ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફાર્બસ ગુજરાતીસભા

From Ekatra Wiki
Revision as of 09:14, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફાર્બસ ગુજરાતીસભા : ગુજરાતી ભાષાનાં હસ્તલિખિત પુસ્તકોના સંચયના આશયથી ૧૮૫૬માં, એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સ તથા મન :સુખરામ ત્રિપાઠીના સંયુક્ત પ્રયત્નોથી મુંબઈમાં ‘ગુજરાતી સભા’ નામની સંસ્થા સ્થપાઈ હતી. સંસ્થાના સ્થાપક ફોર્બ્સનું અવસાન થતાં તેની સ્મૃતિ જાળવવા સંસ્થાના નામમાં સદ્ગતનું નામ ઉમેરીને ‘ફાર્બસ ગુજરાતીસભા’ રૂપે કામ આગળ વધાર્યું. ૧૮૫૧માં નર્મદ દ્વારા મુંબઈમાં જ સ્થપાયેલી ‘બુદ્ધિવર્ધકસભા’ થોડાં વર્ષો સુધી કામ કરીને બંધ પડતાં તેનો ગ્રન્થસંચય તથા ભંડોળ ‘ફાર્બસ ગુજરાતીસભા’ને સોંપાયાં. પરિણામ સ્વરૂપે સંસ્થાએ પોતાની પ્રવૃત્તિમાં ‘બુદ્ધિવર્ધક વ્યાખ્યામાળા’નો સમાવેશ કર્યો. સંસ્થાએ સાહિત્ય, કળા, વિજ્ઞાન અને ધર્મ સંબંધી, સિત્તેરથી વધુ ગ્રન્થો પ્રકાશિત કર્યા છે. એ પૈકી ફોર્બ્સકૃત ‘રાસમાળા’નો ગુજરાતી અનુવાદ, દુર્ગાશંકર શાસ્ત્રીકૃત ‘પ્રબંધચિંતામણિ’ હરિવલ્લભ ભાયાણી સંપાદિત ‘ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો’, ‘હેમચન્દ્ર કૃત ‘અપભ્રંશ વ્યાકરણ’, પોપટલાલ શાહકૃત ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’, નર્મદાશંકર મહેતાકૃત ‘શાક્તસંપ્રદાય’ તેમજ ભોગીલાલ સાંડેસરાકૃત ‘રૂપસુંદરકથા’ નોંધપાત્ર છે. સંસ્થાએ ૧૯૩૨થી, પોતાના મુખપત્ર ‘ફાર્બસ ગુજરાતીસભા ત્રૈમાસિકપત્ર’નું પ્રકાશન પણ આરંભ્યું છે. આ ઉપરાંત હસ્તપ્રતો તેમજ જૂનાં હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિઓ પણ પ્રકાશિત કરી છે. ર.ર.દ.