સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/અરધી સદીની સુંદરતા-અસુંદરતા

From Ekatra Wiki
Revision as of 08:55, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


[અબ્દુલ્લા હુસૈનની ઉર્દૂ નવલકથા ‘ઉદાસ નસ્લેં’ પાકિસ્તાનના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન ‘આદમજી પુરસ્કાર’થી ૧૯૬૩માં નવાજાયેલી છે. લેખક પાકિસ્તાની છે. પણ જેમની અર્ધી જિંદગી હિન્દુસ્તાનમાં ગઈ હોય, હિન્દુસ્તાનનાં હવાપાણીથી જેનાં તન-મન પોષાયાં હોય, અહીંની સંસ્કૃતિ, પુરાણકથાઓ જેમના લોહીમાં ભળેલી હોય એવા સર્જકો પૂરી પ્રામાણિકતા અને તટસ્થતાથી લખે ત્યારે એ કયા દેશના છે એ વાત ગૌણ થઈ જવાની.] અબ્દુલ્લા હુસૈનની ‘ઉદાસ નસ્લેં’, કુર્તલૈન હૈદરની ‘આગ કા દરિયા’, રાહી માસૂમ રઝાની ‘આધા ગાઁવ’, ભીષ્મ સાહનીની ‘તમસ’, ઇંતિઝાર હુસૈનની ‘બસ્તી’ વગેરે એવી કૃતિઓ છે જે આપણને વિભાજનનાં કારણોનાં મૂળ સુધી અને વિભાજન પછીની બેઉ દેશની પરિસ્થિતિ સુધી લઈ જાય છે. સમતોલ, સ્વસ્થ દૃષ્ટિકોણથી લખાયેલી આ કૃતિઓમાં કારણ વગર વિભાજનનો ભોગ બનનાર નિર્દોષ, આમ આદમી કેન્દ્રમાં રહ્યો છે. આ સાહિત્યકારોએ માત્ર એ સમયગાળાની બર્બરતાના યથાતથ ચિત્રણ પર ભાર નથી મૂક્યો, એમણે માનવીય સંવેદનાનાં ઊડાણ તાગવાની કોશિશ કરી છે. હેવાનિયત કોઈ એક ધર્મ કે સમુદાયની વિશેષતા નથી, એ માનવમનની સંકુલ એવી સમસ્યા છે, એવું આ કૃતિઓ સમજાવે છે. ‘ઉદાસ નસ્લેં’ને ઉર્દૂની શ્રેષ્ઠ નવલકથા માનવામાં આવે છે. આ બૃહદ્ કૃતિમાં ૧૯૧૩થી લઈને ૧૯૪૭ સુધીના ભારતના રાજકીય, સાંસ્કૃતિક ઉતારચઢાવ સાથે પ્રજાની બદલાતી જતી માનસિકતા આલેખાઈ છે. પ્રજાની મૂંઝવણો, એનું શોષણ, સંઘર્ષનું ચિત્ર તેમાં આલેખાયું છે. ગોખલે, એની બેસન્ટ, જિન્નાહ, ઈકબાલ, મૌલાના શૌકતઅલી જેવા નેતાઓ કૃતિનાં પાત્રો સાથે વાતો કરતા બતાવાયા છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડ, પ્રિન્સ ઓફ વેલ્સનું આગમન તથા સાઈમન કમિશનનો વિરોધ જેવી ઘટનાઓ મુખ્ય પાત્રોની સંડોવણી દ્વારા આલેખાઈ છે. આ મહાનવલને મુખ્ય પાત્ર નઈમ દ્વારા ગૂંથવામાં આવી છે. વિભાજનને વારંવાર નકારતો નઈમ, ‘હું ધરાર દિલ્હી નહીં છોડું’ કહેતા રોશન આગા અને એમના જેવા બીજા ઘણા અંતે કેમ પાકિસ્તાન જનારા કાફલામાં જોડાઈ ગયા? આ ‘કેમ’ પાછળનાં કારણો અને કોઈ મંજિલ વગરની સફરની અનર્થકતા વ્યથિત કરી દે એ રીતે આલેખાયાં છે. અદ્ભુત સર્જક તાટસ્થ્યથી લખાયેલી આ મહાગાથામાં હિન્દુસ્તાનની ધરતીની મીઠી સુગંધ છે. તો સાથે સાથે બે ટુકડામાં વહેંચાઈ જનારા લોકોની વેદના અને આક્રોશ પણ છે. જગતસાહિત્યમાં એવી કેટલીય નવલકથાઓ લખાઈ છે જેમાં બદલાતાં જતાં સામાજિક, આર્થિક, રાજકીય, નૈતિક મૂલ્યોની સમાંતરે યુગપરિવર્તનનું ચિત્ર આલેખાયું હોય. સ્ટાઈનબેકની ‘ગ્રેઇપ્સ ઓફ રોથ’, દોસ્તોએવ્સ્કીની ‘બ્રધર્સ કારામાઝોવ’, ટોલ્સ્ટોયની ‘વોર એન્ડ પીસ’, કુર્તલૈન હૈદરની ‘આગ કા દરિયા’ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’... આ બધી વિશિષ્ટ પ્રકારની નવલકથાઓ છે. ‘ઉદાસ નસ્લેં’નો પણ આમાં જ સમાવેશ કરી શકાય. પ્રજાના અલગ અલગ સમૂહોનાં માનસિક, સામાજિક પરિવર્તનોને લેખકે કલાકારની કલમે આલેખ્યાં છે. ઝીણી ઝીણી વિગતો દ્વારા લેખકે આ સમયગાળાનું, ભયાનક બર્બરતાભર્યું વાતાવરણ મૂર્ત કરી આપ્યું છે. વિભાજનવિષયક ઘણી બધી વાર્તા-નવલકથા જુગુપ્સિત વર્ણનો દ્વારા પણ જે નથી કરી શકી એવો માહોલ આ લેખક ભારે સંયમથી ઊભો કરી શક્યા છે. ભારતની અર્ધી સદીનું વાસ્તવદર્શી ચિત્ર રજૂ કરતી આ નવલકથા માટે કૃષ્ણચંદરે કહ્યું છે: “હિન્દુસ્તાન કી બીસવીં સદી જો સ્વાધીનતાસંઘર્ષ, અકારણ ખૂઁરેજી ઔર આધ્યાત્મિક ઉથલ-પુથલ કી દ્યોતક હૈ, અપની સંપૂર્ણ સુંદરતા ઔર અસુંદરતા, દુ:ખ ઔર સુખ કે સાથ ઇન પૃષ્ઠોં મેં સાઁસ લેતી નઝર આતી હૈ. ‘ઉદાસ નસ્લેં’ ઇસ સ્તર કા ઉપન્યાસ હૈ કિ ઇસે નિ:સંકોચ સંસાર કે શ્રેષ્ઠ ગદ્ય સાહિત્ય મેં સ્થાન દિયા જા સકતા હૈ.” [‘પ્રત્યક્ષ’ ત્રિમાસિક: ૨૦૦૩]