ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લક્ષણા અને લક્ષણાભેદ

From Ekatra Wiki
Revision as of 12:31, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



લક્ષણા અને લક્ષણાભેદ : અભિધા પછી પ્રવર્તિત થતો વ્યાપાર તે લક્ષણા છે. – મુખ્યાર્થમાં બાધ આવવાથી રૂઢિ કે પ્રયોજનને કારણે જે શક્તિ દ્વારા મુખ્યાર્થથી સંબદ્ધ અન્યની પ્રતીતિ થાય તે લક્ષણા છે. મીમાંસકોએ લક્ષણાની ચર્ચા કરી છે પરંતુ મોટે ભાગે તેમણે અભિધાની અંતર્ગત જ ગણી છે. મુકુલ ભટ્ટ તો તેને અભિધાપુચ્છભૂતા કહે છે અને અભિધાને જ એકમાત્ર વૃત્તિ માને છે, અભિધાના સવ્યવધાન = સાન્તરાર્થનિષ્ઠ પ્રકારને લક્ષણા તરીકે ગણ્યો છે. શબર વગેરે પણ अगत्या (लक्षणावृत्ति) आश्रीयते એમ કહે છે એટલેકે નાછૂટકે જ લક્ષણાનો પ્રયોગ કરવો. श्रुतिश्च लक्षणाय ज्यायसी – (શબર) લક્ષણા કરતાં અભિધા વધુ બલવતી છે. લક્ષ્યાર્થ પણ આખરે તો શબ્દાર્થ જ છે; અશબ્દાર્થ નથી. તેમાં વાચ્યાર્થ સાવ છૂટી જતો નથી. મીમાંસકોએ લક્ષણાના ઘણા પ્રકારો આપ્યા છે. શબર ગૌણી અને લક્ષણા બંને શબ્દોને લગભગ પર્યાંયો તરીકે પ્રયુક્ત કરે છે. પાછળથી આલંકારિકોમાં આ બંનેને જુદા પણ માનવામાં આવ્યા છે. ન્યાયમાં પણ ઉપચાર અને અમુખ્યવૃત્તિ નામે લક્ષણાનો સ્વીકાર થયો છે. ઉપચારપ્રયોગ સહચરણ સ્થાન વગેરે દસ સંબંધોને સ્વીકારે છે. તદ્યોગ રૂપે એકબે દૃષ્ટાંતો જોઈએ. यष्टिकां भोजय લાકડીને ખવડાવ એવો નહીં પણ લાકડીવાળા બ્રાહ્મણને ખવડાવ-એવો અહીં સહચરણ તદ્યોગ છે. અને मञ्चाःक्रोशन्ति એમાં સ્થાનનો સંબંધ છે. દંડીમાં ગૌણ વૃત્તિના સીધા અને આડકતરા પ્રયોગો મળે છે. ૧/૯માં गौणवृत्ति व्यापाश्रयम् શબ્દ મળે છે. વળી निष्ठयुत, उद्गीर्ण, वान्त વગેરે શબ્દો ગૌણવૃત્તિનાં અનુસન્ધાનમાં પ્રયુક્ત થતાં રમણીય લાગે છે. (૩/૨૭). વામને તો રીતસર ‘ભક્તિ’ = લક્ષણા, ગૌણાર્થ અને ઉપચારના પ્રયોગો કર્યા છે. દોષમાં પણ તેમણે લક્ષણા દ્વારા ‘જન્મભૂમિ’ શબ્દને દોષરૂપ માન્યો નથી. તેમણે વક્રોક્તિનું લક્ષણ આપતાં साकृश्यालक्षणा वक्रोक्तिः। (૪/૩/૮) એમ કહ્યું છે. ઉદ્ભટ (૧/૧૧)માં રૂપકના લક્ષણમાં અભિધા અને ગુણવૃત્તિ બંનેના ઉલ્લેખો જોવા મળે છે. રુદ્રટમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. કુંતકમાં દ્યોતક, વ્યંજક શબ્દો છે. (૧/૮) પરંતુ તેનો