ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારસી સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 06:28, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


પારસી સાહિત્ય : પારસીઓ પોતાના પ્રાણ અને ધર્મની રક્ષા કાજે પોતાની માતૃભૂમિ ઈરાનમાંથી હિજરત કરીને ભારે મુશ્કેલી વેઠતા દશમા સૈકામાં ગુજરાતના સંજાણ બંદરે ઊતર્યા. અને ધીમે ધીમે ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં ગોઠવાઈ ગયા. તેમણે ગુજરાતી ભાષા, તેમજ ગુજરાતી પ્રજાના વ્યવહારો અને રીતરિવાજો અપનાવી લીધાં. ગુજરાતી સાહિત્યમાં પારસીઓ ક્યારથી રસ લેતા થયા એ વિશે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં વિદ્વાનોના મત પ્રમાણે ચૌદમી સદીથી તેમણે લખવું શરૂ કર્યું. ખાસ કરીને સત્તરમાં સૈકાથી તેઓ ગુજરાતી ભાષાને તે સાહિત્યક્ષમ બને એવી રીતે પ્રયોજતા થયા. પારસીઓ અમુક જાતનાં ગુજરાતી ઉચ્ચારણો કરવાને ટેવાયેલા ન હોવાથી તેમણે ગુજરાતી ભાષાનાં કેટલાંક ઉચ્ચારણો બદલી નાખ્યાં અને એમાંથી એક વિશિષ્ટ ઉચ્ચારવાળી પારસી-ગુજરાતી બોલીનો ઉદ્ભવ થયો. પારસી લેખકોએ મોટે ભાગે એમની પારસી-ગુજરાતી બોલીમાં સર્જક સાહિત્ય રચ્યું છે, તેમ છતાં કેખુશરુ કાબરાજી, જહાંગીર તાલિયારખાન, બહેરામજી મલબારી, ખબરદાર વગેરે લેખકોએ શિષ્ટ ગુજરાતી ભાષામાં પોતાની કૃતિઓ રચી છે. પારસીઓએ વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય રચ્યું છે. તેમ છતાં કવિતા નાટક અને નવલકથાના ક્ષેત્રમાં તેમનું અર્પણ ધ્યાનપાત્ર છે. લગભગ ઓગણીસમી સદીથી તેમણે આ પ્રકારનું સાહિત્ય રચવા માંડ્યું. સૌ પ્રથમ પારસીઓએ કવિતાક્ષેત્રમાં આપેલા ફાળાની વાત કરીએ તો રૂસ્તમ ઈરાની (૧૮૩૭’૯૨), ફીરોજશાહ રૂસ્તમજી બાટલીવાળા (૧૮૪૬, ૧૯૧૨), જહાંગીર અરદેશર તાલિયારખાન (૧૮૪૭, ૧૯૨૩), પાહલનજી બરજોરજી દેસાઈ (૧૮૪૧, ૧૯૩૪), દાદી એદલજી તારાપોરવાળા (૧૮૫૨, ૧૯૧૪), બેહરામજી મેરવાનજી મલબારી (૧૮૫૩, ૧૯૧૨), જમશેદજી નશરવાનજી પીતીત (૧૮૫૮, ૧૮૮૮), અરદેશર ફરામજી ખબરદાર (૧૮૮૧, ૧૯૫૩) વગેરેનો ફાળો નોંધપાત્ર છે. મીનુ દેસાઈ અને બેજન દેસાઈ નવીન કવિતામાં ધ્યાન ખેંચે છે. આ પારસી કવિઓમાંથી મલબારી અને ખબરદારે શિષ્ટ ગુજરાતીમાં કાવ્યરચનાઓ કરી છે. મલબારીના ‘વિલ્સનવિરહ’ (૧૮૭૮) અને ‘સંસારિકા’ (૧૮૯૮) જાણીતાં છે. ગુજરાત વિશેનું તેમનું કાવ્ય ‘સૂણ ગરવી ગુજરાત’ સ્મરણીય છે. ‘ઇતિહાસની આરસી’ એ પણ જાણીતું કાવ્ય છે. કવિ ખબરદારે તો ગુજરાતી પિંગળ સાહિત્યમાં પણ ફાળો આપ્યો છે. ગુણવત્તાની દૃષ્ટિએ પારસી કવિતાસાહિત્ય સાવ મધ્યમ કક્ષાનું કહેવાય. માત્ર મલબારી અને ખબરદાર જેવા કવિઓએ ગુજરાતી કવિતાસાહિત્યમાં નામ રોશન કર્યું છે. મોટા ભાગના પારસી કવિઓએ પારસી-ગુજરાતી બોલીમાં પોતાની કલમ ચલાવી છે. ઓગણીસમી સદીના પાંચમા છઠ્ઠા દાયકાથી પારસી લેખકોએ નાટકો રચવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. પારસી નાટક મંડળીઓમાં હિંદના દાદા તરીકે સુપ્રસિદ્ધ થયેલા દાદાભાઈ નવરોજી તથા કામા અને મુસ જેવા વિદ્વાન લેખકો પણ તેમાં સંકળાયેલા હતા. આરંભનાં કેટલાંક વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિનો દોર પારસી નાટકોના હાથમાં હતો. પારસી નાટકકારો મોટે ભાગે ફારસી ભાષામાંથી તેમજ અંગ્રેજીમાંથી રૂપાન્તરો કરતા હતા. શેક્સપિયર તેમનો માનીતો નાટકકાર હતો. એનાં ઘણાં નાટકોનું રૂપાન્તર કરીને પારસીઓએ તે તખ્તા પર રજૂ કર્યાં છે. નાટ્યક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરનારા લેખકોમાં કેખુશરૂ નવરોજી કાબરાજી (૧૮૪૨, ૧૯૦૪)નો ફાળો સ્મરણીય છે. તેમણે વિક્ટોરિયા નાટક મંડળી સ્થાપી હતી અને ફારસી તેમજ અંગ્રેજીમાંથી તો ખરાં જ પણ હિંદુ પુરાણોમાંથી, તેમજ લોકવાર્તામાંથી વસ્તુ લઈને તેમણે ‘નળ-દમયંતી,’ ‘હરિશ્ચંદ્ર’, ‘સીતાહરણ’, ‘નંદબત્રીસી’ વગેરે નાટકો રચ્યાં હતાં. ગુજરાતી નાટકના જનકનું નામ પામેલા રણછોડભાઈ ઉદયરામ નાટ્યક્ષેત્રે તેમના સહભાગી હતા. નાટ્યક્ષેત્રે કેખુશરુ કાબરાજી ઉપરાન્ત ખુરશેદજી મેહરબાનજી બાલીવાલા(૧૮૫૨, ૧૯૧૩), જહાંગીર પેસ્તનજી દોરાબજી ખંભાતા(૧૮૫૬, ૧૯૫૬), એદલજી જમશેદજી ખોરી(૧૮૪૭, ૧૯૧૭), બમનજી કાબરાજી(૧૮૬૦, ૧૯૨૫)નો ફાળો પણ ઉલ્લેખનીય છે. પારસી નાટકો સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ સાવ નિર્માલ્ય લાગે. એક કારણ તેમને ભાષાની મર્યાદા નડી હોય, તેમ છતાં અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી ગુજરાતી સમાજની જેમ તેમણે પણ નવાં સ્પંદનો ઝીલ્યાં અને અંગ્રેજી સાહિત્યના સંસ્કાર ઝીલીને યથાશક્તિ નાટક, નવલકથા જેવાં સ્વરૂપો વિકસાવ્યાં. એમનાં