ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્લેટો

From Ekatra Wiki
Revision as of 09:04, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્લેટો : ઈ.સ.પૂર્વે ૪૨૭થી ૩૨૮ વચ્ચે થયેલો પ્રાચીન ગ્રીસનો વિખ્યાત દાર્શનિક. સોક્રેટિસનો શિષ્ય અને પ્રશંસક, જેમણે પશ્ચિમના જગતમાં સાહિત્યનો સાહિત્ય તરીકે પહેલીવાર અભ્યાસ કર્યો. આ ક્ષેત્રમાં એ પ્રથમ હોવાથી અને નૈતિક પ્રશનેથી અત્યંત અભિગ્રસ્ત હોવાથી મુખ્યત્વે એનું ધ્યાન સાહિત્યની સામગ્રી પર રહ્યું છે. આમ તો, ‘પત્રો’ અને ‘એપોલોજી’ સિવાયનાં પ્લેટોનાં બધાં લખાણો સંવાદસ્વરૂપે છે, એમાંથી ‘ફિદ્રસ’ ‘આયોન’ અને ‘ધ રિપબ્લિક’માં એની સાહિત્ય અને કલા અંગેની વિચારણા રજૂ થઈ છે. પ્લેટોએ સાહિત્ય અને કલા પ્રતિ ઓછામાં ઓછા સમભાવશીલ રહી એને સત્ય અને નીતિના વાહક તરીકે તપાસ્યાં છે, એનું કારણ એનો કેન્દ્રવર્તી કલ્પસિદ્ધાન્ત છે. ઇન્દ્રિયગ્રાહ્ય જગતના દૃશ્યમાન પદાર્થોના મૂળમાં જે અતીન્દ્રિય અને સ્થાયી છે એને પ્લેટો ‘કલ્પ’ કહે છે અને એ જ એને મન સત્ય છે, એ જ જ્ઞાનનો વિષય છે. ભૌતિક જગતની પરિવર્તનશીલ અને અસ્થાયી વસ્તુઓ જ્ઞાનનો વિષય નથી. દૃશ્યમાન જગતમાં જે કાંઈ આપણે જોઈએ છીએ એ તો પૂર્ણ પ્રતિમાનનું અપૂર્ણ અનુકરણ છે. આ રીતે જોઈએ તો કલ્પ મૂળ સત્ય, દૃશ્યમાન જગત એનું અનુકરણ અને કલાઓ જ્યારે એ દૃશ્યમાન જગતનું અનુકરણ કરે ત્યારે એ સત્ય સાથેનો સંબંધ ત્રીજી પેઢીનો બને. કલા કલ્પનાપૂર્ણ અનુકરણ દ્વારા કલ્પની વધુ નિકટ સરે છે નહિ કે સત્યથી વેગળી થાય છે, એ વાત પ્લેટો પકડી શક્યો નહિ. અને એણે પોતાના આદર્શ રાજ્યમાંથી સાહિત્યને સત્યથી વેગળું ગણીને જાકારો દીધો. અનુકરણ(Mimesis)ના આ મુદ્દા ઉપરાંત એની સાહિત્યવિચારણામાં બીજો મુદ્દો પ્રેરણા(enthousiasmos)નો છે. પ્લેટોને મતે કવિતા ઉન્મત્તતા કે ઝોડ(Furorpoeticus)નું પરિણામ છે; અને એ કવિનિયંત્રણની બહારની વસ્તુ છે. તેથી મનસ્વી રીતે એમાં દેવોનું અનૈતિક ચિત્રણ થાય છે એવા તારણ પર પ્લેટો આવે છે. એટલું જ નહિ હોમર, હેસિયડ, પિન્ડાર, એથેન્સના નાટકકારો જેવાના સમકાલીન ગ્રીકસાહિત્યમાં એ નૈતિકતાનો અભાવ જુએ છે. પ્લેટોની નીતિકલા કલ્પનાપૂર્ણ અનુકરણ દ્વારા લાગણીઓનું વિરેચન કે વિશોધન કરી ચિત્તને આહ્લાદિત કરવાની કલાની નીતિને પકડી ન શકી. આમ જોઈએ તો પ્લેટોએ ઉઠાવેલા કલાક્ષેત્રના સત્ય અને નીતિ અંગેના આ પ્રશ્નો શાશ્વત છે. સાહિત્યક્ષેત્રે એનો વિવાદ, અનેક પ્રભાવક ઉત્તરો મળ્યા પછી પણ હજી ચાલુ છે. ચં.ટો.