સ્વતંત્ર સ્વીકાર થતો નથી. ભોજ ગૌણીનો સ્વીકાર કરે છે. અલંકારશાસ્ત્રમાં સૌ પ્રથમ મમ્મટે કવિનિર્મિતિના સંદર્ભમાં શુદ્ધ શાસ્ત્રીય સ્વરૂપમાં તેનો વિનિયોગ સ્પષ્ટ કર્યો છે. લાક્ષણિક શબ્દ દ્વારા લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય છે અને તેમાં લક્ષણાવ્યાપાર પ્રવર્તિત થાય છે. મમ્મટ લક્ષણાની સ્વરૂપપ્રક્રિયા માટે નીચે મુજબ કહે છે : ‘कमुखार्थबाधे तद्योगे रूढतोडस्थ प्रयोजनात। / अन्योडर्थो लक्ष्यते यत् सा लक्षणारोपिता क्रिया ।। का.प्र. ૨, ૯. મુખ્યાર્થબાધ, તદ્યોગ અને રૂઢિ તથા પ્રયોજનને લીધે બીજો અર્થ જેના દ્વારા લક્ષિત થાય છે તે લક્ષણા છે અને આરોપિતા ક્રિયા છે. આની વિશેષ સ્પષ્ટતા કરતાં મમ્મટે વૃત્તિમાં જણાવ્યું કે ‘कर्मणि कुशल’ વગેરેમાં દર્ભગ્રહણ વગેરે રૂપ અર્થ બેસતો નથી. તથા ગંગામાં ઘોષ એમાં ગંગા વગેરેનું ઘોષાદિ અધિકરણ = આધારત્વ સંભવતું નથી. આથી મુખ્યાર્થબાધ થાય છે. વિવેચકત્વ, સામીપ્ય વગેરે સંબંધને આધારે રૂઢિ અને તદ્યોગની શરત પૂરી થાય છે. અંતે રૂઢિ દ્વારા એટલેકે પ્રસિદ્ધિના બળે અને પાવનતત્વ વગેરે પ્રયોજનના બળે કુશળ અને તટરૂપી લક્ષ્યાર્થ પ્રતીત થાય છે, મુખ્યાર્થને મુકાબલે એ ગૌણ છે. મુખ્ય વડે અમુખ્ય લક્ષિત થાય છે. જે આરોપિત શબ્દવ્યાપાર છે, – શબ્દ ઉપર આરોપિત થયો છે અને અંતરાયયુક્ત છે, તે લક્ષણા છે. મમ્મટે લક્ષણાને આરોપિતા ક્રિયા કહી. તેને આ રીતે સમજાવી શકાય : ૧, શક્યતાવચ્છેદકરૂપા – એટલેકે જ્યાં જાતિથી વ્યક્તિનો અર્થ સમજાય તે. ૨, શક્યસંબંધરૂપા – એટલેકે શક્યાર્થ (મુખ્યાર્થ)નો સંબંધી એવો અર્થ આવે જેમકે गंगायां घोष :। માં ગંગા અને તટ સામીપ્ય સંબંધથી યુક્ત છે. ૩, વક્તૃતાત્પર્યરૂપા – એટલેકે વક્તાનું કેવળ તાત્પર્ય ગ્રહણ થાય. જેમકે, વિપરીત લક્ષણમાં – તેં બહુ ઉપકાર કર્યા. (ખરેખર તાત્પર્ય ‘અપકાર કર્યા’ એમ છે.) ટૂંકમાં, સાક્ષાત્ સંબંધે લક્ષણા મુખ્યાર્થમાં જ રહેલી છે પણ પરંપરા સંબંધે તે શબ્દમાં રહેલી છે એટલે ‘આરોપિતા ક્રિયા’ કહી છે. હેમચંદ્ર ગૌણી અને લક્ષણાને જુદાં માને છે. ગૌણાર્થ જેનો વિષય બને છે, તે શબ્દ ગૌણ છે અને લક્ષ્યાર્થ જેનો વિષય બને તે લક્ષક છે. ગૌણાર્થનું લક્ષણ લક્ષણા જેવું જ છે. મુખ્યાર્થબાધ વડે નિમિત્ત દ્વારા અને પ્રયોજન હોતાં ભેદ અથવા અભેદથી આરોપિત અર્થ તે ગૌણાર્થ છે. गौर्वाहीकમાં ગુણ ઉપરથી આવતો ગૌણ અર્થ પ્રાપ્ત થાય છે. તેનો વિષય એવો શબ્દ પણ ઉપચારથી ‘ગૌણ’ કહેવાય છે. ભેદથી જેમાં આરોપ થાય તે રૂપકાલંકારનું બીજ છે, જ્યારે અભેદથી આરોપ થાય તે અતિશયોક્તિનું બીજ છે. મુખ્યાર્થની સાથે સંબદ્ધ અર્થને તેની સાથેના તાદાત્મ્યને લીધે લક્ષિત કરાય તે થયો લક્ષ્યાર્થ. જયદેવે ત્રણેય શક્તિઓને ગંગાના ત્રણ પ્રવાહ સાથે સાંકળી છે. લક્ષણા કુટિલ પ્રવાહા છે. જયદેવ પ્રમાણે મુખ્યાર્થની વિવક્ષા ન હોઈ, રૂઢિથી અથવા પ્રયોજનથી સંબદ્ધ કહેતી તે અનુક્રમે પૂર્વા અને અર્વાચી એણ બે પ્રકારની લક્ષણા છે. આમ જયદેવે નવી વિગત ઉપસાવી છે. મુખ્યાર્થની વિવક્ષા ન હોય ત્યારે પણ લક્ષણા સંભવે છે. મુખ્યાર્થબાધ એક જ માત્ર લક્ષણાનું નિમિત્ત છે એ બરાબર નથી. ધ્વનિના અર્થાન્તરસંક્રામિતવાચ્ય જેવા પ્રકારોમાં મુખ્યાર્થબાધ હોતો નથી પણ મુખ્યાર્થની વિવક્ષા જ હોતી નથી, વાચ્ય અવિવક્ષિત હોય છે. આમ મીમાંસકોની જેમ જયદેવ પણ ‘તાત્પર્યાનુપપત્તિ’ને જ લક્ષણાનું બીજ માનતા જણાય છે. તાત્પર્યજ્ઞાનની હેતુતા શાબ્દબોધ માત્રમાં નથી, લાક્ષણિક શાબ્દબોધમાં જ છે. વિદ્યાધર પ્રમાણે મુખ્યાર્થ ઉત્પન્ન ન જણાતાં તદ્યોગ અને રૂઢિ કે ફળને આધારે જે બીજો અર્થ લક્ષિત થાય છે તેમાં લક્ષણા રહેલી છે, બાકી બધું મમ્મટ પ્રમાણે છે. વિદ્યાનાથ પણ આરોપિત થતા શબ્દવ્યાપારને લક્ષણા કહે છે. વિશ્વનાથે મમ્મટના લક્ષણમાં જે ત્રુટિ હતી તે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના મતે મુખ્યાર્થનો બાધ થતાં તેનાથી સંબંધ એવો બીજો અર્થ જેનાથી રૂઢિ અથવા પ્રયોજનને બળે પ્રતીત થાય છે તે શબ્દને વિષે અર્પિત થયેલ એવી લક્ષણા શક્તિ છે. વિશ્વનાથ જણાવે છે કે ‘મુખ્યાર્થ બાધ એ લક્ષણાની પૂર્વશરત છે, મુખ્યાર્થ બાદ એટલે ૧, કાં તો વાક્યનો અન્વય જ ન બેસે જેમકે, કલિંગ સાહસિક છે અથવા ૨, તાત્પર્યની અનુપપત્તિ થાય જેમકે ‘કાગડાઓથી દહીં રક્ષાય’! વિશ્વનાથે ખૂબ સૂઝપૂર્વક લક્ષણાના નિમિત્તમાં મુખ્યાર્થબાધ અને તાત્પર્યની અનુપપત્તિને સમાવ્યાં છે. બંને આવશ્યક છે. गंगायां घोष : જેવા ઉદાહરણમાં અન્વય બેસતો નથી. અને શૈત્યાદિના કથનરૂપ તાત્પર્ય પણ છે. અહીં તાત્પર્ય ન માનીએ તો ‘ઘોષ’ વગેરે પદમાં ‘મત્સ્ય’ વગેરેની લક્ષણા માનવામાં શો વાંધો? તેમ કરવાથી શૌચાદિ પ્રયોજન સિદ્ધ નહીં થાય. વળી