેલાતો જ નથી! તેમાં એકલા પુરુષનોય કેમ વાંક કઢાય?” પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓને પણ બાળકો જન્મે તેની નવાઈ નથી. તેથી અંબાની વાત સૌએ સ્વાભાવિક માની લીધી. પછી અંબાએ મુંબઈ જવાની વાત છેડી: “દશરથ બોલાવ બોલાવ કરે છે. બિચારી કરુણાય કેટલાં વર્ષથી ઘરની ચાર ભીંતો વચ્ચે ગૂંગળાઈ રહી છે. અને હું વળી પાછી બાળકના જન્મ પછી બંધાઈ જઈશ, તો હમણાં જરા સ્થળફેર કરી આવીએ.” પછી કરુણાની સગર્ભા સ્થિતિ કોઈને પણ વર્તાય તે પહેલાં અંબા કરુણાને લઈ મુંબઈ ગઈ. દશરથને ઘેર આઠેક દિવસ રહ્યા પછી તે દેરાણી-જેઠાણી કોઈ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં. દીકરો પરદેશ ગયો છે ને આ તે દીકરાની વહુ છે—એમ અંબાએ તે અજાણી જગાએ ચલાવ્યે રાખ્યું. કરુણાને સૌભાગ્યવતીનો વેશ પણ તેણે પૂરેપૂરો પહેરાવી દીધો હતો. પૂરા દિવસ થતાં તે ગામની ઇસ્પિતાલમાં કરુણાએ પુત્રને જન્મ આપ્યો! “નર્યો મારો કાંતિ જ!” અંબાએ છોકરાને જોતાંવેંત જ છાતીએ વળગાડી દીધો, દેરાણીનો બાળક જેઠાણીએ લઈ લીધો. થોડા જ દિવસમાં બાળકને લઈ બન્ને ઘેર આવ્યાં. પડોશણોથી ઘર ભરાઈ જવા લાગ્યું: “ધાર્યા કરતાં છોકરો જરા વહેલો અવતર્યો,” અંબાએ સૌને જણાવ્યું. પડોશણો બોલી, “દીકરો નર્યો પીતાંબરદાસનો નમૂને નમૂનો છે.” “એમ?” અંબા જરીક દુ:ખી થઈને બોલી: “હશે, બાપ જેવો બેટો થાય તેમાં શી નવાઈ? બાકી મને તો આ તદ્દન મારા કાંતિ જેવો જ લાગે છે.” પછી સૌના દેખતાં તેણે કરુણાને બોલાવી. તેના હાથમાં બાળક સોંપતાં તે બોલી: “આમ જ એક વાર મારાં સાસુએ મારો કાંતિ મને સોંપ્યો હતો. આ કિશોર તને સોંપું છું—આધેડ વયે મારાથી તેની વેઠ થાય નહિ, અને તારુંય ચિત્ત આમાં પરોવાયેલું રહેશે. મારાથી કાંતિ ન સચવાયો, પણ તું આને જરૂર સાચવજે.” આંખોમાં વહેતાં આંસુ લૂછી નાખતાં તેણે કરુણાનો છોકરો કરુણાના હાથમાં મૂક્યો.