સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામીનાથન અંકલેસરીઆ ઐયર/એ સ્વર્ગમાં...!
સ્વતંત્રતામાં જેને પણ રસ હોય તે મનુષ્યને એ વાતની ચિંતા થશે કે, સંસદના કેટલાક સભ્યોએ અરુણ શૌરીના નવા પુસ્તક ‘વર્શિપિંગ ફોલ્સ ગોડ્ઝ’ (ખોટા દેવની પૂજા)ની હમણાં હોળી કરી. તેઓ કહે છે કે એ લેખકે હકીકતોને મારીમચડી છે, ડૉ. આંબેડકરને રાષ્ટ્રવિરોધી દેખાડવા માટે એમનાં ખોટાં અવતરણો ટાંક્યાં છે, તથા દલિતોની સામે પૂર્વગ્રહ અને હિંસાની ઉશ્કેરણી કરી છે. એટલા માટે એ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી એમણે કરી છે.
પોતાનાથી જુદા મતનો આપણે આદર કરીએ, તેમાં સંસ્કૃતિની પ્રગતિ રહેલી છે. કોઈ અભ્યાસી સાથે આપણે સંમત ન થતા હોઈએ, તો એનાં પુસ્તકો બાળવા કે પ્રતિબંધિત કરવાને બદલે એની દલીલો સામે દલીલ કરીએ અને લોકોને ખાતરી કરાવીએ કે એની વાત ખોટી છે. વિચાર-સ્વાતંત્ર્યનો પાયો ફ્રાંસના વોલ્તેર જેવા મહાન ચિંતકોએ નાખેલો; એમણે કહેલું કે, “તમે જે કહો છો તે હું નાપસંદ કરું છું, પરંતુ તે કહેવાના તમારા હકનું હું જાનના જોખમે પણ રક્ષણ કરીશ.”
કોઈ પણ પુસ્તકમાં ખોટી કે ગેરવાજબી બાબતો લખેલી છે એવું આપણને લાગે, તો આપણે લેખકની દલીલો ને હકીકતોનું ખંડન કરીને લોકોને આપણા મતની તરફેણમાં જીતી લેવા જોઈએ. ખરેખર તો, ઇતિહાસ આપણને શીખવે છે કે એક જમાનામાં ખોટા ગણાયેલા વિચારો તે પછીના યુગમાં સર્વમાન્ય શાણપણ ઠરી શકે છે.
આ સંસદ-સભ્યો એમ કહે છે કે શૌરીના પુસ્તકથી દલિતોની લાગણી દુભાઈ છે. પરંતુ નીચલા વર્ણના બધા ભારતવાસીઓની લાગણી શું ‘મનુસ્મૃતિ’થી નથી દુભાતી? ખ્રિસ્તી ન હોય તે સહુ નરકમાં જશે, એવું કહીને ‘બાઇબલ’ શું એવા અનેકાનેક લોકોની લાગણી દૂભવતું નથી? ‘કુરાન’માં જેમને ‘કાફર’ કહેવામાં આવ્યા છે, તે બધાની લાગણી શું તેનાથી દુભાતી નથી? તો આ બધાં પુસ્તકો પર પ્રતિબંધ લાદવો, એ શું તેનો ઉકેલ છે?
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ એવા વિશાળ દિલના હતા કે વોલ્તેર એમને માટે મગરૂર બન્યા હોત. આજે જે સંકુચિતતા દેશમાં ફેલાઈ રહી છે, તેનાથી એવા આગેવાનો ધ્રૂજી ઊઠ્યા હોત. હું ધારું છું કે આંબેડકરને પણ એવું જ થાત. અરુણ શૌરીએ જે ટીકા કરી છે તે નવી નથી, અને આંબેડકર હયાત હતા ત્યારે પણ એ વ્યક્ત કરવામાં આવેલી. પણ આજે એમને નામે બોલતા લોકોના કરતાં તેનો બિલકુલ જુદો ને સંસ્કારી પ્રતિભાવ ત્યારે આંબેડકરે પોતે જ આપેલો હતો.
શૌરીના પુસ્તકવાળો આ બનાવ કાંઈ અપવાદરૂપ નથી. સ્વતંત્રતાનાં બળો ઉપર સંકુચિતતાની શક્તિઓ ધીમેધીમે સરસાઈ મેળવતી જાય છે, એવું બતાવતા બનાવોની હારમાળામાંનો તે એક વધુ કિસ્સો છે. સલમાન રશ્દીની મહાન સાહિત્યકૃતિ ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ (મધરાતનાં સંતાનો) પરથી ‘બીબીસી’ને ભારતમાં ફિલ્મ ઉતારતી અટકાવવાનો નિર્ણય સરકારે અગાઉ કરેલો. શા માટે? કારણ કે સત્તાસ્થાને બેઠેલા કોઈકને એમ લાગ્યું હશે કે અમુક કોમની લાગણી તેનાથી કદાચ દુભાઈ જશે.