મુખ્યાર્થબાધ ન સ્વીકારાય તો राजत्युमावल्लभः જેવાં ઉદાહરણમાં વ્યંજનાગમ્ય અર્થમાં પણ લક્ષણાના લક્ષણની અતિવ્યાપ્તિ થશે. તદ્યોગની શરત ન સ્વીકારાય તો गंगायां घोषःમાં ‘गंगा’ પદ વડે યમુનાતટ પણ લક્ષિત થવા માંડશે. આમ લક્ષણાની અતિવ્યાપ્તિ દૂર કરવા વિશ્વનાથે तद्युक्तः પદ લક્ષણમાં મૂક્યું છે. અપ્પયદીક્ષિત ‘વૃત્તિવાર્તિક’માં લક્ષણાનું લક્ષણ બાધતાં ‘મુખ્યાર્થ સાથેના સંબંધ વડે શબ્દની અર્થપ્રતિપાદકતાને લક્ષણા કહે છે’ એમ નોંધે છે. ગૌણીને તેઓ લક્ષણાના ભેદ રૂપે જ સ્વીકારે છે. જગન્નાથ લક્ષણામૂલક ધ્વનિના આધારરૂપ લક્ષણાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં शक्यसंबंधो लक्षणा। पृ. ૧૦૫) એવું લક્ષણ આપે છે. આમ મુખ્યાર્થનો બીજા અર્થ સાથેનો સંબંધ તે લક્ષણા. જગન્નાથ ઝીણું કાંતે છે અને લક્ષણાવ્યાપાર દ્વારા પ્રાપ્ત થતા અર્થની ઉપસ્થિતિનાં સાચાં કારણોની નોંધ લે છે. ૧, વાક્યમાં રહેલા પદાર્થોનો પરસ્પરનો અન્વય વક્તાના તાત્પર્યનો વિષય છે. આવા અન્વયમાં મુખ્યાર્થ મુખ્યાર્થતાવચ્છેદક ધર્મથી યુક્ત હોય એ રીતે (પોતાના મૂળ વાચ્યાર્થથી યુક્ત હોય એ રીતે) જણાતો નથી. ૨, રૂઢિ અથવા પ્રયોજન બેમાંથી એકનું હોવું – काकेभ्यो दधि रक्ष्यताम्। અહીં ‘काक’ શબ્દ દ્વારા દહીં ઉપર નજર માંડીને બેઠેલાં બધાં જ પ્રાણીઓ એવા અર્થમાં લક્ષણા કરવી પડે છે, જેનાથી દહીંનું રક્ષણ કરવાનું છે. તદ્વિષયક લક્ષ્યાર્થમાં મુખ્યાર્થ ‘કાક’નો સમાવેશ થાય છે કે નથી થતો એ પ્રશ્ન છે. નથી થતો એમ ન કહેવાય નહીં તો કાગડો દહીં ખાઈ જશે,આમ લક્ષ્યાર્થ સાથે સહાયક અન્વય કરવો જોઈએ. લક્ષણાના બે ભેદો છે : ઉપાદાન લક્ષણા અને લક્ષણલક્ષણા. આ લક્ષણાઓ અનુક્રમે અજહલ્લક્ષણા કે અજહત્સ્વાર્થાલક્ષણા અને જહલ્લક્ષણા કે જહત્સ્વાર્થાલક્ષણા તરીકે પણ ઓળખાય છે. આ બંને શુદ્ધાના ભેદ છે. સ્વ અર્થની ઉત્પત્તિ માટે જ્યારે શબ્દ વડે બીજા પદના અર્થને આક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે ઉપાદાનલક્ષણા બને છે. જેમકે, કુન્તા : प्रविशन्तिः અહીં કુન્તધારી પુરુષો રૂપી અર્થ આક્ષિપ્ત થતાં સ્વ અર્થ સિદ્ધ થાય છે. જ્યારે બીજા અર્થને માટે પોતાના અર્થને છોડી દેવામાં આવે છે ત્યારે લક્ષણલક્ષણા બને છે. જેમકે, ગંગામાં घोष : અહીં ગંગા શબ્દતટને સમર્પિત થઈ જાય છે. લક્ષણલક્ષણાના પ્રકાર