નાટકોમાં પારસી સમાજનાં અનિષ્ટોની ટીકા છે, તો સાથે સાથે સામાજિક સુધારા માટેની પ્રેરણા પણ છે. એવાં સામાજિક નાટકો બહુધા પ્રહસનો રૂપે રજૂ થયાં છે. ગુજરાતીમાં નાટ્યક્ષેત્રે પારસી નાટકકારો લગભગ સવાસો વર્ષથી કાર્યરત રહ્યા છે. પારસી નાટકકારો એમની વિલક્ષણ પારસી ગુજરાતી બોલીમાં નાટકો લખતા હતા. એ બોલી ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, અરબી વગેરે ભાષાઓના મિશ્રણથી તેમણે ઉપજાવેલી હતી. આવી ભાષાના કારણે જેમ પારસી નવલકથાકારોનો તેમ નાટ્યકારોનો પણ મોટોભાગ વ્યાપક ગુજરાતી સમાજના નાટ્યરસિકો સુધી પહોંચી શક્યો નહિ. પારસી લેખકો કોમેડીના હિમાયતી છે. એમની ઘણીબધી નવલકથાઓમાં ‘સુખી સર્વેંટ’નું પ્રકરણ આવવાનું જ. વિનોદ-રમૂજ એમને સહજ છે. કરુણાન્ત કે ગંભીર વિષયનાં નાટકોમાં પણ તેઓ ‘કોમિક રીલિફ’ માટે કે ગમે તે કારણે પણ હાસ્ય લાવ્યા વિના રહેતા નથી. અલબત્ત, એમના હાસ્યની કક્ષા ઊંચી નથી. સૂક્ષ્મ વિનોદની તેમની પાસે ભાગ્યે જ અપેક્ષા રાખી શકાય. કેખુશરુ કાબરાજીએ ગુજરાતી ભાષામાં ‘હરિશ્ચંદ્ર’ નાટક લખ્યું છે. તેમાં વિદૂષકને હાસ્ય નિષ્પન્ન કરવા માટે તેમણે ગોઠવ્યો છે અને સંસ્કૃત નાટકની પ્રણાલી જાળવી છે. ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધના પારસી સાહિત્યકારો વિશે એક નોંધપાત્ર વાત એ છે કે મોટાભાગના પારસી નવલકથાકારો તે નાટ્યલેખકો પણ હતા. કેખુશરુ કાબરાજી, બમનજી કાબરાજી, ‘પિજામ’, ‘ગુલફામ’ આ સર્વ લેખકોએ સારી એવી સંખ્યામાં નવલકથાઓ રચી હતી અને નાટકો રચવામાં પણ તેમણે પોતાની શક્તિ કામે લગાડી છે. કેટલાકે તો (જેમકે બમનજી કાબરાજી) પોતાની નવલકથાઓનું જ નાટકમાં રૂપાન્તર કર્યું હોય તેવું બન્યું છે. પારસી નાટકોને ગુણવત્તાની દૃષ્ટિએ મૂલવતાં તેમાં ઝાઝા રામ દેખાશે નહિ. નાટકોનો સાહિત્યિક સ્તર મોટે ભાગે સામાન્ય કક્ષાનો જ ગણાય. વસ્તુની ગૂંથણી કે પાત્રચિત્રણમાં પણ તેમની ખાસ કુશળતા દેખાય નહિ. તેમ છતાં પોતે અપનાવેલી પારસી ગુજરાતી ભાષામાં તેમણે વિવિધ વિષયો પર નાટકો રચ્યાં. અંગ્રેજી રંગભૂમિનો પ્રભાવ ઝીલી પોતે પારસી રંગભૂમિ વિકસાવવાનો પુરુષાર્થ કર્યો. નાટકોમાં અનેક પ્રયોગો કર્યા. નટ તરીકે, પોતાની શક્તિઓ ખીલવી ઢગલાબંધ નાટ્ય શાળાઓ સ્થાપી અને દેશપરદેશના પ્રવાસો ખેડ્યા. પારસી નાટકકારોનો આ પુરુષાર્થ અવિસ્મરણીય છે. પારસીઓએ રંગભૂમિના ક્ષેત્રમાં મહત્ત્વનું કામ કર્યું છે અને ગુજરાતી રંગભૂમિનું અસ્તિત્વ પણ નહોતું, તેવે સમયે નાટકકારોએ રંગભૂમિનો સરસ વિકાસ સાધ્યો હતો. તેમ છતાં પારસીઓએ નવલકથાક્ષેત્રમાં જે ફાળો આપ્યો છે તે વિશેષ મહત્ત્વપૂર્ણ છે. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધમાં અંગ્રેજી નવલકથાઓનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને ગુજરાતી નવલકથા રચવાની પ્રવૃત્તિ શરૂ થઈ. તે જ સમયમાં પારસી લેખકોએ પણ અંગ્રેજી સાહિત્યના સંસ્કાર પામીને નાટક તેમજ નવલકથાઓ રચવા માંડી. ગુજરાતી નવલકથા ક્ષેત્રે પહેલી અનૂદિત ગુજરાતી નવલકથા રચવાનો યશ એક પારસી લેખકને જાય છે. ૧૮૬૨માં મૂળ કૃતિના અંગ્રેજી ભાષાન્તર ‘Indian Cottage’નો સોરાબશા દાદાભાઈ મુનસફ નામના પારસી લેખકે ગુજરાતીમાં ‘હિન્દુસ્તાન મધ્યેનું ઝૂપડું’ શીર્ષક અનુવાદ કર્યો. અને પાંચ વર્ષમાં તેની ત્રણ આવૃત્તિ પણ થઈ. અંગ્રેજી નવલકથા સ્વરૂપનો પ્રથમ સાક્ષાત્કાર પારસી લેખકોમાં જહાંગીર તાલિયારખાને કર્યો ગણાય છે. ૧૮૮૧માં ‘રત્નલક્ષ્મી’ તથા ૧૮૮૪માં ‘મુંદ્રા અને કુલીન’ એ બે ઇતિહાસના સૂક્ષ્મ પોષણવાળી નવલકથાઓ તેમણે પ્રસિદ્ધ કરી. જહાંગીર તાલિયારખાન પછી એ જ ગાળામાં કેખુશરુ કાબરાજી, દાદી તારાપોરવાલા, જહાંગીર મર્ઝબાન જેવા સમર્થ પારસી વાર્તાકારોએ લગભગ શિષ્ટ કહી શકાય તેવી ગુજરાતી ભાષામાં કૃતિઓ રચીને ગુજરાતી નવલકથાસાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. કેખુશરુ કાબરાજીની વાર્તાઓ અંગ્રેજી ઉપરથી રચાઈ હોવા છતાં મૌલિકતાની છાપ ઊભી કરે તેવી કુશળતાથી લખાઈ છે. ‘ગુલી ગરીબ’ (૧૮૯૦) એ તેમની ઉત્તમ અને સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય નીવડેલી નવલકથા છે. દાદી તારપોરવાલા વાર્તાકાર ઉપરાંત કવિ પણ છે. તેમની ‘દુઃખી દાદીબા’(૧૯૧૩) એ મહત્ત્વની નવલકથા છે. જહાંગીર મર્ઝબાન સમર્થ નવલકથાકાર હોવા ઉપરાંત એ હાસ્યકાર અને પત્રકાર પણ છે. ચાર્લ્સ ડિકન્સના ‘પીક્વીક પેપર્સ’ પરથી ‘અક્કલના સમુંદર’ની(૧૮૯૦) તેમણે હાસ્યરસિક કથા રચી હતી. એ સિવાય ‘માંકી ચવિત્રી’(૧૯૧૬)માં પારસી સમાજના દંભ ઉપર ભારે કટાક્ષ છે. અને તેમના હાસ્યરસનો સાચો પરિચય નવલકથામાંથી મળે છે. બમનજી કાબરાજીએ પોતાની તમામ નવલકથાઓ પારસીશાઈ ગુજરાતીમાં લખી છે. જહાંગીર મર્ઝબાનના પુત્ર ‘પિજામ’(ફીરોજ જાહાંગીર મર્ઝબાન)નો પણ અગ્રણી પારસી વાર્તાકારોમાં સમાવેશ કરવો ઘટે. બેત્રણ અંગ્રેજી વાર્તાઓના વિષયો ભેગા કરીને, નવી વાર્તા ઉપજાવવાના પ્રયાસો કર્યા છે. ‘નસીબની લીલી’(૧૯૧૨), ‘આઈતા પર કોઈતુ’(૧૯૨૧) વગેરે અંગ્રેજી વાર્તાઓના મિશ્રણમાંથી ઉપજાવેલ નવલકથાઓ છે. આ અગ્રગણ્ય નવલકથાકારોએ પોતાની વાર્તાઓ દ્વારા પોતાના સમાજને મનોરંજન પૂરું પાડવા ઉપરાંત પોતાના સમાજના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી સમાજને ઘડવાનો પણ હેતુ રાખ્યો જણાય છે. આ વાર્તાકારો ઉપરાંત બીજા સંખ્યાબંધ પારસી લેખકોએ પણ યથાશક્તિ વાર્તાઓ રચીને પોતાના સમાજની વાર્તાભૂખ સંતોષવાનો પ્રયાસ કર્યો છે. એવા ગૌણ વાર્તાનિવેશોમાં જહાંગીર પટેલ(ગુલફામ), રૂસ્તમજી મસાણી, મિસિસ જરબાનુ કોઠાવાલા, ઝીણી પેમાસ્ટર, રૂસ્તમજી મિસ્ત્રી, પેસ્તનજી કાપડિયા(હયરત), પેસ્તનજી સત્થા વગેરે નોંધપાત્ર છે. પારસી નવલકથાસાહિત્ય વિશે એટલું કહી શકાય કે ઓગણીસમા સૈકાના અંત ભાગમાં ખાસ કરીને છેલ્લી પચીસીમાં અને એ પછી પણ થોડાં વર્ષ શિષ્ટ ગુજરાતી નવલકથાસાહિત્યના પ્રવાહની સાથે પારસીશાઈ ગુજરાતીમાં રચાયેલી નવલકથાનો એક સ્વતંત્ર પ્રવાહ વહેતો રહ્યો છે. અલબત્ત, મોટાભાગની પારસી નવલકથાઓ કાં અનુવાદ કાં રૂપાન્તર છે. બહુ જૂજ મૌલિકો નવલકથાઓ પારસી લેખકોને હાથે રચાઈ છે. તેમ છતાં જથ્થાની દૃષ્ટિએ પારસી નવલકથાનો વિચાર કરવો પડે તેમ છે. કારણકે ગુજરાતી ભાષાને કે સાહિત્યને વિકસાવવાનો અથવા તો કોઈ એક સાહિત્યસ્વરૂપના જુદા જુદા પ્રયોગો કરીને એની શક્યતાઓ પ્રગટ કરવાનો આશય પારસી નવલકથાકારોનો ન હતો. તેમનું ધ્યાન પોતાના વાચકસમાજની વાચનભૂખ સંતોષવા તરફ હતું. તદુપરાંત એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની કે જહાંગીર તાલિયારખાન કે કેખુશરુ કાબરાજી કે જાહાંગીર મર્ઝબાન કે તારપોરવાલાની કૃતિઓનો આસ્વાદ પારસીસમાજ ઉપરાંત પારસીઇતર સમાજે પણ હોંશથી માણ્યો છે. અલબત્ત ‘નવલકથાકળા’ની કસોટીએ તપાસતાં મોટા ભાગની નવલકથાઓ ઊણી જ ઊતરે..... તેમ છતાં જહાંગીર તાલિયારખાન, દાદી તારપોરવાલા, કેખુશરુ કાબરાજી જેવા સમર્થ વાર્તાકારોએ રસ તેમજ ભાષાદૃષ્ટિએ જોઈએ તોપણ લોકરુચિ ઘડવામાં ફાળો આપ્યો છે. મ.પા.