નિર્માતા મણિરત્નમે ૧૯૯૨-૯૩માં કોમી રમખાણોનો ચિતાર આપતી ફિલ્મ ‘બોમ્બે’ બનાવેલી. એવી કોઈ ખાસ સારી ફિલ્મ તો એ હતી નહિ, પણ કોમી હિંસાનો કાંઈક ઉકેલ બતાવવાનો (ભલે અપ્રતીતિકર) પ્રયત્ન તેણે કરેલો. તેમ છતાં કેટલાક કોમવાદી મુસલમાનોએ (સમસ્ત મુસ્લિમ કોમે બિલકુલ નહિ) તેની સામે દેકારો મચાવ્યો, અને દેશનાં કેટલાંક રાજ્યોમાં તેની પર પ્રતિબંધ મુકાયો. એથીયે વધુ ખરાબ તો એ થયું કે મણિરત્નમની ઉપર બૉંબ ફેંકવામાં આવ્યો.
આ જાતનું વલણ ચાલુ જ રહ્યું છે. વધતી જતી અસહિષ્ણુતાના એવા પ્રવાહમાં આપણે ફંગોળાઈ રહ્યા છીએ કે હવે દરેક લેખકને, ફિલ્મ-નિર્માતાને કે વિચારકને પીઠ પાછળથી ઘા થવાની દહેશત રહ્યા કરે છે. આવું શા માટે?
એનાં ઘણાં કારણો છે, પણ એક મહત્ત્વનું કારણ એ છે કે રાજકારણમાં જૂથવાદ વધતો જાય છે. દેશ આઝાદ થયો ત્યારે વિવિધ રાજકીય પક્ષો વચ્ચે મતભેદો તો હતા, પણ તે વિચારોના ને સિદ્ધાંતોના હતા. કઈ નીતિ સાચી છે કે ખોટી છે, તેની ચર્ચા ત્યારે ચાલતી.
આજે રાજકારણ મુખ્યત્વે જૂથબંધી પર આધારિત બન્યું છે. માણસ કયા વિચારો ધરાવે છે તેના ઉપર નહિ, પણ કઈ કોમ, કયા ધર્મ કે પ્રદેશનો એ પ્રતિનિધિ છે તેના ઉપર ચૂંટણીઓ મુખ્યત્વે લડાય છે. ઉમેદવાર અમુક કોમનો હોય તો અમુક મતવિસ્તારમાંથી એ ચૂંટાઈ જવાનો ઘણો સંભવ રહે છે — પછી તે ભલે ગમે તેટલો સિદ્ધાંતવિહોણો, ભ્રષ્ટ કે કુકર્મી હોય.
આવું જૂથબંધી રાજકારણ માણસના સ્વાતંત્ર્યનો ઉચ્છેદ કરે છે. પોતાના જૂથના હેતુઓ પાર પાડવા માટે ચાહે તેવાં સાધનોના ઉપયોગને તે વાજબી ઠરાવે છે. ઇતિહાસ આપણને દેખાડે છે કે દમન, સામૂહિક હત્યા, તાનાશાહી અને કાપાકાપીના મૂળમાં જૂથબંધી રાજકારણ રહેલું હોય છે. દુર્ભાગ્યે, આપણે એ જ દિશામાં જઈ રહ્યા હોઈએ એવું લાગે છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એમના સ્વપ્નના ભારતનું એક ભવ્ય દર્શન કરેલું હતું : ‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે...’
એ આદર્શો આજે ક્યાં છે? નેહરુ અને ગાંધીની નિષ્ઠા તેમાં રહેલી હશે, પણ આજના રાજકારણીઓએ તો એક નવી, ભીષણ વાસ્તવિકતા સરજી છે :
ચિત્ત જ્યાં મત-ભંડારોને માઠું લગાડવાના ભયથી ભરેલું છે,
અને શિર જ્યાં શાણપણથી નીચે નમાવેલું છે;
જ્ઞાન જ્યાં સ્વયંસ્થાપિત જમાદારોની ચકાસણી પછી જ મુક્ત છે;
કોમ-કોમના, ધર્મના, પ્રદેશોના વાડાઓએ જ્યાં
વસુધાના નાનાનાના ટુકડા કરી મૂકેલા છે;
વાણી જ્યાં રાજકીય તકવાદના ઊંડાણમાંથી વહે છે;
પોતાની ટીકા થાય તો હિંસા આચરવાની ધમકી આપતી
દરેક ટોળકીને રીઝવવાના ભેંકાર રણવિસ્તારમાં
વિચારનું સ્વચ્છ ઝરણું જ્યાં રૂંધાઈ ગયું છે;
ત્યાં, સ્વાતંત્ર્ય-વિહોણા એ સ્વર્ગમાં —
આઝાદીનાં પચાસ વરસ પછી, મારો દેશ જાગી ઊઠ્યો છે.