સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/માધવનું મધમીઠું નામ

From Ekatra Wiki
Revision as of 13:12, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રીકૃષ્ણનું ચરિત્ર ભક્તોને અત્યંત મધૂર લાગે છે. કૃષ્ણની કથા કરતાં વધુ મધુર કથા ભારતમાં મને ન સાંભળવા મળી છે, ન વાંચવા મળી છે. કૃષ્ણ હિંદુસ્તાન આખામાં પરમ પ્રિય છે. પૂજ્ય તો એ છે જ, પણ પ્યારા પણ છે. સામાન્ય રીતે બને છે એવું કે અમુક વ્યક્તિ પૂજ્ય હોય છે અને અમુક પ્યારી હોય છે. પરંતુ કૃષ્ણ પરમ પૂજ્ય પણ છે અને પરમ પ્રિય પણ. ભક્તો એમનું ચરિત્ર ગાતાં ને વાગોળતાં કદી થાકતા નથી. ચૈતન્ય મહાપ્રભુ, સૂરદાસ, મીરાં વગેરે કૃષ્ણભક્તિથી તરબોળ થઈ ગયાં છે. કૃષ્ણ ‘ગીતા’ના પ્રવક્તા છે અને ‘ગીતા’ આવે છે ‘મહાભારત’માં, પરંતુ કૃષ્ણનો સંપૂર્ણ પરિચય આપણને ‘મહાભારત’માં નથી મળતો. ‘ભાગવત’માં કૃષ્ણનું ભગવત્ સ્વરૂપનું ચરિત્ર છે. તે સિવાય કૃષ્ણનું ચરિત્ર જાણવા માટે આપણે ‘મહાભારત’માં જવું પડે. ‘મહાભારત’માં પાછળથી ‘હરિવંશપુરાણ’ જોડી દીધું છે; કૃષ્ણનું પૂર્ણ ચરિત્ર તેમાં આવે છે. હિંદુસ્તાનના લોકો ‘ગીતા’ના કૃષ્ણને એટલા નથી જાણતા જેટલા ‘ગોપાલકૃષ્ણ’ને જાણે છે. કૃષ્ણ ગોકુળમાં રહીને ગાયો ચરાવતા. એમણે ગાયોની સેવાને ઉપાસનાનું સ્વરૂપ આપ્યું. કૃષ્ણ ગોવાળિયાઓ સાથે એટલા એકરૂપ થઈ ગયા હતા કે આપણે એમને ગોપાલકૃષ્ણ તરીકે જ ઓળખીએ છીએ. ગાયોની સેવા કરનારા, ગાયોનું પાલન કરનારા કૃષ્ણ જ અહીંની આબાલવૃદ્ધ જનતાને અતિ પરિચિત છે. કૃષ્ણ યોગ-યોગેશ્વર હતા, પરંતુ પોતાનું સ્થાન એમણે સેવકનું જ માન્યું. કૃષ્ણ લોકોના સેવક જ રહ્યા અને સૌથી મોટી વાત એ કે લોકોએ પણ એમને સેવક જ માન્યા. જાણે પોતાના દોસ્ત ન હોય! જ્યારે મહાપુરુષના મહાપુરુષત્વનો ખ્યાલ પણ કોઈને ન રહે, ત્યારે એ વસ્તુ તે પુરુષની સૌથી મોટી મહાનતા છે, નમ્રતાની પરિસીમા છે. આવી મહાનતા કૃષ્ણમાં હતી. પોતે બહુ ઊંચી કોટિના હતા, છતાં એમણે હંમેશાં પોતાને સામાન્ય જ માન્યા. કૃષ્ણ પોતે કદી રાજા ન બન્યા, સેવક જ રહ્યા. એમણે કંસનો વધ કર્યો અને મથુરાનું આખું રાજ એમના હાથમાં આવી ગયું. પણ કૃષ્ણ પોતે ગાદી પર ન બેઠા, એમણે ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યો. પછી એમના હાથમાં દ્વારકાનું રાજ્ય આવ્યું, તો તે એમણે બલરામને આપી દીધું, પોતે ન લીધું. મહાભારતનું આવડું મોટું યુદ્ધ થયું અને