ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્વોદયની વિભાવના અને ગુજરાતી સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 09:07, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્વોદયની વિભાવના અને ગુજરાતી સાહિત્ય : ભારતની સાંસ્કૃતિક ધારામાં, છેક વૈદિકકાળથી, સર્વજનના કલ્યાણની ભાવના પ્રબોધાતી ચાલી આવે છે. સર્વ દિશાઓમાંથી શુભ વિચાર અમને આવી મળો. જગતની ગતિમાં સહુ સુખી હોય, નીરોગી હોય; સર્વની નજર કલ્યાણ પર ઠરેલી હોય અને કોઈના ભાગ્યમાં દુઃખ ન હોય ઇત્યાદિ ઋચાઓથી આપણે પરિચિત છીએ. આ ભાવધારાને કારણે સંસ્કૃત સાહિત્ય મંગલદર્શી અને શુભાન્ત રહ્યું છે. સંસ્કૃત સાહિત્યનો આ વારસો, સંસ્કૃતમાંથી ઊતરી આવેલી ભારતીય ભાષાઓમાં વત્તેઓછે અંશે સચવાયો છે. એ દૃષ્ટિએ સર્વોદયની વિભાવના આપણાં સાહિત્યસ્વરૂપોમાં આગન્તુક નથી. એમાં પ્રશ્ન એક જ થાય કે વૈદિક પરંપરામાંથી આવેલી સર્વમાંગલ્યની ભાવનામાં સામાજિક ન્યાય અને સામાજિક સમતા નિહિત હશે ખરાં? હોય તો તે સ્પષ્ટ રીતે ઊકલી શકે તેવાં છે ખરાં? આનો ચોખ્ખો જવાબ ખોળવા જેવો છે. ઉત્તમ ભાવનાઓ સર્વદેશીય અને સર્વકાલીન હોય છે તેથી તે કેવળ બહુજનના હિતમાં કે બહુજનના સુખમાં મર્યાદાયેલી નથી. સર્વજનહિતથી ઓછું એને કશું ખપતું નથી. ગ્રીક તત્ત્વ-ચિંતક સૉક્રેટિસે, માણસે શું કરવું જોઈએ તેના વિધિનિષેધો આપ્યાં છે. તેમાંથી ચાલના મેળવીને રસ્કિને તેના ‘અનટુ ધીસ લાસ્ટ’ નામના પુસ્તકમાં છેવાડાના માણસના અભ્યુદયનો માર્ગ બાઇબલમાંથી દાખલા લઈને ચીંધ્યો છે. રસ્કિનના આ પુસ્તકથી પ્રભાવિત થયેલા મહાત્મા ગાંધીજીએ તે પુસ્તકનો સાર ‘સર્વોદય’ નામની પુસ્તિકા દ્વારા આપ્યો છે. તે પછીથી, ગાંધીજીમાં તથા તેમને સમજપૂર્વક અનુસરનારા કાર્યકરોમાં સર્વોદયની ભાવના જીવનદર્શન રૂપે વહેતી થયેલી જોવા મળે છે. રસ્કિનની વિચારણાને ગાંધીજીએ નીચે પ્રમાણે ત્રણ સિદ્ધાન્તોમાં મૂકી આપી છે : ૧, બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. ૨, વકીલ તેમજ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમકે આજીવિકાનો હક બધાને એકસરખો છે. ૩, સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. ગાંધીજીના મત પ્રમાણે સર્વોદય એક આદર્શ સમાજવ્યવસ્થા છે અને પ્રેમ તેની આધારશિલા છે. એમાં જાતિ, વર્ણ, લિંગ કે ઉચ્ચાવચના ભેદ વિના સહુને સમાન સ્થાન છે. એ સમાજ-વ્યવસ્થામાં શોષણને સ્થાન નથી અને શ્રમના ઉત્પાદનમાં સહુનો સરખો હિસ્સો છે. એમાં સબળાએ નબળાનું રક્ષણ કરવાનું છે અને દરેક જણે સહુના હિતમાં કામ કરવાનું છે. ગાંધીયુગના નવલકથાસાહિત્યમાં – જેમકે રમણલાલ વ. દેસાઈની ‘દિવ્યચક્ષુ’ અને ‘ગ્રામલક્ષ્મી’ના ચાર ભાગોમાં તેમજ દર્શકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી નવલત્રયીમાં સર્વોદય કે સર્વમાંગલ્ય અનુસ્યૂત લાગે છે. જો કે એક બાબત નોંધવી જોઈએ કે જે રીતે અસ્તિત્વવાદી જીવનદર્શનનો પશ્ચિમના સાહિત્યમાં વિનિયોગ થયેલો જોવા મળે છે, તેવો વિનિયોગ આપણે ત્યાં સર્વોદયનો થયેલો લાગતો નથી. જ.પં.