તરીકે વિપરીત લક્ષણા છે. જેમાં સંદર્ભગત રીતે ઉચ્ચારાયેલા શબ્દો અનુચિત લાગતાં એનાથી તદ્દન ઊલટો અર્થ-વિપરીત અર્થ ગ્રહણ કરવો પડે છે. અને મુખ્યાર્થનો સંપૂર્ણ પરિહાર થાય છે. કોઈ વ્યક્તિ ભયથી ભાગીને આવી હોય અને કહીએ કે વાહ! બહાદુર! તો અહીં ‘બહાદુર’નો અર્થ ‘કાયર’ લેવો પડે છે. અન્ય બે પ્રકારોમાં આરોપા અને સાધ્યવસાનિકાનો સમાવેશ થાય છે. જેમાં, વિષય અને વિષયી બન્નેનો ઉલ્લેખ હોય તે થઈ સારોપા જેમકે, गौर्वाहीक : વાહીક બળદ છે. અહીં આરોપ્યમાણ ગૌ અને આરોપની વિષયભૂત વિગત=વાહીક બંનેનો સામાનાધિકરણ્યથી સ્પષ્ટ નિર્દેશ થયો છે. પરંતુ જ્યાં વિષયી દ્વારા અન્યનો એટલેકે આરોપભૂત વિગતનો અંતર્ભાવ થઈ જાય તે થઈ સાધ્યવસાના લક્ષણા. જેમકે, गौरेवायम्। આ બળદ જ છે. આ થયો સાદૃશ્યસંબંધ, આના બે અન્ય ભેદો સાદૃશ્યેતર સંબંધમાં પણ સંભવે છે, જેમકે आयर्धृतम् અને आयुरेवेदम्... વગેરેમાં. આ ગૌણી લક્ષણાના ભેદોમાં ભેદ હોવા છતાં તાદ્રૂપ્યની પ્રતીતિ જે લક્ષણાગ્રાહ્ય બને છે તેમાં તે બે વિગતો વચ્ચે સર્વથા અભેદ દર્શાવવારૂપી પ્રયોજન રહેલું છે, ત્યારે શુદ્ધાલક્ષણાના પ્રકારોમાં અન્ય સાથેના વૈલક્ષણ્યથી અને અવ્યભિચારથી કાર્યકારિત્વ વગેરે જણાય છે. મમ્મટે મુકુલ ભટ્ટે આપેલા गौरनुबन्ध्य : એ લક્ષણાના ઉદાહરણનું ખંડન કર્યું છે. મુકુલ ભટ્ટના મત પ્રમાણે જાતિથી જે વ્યક્તિનો અર્થ આવે છે તે લક્ષણા દ્વારા આવે છે પરંતુ જાતિ દ્વારા વ્યક્તિનો આક્ષેપ થાય છે. કારણ જાતિ અને વ્યક્તિ વચ્ચે અવિનાભાવસંબંધ છે. વિશેષણ-જાતિમાં જ ક્ષીણ થઈ ગયેલી અભિધાશક્તિ વ્યક્તિરૂપ વિશેષ્ય સુધી જતી નથી. માટે અહીં તો આક્ષેપ એટલે અનુમાન જે અવિનાભાવ પર આધારિત છે, તેને લીધે गौ શબ્દથી गो વ્યક્તિનો અર્થ આપણને મળે છે. એ જ રીતે ‘पीनो देवदत्तो दिवा न मुङ्कते’ એમાં પણ મુકુલ ભટ્ટે રાત્રિભોજનરૂપ અર્થ લક્ષણાથી માન્યો છે. તે પણ બરાબર નથી કારણ કે તે અર્થાપત્તિ છે. દિવસે ન ખાનારો દેવદત્ત પુષ્ટ હોય તો તે રાત્રિભોજનનું જ પરિણામ હોઈ શકે. આમ રાત્રિભોજનરૂપ અર્થ શ્રુતાર્થાપત્તિથી આવે છે. ‘રાત્રે ખાય છે’ એ શબ્દની કલ્પના કરવામાં આવે છે. ટૂંકમાં અહીં અભિધા પોતે જ પોતાના નિર્વાહ માટે અર્થ ખેંચી લાવે છે. આમ લક્ષણાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મુકુલ ભટ્ટ પ્રમાણે શુદ્ધાલક્ષણા તટસ્થમાં થાય છે. गङ्गाया घोष!