તેમાં કૃષ્ણને કારણે જ પાંડવોનો વિજય થયો. પરંતુ કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરના માથે જ રાજ્યાભિષેક કર્યો. તેઓ પોતે હંમેશા સેવક જ રહ્યા. પોતે કદી રાજા ન બન્યા, ગરીબનવાજ જ રહ્યા. આનું જ નામ નિષ્કામ સેવા. કૃષ્ણ જેવો અનાસક્ત સેવક હિંદુસ્તાનમાં બીજો જોયો નથી, જે નીચામાં નીચી મનાતી સેવા નિરહંકાર ભાવે કરી શકતો. મારી મા કહેતી હતી કે રામાવતારમાં ભગવાન સેવા લઈ-લઈને થાકી ગયા. રાજા બન્યા, મોટા ભાઈ બન્યા, બધા પાસેથી સેવા લીધી. વાનરો પાસેથી પણ સેવા લીધી. એટલે કૃષ્ણાવતારમાં નક્કી કર્યું કે હવે સેવા લેવી નથી, સેવા આપવી જ છે. તેથી કૃષ્ણાવતારમાં ભગવાન મોટા ભાઈ ન બન્યા, રાજા પણ ન બન્યા, રાજ્ય આવ્યું તો બીજાને દઈ દીધું. પોતે સેવક જ રહ્યા; અને માણસોની જ નહીં, ગાય-ઘોડાનીયે સેવા કરી. એમની આ વિશેષતા મોટા-મોટા મહાત્માઓ પણ આત્મસાત્ નથી કરી શક્યા. રામ આદર્શ રાજા થયા, કૃષ્ણ આદર્શ સેવક. બાળપણમાં એમનો ગાયો સાથે સંબંધ રહ્યો, મોટા થયા પછી ઘોડા સાથે. મુરલીનો ધ્વનિ સાંભળતાં ગાયો ગદ્ગદ થઈ જતી અને કૃષ્ણનો હાથ ફરતાં જ ઘોડા હણહણવા લાગતા. મહાભારતના યુદ્ધમાં સાંજ થતાં સહુ સંધ્યા આદિ કરવા ચાલ્યા જતા, પણ કૃષ્ણ રથના ઘોડાઓને છોડીને એમને પાણી પીવડાવતા, ખરેરો કરતા, એમના શરીરને સાફ કરતા. તે સેવામાં એમને કેટલો આનંદ આવતો, તેનું વર્ણન કરતાં કવિ ધરાતા નથી! યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. કૃષ્ણ પણ તેમાં ગયેલા. કહેવા લાગ્યા, તમે બધાંને કામ સોંપ્યાં, પણ મને જ ન સોંપ્યું; તો મને પણ કંઈક કામ દો. યુધિષ્ઠિર કહે, “તમને શું કામ આપું? તમે તો અમારા સહુ માટે પૂજનીય છો, આદરણીય છો. તમારે લાયક મારી પાસે કોઈ કામ નથી.” કૃષ્ણ બોલ્યા, “આદરણીય એટલે શું નાલાયક?” યુધિષ્ઠિર કહે, “અમે તો તમારા દાસ છીએ.” તો કૃષ્ણે કહ્યું, “હું તો દાસાનુદાસ છું.” છેવટે યુધિષ્ઠિરે કહ્યું કે, “તમે જ તમારે લાયક કામ શોધી લો.” ત્યારે કૃષ્ણે કયું કામ શોધ્યું? જમણવાર વખતે એઠાં પતરાળાં ઉઠાવવાનું અને સફાઈ કરીને લીંપવાનું! આપણે કૃષ્ણની માફક નીચેમાં નીચેના લોકો સાથે તાદાત્મ્ય સાધવાનું છે. સમાજમાં ક્રાંતિ ત્યારે જ થશે, જ્યારે સમાજના ભણેલા-ગણેલા અને ઊંચા સ્તરના લોકો સૌથી નીચેના સ્તરના લોકો સાથે આવું તાદાત્મ્ય સાધશે, એમની સાથે એકરૂપ થશે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૬]