સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/ટટ્ટાર ચાલવાની કેળવણી

From Ekatra Wiki
Revision as of 11:42, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દરિયાકિનારાના પ્રદેશની માછણ કેવી સુંદર ચાલે ચાલે છે! માથે માછલીનો ટોપલો ઉપાડવાનો હોવાથી તેની ગરદન અને ખભા સીધાં રહેવા ટેવાઈ જાય છે. ગામડાંમાં કૂવાનાં પાણી સીંચનારી પનિહારીઓ પણ માથે હેલ ઉપાડતી હોવાથી તેની ગરદન તથા બરડાનો મરોડ સુશોભિત રહે છે. ભરવાડ-રબારી સ્ત્રીઓ દૂધની તામડી માથે મૂકી કેવી દમામદાર ચાલે ચાલે છે! તેવી ચાલને લીધે સ્ત્રી દૃઢ ચારિત્ર્યની અને આત્મવિશ્વાસવાળી જણાય છે. શહેરી સ્ત્રીને માથે કશું જ ઉપાડવું પડ્યું નથી—ચિંતાના ભાર સિવાય! પણ તેથી તો ખભેથી તે એવી વળી જાય છે કે જાણે વાંસામાં ખૂંધ ન નીકળી હોય! તેથી તે ડરકુ, બીકણ અને નિર્માલ્ય જણાય છે. કન્યાઓને નાનપણથી સીધી ને ટટ્ટાર ચાલે ચાલવાનું શીખવવું જોઈએ. ઇંગ્લૅન્ડમાં રાજકુટુંબ અને અમીર-ઉમરાવની કન્યાઓને માથે ભારે ડિક્શનેરી જેવી ચોપડીઓ મૂકી ચાલતાં શીખવે છે, જેથી તે ગર્વથી માથું અધ્ધર રાખી ટટ્ટાર ચાલે ચાલવા ટેવાય. દેહસૌંદર્યનો વિચાર કરીએ ત્યારે ચાલવાની રીત અને અંગમરોડનો પણ ખ્યાલ રહેવો જોઈએ. નવું અને સારું ગ્રહણ કરવા જતાં જૂનાનું જે સારું હોય તે ગુમાવી ન બેસીએ, એનું ધ્યાન સુંદરીઓએ રાખવું ઘટે. [‘ગુજરાત સમાચાર’ દૈનિક]