માં તટની પ્રતીતિ ગંગારૂપે થતી નથી પણ તટસ્થ રૂપે – ભિન્ન રૂપે થાય છે. એટલેકે શુદ્ધાલક્ષણામાં લક્ષ્ય અને લક્ષક બંને એકબીજાથી તટસ્થ ઉદાસીન રહે છે. પરંતુ મમ્મટે એમના આ મતનું પણ ખંડન કર્યું છે, કારણ કે શુદ્ધ લક્ષણામાં પણ ભેદલોપ તો અનિવાર્ય છે. ‘ગંગા’ શબ્દ દ્વારા શીતત્વ અને પાવનત્વરૂપ પ્રયોજન સિદ્ધ થાય છે. ગંગાના આ ધર્મો તટમાં પણ આવી જ જાય છે, આથી તાટસ્થ્યને ભેદસૂચક માની શકાય નહીં. માટે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થમાં અભેદ માનવો અનિવાર્ય છે. અને અભેદ માનવાથી જ કુન્તના ધર્મોથી કુન્તધારીઓ અને ગંગાના ધર્મો થી ગંગાતટ યુક્ત થઈ શકે છે. લક્ષણાના તદ્યોગ માટે કુલ પાંચ પ્રકારના સંબંધો છે. જેમકે, તાદૃર્થ્યમાં इन्दार्था स्थूणा इन्द्र : સ્વસ્વામિભાવ સંબંધમાં राजकीय पुरुषः - राजा : અવયવાવયતિભાવ સંબંધમાં अग्रहस्त : તાત્કર્મ્ય સંબંધમાં अतक्षातक्षा – મમ્મટના ટીકાકારો આ અંગે ભર્તૃમિત્રની अभिधेयेन વગેરે કારિકા ઉદ્ધરે છે. આમ કુલ ૬ પ્રકારની લક્ષણા છે. લક્ષણા વ્યંગ્ય વગરની હોય તો રૂઢિગત મનાય છે; અને વ્યંગ્યયુક્ત હોય તો પ્રયોજનવતી મનાય છે. લક્ષણાનું પ્રયોજન વ્યંજનાવ્યાપારથી જ પાર પડે છે. તે ગૂઢ અથવા અગૂઢ હોઈ શકે છે. આમ પ્રયોજનનાં અનુસન્ધાનમાં લક્ષણા ત્રિવિધ છે. અવ્યંગ્યા, ગૂઢ વ્યંગ્યા અને અગૂઢ વ્યંગ્યા. હેમચંદ્રે ગૌણીને અલગ માનીને શબ્દશક્તિના જ ભેદો કલ્પ્યા છે. ગૌણીના ઉદાહરણ તરીકે તેમણે गौर्वाहीकः વગેરે આપ્યા છે, અહીં મુખ્યાર્થ જેમકે સાસ્નાદિમત હોવું વગેરે છે જેનો પ્રત્યક્ષાદિપ્રમાણથી બાધ થાય છે. અને ગુણને (જાડ્યમાંદ્ય વગેરે) આધારે આવતો હોવાથી ‘ગૌણ’ કહેવાય છે. ભેદથી આરોપ એ રૂપકાલંકારનું બીજ છે, અભેદથી આરોપ અતિશયોક્તિનું બીજ છે. અન્ય ચર્ચા મમ્મટાનુસારી છે. જયદેવ પૂર્વા અને અર્વાચી એવા બે લક્ષણાભેદો આપે છે, જે અનુક્રમે રૂઢિમૂલા અને પ્રયોજનવતીનાં જ નામાન્તર છે. ચંદ્રાલોક ૯/૨માં જયદેવ બીજા લક્ષણાભેદો નોંધે છે. લક્ષિતાર્થવાચી પદની સાથે પોતાના અર્થનું બોધક પદ પણ હોય કે ન હોય તેને આધારે લક્ષણા બે પ્રકારની બને છે અને વળી સિદ્ધ, સાધ્ય તથા સાધ્યાંગભેદે તેના ત્રણ પ્રકારો થાય છે. આમ દરેકના ત્રણ ભેદો થતાં કુલ ૧૨ પ્રકારની લક્ષણા થાય છે. વળી જયદેવ પ્રમાણે પ્રયોજન સ્ફુટ અને અસ્ફુટ એમ દ્વિવિધ હોઈ શકે, તેથી અગૂઢવ્યંગ્યા અને ગૂઢવ્યંગ્યા એવા બે ભેદો સંભવે છે. આમાં સ્ફુટ પ્રયોજન તટસ્થ અને અર્થગત ભેદે દ્વિવિધ હોવાથી તદનુસાર અગૂઢવ્યંગ્યા અને ગૂઢવ્યંગ્યા એવા ભેદો પ્રાપ્ત થાય છે. વળી અર્થગત સ્ફુટ કે અસ્ફુટ વ્યંગ્ય પણ લક્ષ્ય કે લક્ષકનિષ્ઠ હોતાં બે પ્રકારનું થાય છે તેથી પ્રયોજનવતી લક્ષણાના કુલ ૩૬ ભેદો પ્રાપ્ત થાય છે. વિદ્યાધર લક્ષણલક્ષણા અને ઉપાદાનલક્ષણા માટે જહત્સ્વાર્થા અને અજહત્સ્વાર્થા એવાં નામ પ્રયોજે છે. જે પાછળથી વધારે સ્વીકાર્ય બન્યાં છે. વિદ્યાઘર વિપરીતલક્ષણાને વ્યાજસ્તુતિના મૂળ રૂપે તથા અજહત્સ્વાર્થાને સમાસોક્તિના મૂળ રૂપે કલ્પે છે. આ બન્નેથી થતો મિશ્રપ્રકાર પણ આપ્યો છે. સારોપાગૌણી અને સાધ્યવસાનાગૌણી મમ્મટે પાડેલા પ્રકારો જેવા જ છે. આમ વિદ્યાધર સાત પ્રકાર આપે છે; પછી જણાવે છે કે મુખ્ય ત્રણ પ્રકારના સંકર અને એક પ્રકારની સંસૃષ્ટિથી ૨૮ પ્રકારો પ્રાપ્ત થાય છે. એમાં સાત શુદ્ધ ભેદ ઉમેરાતાં કુલ ૩૫ ભેદો પ્રાપ્ત થાય છે. વિદ્યાધર મુખ્યત્વે મમ્મટને અનુસરે છે. વિશ્વનાથનો લક્ષણાભેદવિચાર ખૂબ જ વિસ્તૃત છે. વિશ્વનાથે લક્ષણાના ૮૦ પ્રકારો આપ્યા છે. જગન્નાથ-જગન્નાથે પણ ખાસ્સા પ્રકાર અને પેટાપ્રકાર પાડ્યા છે. લક્ષણાના નિરૂઢા અને પ્રયોજનવતી એમ બે ભેદો છે. વળી ગૌણીલક્ષણા સારોપા અને સાધ્યવસાના એમ બે પ્રકારની છે. શુદ્ધા જહત્સ્વાર્થા અને અજહત્સ્વાર્થા તથા સારોપા અને સાધ્યવસાના એમ ચાર પ્રકારની છે. તેથી પ્રયોજનવતી લક્ષણા છ પ્રકારની છે એવું જગન્નાથ સ્વીકારે છે. આમ ધ્વનિવાદી આલંકારિકોએ લક્ષણા-નિરૂપણનો જે અભિગમ સ્વીકારેલો છે તે મમ્મટથી માંડીને લગભગ એકરૂપ રહ્યો છે. હેમચંદ્રે ગૌણીને સ્વતંત્રવૃત્તિ તરીકે સ્વીકારી છે પરંતુ પાછળથી તેનો અંગીકાર થયો નથી. જયદેવ, વિદ્યાધર વગેરેમાં પ્રકારોમાં નામભેદ જોવા મળે છે. બાકી સ્વરૂપ ‘કાવ્યપ્રકાશ’ જેવું છે, અલબત્ત, વિદ્યાધર ૬ને બદલે ૭ પ્રકારો યોજે છે. વિશ્વનાથ ૮૦ પ્રકારો આપીને લક્ષણાના ભેદોપભેદને ચરમ સીમા પર લાવી દે છે. આ વર્ગીકરણ માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ મહત્ત્વનું નથી પણ પ્રકારોના વૈવિધ્ય અને વિલક્ષણતાને સૂચવનારું છે. અપ્પયદીક્ષિત અને જગન્નાથમાં આ સઘળું સૂક્ષ્મતાના ઘેરા રંગે રંગાયેલું છે. પા.માં.